અહેસાન જાફરીની શાયરી: ઉજળા હુઆ ગાંધી કા ચમન...

18 Feb, 2018
07:01 AM

PC:

28મી ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદની ગૂલમર્ગ સોસાયટીમાં એક 73 વર્ષના વૃધ્ધને ટોળાએ જીવતા બાળી મૂક્યા હતા. એ વૃધ્ધ આમ તો રાજકારણી હતા. સાંસદ હતા પરંતુ એમની ભીતરમાં એક કવિ-શાયર પણ ધબકતો હતો. એ વૃધ્ધનું નામ છે અહેસાન જાફરી. આ 28મીએ અહેસાન જાફરીના ઈન્તેકાલને પૂરા પંદર વર્ષ થશે ત્યારે અહેસાન જાફરીની સંવેદનાથી ભરપૂર શાયરી તેમના ગઝલ સંગ્રહ કંદીલમાં મુદ્રીત થયેલી છે.

માના કે ઉસને દીયા હમે રુત્બ-એ-આલી

જન્નત સે નિકાલે ભી તો ઈન્સાન ગયે હૈ

અહેસાન જાફરીનો જન્મ સાહિત્યિક કુટુંબમાં થયો. તેઓ મૂળ મધ્યપ્રદેશના બુરાહાનપુરના હતા. કેટલાક વિપરીત સંજોગોના કારણે તેમને 1929માં અમદાવાદ આવવું પડ્યું.  અમદાવાદના ચમનપુરમાં ડોક્ટર ગાંધીની ચાલમાં રહ્યા. પિતા અલ્લાહ બખ્શ જાફરીની ડિસપેન્સરી હતી. અમદાવાદમાં સ્કુલ અને ગ્રેજ્યુએશન હાંસલ કર્યા બાદ નોકરી કરી, પરંતુ બહુ જ ટૂંકા સમયમાં તેમણે વકીલાત શરૂ કરી દીધી, વકીલાતની સાથો સાથે તેમણે પોતાના દિલને ઉર્દુ સાહિત્ય તરફ વાળી લીધું હતું. તેમને બાળપણથી જ શાયરી તરફ ખાસ્સો લગાવ હતો. શાયરીનો શોખ વધ્યો અને તેમણે પોતાની જાતને શ્રમિક સંગઠન તરફ વાળી. આંદોલનાત્મક કાર્યક્રમો આપતા રહ્યા જેથી કરીને અનેક વખત જેલમાં પણ જવું પડ્યું. 

જીને કે લીએ ઉન કા તસવ્વુર હી બહોત હૈ

બે-આસ હમે જી કે દિખાઓ તો બને બાત

આમ તો અમદાવાદમાં વારીસ હુસૈન અલવી, અમીન કુરૈશી, મહોમ્મદ અલવી, અઝીઝ કાદરી, મઝહરૂલ હક અલવી, રૂસ્તમ ખાન શબાબે ઉર્દુ ગઝલ માટે સંસ્થા સ્થાપી તેમાં અહેસાન જાફરી પણ  જોડાયા. કોમી રમખાણોનો ભોગ જાફરી પરિવાર બનતો રહ્યો હતો. 1969માં અમદાવાદમાં થયેલા ભારે કોમી તોફાનો દરમિયાન પણ તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું અને શરણાર્થી કેમ્પમાં રહેવું પડ્યું હતું. 1970માં ઈન્દીરા ગાંધીએ ગરીબી હટાવનો નારો આપતા અહેસાન જાફરી કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર બાદ તેમણે 1977માં અમદાવાદથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી ગયા.

ખંજર સે નિકલે, ન સિકંદર સે નિકલે

ભાગતી સડકોં પે ખંજર નિકલે

યું મસીહાઓં કે દર થે હર-સુ,

દી જો દસ્તક તો સિતમગર નિકલે

અહેસાન જાફરી એક અચ્છા શાયર હતા તે બહુ ઓછા લોકો જાણતા હશે. શાયર કરતાં પણ તેઓ શાયરીના સેવક બનીને વધારે રહ્યા. પોતાના કલામો જાતે ઓછા વાંચ્યા પણ સાથીઓ અને અન્ય શાયરો પાસે વંચાવ્યા જરૂર હતા. તે સમયે સોશિયલ મીડિયા જેવું કોઈ પ્લેટફોર્મ ન હતું કે ચાલો કોઈ બોલાવતું નથી તો ગઝલને સોશિયલ મીડિયા પર પોસ્ટને થોડી ઘણી વાહ-વાહી તો મેળવી લઈએ.

આમ તો ભૂતકાળમાં તેમના ઘરને બે વખત આગ ચાંપવામાં આવી હતી અને એ આગમાં અહેસાન જાફરીની ગઝલો બળી ગઈ. કંદીલમાં એ ગઝલો છે જે હાથવગી થઈ શકી હતી.

હુસ્ને ફર્દા સે ઝમાને કો ઉતારા જાયે

ઈબ્ને આદમ કો સિતારોં સે સજાયા જાયે

હક કી કશ્તી કો હૈ દરકાર લહુ કા દરિયા,

ઈબ્ને હૈદર કો મૈદાં મેં ઉતારા જાયે

અમદાવાદમાં ઉર્દુ શાયરી પરવાન ચઢી તો એમાં નાના-નાના શાયરોનું યોગદાન ભૂલી શકાય એમ નથી. અહેસાન જાફરીએ આ શાયરોની સાથે ગોષ્ઢીઓ કરી અને શાયરીનો વિસ્તાર કર્યો. અહેસાન જાફરીનું નામ નામાંકિત શાયરોમાં નથી લેવાતું પણ કેટલાક શબ્દો શાયરને પોતાની ઓળખ આપી જાય છે અને તેવું જ અહેસાન જાફરીની શાયરી માટે પણ બન્યું. તેમની શાયરીમાં રાજકીય પ્રતિબિંબની વધુ ઝલક જોવા મળે છે.  તેઓ એક સામાન્ય માણસની જેમ જીવન ગાળતા હતા. ગમે તેવા જોખમને ખેડી લેવામાં માનતા હતા.  એટલે જ તેઓ એક શેરમાં કહે છે કે...

હર સિતમ ઝાલીમ કા હમ સેહતે રહે

બાત થી કહેને કી જો હમ કેહતે રહે

અપની કિમત કા લગા લો અંદાઝ

હાકીમે વક્ત સે સૌદા હોગા

જાફરીના આ શેરમાં આપણને સીધી રીતે પોલિટીકલ ટચ જોવા મળે છે. સામ્રાજ્યવાદી શક્તિઓ વિરુધ્ધ એક પ્રતિકારકતા નજરે પડે છે. આ એ સમયગાળો હતો કે જ્યારે મજુરોની ચળવળ ચરમ પર હતી. રોજબરોજ કોઈને કોઈ પ્રદર્શનો થતા રહેતા હતા. મીલોના ગેટ પર ભાષણો થતા. નારાઓની ભરમાર હતી.

સર કશી કી ઈસ સદા મે ઝીંદગી કા રાઝ હૈ

ખામશી લિખી નહી ઈન્સાન કી તાઅમીર મે

આ શેર તેમણે વડોદરા જેલમાં લખ્યો હતો. વર્ષ હતું 1949નું. આંદોલન કરતી વેળા પોલીસે પકડીને અહેસાન જાફરીને જેલામાં પુરી દીધા હતા.

ગીરતી હુઈ દિવાર કા સાયા ન બતાઓ

ફિર એક દિવાર ઉઠાઓ તો બાત બને

અહેસાન જાફરીની શાયરી પ્રગતિશીલ કહી શકાય એવા પ્રકારની હતી.

બિગળા હુઆ દુનિયા કા ચલન દેખ રહા હું

લિપટા હુઆ શોઅલોં મેં વતન દેખ રહા હું

ગાંધી કા વો પૈગામે મહોબ્બ્ત વ ઈખવત

ઉજળા હુઆ ગાંધી કા ચમન દેખ રહા હું

ગુજરાતમાં ઉર્દુ બોર્ડની રચનામાં અહેસાન જાફરીની ભૂમિકા મહત્વની રહી હતી. 1998 સુધીમાં તેમણે જેટલી ગઝલ, નઝ્મ લખી હતી તે તમામને એકત્ર કરી કંદીલ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીના સહયોગથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.