ઉર્દૂના યુરોપિયન શાયર
ઉર્દૂએ માત્ર મુસ્લિમ કે હિન્દુ શાયરોને જ જન્મ આપ્યો નથી પરંતુ ઉર્દૂની કૂખેથી ઇન્ડો-યુરોપિયન શાયરો પણ પેદા થયા છે. આ વિદેશી શાયરોની સંખ્યા ખૂબ જ છે. આ શ્રેય ઉર્દૂ સિવાય દુનિયાની અન્ય કોઈ ભાષાને મળ્યું હોવાનું જણાતું નથી.
ઉર્દૂના યુરોપિયન શાયરોનો ઉલ્લેખ તે સમયનાં સામયિકોમાંથી મળી આવે છે. આ ક્રમાવલિમાં સૌથી મહત્ત્વનું કાર્ય મૌલવી સરદાર અલીએ કર્યું છે. "યુરોપિયન શોઅરાએ ઉર્દૂ" નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં અલી સરદારે યુરોપિયન શાયરોને એક જગ્યાએ એકત્ર કર્યા. 28 પાનાનાં પર આવા શાયરોને સ્થાન આપ્યું પણ આનાથીય ઉમદા કાર્ય કરીને રાય બહાદુર અને રામબાબુ સક્સેનાએ યુરોપિયન શાયરો અંગે દળદાર માહિતી ઉપલબ્ધ કરાવતા પુસ્તકોની ભેટ સાહિત્ય જગતને આપી છે.
અલી સરદારના પુસ્તકને આ બન્ને લેખકોએ અવિશ્વસનીય લેખવ્યું અને ગેરમાર્ગે દોરનાર બતાવ્યું.
રામબાબુની પ્રખ્યાત કિતાબ "ધ યુરોપિયન એન્ડ ઇન્ડો યુરોપિયન પોએટ્સ ઑફ ઉર્દૂ એન્ડ પર્શિયન" યુરોપિયન શાયરો વિશે સંશોધનાત્મક દસ્તાવેજ છે. સાબિતી સહિત ભારતીય ન હોવા છતાં શાયરીમાં કાઠું કાઢનારા શાયરોની રામબાબુએ અભ્યાસપૂર્ણ જાણકારી કલમબદ્ધ કરી છે. મારી જાણકારી પ્રમાણે ઉર્દૂમાં આવી સચોટ માહિતી આપતું પુસ્તક કોઈએ લખવાની હિંમત કરી નથી. થેન્ક્સ ટુ રામબાબુ સક્સેના.
મજેદાર વાત એ છે કે યુરોપિયન શાયરોએ પણ ઉર્દૂના અન્ય શાયરોની જેમ પોતાનાં ઉપનામ(તખલ્લુસ) રાખ્યા હતા.
જોન બેલી એવા જ શાયર હતા. તેમનો શેર જોઈએ.
માર ડાલેગી મોહબ્બત મિસ ટીસા કીજાન નિકલેગી જલાતે હુએ ફિર ઈસા કી
સર જોન શોર 'શોર'ની શાયરી સંરક્ષિત ન રહી શકી. તેઓ ઈસાઈ ધર્મના ઉપદેશક હતા. બાદમાં તેમને લૉર્ડની પદવી આપવામાં આવી હતી. તેમણે એક લાંબી લચક નઝમ લખી હતી. સંપૂર્ણ નઝમ ક્યાંક ખોવાઈ ગઈ પણ એક જ પંક્તિ હાથ લાગી શકી.
દિને ઇસ્લામ ઘટે, દિને મસીહા બઢ જાયે
સર જોન 'સર'નો આ શેર એક ધર્મની વિરુદ્ધ અને બીજા ધર્મની તરફેણ કરે છે. છતાં પ્રાપ્ય બનેલા આ શેરથી સર જોનને ઉર્દૂ સાહિત્યે જીવિત રાખ્યા છે.
જોન સ્મિથ 'સ્મિથ' જનરલ હતા. 18મી સદીનાં અંતમાં રામપુરનાં નવાબ અહમદ અલીખાંની ફરમાઇશ પર તેમણે નિમ્ન લિખિત ગઝલ વાંચી હતી.
ના વો હમદમ, ના વો જલસા રહા હૈતપે દૂરી સે દિલ જલ-સા રહા હૈજૂનું કી ફોજ કી સુન આમદ-આમદખિર્દ કા પાંવ કુછ ચલ-સા રહા હૈગનીમત જાન 'સ્મિથ' આ ગયા હૈકે દુશ્મન ઉસ સે અબ ટલ-સા રહા હૈ
(ખિર્દ - બુદ્ધિ, સમજદારી) એડવર્ટ હેનરી પોલમરની ઉર્દૂ કરતાં ફારસી પર ખાસ્સી પકડ હતી. તેમનો એક માત્ર ફારસી શેર મળી આવ્યો હતો.
'પોલમર' ગુફ્ત કે શાઇસતાએ સદ્ તહેસીન અસ્તબજવાબે ગઝલે હઝરતે સાઅદી ગઝલે
(પોલમરની વાતો સંસ્કારી અને શુદ્ધ પ્રસંશા કરનારી છે. જેવી રીતે ફારસીનાં મહાન કવિ શેખ સાઅદી ગઝલમાં કરતા હતા તેવી રીતે હું પણ ગઝલ લખી રહ્યો છું)ડૉક્ટર હુઈ ભારતીય સર્વિસમાં ફરજ બજાવતા હતા. તેઓ 1872માં ભારત આવ્યા હતા. ઉર્દૂ અને ફારસીનાં અનેક પુસ્તકોનાં લેખક અને સ્કોલર હતા. તેમના શેરનાં નમૂના જોઈએ.
જાને આલમ તેરે અંદાઝને મારા મુઝકોબેતેરે ઝીસ્ત નહી ગવારા મુઝકોઝૂલફેં ઝૂક-ઝૂક કે યે કહેતી હૈ કિસી કો ફાંસુઅબરૂ ઈસ શોખ કે કરતે હૈ ઇશારા મુઝકોમુઝકો કુછ ડર નહીં દુશ્મન જો કરે જોરો-સિતમહૈ"હુઈ" હઝરતે ઈસા કા સહારા મુઝકો
ડૉક્ટર હુઈની વધુ એક ગઝલનો શેર છે.
હોને કો હૈ ઈસ શહેરમેં માશૂક હઝારોંબેચારા "હુઈ" એક કે કિસ કિસ કી ખબર લે
ડ્યુહ્રસ્ટ "શાકિબ" પણ ઇન્ડિયન સોશિયલ સર્વિસમાં હતા. 19મી સદીનાં અંતમાં ભારત આવ્યા હતા. તેમની માત્ર બે ગઝલ જ પ્રાપ્ય બની શકી છે. તેમના શેર જોઈએ.
કીસી કી મોહબ્બત મેં નાગવારા નહીંકીસી કી બાત સે હરગીઝ કુછ ઇંતેશાર નહીંહુસ્ને યુસુફ કો સરે બાઝાર રુસવા કીજીયેઅપની હાલત કો સરાસર ઝેરોબાલા કીજીયે
(ઝેરોબાલા - નાનું અને મોટું કરવું, ઇંતેશાર - પરેશાની, ઝીસ્ત - ઝિંદગી, હયાત)
આ શાયરોની શાયરીથી જ્ઞાતવ્ય થાય છે કે તમામે ઉર્દૂ અને ફારસી પ્રત્યેનાં લગાવનાં કારણે શેર કહ્યા છે. આ લોકો ઉર્દૂ - ફારસીનાં સ્કોલર હશે પરંતુ અચ્છા શાયર ન હતા. તેમના શેરોમાં અનેક ભાષાકીય ભૂલો જોવા મળે છે. જોકે, આ શાયરોની ભાષાકીય ભૂલો પર ચર્ચા અસ્થાને રહેલી છે. એટલું જ પૂરતું છે આ શાયરોએ ભારતીય ભાષામાં સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર