જલનનો જલવો: પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?
હું વિચાર કરતો હતો કે જલનનો જલવો ક્યાંથી લખવાની શરૂઆત કરું. તો વિચાર આવ્યો કે રતિલાલ અનિલનાં અમૃત મહોત્સવથી જ શરૂ કરું. રતિલાલ અનિલનો અમૃત મહોત્સવની ઉજવણીમાં આ લખનાર સક્રીય રીતે સહભાગી હતો. દિનેશ અનાજવાળાએ કાર્યક્રમનુ સફળ આયોજન કર્યું હતું અને પહેલી વખત ગુજરાતી-ઉર્દુ મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના સર્કીટ હાઉસમાં કવિ મિત્રોને મળવા ગયો. નિદા ફાઝલી, રાજેશ રેડ્ડી જેવા ઉર્દુ શાયરો હતા તો ચીનુ મોદી, ખલીલ ધનતેજવી, જલન માતરી અને કિસન સોસા જેવા ગુજરાતી કવિ હતા. સર્કીટ હાઉસમાં ગપશપ કરતા કરતા સાંજે પાંચ વાગ્યાની અઝાન એટલે કે અષ્રની નમાઝનો ટાઈમ થયો.
જલન માતરીએ મને પૂછ્યું કે શકીલ કિબલા રૂખ(એટલે નમાઝ પઢવા માટે કાબા-મક્કાનું ડિરેકશન) કઈ બાજુ છે? મેં તેમને ઈશારતથી બતાવ્યું કે આ બાજુ છે. નમાઝ અદા કરી જલન માતરી ફરી ચર્ચામાં જોડાયા. ચીનુ મોદીને હું હંમેશ 'ચીનુદા' કહેતો અને ચીનુ મોદી પોતાના બંગાળીકરણથી ખટખટાડ હસતા. આવા બુઝુર્ગ કવિઓ સાથે પનારો પડ્યો અને કદાચ મારી ઉર્દુ અને ગુજરાતી શાયરીમાં આવા કવિઓનો પ્રભાવ જ વધારે આવ્યો. આમ તો મારી શાયરીમાં કિસન સોસાનો પ્રભાવ અને અસર વધારે રહ્યા કારણ કે એમણે જ મને ગઝલની કેડી પર ચાલવાનું શીખવ્યું.
નમાઝ અદા કર્યા બાદ જલન માતરીને મારે એક પ્રશ્ન પૂછવો હતો. મેં ખલીલભાઈને પહેલાથી જ પૂછી લીધું કે ખલીલભાઈ, જલનને તેમના શેર વિશે પૂછવું છે, ગરમ તો નહીં થઈ જાય ને? ખલીલભાઈએ હિંમત બાંધી. બિન્દાસ્ત પૂછો. એટલે જેવાં જલન સાહેબ નમાઝ અદા કરી આવ્યા તો મેં તેમને સીધો જ પ્રશ્ન પૂછી લીધો.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
વિવાદનો મૂળ શેરમાં જ હતો. બહુ પ્રખ્યાત શેર પર આવી રીતે મારા જેવો ઉભડક કવિ પ્રશ્ન ઉઠાવી આંગળી મૂકે તો જલન માતરી ચલાવે? મારો પ્રશ્ન હતો કે કુરાન પયમ્બરની કિતાબ નથી. અલ્લાહની કિતાબ છે તો પયગમ્બરની સહીની વાત વિચારદોષ અને હકીતદોષ નિર્દેશ કરે છે. સીધી વાત છે કે કોઈ પણ શાયર પોતાની શેરની આવી રીતે ટીકા થાય તો અકળાય અને જલન પણ ગાજી પડ્યા મારા પર.
તમે આજકાલના પોઈરાઓને સમજ પડતી નથી. બહુ મોટા કવિ થવા આવ્યા. પહેલા જાણો શેર, શેરીયત જાણો, પંક્તિની લખવાની ભાવના કેવી છે. કિતાબ અલ્લાહની છે કે પયગમ્બરની,એ પ્રશ્ન ગૌણ છે મૂળ મુદ્દો શ્રધ્ધા અને આસ્થાનો છે.
જલન માતરીએ વધુમાં કહ્યું હતું કે લખનૌથી પણ એક પત્ર આવ્યો છે અને શેર પર આવી જ રીતે આંગળી મૂકવામાં આવી છે. તું શકીલ બીજો માણસ છે જેણે આ શેર પર આવી રીતે આંગળી મૂકી છે. આ એક તંદુરસ્ત અને ગુજરાતી સાહિત્ય માટેની વિશદ ચર્ચા હતી.
કુરાન પર પયગમ્બરની સહીની વાત ત્યારે વ્યાજબી ગણાય કે કિતાબ સ્વંય પયગમ્બરે લખી હોય પરંતુ કુરાન તો અલ્લાહની કિતાબ છે અને પયગમ્બર તે કિતાબના સંદેશાવાહક છે. બસ, આટલી વાત હતી.
જલન માતરીમાં દર્દ બંડ પોકારે છે તો તેઓ શાયરીમાં અલ્લાહ સામે મોરચો ખોલી નાંખે છે. શાયરીનો ગુણ કહો દુર્ગુણ કહો તે એ છે કે તમે સામાપ્રવાહની શાયરી લખો તો માંહે માંહે ઉંચકાઈ જાશો અને એ પણ ધર્મ વિરુધ્ધની હશે તો ચોખલીયાઓની જમાત તમને બિરદાવવા નીકળી પડશે. ગઝલમાં ચબરાકીયાઓની એક પોઢ વહી ચાલી છે.
જલન માતરીનો શેર શ્રધ્ધાનો હો વિષય, વિવાદોની વચ્ચે આજે અમર શેરમાં ગણના પામે છે. છાપાવાળા અવાન-નવાર જલન માતરીના શેરને ટાંકે છે એ જ આ શેરની લોકપ્રિયતાનો દાખલો છે.
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
જલન માતરીએ પોતાની કલમમાં બંડને પ્રોવી દીધું હતું. તેમની કલમ જ્યારે બંડ પોકારવા માંડતી તો એની અડફેટમાં ભલભલા ચગદાઈ જતા હતા, કોઈ પણ ખૂનરેજી વગર. ખૂબ જ મૃદુ ભાષામાં જલને પોતાની ભીતરે રહેતા બંડને શાયરીમાં ઢાંચામાં ઢાળ્યું છે.
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
માણસાઈના દિવાને ટમટતો રાખવામાં ઘર્મ આડે આવે ખરો? લગભગ બધા ધર્મો સતકર્મ, સદાચારી, પરોપકારી, સખાવતી થવાનો સંદેશો આપે છે તો પછી એ ધર્મને પાળનારા લોકો અધર્મી કેવી રીતે થઈ જાય છે. ગલી-મહોલ્લે મંદિર છે, મસ્જીદ છે, ચર્ચ છે. રોજે રોજ નવા નવા કથાકાર પાકે છે, ધર્મની આલબેલ પોકારવામાં આવે છે છતાં માણસની ભીતરમાં રહેલો શૈતાની-રાક્ષસી કીડો મરતો નથી અને મરશે પણ નહીં કે શું? પ્રશ્ન બહુ વેધક અને વિચારનીય છેે. ઉંચી પહાડી પરથી ખાબકતી નદીને જોઈ લો. પર્વત પરથી ઘરતીને ભીંજવતી નદી રિટર્ન વહેણમાં ક્યારેય વહેતી નથી. નદીનો પ્રવાહ તો અસ્ખલિત છે. સતત વહેતો રહે છે. નદીના વહેણને કોઈ રિવર્સ ગિઅર નથી પણ સાથે સાથે નદી પોતાના સંતાનોની તૃષાને જીવનદાન આપતી રહી છે અને આપતી રહેશે,
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી
અલાઉદ્દીન અલવી જલનનું જીવન સાદાઈપૂર્વકનું હતું. જેટલાય પ્રસંગોએ મળવાનું થયું છે ત્યારે તેમના હૃદયમાં મનુષ્યજાતિ માટેની એક અનુકંપા ચિત્કાર કરી ઉઠતી અને તેનું પ્રતિબિંબ ગઝલરૂપે અવિરત અવતરતું રહ્યું છે.
આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?
ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?
લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?
જલન માતરી આપણને જીવન અને મૃત્યુની કડવી વાસ્તવિકતા કહી ગયા છે. તેમના શબ્દોમાં જીવનની કડવાશ ભારોભાર છે. તેઓ કોઈ પણ કાળે બંદાઓ પર આવતી પારાવાર આફતોનો સાંખી લેવાન મતનાં ન હતા. અલ્લામા ઈકબાલે શિકવા લખ્યો તો જલન માતરીની શાયરીમાં ફરીયાદ કંઈક ઉપરોક્ત શેર પ્રમાણે અવલંબિત થાય છે અને તેઓ પ્રશ્નનો મારો કરે છે. કેમ? શબ્દ સાથેનો પ્રશ્નાર્થ જ જલનની જલનનો દ્યોતક છે.
કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે
એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું ?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે.
માણસ નપાવટતાથી હદ વટાવી ગયો છે. સારા-નરસાનો ભેદ ભૂલાઈ રહ્યો છે. સારાને ખરાબ ચિતરવા અને ખરાબને સારા ચિતરવાની ફેશન થઈ ગઈ છે. વરસાદી દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે તો જલનની જલન બંડનાત્મક આક્રોશ વ્યકત કરી જાય છે.
હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.
નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
કયામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.
જલન માતરી આપણે વચ્ચે સદેહ ભલે નથી પરંતુ તેમની ગઝલબાની ગુજરાતી સાહિત્યને એક અમરત્વ આપી ગઈ છે. શયદા, મરીઝ યુગ પછીના કવિઓમાં જલન માતરી પોતાની આગવી ઓળખ ઉભી કરી ગયા છે. ‘સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ’ પર નઝમ લખી છે, જે તેમની છેલ્લી કૃતિ હોવાનું માનવામાં આવે છે. ગુજરાતીના આ નરબંકા, બેખોફ શાયરને ખિરજે અકીદત અર્પણ કરતા હૃદયમાંથી એક ટીસ અવશ્ય નીકળી રહી છે. અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે.
અંતે તેમના વધુ એક પ્રખ્યાત શેર સાથે લેખનને વિરામ આપું છું.
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર