કવિતા-ગઝલના ફલકે ખ્યાતના મેળવતા કવિયત્રી ખ્યાતિ શાહ

21 Jan, 2018
07:01 AM

સૈયદ શકીલ

PC: khabarchhe.com

કવિતાના કેન્વાસ પર મનોભાવને શબ્દ થકી ચિત્રિત કરવાની અલૌકિકતા જવલ્લેજ કોઈનામાં જન્મજાત મળી આવે છે. આમ તો ગુજરાતી સાહિત્યમાં પ્રખર કવિયત્રીઓના નામ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ છે પરંતુ વર્તમાન સમયમાં કવિતા અને ગઝલનના ફલકે વિહાર કરતી અનેકવિધ કવિયત્રીઓનું પ્રદાન યશસ્વી બની રહ્યું છે અને આ યશસ્વિતાના ભાગીદાર તરીકે રાજકોટના કવિયત્રી ખ્યાતિ શાહનું નામ અવશ્ય લેવામાં આવે છે.

ખ્યાતિ શાહનું કાવ્ય વિશ્વ અનૂઠો છે. પોતાની વાતને એક અલગ જ અંદાજમાં કહેવાની ત્રેવડ ધરાવે છે. આ બહુ જૂજ કવિયત્રીઓમાં જોવા મળે છે. ઉર્દુ અને હિન્દી સાહિત્યમાં અનેક કવિયત્રીઓ-શાઈરાતોએ કાઠું કાઢ્યું છે પણ ગુજરાતી ગીત,ગઝલ અને કવિતાના પુરાતન કાળ પર દ્રષ્ટિગોચર કરીએ તો એવું લાગે છે કવિયત્રીઓની લેખિની પુરાતન કાળમાં ખીલી શકી નહી અથવા તો ખીલવા દેવાઈ નહીં.

આજના યુગમાં ગુજરાતી નવલોહીયા કવિયત્રીઓએ અદકેરું પ્રદાન કરી ગુજરાતી ગીત,ગઝલ અને કવિતાનાં માથે લાગેલા મેંણાને ભાંગી નાંખ્યું છે. ખ્યાતિ શાહની કવિતા-ગઝલો ભવિષ્યમાં સાહિત્યિક ગુણવત્તા સાથે પોંખાશે એ નક્કી છે.

તરસનાં મર્યા બાદ જો જળ મળે તો શું

સમયના સર્યા બાદ એ જણ મળે તો શું

નથી જોઈતી કોઈ પોકળ પ્રસિધ્ધિ જા,

કલમના ખર્યા બાદ જો ફળ મળે તો શું

 ખ્યાતિ શાહના આ શેરમાં પ્રખ્યાતિની વાત છે. એવું કહેવાય છે કે નસીબમાં હોય તો સઘળું  મળે અને ન હોય તો કશું ન મળે. ખ્યાતિ શાહ આ વિરોધાભાસ સમક્ષ પ્રશ્ન કરે છે. લગ્નના ગીત લગ્ન પ્રસંગે જ ગવાય તેમ કોઈ પણ જરૂરીયાત સમયસર પરિપૂર્ણ ન થાય, પ્રાબ્ધે જ બધું હોય અને તરસ સમયની કઠોરતાનો ભોગ બને તો એનો કાઈ અર્થ સરતો નથી. આ  જીવનની ફિલોસોફી હોય તો તેની સામે કવિયત્રીનો પ્રશ્નાર્થ છે.

ખરી પેડલાં સપનાઓને,

વિષાદ કરતાં જોઈ,

તાજા ખીલેલા કેસુડાંએ 

શમણામાં... 

કેસરીયું ચૂબન આપ્યું...

લે, તાજા નવા રંગ...

રંગાઈ જા...

ને રોમેરોમ વસંત મહોરી.... 

વસંત પંચમી આવી રહી છે. કેટલો પ્રસંગોપાત શેર છે. આવતીકાલે વસંતપંચમી પર કવિયત્રીની કલમમાં એક પ્રકારે ખોવાયેલી વસંતને ખોળવાનો પ્રયાસ કરે છે. સિમેન્ટ કોંક્રીટનાં અડાબીડ જંગલે ક્યાં હવે વસંતની ખબર પડે છે. છતાં કવિયત્રીનું મૃદુ હૃદય વિષાદ સાથે પણ રોમેરોમે વસંતને ચૂંબન કરવા ઈચ્છે છે અને એક નવા રંગમાં આળોટાઈ જવાની ઘટનાને મહોરવા સુધી લઈ જાય છે.

હું એક વરસાદી બુંદ બની

સ્પર્શી લઉં એમ તને...

ભીંજવું હૈયું એવું આજીવન

રોપી દઉં તુજમાં મને...

ખ્યાતિના કલ્પના વિશ્વમાં મૃગ્ધતાની સાથે શબ્દની સાથે રચનાને જીવી જવાની ખેવના પણ છે. નિસ્વાર્થ પ્રેમની શોધમાં કવિયત્રીની કલમ વરસાદી બુંદ બને છે અને પ્રિયજનને પામવાનો અહેસાસ વ્યકત કરે છે. ખ્યાતિ શાહે કોલેજકાળથી જ સાહિત્યિક લખાણ લખવાનું શરૂ કર્યું હતું. આ લખાણની વાત આજે કવિતા અને ગઝલની મંજીલ સુધી લઈ આવી છે. તેમની રચનાઓ ગુજરાતી ગઝલ-કવિતાના અનેક મેગેઝીન અને અખબારોમાં સ્થાન પામ્યા છે. કવિ સંમેલનોમાં પણ ભાગ લઈ રહ્યા છે. અછંદાશથી શરૂ થયેલી યાત્રા આજે છંદોબદ્વ ગઝલ લખવા સુધી પહોંચી ગઈ છે. 

તાવીજ તારી દોસ્તીનું 

જ્યારથી મેં બાંધ્યું છે

જિંદગીની સઘળી મુસીબતોમાં 

હસતા ફાવ્યું છે.

આજના યુગની કવિયત્રીનો સોંસરવો પ્રશ્ન છે. દોસ્તી કેટલી મજબૂત હોય છે એનો પુરાવો આ પંકિતમાંથી મળે છે. દોસ્ત એને કહેવાય કે જે ખરેખરની દોસ્તી નિભાવી જાણે, બાકી તો મોઢે લગાડેલા મિત્રોમાંથી સ્વાર્થની ગંધ જ્યાં ને ત્યાં વાતી જણાય છે. કવિયત્રી આ પંક્તિમાં સાચી મિત્રતાને સચોટતાથી વ્યક્ત કરે છે. મિત્રતાનું તાવીજ એવું છે કે આફતોમાંથી પણ હેમખેમ બહાર આવી શકાય છે, એ આ પંકિતનો હાર્દ છે. 

એક વાર આવને

વ્હેમને હટાવને

કેમ જંગ જીતશું?

માર્ગ તું બતાવને

પ્રેમ એજ છે દવા

દર્દથી ઉઠાવને

ભેજ ભીતરે ભર્યો

કોઈ બીજ વાવને

દર્દને પંપાળતા

ખોતરે છે ઘાવને

કેટલું એ પોષતાં?

નામ છે, વટાવને

લો, ગઝલ જ અવતરી

'ખ્યાતિ' તું વધાવને 

આખીય ગઝલ સીધી અને સરળ જબાનમાં વણી લેવામાં આવી છે. ભાષાકર્મ પણ એટલો જ ભાવયુક્ત છે અને દરેક શેરમાં નાવીન્યતાનો પરિચય થાય છે. સાંપ્રત સ્થિતિનો ચિતાર છે. પ્રશ્નની ભીતરમાં જ ઉત્તરમાં ધરબાયેલો છે, માત્ર એને જોવા માટે મનની આંખોને ઉધાડવાની જરૂર હોય છે.

બીજાની ખુશીમાં પણ ખુશ થાતાં શીખી જા

હે માણસ! તું થોડો માણસ થાતાં શીખી જા

આ સારું ને આ ખોટું એ નક્કી કરવું છોડ,

હે માણસ! તું ભીતર જ પરમ જોતાં શીખી જા

પરોપકરી ભાવના હોય તો બીજાના દુખને પણ પોતીકું ગણી લેવામાં આવે છે અને પરોપકારની ભાવના ન હોય તો એ માણસને સ્વાર્થી ગણવાનો રહે છે. ભીતરેથી માણસને માણસ જે દા'ડે ઓળખતો થઈ જશે તો સમજો કે જગમાં સતયુગ આવી ગયું છે. પરંતુ મોહ-માયાની કાટ લાગેલી સાંકળનો છોડવા માણસ તૈયાર નથી.

આંખના એ ભેજ તમને ક્યાંક ફળશે

વાત આખી સાંભળી દિલ થોડું રડશે

રંગ લોહીનો ભલે સરખો રહ્યો પણ

ધર્મના નામે જગત આખુંય બળશે

આમ જુઓ તો હવે માયા જ ક્યાં છે

આખરી હિસાબ કરવા શ્વાસ ઘટશે

તારું ધાર્યું થાય એવું નક્કી નહિ કૈં,

જિંદગી છે ચાલ એની રોજ ફરશે

હાથ જોડી કરગરું બસ એટલું કે

હેત રાખો, જીવ અંતે ત્યાં જ ઠરશે

આપણે ઘણી વખત સાંભળીએ છીએ અને વાંચીએ પણ અંતરાત્માનો અવાજ. પણ આ અંતરનો આત્મા ક્યારે ઝબકે છે અને ક્યારે વળોટાઈ જાય છે તેની આખા જગતના ફિલોસોફરો સમજ પડી રહી નથી. વાસ્તવિકતા વિના કલ્પના વિશ્વમાં વિહાર કરતા લોકો ધર્મના ધાકડ બનીને માણસાઈની બીન વગાડે ત્યારે બહુ છીછરા અને વામણા લાગે છે. ખ્યાતિ શાહની આ ગઝલ ધર્મ ધૂરંધરો માટે આંખ ખોલનારી છે. કવિનું કામ છે સમાજની સમક્ષ પોતાની વાત ગઝસ સ્વરૂપે રજુ કરવાનું અને સમાજે તેમાંથી કશાક સારાની પ્રેરણા લઈ તે પ્રમાણો પોતાની જાતેને સંભાળવાની. જીવન સરિતને તીરે બધાને બધું જ મળતું નથી અને જેને મળે છે તે બધા અસાધારણ થઈ જાય છે. વાસ્તે કવિયત્રી ખ્યાતિ શાહ કહે છે જિંદગી છે ચાલ એની રોજ ફરશે. અંતે એટલું જ લખવાનું કે ખુદા કરે ઝોરોં કલમ ઔર ઝીયાદા...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.