મરશિયા અને ગઝલ

15 Oct, 2017
12:01 AM

સૈયદ શકીલ

PC: thenews.com

ગઝલ એક પ્રકારે મૌન રુદન પણ છે અને સાથે સાથે તેમાં ગાંભીર્ય પણ છે. ઉર્દુ શાયરીનાં અલગ અલગ પ્રકાર છે. ગઝલ, કસીદા, મશનવી, કત્આ, રુબાઈ અને મુસદ્દસનો સમાવેશ થાય છે. પણ મરશિયાને આ યાદીમાં સામેલ કરવામાં આવતા નથી. ગઝલ, કસીદા, મશનવી અને શાયરીનાં અન્ય પ્રકારો નઝમનાં પરીપ્રેક્ષયમાં વાસ્તવિક બન્યા છે , જ્યારે મરશિયાનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. હકીકતે મરશિયાનો સમાવેશ નઝમના એવાં પ્રકારમાં કરવો જોઈએ કે જેમાં વિષયના સંદર્ભ થકી તેના પરિમાણો નક્કી કરવામાં આવતા હોય. ગુજરાતીમાં પણ અસંખ્ય મરશિયા લખાયા છે અને કેટલાક તો ખૂબ જ લોકપ્રિય પણ છે.

ગુજરાતી કે ઉર્દુ શાયરીમાં મરશિયાનો વિષય ખૂબ જ સીમિત થઇ ગયો છે. સામાન્ય રીતે આપણે મરશિયા એને કહીએ છીએ જે મુસદ્દસના સ્વરૂપે હોય. હવે આ મુસદ્દસ કોને કહેવાય? જે નઝમનાં દરેક બંધમાં 6 મિસરા હોય તેને મુસદ્દસ કહેવામાં આવે છે. મરશિયામાં ઇમામ હુસૈન, કરબાલા અને અન્ય ગમખ્વાર બનાવોને સાંકળવામાં આવે છે. પરંતુ આને મરશિયાનો એક પરંપરાગત વિષય જ ગણવાનો રહે છે.

હકીકતે મરશિયાની નિસ્બત એવી નઝમ પર રહેશે કે જેમાં કોઈ પણ મરનારની યાદને તાજી રાખવામાં આવે. મરનારની કોઇ ચોક્કસ બાબતોની સરાહના કરવામાં આવે અને તેના મોત પર શોક અને દુખ વ્યક્ત કરવામાં આવે. એવું જરૂરી નથી કે મરશિયા મુસદ્દસના સ્વરૂપે જ હોય, મશનવીનાં સ્વરૂપે પણ હોઈ શકે છે. મશનવીમાં કોઈ એક વાત સળંગ લખવામાં આવે છે. આમાં દરેક શેરનાં કાફિયા અલગ પણ બન્ને મિસરામાં હમ-કાફિયા(એક સરખા કાફિયા) હોય છે. આમ મશનવીના બંધ પ્રમાણે પણ મરશિયા લખી શકાય છે. કત્આ પ્રમાણે પણ લખી શકાય છે અને ગઝલ પ્રમાણે પણ. ટૂંકમાં મરશિયા લખવા માટે શાયરીનાં કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકાય છે.મરશિયામા અનેક પ્રકારનાં વિષયોની બાંધણી કરી શકાય છે. ગાલીબના નિધન પર અલ્તાફ હુસૈન હાલીએ પ્રખ્યાત "તરકીબે બંધ" લખ્યું હતું. અલ્લામા ઇકબાલે "વાલીદા મરહુમ કી યાદ મેં" અને ચકબસ્તે "ગોખલે કા મરશિયા" લખ્યુ હતું. આવા તો અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. ગાલીબે મરશિયા લખ્યુ હતું. આમ તો આ ગઝલ છે પણ મરશિયા સ્વરૂપે જ છે, કેમ કે ગાલીબે પોતાના પ્રિય મિત્રના મોત પર માતમ વ્યક્ત કર્યું છે. ગાલીબનું ગઝલ સ્વરૂપનુ મરશિયા જોઈએ.

લાઝીમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર

તન્હા ગયે કયું, અબ રહો તન્હા કોઈ દિન ઔર

હાં, એ ફ્લકેપીર જવાં થા અભી આરીફ,

ક્યા તેરા બિગળતા જો મરતા કોઈ દિન ઔર

જાતે હુએ કહેતે હો કે કયામત કો મીલેગે,

ક્યા ખૂબ કયામત કા ગોયા કોઈ દિન ઔર

તુમ માહે શબ ચાર દહમ થે મેરે ઘર કે,

ફિર કયું ન રહા ઘર કા વો નકશા કોઈ દિન ઔર

મુઝસે તુમ્હે નફરત સહી, નૈયરસે લળાઈ,

બચ્ચોં કા ભી દેખા ન તમાશા કોઈ દિન ઔર

નાદાં હો જો કહેતે હો કે કયું જીતે હો ગાલીબ,

કિસ્મત મેં હૈ મરનેકી તમન્ના કોઈ દિન ઔર

ઉર્દુના શાયરોએ સામાન્ય પ્રવાહ વિરુદ્ધ જઈને ગઝલો લખી છે. કેટલીક ગઝલોમાં વિષયોને પણ આવરી લઇ ગઝલો લખાઈ છે. ગાલીબની આ ગઝલ અન્ય ગઝલોથી તદ્દન ભિન્ન છે. આ ગઝલમાં સળંગ વિચારમાળા અવિરત ચાલે છે. દરેક મિસરાના શેર એકબીજા સાથે સંમિલિત છે.

આ ગઝલ ખરા અર્થમાં એક મરશિયા પણ છે. આ ગઝલમાં ગાલીબે પોતાના પ્રિય મિત્ર અને નવયુવાનનાં મૃત્યુ પર શોક સાથે પોતાની અકથ્ય પીડા લખી છે. ઝૈનુલઆબેદીનખાં "આરીફ" ગાલીબનાં ભાણેજ હતા. આરીફને ગાલીબે દત્તક લીધા હતા અને પુત્રની જેમ લાલન પાલન કર્યું હતું. આરીફ એક તેજસ્વી અને હોનહાર હતા તેમજ શાયર પણ હતા. એન યુવાન વયે આરીફનું અવસાન થતાં ગાલીબને ઊંડો આઘાત લાગ્યો હતો. ગાલીબે આઘાતની ગર્તામાંથી આ દર્દભરી ગઝલ લખી હતી.

આ માતમ ગાલીબનાં શાયરાના કમાલનો શ્રેષ્ઠ દાખલો છે કે જેમાં મરશિયા હોવા છતાં મરશિયતથી બિલકુલ પવિત્ર છે. મતલબ કે આ ગઝલમાં ફરિયાદ, માતમ,દુઃખ, પીડાનો કોઈ અંદાજો નથી પણ એક મૌન રૂદન અને સ્થિર થઈ ગયેલો અહેસાસ છે. સર્વ શ્રેષ્ઠ શાયરીનો આનાથી વિશેષ કોઈ દાખલો મળી શકે નહીં. એટલે તો ગાલીબ એટલે ગાલીબ.

આખીય ગઝલમાં ગાલીબે માણસની દુનિયાથી વિદાયના દર્દને પરોવ્યું છે. એક દુનિયાથી રૂખસતી અને બીજી દુનિયામાં પગરવ માંડવાની વેળાએ માણસ એકલો જ હોય છે. કોઈ સાથી કે સંગ હોતો નથી. આરીફ ગુજરી ગયો ત્યારે તેના બે બાળકો હતા. જેમનાં નામ હતા બાકરઅલીખાં અને હસનઅલીખાં. ગાલીબને કારમી પીડા થઈ. એટલે જ તેમણે આરીફના મૃત્યુને કયામત કહ્યું છે. વિષયને વધુ મજબુતી આપવા ગાલીબે નૈય્યર અને પોતાની સાથે બાળકોનો ઉલ્લેખ કર્યો છે. નૈય્યરનું આખું નામ ઝિયાઉદ્દીન અહેમદખાં હતું. તેઓ ગાલીબનાં શિષ્ય હતા અને આરીફના મામા હતા. તેઓ ઉર્દુમાં "નૈય્યર" અને ફારસીમાં "રખશાં" તખલ્લુસ રાખતા હતા.

 

મરશિયાની હેસિયત રાખતી આ ગઝલમાં એક ખામોશ ફરિયાદ ગગનને ભેદતી જણાય છે. જિગરને વિંધી નાખે છે. ગાલીબે આ ગઝલ લખી કેટલા પાત્રોને અમર કરી દીધા? ગાલીબ પોતે શાયર તરીકે અજરા-અમર છે. તેમની સાથે આરીફ, આરીફના બન્ને બાળકો અને નૈય્યર. આ મરશિયાનુમા ગઝલમાં ગાલીબે પિડનની પરાકાષ્ઠા નિરૂપી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.