મુસલસલ ગઝલ- સળંગ ગઝલ
અલ્તાફ હુસૈન હાલી ઉર્દુનાં પાયાનાં સ્તંભ છે. તેમની અનેક રચના ઉર્દુ શાયરીમાં સીમાચિહ્નનરૂપ છે. ઉર્દુ ગઝલમાં મુસલસલ ગઝલ એટલે કે સળંગ ગઝલ કહેવામાં પણ તેમની મહારત હતી. સળંગ ગઝલમાં એક જ વિષય કે સામાજિક સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે. કોઈ એક ઘટનાને પણ મુસલસલ ગઝલમાં પ્રોવી શકાય છે. ઉર્દુનાં પ્રખ્યાત શાયરો કને મુસલસલ ગઝલનાં અનેક દાખલા મળે છે.જોશ મલીહાબાદી ગઝલમાં સળંગ વિષયને આવરી લેવાના હિમાયતી અને પુરસ્કર્તા હતા. જોશ મલીહાબાદીની મોટાભાગની ગઝલ મુસલસલ જ છે.અલ્તાફ હુસૈન હાલીએ તે વખતે દિલ્હીની બરબાદી પર મુસલસલ ગઝલ લખી હતી. આ ગઝલમાં હાલીએ તે વખતની સાંપ્રત સ્થિતિ અંગે આખીય ગઝલમાં પ્રકાશ પાડ્યો છે અને પોતાની વેદના, વ્યથા પ્રકટ કરી છે.
1857નો બળવો ભારત દેશનાં ઇતિહાસ માટે અત્યંત પીડાકારક રહ્યો હતો. બળવાની અસર ઘણી જ ભયાનક હતી. બળવા દરમિયાન લોકો પર શુ વિત્યું, લાખો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, કંઈ કેટલાય કુટુંબો તહસ-નહસ થયા, દેશની પ્રાચીન બુનિયાદના હલબલી ગઇ. સામાજિક તાણાવાણા વેરવિખેર થઈ ગયા. આ તમામ વાતો જાણવા માટે આપણી પાસે બે રસ્તા છે. પ્રથમ ઇતિહાસ્કારોના લખાણ અને દ્વિતીય રસ્તો શાયરોની શાયરી અને તેમના લખાણો. ઓગણીસમી સદી કલમબધ્ધ કરનારાઓમાં સર સૈયદ, હાલી, ગાલીબ, દાગ દહેલવી, ઝહીર દહેલવી અને મીર મેહદી મજરૂહ જેવા શાયરોના નામ સામેલ છે.
હાલીની મુસલસલ ગઝલ પણ દિલ્હીની બરબાદી વર્ણવે છે. આ ગઝલમાં હાલીએ 1857ના ગદરનાં બનાવો નથી સામેલ કર્યા પણ દિલ્હીના વિનાશના કારણે શું થયું અને કેટલી પીડા અનુભવી તેને શેરો મારફત દર્દ સાથે લખ્યું છે.
હાલીની મુસલસલ ગઝલ જોઈએ.
તઝકીરા દિલ્લી એ મરહુમ કા અય દોસ્ત ન છેળ,
ન સુના જાયેગા હમ સે યે ફસાના હરગીઝ
દાસ્તાં ગૂલ કી ખીઝાં મેં ન સુના અય બુલબુલ,
હંસતે-હંસતે હમેં ઝાલીમ ન રુલના હરગીઝ
સોહબતેં અગલી, મુસવ્વીર, હમેં યાદ આયેગી,
કોઈ દિલચસ્પ મુરકકા ન દિખાના હરગીઝ
બખ્ત સોએ હૈ બહોત જાગ કે અય દૌરે ઝમાં,
ન અભી નીંદ કે માતોં કો જગાના હરગીઝ
રાત આખીર હુઈ ઔર બઝ્મ હુઈ ઝેરોઝબર,
અબ ન દેખોગે કભી લુત્ફે શબાના હરગીઝ
બઝમે માતમ તો નહી, બઝમે સુખન હૈ "હાલી",
યાં મુનાસીબ નહીં રો-રો કે રુલાના હરગીઝ
હાલીની ગઝલમાં વિષયનું કેદ્ર સળંગ ચાલે છે. તેમણે વિભિન્ન રીતે બતાવ્યું છે કે જૂની દિલ્હીની તબાહીના કારણે લોકોનાં દિલોને જખ્મના અહેસાસથી ભરી દીધા હતા. જીવનના આનંદને ખતમ કરી નાખ્યો હતો. શાંતિ, સુકુન અને રાહતને રાખ કરી નાખ્યા હતા.
આ ગઝલમાં હાલી કદી કથાકારને સંબોધીને કહે છે કે એવી કોઈ કથા ન સંભળાવતો કે જેનાથી મરી ગયેલી દિલ્હીની યાદ જીવંત થઈ જાય અને અમે તડપી જઈએ. હાલી કદી તસ્વીરકારને સંબોધીને કહે છે કે કોઈ એવી તસ્વીર કે મુરક્કા(આલ્બમ) ન બતાવ કે જેનાથી વીતી ગયેલી દોસ્તી, યારી યાદ આવે અને અમારા દિલને દુઃખાવે. હાલી કદી દુનિયાની ગર્દીશને સંબોધી કહે છે કે અમારા લોકો કંઈ કેટલીય મુદ્દત સુધી જાગતા રહ્યા છે. હવે તેમનો ભરઊંઘમાં સુવાનો સમય છે, એટલે તેમની ઊંઘમાં ખલેલ ન પાડ. અર્થાત કે હાલીએ અલગ-અલગ રીતે પોતાના દૌરની પીડા, વેદના અને યાતનાને શબ્દસ્થ કરવાનો પ્રયાસ કર્યો છે.
હાલીએ પ્રથમ શેરમાં મરહુમ(સ્વર્ગીય) દિલ્હી લખીને વિષયની બાંધણી કરી છે. મરહુમ શબ્દ જ કાફી છે દિલ્હીની બરબાદીની કથા માટે. ત્યાર બાદ ગૂલ, બુલબુલ અને પાનખર જેવા શબ્દો પ્રયોજી જૂની દિલ્હીની સાંપ્રત સ્થિતિનો ખ્યાલ આપ્યો છે. પાનખર(ખીઝાં)થી જૂની દિલ્હીની ઝાકમઝોળના અસ્ત વિશેની નિસ્બત છે. દાસતાને ગૂલ થકી જૂની દિલ્હીની વસંતની વાત છે. જે શાયર માટે દર્દનાક છે.
દૌરે ઝમાંની હકીક્ત એટલે કે જૂની દિલ્હીનું તે સમયનું નિકંદન નીકળી ગયું અને ઊંઘ ખેંચી રહેલા લોકો બેધ્યાનપણે રહે તે નથી પણ શાયરે વિચારોના વાવાઝોડાથી લોકોને રાહતજનક સ્થિતિ જન્મે અને સુકુન હાંસલ થાય તેને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.
રાતનું અંત થવું, ઝેરોઝબર(ગુજરાતીમાં લખીએ તો કાના-માતર) થવું, લુત્ફે શબાના( રાત્રીનો આનંદ)
એ તમામ વાતો અરાજકતા અને અંધાધૂંધી દર્શાવે છે. મિર્ઝા ગાલીબે પણ એક શેરમાં લખ્યું છે.
વો બાદા એ શબાના કી સરમસ્તીયાં કહાં,
ઊઠીએ બસ અબ કે લઝ્ઝતે ખ્વાબે સહર હુઈ
ગાલીબના આ શેરમાં હાલીની ગઝલની સંપૂર્ણ કેફિયત છે તેમજ લલકાર અને જાગવાનો સંદેશો પણ છે. હાલી પૂર્વે ગઝલમાં આવા પ્રકારનો રંગ નહીવત હતો અને હતો તો ખૂબ જ ધુંધળો અને અસ્પષ્ટ હતો. હાલીએ બખૂબી સામાજિક અને સાંપ્રત સ્થિતિને ગઝલમાં પ્રસ્તુત કરી હતી. હવે ઉર્દુમાં આવા પ્રકારની ગઝલો સામાન્ય બની ગઈ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર