અમૃતા પ્રિતમ : રોશની અબ ભી જાગતી હૈ...
અમૃતા પ્રિતમના નામથી સાહિત્ય જગત નાવાકેફ હોય એવું ભાગ્યેજ માની શકાય છે. જે વ્યક્તિ સાહિત્ય રસિક હશે તેણે અમૃતા પ્રિતમને ન વાંચી તો તેનું રસિકપણું અધુરું ગણાય છે. અમૃતા પ્રિતમનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટીશ ઈન્ડીયા એટલે કે હાલના પાકિસ્તાના બહાઉદ્દીન શહેરમાં 31 ઓગષ્ટ 1919માં થયો અને ભાગલા બાદ તેઓ પંજાબમાં જ રહ્યા અને 31 ઓકટોબર 2005માં 86 વર્ષની ઉંમરે જગતને અલવિદા કહી.
અમૃતા પ્રિતમે બન્ને દેશોને બરાબરના ચાહ્યા છે. કારણ કે એક તરફ શૈશવકાળ અને બીજી તરફ સ્વદેશની ભીની માટીની સુગંધ. તેમના શબ્દોમાં આ સતત પ્રતિબિંબિત થયા કરે છે. લગભગ 100 કરતા વધુ પુસ્તકો લખ્યા. કવિતા, નિબંધ અને નવલકથાઓ લખી. પંજાબીમાં તેમણે અનન્ય પ્રદાન કર્યું. તેઓ સાહિત્ય અકદામીનો પુરસ્કાર મેળવનારા પ્રથમ લેખિકા હતા.1969માં ભારત સરકારે તેમને પદ્મશ્રીની નવાજેશ કરી હતી.
અમૃતા પ્રિતમનું મૂળ નામ અમ્રિત કૌર છે. ગરમ હવા અમૃતાનું સર્જન છે. અમૃતા પ્રિતમની લાઈફ આમ તો અનેક તાણાવાણા સાથે જોડાયેલી રહી હતી. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયા હતા. બાદમાં તેમણે પ્રિતમસિંગને ત્યજી દીધા હતા અને સાહિર લુધિયાન્વી સાથે વર્ષો સુધી સાથે રહ્યા. પણ અચાનક સાહિરની જીંદગીમાં સિંગર સુધા મલ્હોત્રાની એન્ટ્રી થઈ અને સાહિરે અમૃતાને તરછોડી તો અમૃતાને ઈમોરઝનો સાથ મળ્યો અને આ સાથ મરણાંત સુધી બરકરાર રહ્યો. તેમને એક પુત્રી છે અને પુત્ર નવરાઝ કવાત્રાની 2012માં હ્ત્યા કરી દેવામાં આવી હતી.
જીવનનાં આંતરિક સંઘર્ષની સાથે અમૃતા પ્રિતમે સાહિત્યને ક્યારેય ત્યજ્યું ન હતું. તેઓ લાગલગાટ સર્જન કરતા રહ્યા. આ તેમની જીવન જીવવાની ફિલોસોફી હતી. નાસીપાસ થયા વગર પોતાના કાર્ય પ્રતિ એકાગ્રતા સાથે તલ્લીનતાપૂર્વક સતત મચી રહેવામાં અમૃતા માનતા હતા અને એટલે જ અમૃતા પ્રિતમ સરીખી નોવેલિસ્ટ કે કવિતા સર્જકનો જોટો જડવો મુશ્કેલ છે.
ચૈતને કરવટ લી, રંગો કે મેલે કે લીએ,
ફૂલોને રેશમ બટોરા, તુ નહી આયા
દોપહરેં લમ્બી હો ગઈ, ધાગોં કો લાલી છૂ ગઈ,
દરાજાને ગેહૂં બાલીયાં ચૂમ લી, તુ નહી આયા
બાદલોં કી દુનિયા છા ગઈ,
ધરતીને દોનો હાથ બઢાકર,
આસમાન કી રહેમત પી લી, તુ નહી આયા
કિરનો કા ઝમગટ કહેતા હૈ,
રાતોં કી ગેહરી નીંદ સે,
રોશની અબ ભી જાગતી હૈ, તુ નહી આયા
અમૃતા પ્રિતમની આ કવિતાને સંક્ષિપ્તમાં લેવામાં આવી છે. તેમની કવિતાનો હિન્દીમાં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે. પુસ્તકનું નામ છે ચૂની હુઈ કવિતાયેં.
લગ્ન વિચ્છેદ, બાળકોની જવાબદારી અને લેખિકાની ભીતરની સ્ત્રી વચ્ચે સંઘર્ષ પણ થતો રહે છે. સાહિર સાથેની નિકટતા અને અચાનક સાહિરની વિદાયનો આઘાત જીવનના મધ્યાહને ખૂબ નાની વયના ઈમરોઝનો જીવનમાં પ્રવેશ અને જીવનને મળેલી એક નવી દિશા જીવનની સતત ઉથલ પાથલમાં ચઢાવ-ઉતારના પારખાં કર્યા છે. આ બધી ઘટમાળ અમૃતાના જીવનમા ચિરસ્મરણીય યાદો બનીને કોતરાઈ ગયા છે.
સૂના હૈ...
રાજનીતિ એક કલાસિક ફિલ્મ હૈ
હીરો- બહુમુખી પ્રતિભા કા માલિક, રોઝ અપના નામ બદલતા હૈ
હીરોઈન-હુકુમત કી કુરસી,વહીં રહેતી હૈ
એકસ્ટ્રા-રાજસભા ઔર લોકસભા કે મેમ્બર
ફાયનાન્સર-દિહાડી કે માહીર, કામગર ઔર ખેતીહર( ફાયનાન્સ કરતે નહી કરવાતે હૈં)
સંસદ-ઈન્ડોર શૂટીંગ કા સ્થાન
અખબાર-આઉટડોર શૂટીંગ કા સ્થાન
યે ફિલ્મ મૈં ને નહી દેખી હૈ
સિર્ફ સુની હૈ...ક્યોંકી...
સેન્સર કા કહેના હૈ...
નોટ ફોર એડલ્ટ્સ...
અમૃતા પ્રિતમે સાંપ્રત સ્થિતિ પર પોતાની કલમ આવી રીતે ચલાવી હતી. કેટલાય વર્ષો પૂર્વે રાજનીતિ અંગે તેમણે લખેલી વાતને આજે કોઈ સાબિતી કે અન્ય પિષ્ટપેષણની જરૂરિયાત જણાતી નથી. કારણ કે દરેક શબ્દની સાથે તેમનો વ્યંગ પણ છતો થઈ જ જાય છે.
મૈં ને જિંદગી સે ઈશ્ક કીયા થા
પર જિંદગી એક વેશ્યા કી તરહ
મેરે ઈશ્ક પર હંસતી રહી
ઔર મૈં ઉદાસ એક નામુરાદ આશિક
સોચોં મેં ઘૂલતા રહા
પર જબ એક વેશ્યા કી હંસી
મૈં ને કાગઝ પર ઉતારી
તો હર લફ્ઝ કે ગલે સે એક ચીંખ નીકલી
ઔર ખુદા કા તખ્ત બહોત દેર તક હિલતા રહા
જિંદગી એક વેશ્યાની જેમ ક્યારેય કોઈની થઈ નથી. રોજે રોજ નવા કારસ્તાનો કરે છે, કરાવે છે. દુરથી સોહમણા સ્વપ્નો દેખાડી લોભામણી અને છેતરામણી માયાજાળ રચતી રહે છે. જિંદગીની કટુતા વિશે મન કડવાશ નિચોવે છે તો કવિયત્રીનું મન ચગડોળે ચઢે છે. હાસ્યને શબ્દ વેદના મળે છે ત્યારે ચિત્કાર નીકળે છે અને અમર્યાદિત રીતે હંસતું રહે છે અખિલ બ્રહ્માંડ.
અમૃતા પ્રિતમનું અંગત જીવન તેમના શબ્દોમાં પડઘાય છે. તેઓ પોતાની દરેક કવિતાને સ્વાનુભવમાંથી જ સ્ફુરિત કરતા રહે છે.
આજ મૈં ને અપને ઘર કા નંબર મિટાયા હૈ
ઔર ગલી કે માથે પર લગા ગલી કા નામ હટાયા હૈ
ઔર હર સકડ કી દિશા કા નામ પોંછ દીયા હૈ
પર અગર આપ કો મુઝે ઝરૂર પાના હૈ
તો હર દેશ કે, હર શહેર કી, હર ગલી કા દ્વાર ખટખટાઓ
યે એક શાપ હૈ, એક વર હૈ
ઔર જહાં ભી આઝાદ રૂહ કી ઝલક મીલે
સમઝના વો મેરા ઘર હૈ...
ઘર છે, ઘર પર નંબર પ્લેટ છે, ઘર નંબર છે, નેમ પ્લેટ છે. માણસો ઘરમાં જ વસે છે, પણ માણસાઈ ક્યાંક રઝળી રહી છે. જો એ પાછી મેળવવાની હશે તો દંભના પડદા ચીરી, નિખાલસતા, નિસ્વાર્થપણા અને પ્રમાણિકતા સાથે ધરોબો કેળવવો પડશે, તો જ કદાચ આપણે એકમેકને પામી શકીશું, ઓળખી શકીશું. અમૃતા પ્રિતમની કવિતાઓમાં સામાજિક જીવની ઝલક આવ રીતે રિફલેક્ટ થયા કરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર