શાયરાતનું યોગદાન : સર્વ પ્રથમ કવયિત્રી જાનિયા બેગમ
શાયરીની પ્રગતિમાં પર્દાનશીન બેગમોનું યોગદાન અમૂલ્ય છે. ઉર્દૂ ગઝલની સર્વ પ્રથમ શાયરા(કવયિત્રી) તરીકે જાનિયા બેગમને ગણવાની રહે છે. વિષાદ, વિરહ, આરોહ, પીડા, વેદના, સાંપ્રત રંગ, ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી સહિતનો સ્ટાન્ઝીકલ કેન્વાસ છે. બેગમોની શાયરીનો સિલસિલો પરવીન શાકિર અને ત્યાર બાદ અંજુમ રહેબર સુધી પથરાયેલો છે. એવું માની શકાય કે જાનિયા બેગમ પહેલાં અનેક અનામી શાયરાઓ ગઝલ ક્ષેત્રે પદાર્પણ કરી ચૂકી હશે, પરંતુ તે પહેલાં સંપૂર્ણ ગઝલ અને સચોટ શાયરીને અનુલક્ષીને જાનિયા બેગમનું નામ લેવામાં આવે છે.
ડબડબાઈ આંખ આંસું થમ રહે,
કાસા-એ નરગિસ મે જૂં શબનમ રહે.
(કાસા - ભિક્ષાપાત્ર, નરગિસ- એક ફૂલ, જેની શાયરોએ આંખ સાથે સરખામણી કરી છે. મહેબૂબની મસ્ત આંખો)
જાનિયા બેગમ મિરઝા બાબરની દીકરી હતી. શાહબહાદૂર વલદ અહેમદ શાહના દરબારની સન્માનિત શાયરા હતી. તેઓ મિરઝા રફી 'સૌદા'ની શિષ્યા હતી.
તેરી ઉલ્ફત મે યે હાસિલ હુઆ હૈ,
ગહે મુઝતર હૈ દિલ ગાહે તપાં હૈ.
ગુન્ના બેગમ દહેલ્વીનો આ શેર છે. તેઓ દિલ્હીમાં જન્મયા હતા. મઝહર જાનેજાનાના શાગિર્દ મુનશી ઈનામુલ્લાહ ખાં 'યકીન'નાં શિષ્યા હતા. ગુન્ના બેગમ 'શૌખ'નું નામ ફિલબદી ગઝલ(તાબડતોડ ગઝલ)માં મશહૂર હતું.
શબ કો મિયાં તલબ મે તેરી, હમ ગયે ભટક-ભટક,
જૂં હલક-એ-દર પે રેહ ગયે સર કો પટક-પટક,
મેરી ભી મુશ્તે ખાક કા કુછ પાયા હૈ જરૂર,
અય જામા-એ-ઝૈબ જાઈયો દામન ઝટક-ઝટક.
(હલકા - દાયરા, મજલિસ, મુશ્તે ખાક - મુઠ્ઠીભર ધૂળ, જામા-એ-ઝૈબ - એવો પોશાક જે કોઈ પણ સ્ત્રી - પુરુષ પર શોભે)
ગુન્ના બેગમ મીર કમરૂદ્દીન મિન્નતથી ઇસ્લાહ લેતા હતા. તેઓ નવાબ ઈમામુદ્દૌલાનાં પત્ની હતા.
અબ્ર છાયા હૈ, મીનાહ બરસતા હૈ,
જલદી આ જા કે જી તરસતા હૈ.
નવાબ આસીફુદૌલાની હોટ ફેવરીટ હતી, 'પારસા'. મૂળ નામ જુદું હતું. નવાબ મિરઝા મોહમ્મદ તકીયુદ્દીન ખાં 'હવસ'ની દીકરી હતી.
તને સૂરતે હબાબ બના ઔર બિગળ ગયા,
યે કસરે લાજવાબ બના ઔર બિગળ ગયા,
ચલતા નહી હૈ અબલકે અય્યામ એક ચાલ,
અકસર યે બદરે-કાબ બના ઔર બિગળ ગયા.
( હબાબ - પરપોટો, કસર - હવેલી, અબલક - રાત-દિવસ, અય્યામ - જમાના, દૌર, સિલસિલો, બદરેકાબ - શરારતી, તોફાની ઘોડો)
નવાબ ઈન્તેઝામુદ્દીનની દીકરી અને અવધનાં નવાબ આસીફુદ્દૌલા બહાદૂરની બેગમો પૈકીની એક હતી દુલહન બેગમ.
બહા હૈ ફૂટકે આંખો સે આબલા દિલ કા,
તેરી હી રાહ સે જાતા હૈ કાફિલા દિલ કા.
.......
મત કરો ફિક્ર ઇમારત કી કોઈ ઝેરે ફલક,
ખાનાએ દિલ જો ટૂટા હૈ ઉસે આબાદ કરો.
(ઝેરેફલક - ગગનચુંબી)
યાસમીન આમ તો નામ ધરાવતી કવયિત્રી ઈન્શા ઉલ્લાહ ખાનની કનીઝ હતી. ચમેલી તખલ્લુસથી શાયરી કરતી હતી.
યાદ આયા મુઝે ઘર દેખ કે દશ્ત,
દશ્ત કો દેખા કે ઘર યાદ આયા,
સૂરમાં ખિલવાયા ખમોશીને મુઝે,
જબ વો મંઝૂરેનજર યાદ આયા.
નવાબ ઈશરત મહેલ 'ઈશરત' અવધનાં બાદશાહ વાજીદ અલીશાહનાં પત્ની હતા. તેમને પતિ સાથે જ કોલકાતા મોકલી આપવામાં આવ્યા હતા.
ગરમીએ ઇશ્ક માનો નશોનુમાં હુઈ,
મૈં વો નિહાલ થા કે ઉગા ઔર જલ ગયા.
(નશોનુમાં - ઉજાગર થવું, નિહાલ - તાજો છોડ)
નવાબ સદર મહેલ 'સદર' વાજીદઅલી શાહની બેગમો પૈકીની એક હતી. તેમનો ગઝલ સંગ્રહ પણ પ્રસિદ્ધ થયો હતો.
મૈને બલાયેં લેને કો હાથ બઢાયે જબ ઉધર,
મુંહ કો ફિરાકે યારને મુઝસે કહા અલગ-અલગ.
હિજ્રમે ખૂબ ખાક ઉળી, ઉનકો હૂઆ ના કુછ અસર,
નાલે ગયે અલગ-અલગ, આહે રસાં અલગ-અલગ.
નવાબ અખ્તર મહેલ 'અખ્તર' તૈમુર વંશથી સંબંધ ધરાવતા હતા. 19મી સદીનાં અંત સુધી જીવિત રહ્યાં હતાં.
આસ્તાં પર તીરે પેશાની કો ઘિસતે,
સર હી ગાયબ હુઆ, જીસમે કે તીરા સૌદા થા,
ખત લે કે નામાબર સે જો ટુકળે ઉળા દીયે,
ગૈરોને આજ ઉન કે તઈં કુછ કુછ પઢા દીયે.
ઝિયાઈ બેગમ 'ઝિયા' લખનૌનાં પ્રખ્યાત વૈદ્ય હકીમ અનવર અલીનાં પત્ની હતા.
મૈ હું નંગે ખલ્ક, કહેતી હૈ મુઝકો ખાક,
ઈસ કો બનાકે ક્યૂં મેરી મિટ્ટી ખરાબ કી.
સૈયદુન્નીસા 'હરમાં'ની કલમ પર ઉર્દૂ ગઝલને હંમેશાં ગર્વ રહેશે. મૌલાના ફઝલેહક ખૈરાબાદીનાં દીકરી હતા. તેમના પુત્ર "મુઝતર ખૈરાબાદી"ને પણ માતા સૈયદુન્નીસાએ જ તૈયાર કર્યો હતો. પુત્રની ગઝલની પણ તેઓ જ ઇસ્લાહ કરતા હતા. 13 વર્ષની ઉંમરે મુઝતર ખૈરાબાદીએ ગઝલ લખી હતી. તેનો મતલા હતો.
ઢૂંઢતે હમ ક્યૂં દવા, અયે દર્દએ દિલ
તુમ અગર હોતે બજાયે દર્દએ દિલ
ઉર્દૂ શાયરીમાં ‘હરમા’ પોતાનો પ્રભાવ છોડી ગયા છે. તેમના શેર જોઈએ.
દર્દે દિલ, દર્દે જિગર, કાવિશે દિલ, કાવિશે જાઁ,
ઇતને આઝાર હૈ જીને કે ઔર એક કલેજા મેરા.
શાયરા(કવયિત્રી)ઓનું યોગદાન ઉર્દૂ જગત ભૂલી શકશે નહી. પરવીન શાકિર, અંજુમ રહેબર સુધી ચાલી આવેલો સિલસિલો લતા હયા અને કવિતા કિરન સુધી વિસ્તર્યો છે. 18 અને 19મી સદીમાં શાયરાઓની શાયરી જોતાં સ્પષ્ટ થાય છે ગઝલ પર માત્ર શાયરોનું જ પ્રભુત્વ નથી પણ શાયરાઓએ પણ ગઝલનાં જતન સંવર્ધન માટે જીવન ખર્ચી નાંખ્યું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર