તવાયફોની શાયરી : મલિકાબાઈથી લઈ ઉમરાવજાન સુધી
શાયરીનો રંગદર્શી મિજાજ છે. શાયરીમાં લાગણીઓના ધોધમાર દરિયા વહે છે. એક જમાનો હતો મુજરાખાનાનો. આજે મુજરાનો જમાનો નથી. અનેક લોકો મુજરા સાંભળવાના શોકીન હતા. જેને કોઠાની રોનક કહેવાય છે, તેને સમાજ તવાયફના નામથી બોલાવે છે. આજે દેશના બહુ ઓછા સ્થળો પર તવાયફોની પાયલ રણઝણે છે. જીસ્મફરોશીને જ તવાયફ સમજી લેવાનું જરૂરી નથી.
શાયરીના રંગદર્શી દૌરની ભીતરમાં કેટલીક તવાયફોની શાયરીનો વૈષાદિક આકાશ છે. હું તમને અઢારમી સદીમાં લઈ જવા માંગું છું. અઢારમી અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને પૂર્વાધમાં તવાયફોની શાયરીની એક સોનેરી ક્ષિતિજ આજે પણ ડોકાતી જોવા મળે છે. આમ તો લોકજીભે માત્ર ઉમરાવજાનનું નામ જ ચર્ચિત અને પ્રચલિત છે. પરંતુ ઉમરાવજાનની સમાંતરે અનેકવિધ તવાયફો એવી છે કે જેમણે શાયરીમાં કાઠું કાઢ્યું હતું. ઝીનત જાન દહેલ્વી, મલિકાબાઈ ચન્દા, મહેરજાન, નઝાકત, હુસૈન બાન્દી શબાબ , હેન્ગન જાન, કમ્મન તવાયફ, હુસૈનીજાન મખમૂર, મુશ્તરી અને ઉમરાવજાન સહિત સંખ્યાબંધ નામો તવાયફોની શાયરીના લિસ્ટમાં શામેલ છે. બાદશાહો અને નવાબોમાં તે સમયે એક કહેવત પણ પ્રચલિત હતી કે "અદબ શીખના હો તો કોઠે પર જાઓ..."
ઉમરાવજાનનું કિરદાર ફિલ્મો અને પુસ્તકોના માધ્યમથી લોકમુખે ચર્ચિત બન્યું પણ ઉમરાવજાન કરતાં પણ તવાયફગીરી અને શાયરીમાં મલિકાબાઈ ચન્દાનું નામ પ્રખ્યાત છે. મલિકાબાઈનો શેર જાઈએ.
અખલાક સે તો અપને વાકીફ જહાન હૈગા
પર આપ કો ગલત કુછ અબ તક ગુમાન હૈગા.
મલિકાબાઈ ચન્દા દક્ષિણ ભારતની હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે રેખતા (ઉર્દૂનું પ્રારંભિક નામ) ગઝલ સંગ્રહ સુધી જનારા સર્વપ્રથમ શાઈરા મલિકાજાન હતી. લગભગ પાંચ સો જેટલા સુરક્ષા દળો તેની કોઠી પર તૈનાત રહેતા હતા. લખલૂંટ દોલત હતી. સંગીત અને તીરંદાજીનો પણ ભારે શોખ હતો. કસરત કરતી અને પહેલવાની કરતી. તે સમયના શાયરો મલિકાબાઈ ચન્દાની ભારોભાર પ્રશંસા કરતા હતા. ૧૭૯૯માં મલિકાબાઈએ જનરલ સલીમને ગઝલ સંગ્રહ અર્પણ કર્યો હતો.
મહેરજાન હશમત દિલ્હીના પહાડગંજની તવાયફ હતી. ૧૮૫૭ના ગદર પૂર્વ સુધી હયાત હતી. ત્યાર બાદ તેનો કોઈ પતો મળ્યો નહિ.
લામકાં તક જા ચુકી હૈ બારહા આહે રસા,
ફાઁદના મુશ્કિલ નહિ કુછ આપકી દિવાર કા.
(લામકાં - અનહદ, બારહા - વારંવાર, આહે રસા - બુલંદ આહ)
ઉત્તર પ્રદેશના નારનોલમાં જન્મેલી એવી જ એક તવાયફ હતી, જેનું નામ ‘નઝાકત’ હતું. નઝાકતે જીવનની અંતિમ ક્ષણો દિલ્હીમાં બેનામી વિતાવી. ખાસ કરીને નવાબ મુસ્તુફા ખાંનું નામ નઝાકતના કદરદાનોમાં લેવાય છે. નઝાકતના અશઆર જાઈએ.
બસકે રહેતા હૈ યાર આંખો મેં
હૈ નઝર બેકરાર આંખો મેં,
મહેફીલે ગૂલરૂખાં મેં વો ગૂલરૂ,
લે ગયા દિલ હઝાર આંખો મેં,
સુરમાએ ખાકે પા ઇનાયત હો,
આ ગયા હૈ ગુબાર આંખો મેં.
(ગૂલરૂખાં - ફૂલ જેવો ચહેરો, ગૂલરૂ - ફૂલ જેવો ખૂબસૂરત માશૂક, સૂરમએ ખાકે પા - સૂરમા જેવી પગની ધૂળ, ગુબાર - દિલ મેલું થવું, રંજ થવો)
બનારસની મહેફીલોમાં તવાયફોની સંગાથે ગાયિકાઓ પણ હતી. આવી એક ગાયિકા હતી હુસૈન બાંદી "શબાબ". બનારસમાં રહીને શબાબે નવા જામ પાથર્યા તો સાથે-સાથે શાયરીમાં હાથ અજમાવ્યો.
કિસ્મતે બદ દેખએ, પૂછા જો ઉસને હાલે દિલ,
બાંધ કે હાથો કે મૈને કેહ દીયા કુછ ભી નહી.
એવું નથી કે ગાયિકાઓમાં માત્ર ભારતીય સંસ્કરણના નામો જ હતા. બ્રિટીશ ગાયિકાઓની પણ ઉર્દૂ શાયરી નોંધ લે છે. આ ગાયિકા હતી હેગ.
ઉર્દૂ શાયરીને અનેક અંદાજ અને રંગ મળ્યા છે. આધુનિક શાયરીનો આજનો અંદાજ આપણે જાઈએ તે પહેલાં ઉર્દૂ આવે, જાવેના કાફિયા- રદીફમાં રમતી હતી. તવાયફોની શાયરીમાં રેખતાનો અંદાજ ઉપલક આવી જાય છે.
નામ હતું કમ્મન તવાયફ. એક ગરીબ, શ્રમજીવી અને રોજ રળીને ખાનારા કુટુંબમાંથી કમ્મન આવી હતી. મુકામ-પોસ્ટ ભરતપુર હતું. કમ્મન કચરો વણનારી હતી. રેખતાના અંદાજમાં શેર કહેતી.
આહ, મૈ હોતી અગર હઝરતે શબ્બીર કે સાથ,
મારતી શિમર મૂએ કો કીસી તદબીર કે સાથ.
એક બિન મુસ્લિમ તવાયફે કરબલાના શહીદો પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો છે. કમ્મનના આ શેરમાં કરબલાનું નિરૂપણ છે. હઝરત ઇમામ હુસૈનનું એક નામ શબ્બીર પણ છે. શિમર એટલે ઇમામને કત્લ કરનારા યઝીદના લશ્કરનો કમાન્ડર.
બનારસમાં તવાયફોનો મેળો હતો. સાંજ પડે અને ઘૂંઘરુ રણઝણી ઉઠતા. ઢોલ ગાજી પડતા. હુસૈની જાન ‘મખમૂર’ પણ બનારસની જ તવાયફ હતી. તેમના શેર જાઈએ.
કહા યે દેકે જનાઝે કો યારને કાંધા,
સફર હૈ દૂર કા યારો કદમ બઢાયે હુએ,
શહીદ હમ હૈ હમેં એહતિયાજે ગુસ્લ નહી,
કિસી કી તૈગ કે પાની સે હૈ ન્હાયે હુએ.
કરારો, શબ્રો, હવાસ-વ-દિલો જિગર છૂટે,
તુમ્હારે ઈશ્ક મે અપને જો થે પરાયે હુએ.
(એહતિયાજે ગુસ્લ - સ્નાન કરવાની જરૂરિયાત, તૈગ - તલવાર)
જિલ્લા સીતાપુરા, ગામ ખૈરાબાદની અને બજારમાં ‘મુશ્તરી’ના નામથી મશહૂર થયેલી તવાયફ લખનૌના ચોકની રોનક હતી. તેઓનો ગઝલ સંગ્રહ પણ છે અને તેઓ ગાયિકા પણ હતા.
ગફલત મે હમ ઊન કો દેખતે હૈ,
હૈ ખ્વાબ ભી, કુછ ખ્યાલ ભી હૈ.
બાતેં તો વો કરતે હૈ ખુશી કી,
ચહેરે સે અયાં, મલાલ ભી હૈ.
(ગફલતઃ બેદ્યાનપણું, અયાં- જાહેર)
લખનૌની વાત નીકળે તો ઉમરાવજાન ઝોહરાના ઉલ્લેખ વગર અધૂરી બની રહે. ઉમરાવજાન લખનૌ ચોકની ગાયિકા હતી. તવાયફ તો સંજોગોએ બનાવી દીધી હતી. ઉમરાવજાનના અશઆર અવધ અખબારોમાં પ્રસિદ્ધ થતા રહેતા હતા. ઉમરાવજાનના શેર જાઈએ.
તુને હર એક કી સૂની બાતેં
મેરા મતલબ ભી કુછ ભલા સમઝા.
મૈને વલ્લાહ દી દુઆ તુઝકો,
તુ ખુદા જાને દિલ મે ક્યા સમઝા.
બદગૂમાઁ તુઝસે યાર હૈ 'ઝૌહરા',
શુક્ર કો તેરે વો ગિલા સમઝા.
ક્યા રોઝે કયામત મેઝુબાઁ અપની મૈ ખોલું,
બિગરી હુઈ બાતો કો બનાયા નહી જાતા.
દેશભરમાં તવાયફોના કોઠા હતા. ખોટાં કામો કોઠામાં થતા આવ્યા છે, અને એટલે જ ગુજરાતીમાં ‘કોઠા-કબાડા’ શબ્દ બહુવિધ રીતે પ્રયોજાય છે. ‘મુન્ની ઝોહરા’ મૂળ કાશ્મીરી હતી અને કોલકાતા( તે સમયનું કલકત્તા)માં રહેતી હતી. મૌલ્વી અબ્દુલ ગફુર નિસાખની શિષ્યા હતી.
દર્દો ગમે ફિરાક સે શબ કો હુઈ જો બેકલી,
દિલ કી કશીશ કશાઁ-કશાઁ ઉસકી ગલીમે ચલી.
હિજ્ર તેરે ગુલબદન વકફે આલમ હૈ જાનોતન,
બિસ્તરે ખાર સે ફઝું મુઝકો હૈ ફર્શે મખમલી.
ગુન્ના જાન દરભંગાની તવાયફ હતી તેમના શેર જાઈએ.
ક્યૂં ન ચરખે પીર કો કહેતે હૈ દિવાના મિઝાજ,
હાય, યે પીરાનાસાલી ઔર તિફલાના મિઝાજ.
ઈક શિમારે રહમત અપને વાસ્તે કાફી હૈ શૈખ,
કિજિએ ઈતના ન લેકર સજા સદદાના મિઝાજ.
પુખરાજ બેગમનું જીવન હાલક ડોલક હતું. આગરા, માલદા અને અટાવા જેવાં શહેરોમાં પુખરાજ બેગમે જિંદગીના વરસો પસાર કર્યા હતા. તેઓ ખૂબ જ બા-કમાલ ગાયિકા હતા.
દૂનિયામે મિસલે ખ્વાબ હમારી હયાત હૈ,
ક્યુ કર ખ્યાલે યાર ન પેશે નઝર રહે.
તારીકીએ અમલ સે કીયા ગૌર મે મુકામ,
મંઝીલ મે શબ તો સરા મે ઉતર રહે.
'પુખરાજ' બાદે મર્ગ ભી ગમ સાથ લે ચલો,
બહેતર હૈ પાસ અપને પાસ ઝાદે સફર રહે.
એગ્લો ઈન્ડીયન તવાયફોમાં મલિકાજાન મલિકાનું નામ પ્રચલિત છે. સારી નૃત્યાંગના, ગાયિકા અને શાઈરા હતી. તેમનો ગઝલ સંગ્રહ ‘મુખઝીને ઊલફતે મલિકા’ ૧૮૮૦માં કોલકાતાથી પ્રસિદ્ધ થયો. આ સંગ્રહમાં ૧૬૦ ગઝલો ઉપરાંત ઠૂમરી, હોલી ગીતો અને દાદરી સામેલ છે. મલિકા વિશે અનેક શાયરોએ કસીદા પણ લખ્યાં છે. ટીપુ સુલતાનના વંશજના પ્રિન્સ મહંમદ ઇબ્રાહીમ શાહ(કોલકાતા)એ પણ મલિકાજાન મલિકાની સરાહના કરી હતી. દાગ દહેલ્વીના શાર્ગીદ ઉસ્તાદ હકીમ નબ્બુ સાહબ ‘હિલાલ’ની મલિકા શાર્ગીદ હતી. મલિકા જાન મલિકાની શાયરી પર એક નજર નાખીએ.
- આપ હી આપ યૂં જો રોતી હો,
મલિકા’ સચ કહો, ક્યા યાદ આયા.
- દેખા જો શૌખને ‘મલિકા’ કા બંધા હૈ રંગ,
મહેફીલ મે છીન લી ગઝલ ઉસને બઢાકે હાથ.
- જબ ઉનસે કહેતી હું મેરી જાન નહીં મિલતે,
કીસ નાઝ સે યે કહેતે હૈ ‘હાં-હાં’ નહીં મિલતે.
તવાયફોની શાયરી અચ્છા-અચ્છા શાયરીનાં ખાન સાહેબોની બોલતી બંધ કરનારી છે. તવાયફ પણ ઇન્સાન છે, તેનામાં પણ અહેસાસ છે. લાગણીઓનો ભંડાર છે. વળી પાછી સ્ત્રી છે તો સ્વાભાવિક પણે લાગણીનો લખલૂંટ ખજાનો કલમથી પ્રગટ્યો છે. "ઔરતને જન્મ દીયા મર્દો કો, મર્દો ને ઉસે બાઝાર દીયા" સાહિર લુધિયાનવીએ કદાચિત્ તવાયફની ભીતરની તવાયફને આ નઝમમાં અકબંધ કરી હોવાનું લાગે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર