ગઝલની વાસ્તવિક સૂરત અને મુકદ્દમાના મહત્વના પાસા
અય શમા ! તેરી ઉમ્ર તબીઅ હૈ એક રાત,
હંસકર ગુઝાર દે યા ઇસે રોકર ગુઝાર દે
ગઝલની વાસ્તવિક સૂરત અને મુકદ્દમાના મહત્વના પાસા ક્યા-ક્યા છે? ગઝલની વાસ્તવિક સૂરત એ છે કે તેનો પ્રારંભ શું કહેવામાં આવ્યું ત્યાંથી થાય છે અને શા માટે કહેવામાં આવ્યું ત્યાં પૂર્ણ થાય છે. ગઝલના ભીતરી પાસાઓમાં વિચાર, વિષય, દલીલ,મૂળતત્વ અને કન્ટેન્ટ સામેલ છે તો ગઝલના જાહેર પાસાઓમાં ભાષા, વર્ણન, અદાયગીરી, દલીલ સામે દાવાની પૂર્ણતા અને ફોર્મનો સમાવેશ થાય છે.
હવે ગઝલના જાહેરી પાસા પર વાત કરીએ. ગઝલમાં કોઈ પણ વાત સીધી રીતે કરવામાં આવતી નથી પણ ઘુમાવી, ફેરવી, પ્રતિકો અને ઈશારતમાં કરવામાં આવે છે. આ તમામ બાબતોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાનો હોય છે. દાખલા તરીકે એક પ્રખ્યાત શેર છે.
ફૂલ ખીલકર કુછ બહાર અપની! સબા દિખલા ગયે
હસરત ઉન ગુંચોં પે હૈ જો બિન ખીલે મુરઝા ગયે
આ શેરનો મૂળ વિષય શું છે? જાહેર છે કે ફુલના માધ્યમ મારફત શાયરે માણસની જિન્દગીની કડવી વાસ્તવિકતા તરફ ઈશારો કર્યો છે કે ગમે તેટલા કુનેહબાજ અને હોશિયાર માણસો આ દુનિયામાં કસમયે કે વિકસિત થતા પહેલાં જ ખતમ થઈ ગયા. બીજો એક શેર જોઈએ.
અય શમા ! તેરી ઉમ્ર તબીઅ હૈ એક રાત
હંસકર ગુઝાર દે યા ઇસે રોકર ગુઝાર દે
અહીં શાયર શમા અને શમારૂદન મારફત કઈ હકીકત ઉજાગર કરે છે? શાયર કહે છે કે જિંદગી ખૂબ જ ટૂંકી છે અને માણસે આ ટૂંકી મુદ્દતમાં વધુમાં વધુ કરવાનું રહે છે.
ગાલિબના કેટલાક શેર જોઈએ.
કયું જલ ગયા ન તાબે રુખે યાર દેખકર
જલતા હું અપની તાકતે દીદાર દેખકર
આ શેરમાં અદેખાઈ, ઈર્ષ્યા અનુબંધિત થઈ છે. એક જ શેરમાં બે વખત સળગવાની વાત આવે છે. પણ બન્ને વખત તેના સંદર્ભો અલગ છે. આ શેરમાં શાયરને પોતાની જાત પ્રત્યે, સહનશક્તિ અને દર્શન કરવાની શક્તિથી અદેખાઈ થાય છે. પ્રિયતમાનું સૌંદર્ય, ચમક-દમક પણ તેને રાખ કરી શકતા નથી. જાહેર છે કે અહીંયા ઈર્શ્યા, અદેખાઈને એક પ્રતીક તરીકે જ લેવામાં આવી છે. શાયરે અદેખાઈ મારફત ક્યા વિચારની શેરમાં બાંઘણી કર ી છે? એક તરફ પ્રિયતમાનું સૌંદર્ય અને બીજી તરફ ઈશ્કનું જનુંન છે. બિલકુલ આવા જ અન્ય એક શેરમાં ગાલિબે વધુ સચોટતાથી લખ્યું છે.
દેખના કિસ્મત કે અપને આપ પે રશ્ક આ જાયે હૈ
મૈ દેખું ભલા, કબ મુઝ સે દેખા જાયે હૈ
રશ્ક(અદેખાઈ-ઇર્ષ્યા) એ ગાલિબનો મનપસંદ વિષય રહ્યો છે. તેમના આ વિષય પર વધુ બે શેર જોઈએ.
નફરત કા ગુમાં ગુઝરે હૈ, મૈં રશ્ક સે ગુઝરા,
ક્યુંકર કહું લો, નામ ના ઉનકા મેરે આગે
છોળા ન રશ્ક ને તેરે દર કા નામ લું
હર એક સે પૂછતા હું કે જાઉં કિધર કો મૈં
અદેખાઈ એટલી તીવ્ર બની જાય છે કે કંઈ સૂઝ પડતી નથી. અન્ય કોઈ પણ પ્રિયતમાનાં ઘર તરફ જુએ તો અદેખાઈ થાય એ સ્વભાવિક છે. અને આવી દિવાનગીમાં દિશાશૂન્ય ગાલિબને અદેખાઈ થકી માશૂકાનું ઘર છોડવાનું જરાય ગમતું નથી.
જીસ સર કો ગુરુર આજ હૈ યહાઁ તાજોરી કા
કલ ઉસ પે યહીં શોર હૈ નૌહાગરી કા
મીર તકી મીરનો આ શેર છે. તાજોરી એટલે કે બાદશહતની સૌથી મહત્વની ઓળખ ઘમંડ છે. સત્તાનો નશો ઘમંડને નોતરે છે. જે માથા પર હુકુમતનો તાજ હોય છે તે સદા ઘમંડમાં ચકચૂર હોય છે. પણ આવી બાદશાહતનો અંજામ મોત છે. એક દિવસ મૃત્યુ આ ઘમંડને ખતમ કરી નાખે છે અને બાદશાહતને રાખ કરી દે છે. અંતે નૌહાગરી એટલે માતમ સિવાય બીજું કશું હોતું નથી. આ શેર જગતના અતિ ભૌતિકવાદી, ભોગવિલાસી તરફ અંગુલીનિર્દેશ કરી અટકવાનું કહે છે.
આ શેરમાં જે વિષય લેવામાં આવ્યો છે તે ત્યારે પણ નવો ન હતો. ઉર્દુ શાયરીમાં આ વિષય પ્રચલિત છે. આવા પ્રકારનાં વીસો શેર મળી આવશે. ખુદ મીરે પણ આવા વિચારને અનેક વાર ગઝલમાં પ્રયોજ્યા છે. સ્વંય મીરે પોતે પણ આવા વિચારોને અનેક વાર પ્રકટ કર્યા છે.
કલ પાઁવ એક કાસએ સર પર જો આ ગયા
યકસર વો ઇસ્તેખ્વાને શિકસ્તોં સે ચુર થા
કહેને લગા કે દેખ કે ચલ રાહે બેખબર
મૈ ભી કભુ કસુ કા સર પર ગુરુર થા
આ શેરોમાં જે વાત રજૂ થઈ છે તે એવી નથી કે જેને ન તો કાનોએ સાંભળી હોય કે આંખોને દેખી ન હોય, મગજે વિચારી ન હોય, પણ આ શેરોમાં જગજાહેર હકીકત સામેલ છે. વિષય મૌલિક નથી. વિચાર નવો નથી. પરંતુ શાયરીનાં અંદાઝે બયાનનાં કારણે વિચારને ઉત્તૃન્ગ શિખરે પહોંચાડી દીધો છે. શાયરે બાદશાહત અને બાદશાહત થકી જન્મેલા ઘમંડની વાત કરી છે. શેરને માતમ, રંજ અને વેદનાનાં દાયરા સુધી લઇ જઈ વિષયને અસરકારકતા અર્પી છે. આના કારણે શેર ધારધાર અને અણીદાર બન્યો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર