પેન, લખોટી, ચાકના ટુકડા, મુજને પાછા આપો...

03 Dec, 2017
07:01 AM

PC:

કૈલાશ પંડિતનું નામ સામે આવે અને કલમને ઝળહળ્યા થયા કરે. નાની ઉંમરે ગુજરાતી ગઝલને અદ્વિતીય શેરોની ભેટ ધરનાર કૈલાશ પંડિતનો અક્ષરદેહ આજે પણ કેટલાય કવિઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. 

તારી ઉદાસ આંખમાં સપના ભરી શકું

મારું ગજું નથી કે તને છેતરી શકું

કૈલાશ પંડિતની પાસે પોતાનો આગવો ગઝલિક કેન્વાસ છે. આમ તો દરેક કવિનો સ્પેશિયલ રંગદર્શનાત્મક ગઝલ ફલક હોય છે પણ કૈલાશ પંડિતને કુદરતે ખાસ પ્રકારે નવાજેશ કરી હતી. માણસની મુફલીસી કેવાં-કેવાં વાઘા સજીને આવે છે તેનું વર્ણન આ શેરમાં છે. કવિ ખુદથી જ ભારે વ્યથિત છે, વૈષાદિક અનુભાવલિ તેને કોરી ખાય છે. આંતરમનમાંથી ઉઠેલા વિષાદભાવને કૈલાશ કહે છે હું એટલો પણ સાત્વિક નથી કે કોઈની ઉદાસીને દુર કરી શકું. કોઈ ડંફાશ માર્યા વગર સીધે-સાદું સાદગી ડોકાય છે. આજકાલ છેતરામણીનું ચલન વધારે છે. છેતરો અને આનંદ પામોની નપાટતાએ અજગરી ભરડો લઈ લીધો છે.

માત્ર 36 વર્ષની ઉંમરે 8-11-1994નાં દિવસે કૈલાશ પંડિતનો દેહવિલય થયો. -કૈલાશ  પંડિત મૂળ મધ્યપ્રદેશના, આ કવિ ગુજરાતી ગઝલ માટે પનારો પાડ્યા પછી દૂધભાષામાં લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયાં છે.  

કૈલાશ પંડિતનો અન્ય એક શેર જોઈએ.

મહેફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે

મારા ગયા પછી જ મારી વાત થઈ હશે

લોકો કહે છે  કહે છે ભીંત છે, બસ ભીંત છે ફકત,

‘કૈલાશ’ મારા ઘર વિશેની વાત થઈ હશે

કૈલાશ પંડિત ગુજરાતી સર્વકાલીન ગુજરાતી કવિઓમાં ઉત્તમ કોટિનાં કવિ છે. તેમનો શબ્દદેહ વિલાતો નથી પણ દિવસે દિવસે વધુને વધુ નિખરે છે. એ જ હોય છે એક અમર કવિનું પ્રમાણપત્ર. કૈલાશ નથી એવું કોઈ માની શકે એમ જ નથી. 

ઘડીમાં રિસાવું ! ખરા છો તમે

ફરીથી મનાવું ? ખરા છો તમે

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,

અમારે ક્યાં જાવું? ખરા છો તમે

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,

નવી ક્યાંથી લાવું? ખરા છો તમે

કૈલાશની કલમ સમ-સંવેદન કરે છે અને એક નાવીન્યતા અને ચમત્કૃતિ સતત પ્રતિબિંબિત થયા છે. ખરા છો તમે...કવિનો એક મજાકીયુંપણું છે પણ સાથ સાથ દર્દનું બયાન પણ કરે છે. દર્દ સાથે છલકાતી ખરા છો તમેની કેફિયતે ગઝલના મૂળ સૌષ્ઠવને જીવંત બનાવી દીધું છે.

કૈલાશ પંડિતની લોકપ્રિય ગઝલ ‘’પેન, લખોટી, ચાકના ટુકડા મુજને પાછા આપો’’ Khabarchhe.comનાં ગઝલપ્રેમીઓ માટે અત્રે રજૂ કરવામાં આવી રહી છે.

બચપણની શું ઉંમર સરી ગઈ, ઘરની સઘળી વસ્તુ મરી ગઈ

બહુ સૂના છે ઘરનાં ખૂણા, શાંત ઉભા છે દ્વારનાં પડદા,

બંધ પડ્યા છે મેજનાં ખાનાં, રડી રહ્યા છે બધાં રમકડાં

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઈ ગઈ

બિસ્તર કેરી ચાદર જાણે, બાળવિહોણી માતા થઈ ગઈ

આખો દિ’ ઘર આખાને, બસ માથે લઇને ફરતો’તો,

સઘળી વસ્તુ ઉલટી-સીધી , અમથી-અમથી કરતો’તો,

પેન, લખોટી, ચાકના ટુકડા ખિસ્સા માંહે ભરતો’તો

જૂનાં પત્તાં, રેલ ટીકીટને મમતાથી સંઘરતો’તો

ખળખળ વહેતા ઠંડા જળમાં, છબછબિયાં મેં કિધાં’તાં

મારા હાથે મારાં કપડા ભીંજવી મેં તો લીધાં’તાં,

પરિકથાના જેવા અનુભવ રોજ રોજ મેં કીઘાં’તાં

કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દીધાં’તા

કોઈ દિવસ મેં શોધી નો તી તોય ખુશીઓ મળતી’તી

નાની મોટી સર્વે આશા પળમાં મારી ફળતી’તી

મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી

સૂના થયેલા ખૂણા સામે વિહવળ થઈને નીરખું છું,

શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીંટું છું,

ઘરની સર્વે ભીંતોને હું હળવેથી પંપાળું છું,

ખોવાયેલાં વર્ષોને હું મારા ઘરમાં શોધું છું,

ક્યાં ખોવાયું બચપણ? મારું ક્યાંકથી શોધી કાઢો

મીઠાં મીઠાં સપનાંઓની દુનિયા પાછી લાવો,

મોટર, બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો,

પેન, લખોટી, ચાકના ટુકડા, મુજને પાછા આપો 

કૈલાશની આ કવિતામાં બાળપણ કેટ-કેટલો કલ્પાંત કરે છે તે જીવંત થઈ ઉઠે છે. આજનું બાળપણ ખરેખર ખોવાઈ ગયું છે. પેન, લખોટી અને ચાકનાં ટુકડા નજીકનાં ભવિષ્યમાં જો-જો એક ભૂતકાળ બની જશે. આજનું બાળપણ સાવ જ પીંખાઈ ગયું છે. ઈન્ટરનેટીયા, કમ્પ્યુટરીયા અને મોબાઈલ્યા જમાનામાં બાળપણનો જાણે જનાજો કાઢી નાંખવામાં આવ્યો છે. બાળપણ શું છે તે જોવા માટે પણ આજે માણસે તડપવું પડે છે. ખરા અર્થમાં બાળપણની વાવણી જ નકરા યુરિયા અને પાઉડરીયા કલ્ચરથી કરવામાં આવી રહી છે ત્યારે કોણ કહેશે કે મારું બચપણ મને પાછું આપો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.