213 - સી વ્યૂ એપાર્ટમેન્ટ
મુંબઈ બાંદ્રાના કાર્ટર રોડ પર આવેલા લક્ઝુરિયસ બંગલાઓ સતત દરિયા સામે તાકતા રહે છે. ખાસ્સા એવા ફિલ્મ સ્ટાર્સ અને જાણીતી સેલેબ્રિટીઝનાં ઘરની આસપાસ ભલે ખૂબ નાનો એવો 1BHK ફ્લેટ ભાડે લીધો હોય, પણ ગિરીશ અને મેઘાને ખૂબ જ પ્રાઉડ થતું હતું કે એ લોકો બાંદ્રાનાં કાર્ટર રોડનો હિસ્સો બન્યા હતા!
બે-ત્રણ દિવસમાં પોતાનો શિફ્ટ કરેલો સામાન ગિરીશ અને મેઘા બરાબર ગોઠવી રહ્યા હતા! બાલ્કનીમાંથી દેખાતી ચહલ પહલ અને થોડે દૂરથી આવતો દરિયાનાં મોજાનો અવાજ બંનેને રોમાંચિત કરી દેતો. ગિરીશ સોફ્ટવેર એન્જિનિયર તો હતો જ, પણ એક સરસ સ્કેચ આર્ટિસ્ટ પણ હતો! એને આબેહૂબ સ્કેચ બનાવવા માટે પ્રિઝમાં એપની જરૂર નહોતી પડતી! મેઘા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હતી પણ અત્યારે પ્રેગનન્ટ હોવાથી એ મેટરનિટી લિવ પર ઘરે હતી.
આજુબાજુનાં શોપિંગ મોલ્સમાં બંને જણ શોપિંગ કરતા, ફિલ્મો જોતા અને ધીમે ધીમે મુંબઈમાં લાઈફ સરસ રીતે સેટ થઇ રહી હતી! ગિરીશ અને મેઘા જે ફ્લેટમાં રહેવા આવેલા એનું નામ હતું 'સી વ્યૂ'. ડૉક્ટર ખોરાકીવાલા એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ હતાં અને બહુ થોડા જ દિવસોમાં ગિરીશે એમની સાથે સારી એવી દોસ્તી બનાવેલી. વીકેન્ડ આવ્યો અને ગિરીશ ઓફિસના કામમાંથી થોડો ફ્રી પડ્યો. શનિવારની રાત્રે ગિરીશ રિક્લાઈનર ચેરમાં બેઠો બેઠો મેગેઝિન વાંચી રહ્યો હતો અને મેઘા કામ પતાવી વહેલી સૂઈ ગઈ હતી. ગિરીશ પાણી પીવા માટે ઉઠ્યો અને અચાનક એને બાલકનીનાં દરવાજા પાસે એક નાની છોકરી દેખાઈ. ગિરીશને માનવામાં જ ન આવ્યું. ગિરીશે બરાબર જોયું કે એક છોકરી હાથમાં કોઈ રમકડું લઈને ઊભી હતી, ગિરીશ એને વહેમ સમજી ભૂલી ગયો અને ફરી મેગેઝિન વાંચવા લાગ્યો.
ગિરીશ થોડી વાર પછી વોશરૂમ જવા ઊભો થયો અને બારણું ખોલી જોયું તો અંદર કમોડ પર એ જ નાની છોકરી ફરી બેસેલી દેખાઈ! ગિરીશ એટલો ડરી ગયો કે તરત દરવાજો બંધ કરી કિચનની લાઈટ ઓન કરી ફરી થોડું પાણી પી ગયો. સવાર પડી બધું નોર્મલ હતું, ગિરીશે મેઘાને આગલી રાતનાં અનુભવ વિશે કોઈ વાત ન કરી. મેઘા શાકભાજી લેવા ગઈ, અને કહીને ગઈ કે એકાદ કલાકમાં પરત આવી જશે.
ગિરીશ અને મેઘા જયારે રહેવા આવ્યા ત્યારે આ જ ઘરમાં શૂઝ રેક પાસે એક સરસ નાનકડો બોન્સાઇ છોડ નાનાં કૂંડામાં રાખેલો હતો જે મેઘા અને ગિરીશ બંનેને ગમતો. ગિરીશે દરવાજો બંધ કર્યો અને પોતાનાં સન્ડે મૂડમાં આવીને ટીવી ઓન કર્યું! નજર તરત બાલકની તરફ ગઈ અને એ આઘાતથી ભયભીત બની ગયો, ફરી એ જ નાની છોકરી સફેદ ફ્રોકમાં ઊભી હતી, દોડીને એ પેલા બોન્સાઇ છોડ તરફ ગઈ અને એક ગ્લાસથી છોડને પાણી પીવડાવવા લાગી. ગિરીશે એ નોટિસ કર્યું કે એ છોકરી ગિરીશને નહોતી જોતી!
મેઘા આવીને રસોઈ કરવા લાગી, ગિરીશ પોતે એક સ્કેચ આર્ટિસ્ટ હતો એટલે એ આ આખી મિસ્ટ્રી સોલ્વ કરવા માટે એક સ્કેચ બુક લઈને પેલી છોકરી જે એને અત્યાર સુધીમાં ત્રણેક વાર દેખાઈ ચૂકી હતી એનો સ્કેચ બનાવવા લાગ્યો. એકદમ આબેહૂબ સ્કેચ તૈયાર થઇ ગયો અને ગિરીશે એને સંતાડી દીધો. પોતાની કાર સાફ કરવા એ થોડી વાર માટે નીચે પાર્કિંગમાં ગયો, એવામાં મેઘાને રસોઈ કરતા કરતા કોઈએ એની ગરદન પર હાથ મૂક્યો હોય એવું લાગ્યું. તરત જ પાછળ જોયું તો એણે પણ કોઈ પડછાયો ધીમેથી ચાલતો રસોડાથી ડ્રોઈંગ રૂમ તરફ જતો જોયો અને એ ખૂબ જ ડરી ગઈ.
મેઘાએ ગિરીશને કોઈ વાત ન કરી પણ સાંજે પેલા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રેન્ડ ડૉક્ટર ખોરાકીવાલાને આખી વાત કહી. ડૉકટરે કહ્યું કે આ કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી કે પ્રેતાત્મા જેવું નથી લાગતું. થોડા દિવસ રાહ જો અને એ સ્કેચની મદદથી થોડી તપાસ કર. ગિરીશે પાછળની ગલીમાં ઈસ્ત્રીવાળા, કરિયાણાવાળા અને બીજા કેટલાક લોકોને આ સ્કેચ બતાવ્યો અને ક્લ્યુ મળી ગયો. ઇશિતા નામની એક આઠ વર્ષની છોકરી પાછળનાં જ એક અપાર્ટમેન્ટમાં રહેતી હતી. એ જ છોકરી આ સ્કેચમાં પણ હતી! ગિરીશ ત્યાં ગયો અને આખી વાત કહી, સ્કેચ બતાવ્યો એટલે ઇશિતાની મમ્મીએ અંદર આવવા કહ્યું, અંદર જોયું તો ખ્યાલ આવ્યો કે ઇશિતા તો ઘરમાં જ એડમિટ છે અને છેલ્લા અઢી વર્ષ થી કોમામાં છે!
ગિરીશ ફરી ઘરે આવ્યો અને ડૉક્ટર ખોરાકીવાલાને મળ્યો. ગિરીશે ડૉકટરને કહ્યું કે એ છોકરી તો અઢી વર્ષથી કોમામાં છે તો એ મારા ઘરમાં મને કેમ દેખાય છે? ડૉક્ટર ખોરાકીવાલા એ જે કહ્યું એ ગિરીશે પોતાની લાઈફમાં પહેલી વાર સાંભળ્યું હતું! ડોક્ટરે સમજાવ્યું, 'આપણા શરીરમાં બ્રેઈન સેલ્સ હોય છે, એવી જ રીતે એક સાઇકોન્સ હોય છે જે આપણા વિચારોને જનરેટ કરવાનું અને એને બ્રેઈનમાં સ્ટોર કરવાનું કામ કરે છે!' ગિરીશ ધ્યાનથી આ વાત સાંભળી રહ્યો હતો. ડોક્ટર આગળ બોલ્યા ''આ સાઇકોન્સ આપણે જ્યારે સપનામાં આપણા વતનથી માંડી જે પણ જગ્યાઓ આપણે જોઈએ છીએ એ બધો જ ડેટા, એ યાદોને સ્ટોર કરે છે! તું તારા વતનમાં જવાનું વિચારે, તને સપનામાં એ બધી જગ્યાઓ દેખાય તો તું જયારે જાગરૂક અવસ્થામાં હોય તો એ સાઇકોન્સ તો ઓલરેડી ત્યાં પહોંચી જ ગયેલા છે અને તારા કે મારા મૃત્યુ પછી પણ એ સાઇકોન્સ પૃથ્વી કે આ બ્રહ્માંડમાં સતત ફરતાં રહે છે. અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ હોય કે પ્રવાસો, એ બધી જગ્યાઓએ આપણા આ સાઇકોન્સ સતત ટ્રાવેલ કરતાં રહે છે.
ગિરીશ આ વાત સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. ડૉકટરે ગિરીશને એ પણ સમજાવ્યું કે આ ઘટનાઓથી તારે ડરવાની જરૂર નથી! તું બસ ઇશિતાનું તારા ઘર સાથે શું કનેક્શન હતું એ વિચાર અને તપાસ કરી જો. ગિરીશ ફરી ઇશિતાનાં ઘરે બીજા દિવસે ગયો અને એનાં મમ્મીને મળ્યો, પણ ખબર પડી કે ઇશિતા આગલી રાત્રે જ મૃત્યુ પામી પોતાનું શરીર છોડી ચૂકી છે.
ગિરીશ રડવા જેવો થઇ ગયો અને વધુ કન્ફ્યુઝડ થઇ ગયો છેવટે ગિરીશે ઇશિતાની મમ્મીને સાંત્વના આપી અને આ ઘટનાઓ અને પોતાનાં ઘરનો ઇશિતા સાથે શું સંબંધ છે એ પૂછ્યું! ઇશિતાની મમ્મીએ શાંત થઇ ગિરીશને કહ્યું, 'અમે લોકો પહેલા તમે જે ફ્લેટમાં રહો છો ત્યાં જ રહેતા, બધું સરસ ચાલી રહ્યું હતું અને એક દિવસ જે બન્યું એણે અમારી આખી લાઈફ ચેન્જ કરી નાંખી...' બાલ્કનીમાં ટેનિસ રેકેટ અને બોલ સાથે રમતાં રમતાં ઇશિતા ત્રીજા માળેથી નીચે પટકાઈ અને કોમાંમાં જતી રહી. ઇશિતાને એ ઘર બહુ જ ગમતું. તમારા ઘરે એક બોન્સાઇ છોડ છે એ ઇશિતાને બહુ જ ગમતો અને દરરોજ એ છોડને ઇશિતા પાણી પીવડાવતી!
આ ઘટના પછી અમે એ ઘર જ છોડી દીધું અને અહીં રહેવા આવી ગયા, ઇશિતાનું મન કદાચ એ ઘરમાં હજુ પણ રહી ગયું હશે! ગિરીશ લગભગ એકાદ અઠવાડિયા પછી ડૉક્ટર ખોરાકીવાલાને મળ્યો અને આખી વાત કહી. ડૉકટરે સલાહ આપી કે આ ઇશિતાનાં સાઇકોન્સ જ છે જે તને ઇશિતાની હાજરી તારા ઘરમાં વર્તાવે છે, દેખાય છે. તું એનાંથી બિલકુલ ડર નહીં, એ જ્યારે પણ દેખાય તો એને સ્વિકારી લે, તું કદાચ એને બોલાવીશ કે અવાજ દઈશ તો એ તને રિસ્પોન્ડ નહીં કરે એની હું ગેરંટી આપું છું.
ગિરીશ થોડા દિવસો પછી એક વિકેન્ડ પર સવારે ચા પી રહ્યો હતો અને ફરી એને ઇશિતા દેખાઈ, એ જ સફેદ ફ્રોક અને હાથમાં એક ઢીંગલી હતી! ગિરીશે ઇશિતાને અવાજ દીધો, 'ઇશિતા બેટા...' અને, ઇશિતાએ ગિરીશની સામે જોઈને સ્માઈલ કરી અને કહ્યું, 'જી, અંકલ.....'
(આ એક સાયન્સ ફિક્શન હોરર સ્ટોરી છે, જેમાં સાયન્સને ચેલેન્જ કરતી કોઈ વાત કે ઘટના દર્શાવવાનો પ્રયાસ નથી.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર