વુડું અને તર્ક વચ્ચેનું ઘમાસાણ!

14 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

આપણે ગયા અઠવાડિયે અહીં શિખા નામની એક યુવાન ગુજરાતી ડૉક્ટર છોકરીનાં બાળપણથી ટીનએજ અને લગ્ન સુધીના દિવસોની વાત કરેલી. પોતાના બાર સાયન્સનાં સ્કૂલનાં દિવસોમાં શિખાનાં ક્લાસમેટ આદિત્યએ એને પ્રપોઝ કરેલું. શિખાને એ હરકત પસંદ ન આવતા તેણે આદિત્યને એક થપ્પડ રસીદ કરેલી. ત્યાર પછીના થોડા સમયમાં પરીક્ષા વખતે થયેલા કેટલાક ભેદી અનુભવો, ડૉક્ટર બની ગયા પછી અને લગ્ન નક્કી થયે શિખા સતત બિમાર રહેતી અને પપ્પાનું ત્યારે જ એકાએક થયેલું એક્સિડેન્ટ. આ બધું જ હવે એ હળવાશથી નહોતી લઈ શકતી. લગ્ન પછી એને સંજોગો જ કહો કે એના પતિનું નામ પણ આદિત્ય જ હતું! પતિ યુએસ રહેતો હતો અને અહીં અમદાવાદમાં શિખાને કેટલાય દિવસોથી ખરાબ સપનાં આવતા, તેને બિહામણી ફીલિંગ્સ આવતી, જે એને બેચેન કરી મૂકતી. આદિત્યએ એને આશ્વાસન આપતા કહેલું કે, બધા જ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા એ બહુ જલદી ભારત આવી જશે.

એક વીકેન્ડ પર રાબેતા મુજબ રાત્રે આદિત્ય અને શિખા સ્કાઈપ પર વાતો કરી રહ્યા હતા. આદિત્યએ પોતાની ફોરેન કલીગ્સની મજાક કરતા કરતા શિખાની પાછળ કોઈ આકૃતિ જેવું જોયું, એટલે એને પરસેવો છૂટી ગયો. તરત જ શિખાને પાછળ જોવા કહ્યું, શિખાએ પાછળ જોયું કે તરત જ એના ચહેરા પર એક જોરદાર થપ્પડ પડી! ગાલ પર આંગળીઓનાં કોઈ નિશાન ન દેખાયા, ન તો એ રૂમમાં કોઈની હાજરી જણાઈ. આદિત્યનાં આશ્ચર્ય અને ડરનો કોઈ પાર રહ્યો નહોતો. શિખા એટલી ડરી ગઈ હતી કે હવે એ કશું જ બોલી શકવાની હાલતમાં નહોતી. આદિત્યએ શિખા જે બનાવોની વાતો આટલા દિવસોથી કરી રહી હતી એનો અનુભવ આજે પહેલી વાર કર્યો હતો.

સ્કાઈપ પર રિલેક્સ રહેવાની, ભગવાનનું નામ લેવાની વાતોનું રટણ થયું અને પછી વાત ડિસકનેક્ટ થઈ. શિખાએ ફ્રિજમાંથી બોટલ કાઢી થોડું પાણી પીધું. ટીવી ચાલુ કરી ચેનલ સર્ફ કરી. એક ચેનલ પર ‘ધ સર્પન્ટ એન્ડ ધ રેઈનબો’ ફિલ્મ આવી રહી હતી. વુડુંં અને વિચક્રાફ્ટ પરની એ ફિલ્મ શિખા કુતૂહલ અને ડરથી જોઈ રહી હતી. ટીવી પર એક પછી એક કાળી ઢીંગલીઓ પર સોય ખોસીને ફિલ્મનાં હિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યાનાં દૃશ્યો ખૌફનાક હતા.

શિખાથી આ બધું સહન ન થતાં ટીવી ઓફ કરી, કાનમાં હેડફોન લગાડી થોડી વાર અરિજીતસિંઘનાં ગીતો ચાલુ કર્યા. મોબાઈલ પર વોલ્યુમ કી કામ નથી કરતી કે શું, અવાજ ધીમો કરવાનાં પ્રયત્નો થયા પણ અવાજ ધીમો નહોતો થઈ રહ્યો. વળી ગીતોની વચ્ચે કંઈક બોલવાનો અસ્પષ્ટ અવાજ પણ આવી રહ્યો હતો. શિખા કંઈ રિએકટ કરે એ પહેલા જ એ અવાજ ક્લિયર થયો. શિખાની જિંદગી બરબાદ કરી નાખવાની ધમકી કોઈ આપી રહ્યું હતું. શિખાનું કપાળ ગરમ લાય જેવું તપી રહ્યું હતું. એ ત્યાં લગભગ એ જ અવસ્થામાં બેભાન જેવી અવસ્થામાં સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે પોતાનું બ્લડપ્રેશર માપતી વખતે તેણે મોબાઈલમાં આદિત્યના મેસેજ પડેલા જોયા. કિચનમાં જઈને જોયું તો કેટલાક વાસણો અને ડાયનિંગ ટેબલ પર પડેલા ગ્લાસ અસ્તવ્યસ્ત હાલતમાં હતા. બધું એકદમ હડબડીમાં સરખું કરીને શિખા બાથરૂમમાં દૈનિક ક્રિયાઓ પતાવવા ગઈ, ફરી અરીસામાં એને કંઈક હલચલ જેવું દેખાયું, વોશબેસિન નીચે કેટલાક વાળ પડેલા દેખાયા, અને એ વાળ પોતાના તો નથી જ એની ખાતરી થતાં હવે એને બહુ જ ડર લાગી રહ્યો હતો. ફટાફટ બધું પતાવી એ ક્લિનિક જવા નીકળી. રસ્તામાં સિગ્નલ પર એક ભિખારણ એની સામે તાકી રહી હતી, એવામાં જ સિગ્નલ ખૂલ્યું અને શિખાની કાર રસ્તા પર પડેલા બે લીંબુ અને એક કુંભ પરથી પસાર થઇ ગઈ. થોડી જ વારમાં કાર બંધ પડી અને શિખાએ પાછળ જોતાં ગાડી બંધ થવાનું કારણ એને સમજાયું. સિગ્નલ પર કાર પહોંચી ત્યારે ત્યાં ન તો લીંબુ હતા, ન તો કુંભ!

શિખાને એક પછી એક વિચિત્ર અનુભવો થવા માંડ્યા હતા, આદિત્ય સાથે ફોન પર વાત થઈ અને ખબર પડી કે એ બે દિવસ પછી જ અમદાવાદ આવી રહ્યો છે. શિખા ક્લિનિક પર ગઈ તો કમ્પાઉન્ડર અને હેલ્પર સાથે વાત કરી, પણ ખબર પડી કે એ લોકો એની વાત સાંભળી શકતા નહોતા! આવું કેવી રીતે શક્ય બને, આ એક વારનું હતું કે કાયમી ઘટના હતી? શિખા સાંજે એક સાઈકાયટ્રિસ્ટ દોસ્ત પાસે ગઈ. ત્યાં થોડા કાઉન્સેલિંગ પછી એને થોડું સારું ફીલ થયું. ઘરે પહોંચીને જમ્યાં પછી તરત જ શિખાને બે-ત્રણ ઊલટીઓ થઈ. ફૂડ પોઈઝનિંગ સમજી એ આરામ કરવા ગઈ. બીજા દિવસે પ્રેગનન્સી કિટ લઈ શિખાએ ટેસ્ટ કર્યા. હોસ્પિટલ જઈ સોનોગ્રાફી કરાવી, પણ એના આશ્ચર્ય અને આઘાતનો ત્યારે પાર ન રહ્યો, જ્યારે ડોક્ટરે એને કહ્યું કે, એના પેટમાં ગર્ભાશય જ ગાયબ છે. શિખા પોતે ડૉક્ટર હતી, અને આટલા વર્ષોનાં એના ટેસ્ટ નોર્મલ હતા. આવું કેવી રીતે શક્ય જ થઈ શકે? શિખા ધ્રસકે ધ્રુસકે રડી પડી.

કોઈ શાપિત આત્મા કે પેરાનોર્મલ શક્તિ એને નુકશાન પહોંચાડી રહી હતી, એ હવે એને શ્યોર થઈ ગયું હતું. આદિત્ય અમદાવાદ આવી ગયો, બંને જણ ફરી ડૉક્ટર પાસે ગયા અને ફરી ચેક કરાવ્યું અને ડૉક્ટરે વાતની પુષ્ટિ કરી કે ગર્ભાશય ગાયબ છે, છે જ નહીં! આદિત્ય ન તો યુએસની નોકરી છોડી શકે એમ હતો કે ન તો શિખા તરત યુએસ જઈ શકે એમ હતી. ઘરે પહોંચતા જ ઘરની દીવાલો પર ‘આઈ સ્ટિલ રિમેમ્બર યુ’, ‘આઈ લવ યુ’, ‘આઈ ડ્રીમ ઓફ યુ, યોર્સ આદિત્ય!’ જેવા મેસેજીસ લખેલા જોઈ શિખાની આંખો પહોળી થઈ ગઈ. નક્કી થઈ ગયું હતું કે કોઈ મોટી ગેઈમ ખેલાઈ રહી હતી. ઘરની બહાર જોયું તો બે ઢીંગલા દરવાજા પાસે એક ખીલી પર લટકતા હતા, શિખાએ તરત કાર દોડાવી એના સ્કૂલ કલાસમેટ આદિત્યનાં ઘર તરફ, ઘરે પહોંચતા એનાં મા-બાપ શિખાને તો ન ઓળખી શક્યા, પણ આદિત્ય ઘરે જ હતો, એક ખાટલા પર પેરેલાઈઝ્ડ હાલતમાં.

શિખાને આ બધું માનવામાં આવતું જ ન હતું. પૂછપરછ કરતા ખબર પડી કે છેલ્લા પાંચ વર્ષથી આદિત્ય આ જ હાલતમાં ખાટલા પર છે. જોકે આદિત્યનાં રૂમમાં એક ટીવી હતું અને ટીવી પાછળ પણ એક કાળી ઢીંગલી લટકતી હતી! શિખાએ તરત પોતાના ઘરે જઈ ગુગલિંગ કરી વુડુંં વિશે બધું વાંચી લીધું, પોતાના પતિને આ બધું કહ્યું, પણ એ કંઈ ગંભીરતાથી લેવામાં ન આવ્યું. પેલી દરવાજે લટકતી કાળી ઢીંગલી હવે સળગાવી દેવામાં આવી હતી, પણ શિખા હવે રાત્રે ઊંઘી નહોતી શકતી.

વુડું શું હોય એ ખબર હતી, પણ પોતાના પર જ આવા પ્રયોગો થશે એનો એને અંદાજો પણ નહોતો. છાપામાં છપાતી તંત્રમંત્રની સસ્તી જાહેરાતોમાં ન પડે, પણ તો પછી આદિત્યએ આ બધું કર્યું હશે? ગર્ભાશય કેમ ગાયબ થયું? પોતાના શરીરની અંદર કોઈની હાજરી હતી? આ બધા જ પ્રશ્નો કાયમ માટે અનુત્તર જ રહ્યા. શિખાને લાગ્યું કે આ સવાલોના જવાબો ન મળવામાં જ એની શાંતિ અને સલામતી છૂપાયેલી હતી. કદાચ એ એના માટેનો એક માનસિક સહારો જ હતો પેલી ચૈતસિક શક્તિઓથી દૂર ભાગવાનો, એટલે જ હવે શિખા રેશનાલિઝમની બુક્સ કાયમ પોતાની પાસે રાખતી.

(સંપૂર્ણ)

ગુઝ્બમ્પ :

Well, I stand up next to a mountain
and I chop it down with the edge of my hand
Well, I pick up all the pieces and make an island
Might even raise a little sand
Yeah
'Cause I'm a voodoo child.
I want to say one more last thing
I didn't mean to take up all your sweet time
I'll give it right back to ya one of these days
If I don't meet you no more in this world then uh
I'll meet ya on the next one
and don't be late
I'm a voodoo child baby

(માત્ર ૨૭ વર્ષની વયે મૃત્યુ પામનાર અમેરિકન ગિટારિસ્ટ રોકસ્ટાર જિમી હેન્ડ્રીક્સનું ૧૯૬૮માં રેકોર્ડ થયેલું અને ગણગણવું ગમે એવું ‘વુડુંં ચાઈલ્ડ’ ગીત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.