એક લિફ્ટ અને પિયુષ મહેતા!

10 Aug, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

વડોદરાનો ઓલ્ડ પાદરા રોડ, વિશ્વામિત્રી પરથી થઈને આવતી ઠંડી હવા, ઓગસ્ટ મહિનાની એક ઠંડી સાંજ! પિયુષ મહેતા રાજકોટથી વડોદરા એક ફાર્મા કંપનીમાં થોડા દિવસો પહેલા જ નોકરી મળી હોવાથી થોડા સમય પહેલા જ શિફ્ટ થયેલો. પિયુષ પહેલેથી થોડો મોકળાશથી રહેનારો યુવાન એટલે એને પીજી તરીકે રહેવું ન ફાવે, એટલે અલકાપુરીથી આગળ વડોદરાના સૌથી પોશ એરિયામાંથી એક એવા ઓલ્ડ પાદરા રોડ પર એક 18 માળની હાઈરાઈઝ બિલ્ડિંગમાં પોતાનાં બજેટની અંદર જ ફ્લેટ મળી ગયો. એમાં પણ સત્તરમે માળે ફ્લેટ મળ્યો હોવાથી બાલ્કનીમાંથી વડોદરાની સ્કાયલાઈન જોઈને જ એ ખુશ થઇ ગયો હતો. એટલે જ પિયુષ વધુ ભાડું આપીને પણ રાજી હતો.

શનિવારે રાત્રે ઓફિસથી આવવામાં થોડું મોડું થઇ ગયું અને ઘડિયાળમાં જોયું તો લગભગ સાડા બાર વાગી ગયા હતા. ટાવરની લિફ્ટનો વોચમેન અહીં રાખવામાં આવ્યો નહોતો એટલે પિયુષ તો સત્તરમાં માળનું બટન દબાવી બેફિકર થઈને પોતાનો માળ આવવાની રાહ જોઈ રહ્યો હતો. અચાનક એને પાછળ લિફ્ટમાં જ કોઈ પડછાયો દેખાયો અને લિફ્ટમાં કોઈ હોવાનો આભાસ પણ થયો! પિયુષ એટલો ડરી ગયો કે એણે હડબડીમાં બધા બટન દબાવી નાખ્યાં! મનોમન વિચારવા લાગ્યો, હવે જે માળ પર લિફ્ટ ઊભી રહેશે ત્યાં ઉતરી જઈશ.

લિફ્ટ સત્તરમાં માળ પર જ ઊભી રહી, પિયુષે પાંચમા માળે લિફ્ટ હતી ત્યારે જ બધા બટન દબાવેલા પણ છતાં લિફ્ટ ક્યાંય ઊભી ન રહી એ ન જ રહી. જેવો દરવાજો ખુલ્યો કે તરત કોઈ જાનવરની સ્ફૂર્તિથી પિયુષ બહાર કૂદકો મારી પોતાના ઘરનું તાળું ખોલવા માંડ્યો અને જલદીથી અંદર જતો રહ્યો! આવી વાત એ કોઈને કહેશે તો લોકો એનાં પર વિશ્વાસ નહીં કરે એ બીકે એ કઇં નહીં બોલે એવું વિચારી રહ્યો હતો. એક ફિલ્ટર કોફી બનાવીને પિયુષે આળસ મરડી, બાલ્કનીમાં ઝૂલા પર બેસી આઇપોડમાં ગીતો સાંભળીશ એવું બધું એ વિચારી રહ્યો હતો. બાલ્કનીનો દરવાજો પિયુષે ખોલ્યો અને એનાં હાથમાં રહેલો ફિલ્ટર કોફીનો મગ હાથમાંથી સરકી એનાં પગ પર પડ્યો! પિયુષે એક માણસને પોતાનાં જ ઘરની બાલ્કનીમાંથી એક ચીસ સાથે બહાર નીકળતો જોયો! એ માણસ દોડીને ઘરનાં મુખ્ય દરવાજા તરફ દોડ્યો અને દરવાજો બંધ હોવા છતાં બહાર નીકળી અદૃશ્ય થઇ ગયો.

પિયુષની હાલત ખરાબ થઇ ગઈ હતી, જેમ તેમ કરીને પોતું કરી કાચની કરચો અને કોફી સાફ કરી એ બાલ્કનીમાં ગયો અને બાલ્કનીમાંથી ભાયલી તરફ રિફાઇનરીની સળગતી ચિમનીઓ જોઈ રહ્યો! રાત્રે દોઢ વાગ્યો હતો અને બાલ્કનીમાંથી નીચે જોયું તો બધું સામાન્ય હતું, પિયુષે આળસ મરડી અને બેડરૂમમાં જઈ ઉંઘવાનો પ્રયત્ન કર્યો!

સવાર પડી તો બધું સામાન્ય હતું, પિયુષ આગલી રાતે થયેલા અનુભવને કોઈ ખરાબ સપનું સમજી ભૂલી જવા માગતો હતો. રવિવારે સાંજે એણે એક ફિલ્મ જોઈ અને રાત્રે સાડા દસે પિયુષ ટાવરમાં અંદર આવ્યો. લિફ્ટમાં અંદર જતાં પણ પિયુષને ખૂબ જ ડર લાગી રહ્યો હતો પણ એના આશ્ચર્ય વચ્ચે કઇં જ ન થયું! પિયુષ પણ નિશ્ચિંત થઇ ગયો અને ઘરે જઈને આરામથી ટીવી જોતા જોતા સોફા પર જ સૂઈ ગયો.

સોમવારની સાંજે ઓફિસથી આવીને પિયુષ ટાવરમાં પ્રવેશ્યો, બધું જ સામાન્ય લાગ્યું અને લિફ્ટમાં પ્રવેશવા ગયો અને દરવાજો બંધ થાય એ પહેલા જ એક વ્યક્તિ અંદર પ્રવેશી. પિયુષે સ્માઈલ આપી અને દરવાજો બંધ થયો. એ વ્યક્તિને જોઈને પિયુષને નવાઈ લાગી. એના ચહેરા પર કોઈ જ હાવભાવ નહોતા. ન કોઈ ચિંતા, ન કોઈ ફિકર, ન કોઈ સહજતા, બસ એ વ્યક્તિ એમ જ ત્યાં ઊભી હતી. પિયુષે પાછળ જોયું તો એ માણસ એની ખુબ નજીક આવી ગયો હતો અને એનાં ખભા પર હાથ રાખ્યો, પિયુષે સામે લિફટનાં અરીસામાં જોયું અને એનાં હોંશ ઉડી ગયા! અરીસામાં કોઈ રિફ્લેક્શન, કોઈ વ્યક્તિ દેખાતી જ નહોતી!

પિયુષ ડઘાઈ ગયો અને સત્તરમો માળ આવતા જ બહાર નીકળી ગયો. પેલો માણસ પણ બહાર નીકળી ત્યાંથી ઉપર દાદરા ચઢવા લાગ્યો. પિયુષને ડર પેઠો, અત્યારે રાત્રે કોણ અગાશી પર જાય? શા માટે જાય? પિયુષ પોતાનાં ઘરનો દરવાજો ખોલવાનાં બદલે ઉપર દાદરા ચઢી અગાશી પર ગયો. પિયુષને અગાશી પર ઠંડો પવન આવી રહ્યો હતો, અગાશી પર કોઈ જ નજરે પડતું નહોતું, પાછળ એક ખૂણામાં જોયું તો એક માણસ સિગરેટ પી રહ્યો હતો! એ માણસે જ સામેથી પિયુષને સામેથી બોલાવ્યો, 'શું પિયુષ બાબુ, મને જ શોધો છો ને?'

પિયુષે ગભરાઈને કહ્યું, 'માફ કરજો પણ હું તમને નથી ઓળખતો.' એ માણસ બહુ શાંતિથી બોલ્યો, 'હું એ જ માણસ છું, જેનાથી આ ટાવરની આસપાસ રાત્રે લિફ્ટમાં અને ફોયરમાં કોઈ આંટા મારતા પણ ડરે છે, હું અહીં ભટકતી આત્મા છું!'. પિયુષ તો ઠંડો પડી ગયો, ધબકારા જાણે બંધ થઇ ગયા, એ જાણે મજાક કરતો હોય એમ પછી હસ્યો અને દોડીને નીચે ઉતરવા ગયો, પાછળ જોયું તો પેલો માણસ ગાયબ થઇ ગયો હતો!

પિયુષ ચીસો પાડવા માંડ્યો. અઢારમાં માળે દરેક ફ્લેટમાં તાળા મારેલા હતા, પિયુષે પોતાના એટલે કે સત્તરમાં માળે જઈને દરવાજા ખખડાવ્યા. પિયુષનાં કાનમાં એક અવાજ સંભળાયો કે 'તમારે મારા પર આમ હસવાની જરૂર નહોતી સાહેબ!' એક દરવાજો ખુલ્યો અને અંદરથી અવાજ આવ્યો, 'તમે તો અહીં બાજુમાં જ રહેવા આવ્યા છો ને?' કોઈ એવી અદૃશ્ય તાકાત પિયુષને અનુભવાઈ જેણે પિયુષને અંદર ધકેલી દીધો, એ વ્યકતિએ પિયુષને એક આખો ઘટનાક્રમ કહ્યો!

અહીં ચાર વર્ષ પહેલા નિરંજન દેસાઈ નામની એક વ્યક્તિ રહેતી, બહુ જ સીધાસાદા અને સરળ. અહીં બધું જ સરસ ચાલતું હતું. એક દિવસ કોઈ કારણોસર ટેસ્ટમાં બહાર આવ્યું કે નિરંજન ભાઈ HIV પોઝિટિવ જાહેર થયા અને ધીમે ધીમે એ વાત ફેલાતા એની સાથે બધા એ સંપર્ક કાપી નાખ્યો. ઘરની વ્યક્તિઓ અને પાડોશીઓ એમનાં ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યા. નિરંજન ભાઈ એકલા પડી ગયા હતા, એક દિવસ ડિપ્રેશનમાં આવીને એમણે પોતાની ધોરી નસ કાપી નાખી આત્મહત્યા કરી લીધી! એક વખત બ્લડ ડોનેશન વખતે એમને આ ચેપ લાગેલો હોવાનું એમણે ખુદ જઈને તપાસ કરેલું, એમનાં માટે એ આઘાત હતો કે ખુદ એમની પત્ની અને દીકરો પણ એમને છોડી દૂર જતા રહેલા!

પિયુષે એ વ્યક્તિને પુછ્યું, 'પણ તમે કોણ છો? અને તમે શા માટે અહીં રહો છો?' એ વ્યક્તિએ હસીને જવાબ આપ્યો, 'હું, દીપક દેસાઈ, નિરંજન દેસાઈનો દીકરો!' પિયુષ કશું જ બોલવાની હાલતમાં નહોતો, દિપક દેસાઈ પોતે પોતાનાં સગા બાપ સાથે જે વર્તન કર્યું એ પશ્ચાતાપમાં આજે પણ ત્યાં જ એ જ ઘરમાં રહે છે. નિરંજન દેસાઈની આત્મા આજે પણ એ ટાવરમાં ભટકે છે, કોઈ કંઈ બોલતું નથી. સત્તર અને અઢારમો માળ ખાલી જ રહે છે. પિયુષ મહેતા હવે કોઈ જાતનાં ડર વગર એ જ ફ્લેટમાં રહે છે, એ આ વાત બરાબર જાણી અને શીખી ગયો હતો કે કોઈ વ્યક્તિ બસ શકનાં આધારે કોઈ HIV પોઝિટિવ વ્યક્તિ સાથે આવો ભેદભાવ ન કરી શકે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.