એક રેલવે સ્ટેશન, ફાટક અને યુવતી!
20 જુલાઈ, 2009, સોમવાર, સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છનાં ત્રિભેટે આવેલું શહેર વાંકાનેર! સ્ટેશન માસ્ટર રોહિત ચંદ્રાએ એકદમ નવીનવી જ ડ્યુટી જોઈન કરેલી. રોહિત ચંદ્રા પોતે વાંચવાનાં શોખીન, રાતની ડ્યુટી વખતે અગાથા ક્રિસ્ટીથી લઈને હિટલરની બાયોગ્રાફી સુધીનું બધું જ વાંચે. રોહિતને ડ્યુટી સોંપતી વખતે ગુજરાતી સ્ટેશન માસ્ટર હિરેન પારેખે કહેલું, 'સાહેબ અહીં સ્ટેશનથી જે પેલું સામે જે ફાટક દેખાય છે ત્યાં થોડું બચીને રહેજો, રોજ રાત્રે ત્યાં એક યુવતી તમને દેખાશે પણ તમે એ બધું ઇગ્નોર કરજો.' રોહિત ચંદ્રાને નવાઈ લાગી. અને પોતે આટલું વાંચતા હોઈ આવી બધી ભૂતપ્રેતની વાતોમાં ન માનતા. રોહિત વાંકાનેર સ્ટેશન પર આંટો મારી ખુશ હતો, મનોમન બોલ્યો, 'ચાલો સ્ટેશન તો સરસ છે, અહીં શાંતિથી કામ કરીશ અને નિરાંતે નોવેલ્સ પણ વાંચીશ'.
મંગળવારની રાત પડી, છેલ્લી ટ્રેઈન રાત્રે સવા બાર વાગે આવતી એટલે રોહિત સિગરેટનાં બે કશ મારીને ગ્રીન-રેડ ફ્લેગ અને એક બેટરી લઈને ચાલતો નીકળ્યો. વાંકાનેર આમ તો જંક્શન પણ છતાં ખૂબ નાનું સ્ટેશન. રોહિત હજુ પ્લેટફોર્મ પર ચાલી રહ્યો હતો અને ટ્રેનનો અવાજ દૂરથી આવી રહ્યો હતો એવામાં જ એને પેલી ફાટક પાસે એક યુવતી ચાલતી દેખાઈ! રોહિતે એ યુવતીને બૂમ પાડી, 'એ બદમાશ છોકરી, ક્યાં ત્યાં મરવા જાય છે? દેખાતું નથી ત્યાં સામેથી ટ્રેન આવી રહી છે'. પેલી યુવતીએ પાછળ રોહિતની સામે જોયું, અને તરત જ ક્યાંકથી સનનન કરતો એક પથ્થર વિંઝાયો અને રોહિતનાં માથામાં વાગ્યો, રોહિત દર્દથી કણસી ઉઠ્યો! શ્યામલાલ કે જે સ્ટેશનમાં હેલ્પર હતા, એમણે દોડતા આવીને રોહિતને મદદ કરી અને ત્યાં સુધીમાં પેલી યુવતી ગાયબ થઈ ગઈ હતી.
રોહિતને સખત ગુસ્સો આવી રહ્યો હતો, પણ એ સમસમીને બેસી રહ્યો, રોહિતે નક્કી કરી લીધું કે આજે રાત્રે ફરી એ ફાટક પર જઈશ અને એ છોકરીને આજે તો દબોચી જ લઈશ! 21 જુલાઈની રાત પડી અને રોહિત પોતાની ડ્યુટી પર હતો અને સવા બારની ટ્રેનનો સમય થતા જ એ ટ્રેક તરફ ગયો, પેલી યુવતી ફરી દેખાઈ અને રોહિત રીતસર એની પાછળ દોડ્યો, રોહિતે તરત જ નોટિસ કર્યું કે એ યુવતી ખૂબ ઝડપ થી દોડી રહી હતી, રોહિત થોડું આગળ જઈને ઠેંસ વાગતા જ પડી ગયો અને રેલવે ટ્રેક પરની કપચીઓ એનાં પગમાં ખૂંચી ગઈ. માથામાં પણ ખાસ્સું એવું વાગ્યું હતું. રોહિત આગળ કંઈ વિચારે એ પહેલા જ ટ્રેન નજીક આવી ગઈ અને જિંદગીનો અંત લગભગ દેખાઈ ગયો. છતાં ગમે તેમ કરીને રોહિત સાઈડ થઈ ગયો અને બચી ગયો.
રોહિત ચંદ્રા બીજે દિવસે ડ્રેસિંગ કરાવીને ફરી ડ્યુટી પર હાજર થયો, ફર્ક માત્ર એટલો હતો કે રાત્રે એ યુવતીને એ શોધવા ન ગયો. થોડા જ દિવસોમાં રોહિતે વાંકાનેરથી રાજકોટ ટ્રાન્સફર લઈ લીધી હતી. વાંકાનેર સ્ટેશન દિવસે જેટલું સોહામણું લાગતું હતું, રાત્રે એટલું જ બિહામણું! આભાસ ગાંગુલી બંગાળી બાબુ હતા જે રોહિતની જગ્યાએ વાંકાનેર ડ્યુટી પર આવ્યા હતા, થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું! આભાસ બાબુને રાત્રે મોરબી સ્ટેશનથી ફોન આવ્યો કે રાતની સવા બારની ટ્રેઈન બે કલાક મોડી છે, આભાસ બાબુ વરસાદમાં બહાર નીકળ્યાં અને છત્રી લઈને પેલી ફાટક સુધી આંટો મારવા નીકળ્યા. એવામાં જ ટ્રેન આવી ગઈ! આભાસ બાબુને નવાઈ લાગી, એ અંદર ગયા અને મોરબી ફોન જોડી પૂછ્યું તો ખબર પડી કે ત્યાંથી તો એવો કોઈ ફોન નહોતો આવ્યો! તો પછી આભાસ બાબુને ફોન કોણે કરેલો?
ખૈર, આભાસ બાબુએ જેમ તેમ કરીને ટ્રેનને ગ્રીન ફ્લેગ બતાવી રવાના કરી, એવામાં જ એક બીજી માલગાડી પસાર થઈ અને માલગાડીનાં દરેક ડબ્બા વચ્ચે આભાસ ગાંગુલીને એક યુવતી દેખાઈ જે લાલ ડ્રેસ પહેરેલી હતી! થોડી જ વારમાં એ યુવતી ફરી પ્લેટફોર્મ પર દેખાઈ અને આભાસ બાબુની જ ઓફિસમાં જતી દેખાતા આભાસ ગાંગૂલીનાં હોશ ઉડી ગયા.
આભાસ ગાંગુલી દોડ્યા, પણ તરત જ એ નજારો જોઈને એનાં પગ થીજી ગયા! પેલી યુવતી ઘસડાઈને જઈ રહી હતી, જાણે કોઈ ખેંચીને લઈ જતું હતું. આભાસ ફૂટ ઓવર રેલવે બ્રિજ પર ચઢ્યા, છોકરી ચીંસો પાડી રહી હતી અને આભાસ ગાંગુલી પાછળ મદદ કરવા દોડી રહ્યા હતા. આભાસને ખબર પડી કે પોતાની સાથે જ બીજું કોઈ પણ દોડી રહ્યું હતું, જેનાં પગલાંનો સ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. સામે આવેલા બાથરૂમમાં પેલી યુવતી લઈ જવામાં આવી અને એની ચીસો વાંકાનેર સ્ટેશનની દરેક દીવાલોમાં અથડાઈને ગુંજી ઊઠી. આભાસ બાબુએ જોર જોરથી દરવાજા ખખડાવ્યા પણ બધું નિરર્થક, આભાસની ગરદન પર કોઈએ જોરથી હાથ દબાવ્યો અને કાનમાં અવાજ સંભળાયો 'ચુપચાપ અહીંથી ચાલ્યો જા સાલા...'
આભાસ ગાંગુલીએ એ પ્રતિકાર કર્યો અને તરત જ એને કોઈ અદૃશ્ય તાકાત ઘસડી ગઈ અને રેલવે ટ્રેક પર ઘા થયો. કોઈ અમદાવાદ બાજુથી આવતી ટેન્કર ટ્રેઈન આભાસ ગાંગુલીનાં શરીર પર ફરી વળી! થોડા અઠવાડિયાઓ વીતી ગયા, પોલીસ તપાસથી એટલું જાણવા મળ્યું કે પેલી યુવતી તો થોડા વર્ષો પહેલા જ અહીં આ બાથરૂમમાં મૃત્યુ પામેલી, કોઈએ એનું ફાટકથી અપહરણ કરી એનાં પર આ જ બાથરૂમમાં બળાત્કાર કરી એને રહેંસી નાંખી હતી. આભાસ ગાંગુલી તો મૃત્યુ પામ્યા હતા, નવા સ્ટેશન માસ્ટર આલોક શર્મા પહેલી ઓગસ્ટથી જોઈન કરી રહ્યા છે, દરમ્યાન સાંભળવામાં આવ્યું છે કે વાંકાનેર સ્ટેશનની એ ફાટક આસપાસ હજુ પણ એ યુવતી રોજ દેખાય છે પણ એ દિશામાં કોઈ જતું નથી. આલોક શર્મા તમે પણ હોઈ શકો છો, વાંકાનેર સ્ટેશન જવાનું થાય તો તમારા જોખમે જ ટ્રેનમાંથી ઉતરજો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર