ટ્રેનની સફર, અમિત અને રિવેન્જ!

20 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

ગયા બુધવારે 'હોરર કાફે'માં કોલકાતાની એક કોલેજ અને ત્યાં સતત થતા રેગિંગની ખૌફનાક વારદાતોની વાત કરેલી. વિશ્વાસ અને સમીર બહુ જ ઓવરકોન્ફિડન્ટ થઈને રેગિંગને અંજામ આપી રહ્યા હતા, પણ એ લોકોને બિલકુલ અંદાજો નહોતો કે કેવી રીતે એક વ્યક્તિ આવીને એ લોકોનો સામનો કરશે અને વાત એમના મોત સુધીનાં અંજામે આવીને જ પૂરી થશે! વાત એટલેથી જ પતે તો તો બધું સમજાય એવું હતું, પણ જયારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અમિતનું મોત તો ક્યારનું થઈ ચૂક્યું હતું! હાવડા સ્ટેશન પહોંચતા પહેલા જ એને ટ્રેનમાં થયેલી એક હિંસક અથડામણમાં બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, જેમાં એનું કરુણ મૃત્યુ થયેલું.    

તો પછી કોલેજમાં પહોંચી ભદ્દા રેગિંગનો સામનો કરનાર, અને વિશ્વાસ અને સમીર જેવા બેહુદા લોકોને છેક મોત ને ઘાટ ઉતારનાર વ્યક્તિ કોણ હતી? અમિતની આત્મા હતી! અમિતે MBBS કરી આગળ ઓન્કોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું સપનું જોયેલું, જે સપનું કેટલાક બદમાશોએ આકસ્મિક અથડામણ વખતે ટ્રેનમાં જ ખતમ કરી દીધું હતું.

તો ખરેખર ટ્રેનમાં શું થયું હતું? એ જાણવા માટે ચાલો જરા ફલેશબેકમાં જઈએ. 4 જુલાઈની સાંજે લગભગ સાડા ચાર થયા હતા. અમિત જોસેફ હેલરની ખ્યાતનામ બ્લેક કોમેડી 'કેચ 22' વાંચી રહ્યો હતો! બારીની બહારથી હવાની લહેરખીઓ અમિતને જાણે આવનારા ભવિષ્યની તાસીર કહી રહી હતી. એમ પણ અમિત હવે એ બુક લગભગ પૂરી જ કરી રહ્યો હતો. બારાસાતથી હાવડા સ્ટેશન આવતા લગભગ પોણા કલાકથી વધુ વાર ન લાગે એટલે અમિત પોતાનો સામાન ચેક કરી રહ્યો હતો, કોઈ ચૂકથી પણ સામાન ભુલાઈ ન જાય એની એ તકેદારી રાખી રહ્યો હતો. અમિતને ટ્રેનમાંથી કોલકાતાના રોડ પર દોડતી પીળી ટેક્સીઓ દેખાઈ રહી હતી, લોકોની ચહલપહલ દેખાઈ રહી હતી. એની ખુશીનો પાર ન રહ્યો! મનમાં ને મનમાં એ તો MBBS ના કલાસરૂમમાં પહોંચી ગયો હતો.    

એવામાં અચાનક બાજુનાં કંપાર્ટમેન્ટમાંથી કોલાહલ સંભળાયો, જે અમિતના વિચારોમાંથી એને બહાર લાવવા માટે પુરતા હતા. એક સ્ત્રીની ચીસો અને કેટલાક લૂખ્ખા જેવા દેખાતા યુવાનો ગાળો બોલી રહ્યા હતા. બિહારી લહેકામાં બોલતા એક યુવાને પેલી સ્ત્રીને ગળે તેજ ધારનું ચપ્પુ રાખ્યું હતું અને એણે પેહેરેલા તમામ ઘરેણાઓ આપી દેવા ધમકાવી રહ્યો હતો. એ સ્ત્રીનાં ખોળામાં લગભગ છએક મહિનાનું બાળક રડી રહ્યું હતું! અમિતથી પેલી સ્ત્રીની લાચારી ન જોવાઈ, પણ એ થોડો ગભરાયેલો પણ હતો. જાણે કે પેલી બુકની જેમ જ 'કેચ 22 સિચ્યુએશન' આવી ગઈ હતી. એક બાજુ કોલકાતા આવી ગયું હતું, MBBS અને કોલેજ એને બોલાવી રહ્યા હતા, તો બીજી તરફ લોકો આ બધો તમાશો જોવા છતાં આગળ કેમ નથી આવી રહ્યા?      

અમિત આ બધું વિચારી વધુ ને વધુ મૂંઝાઈ રહ્યો હતો, આ આખી બબાલમાં પડું કે ન પડું? પેલી સ્ત્રી સાથે જે અત્યાચાર થઈ રહ્યો હતો એ પણ જોવાતો નહોતો. એ સ્ત્રી સાથે લુંટ પછી બળાત્કાર પણ થઈ શકે એમ હતો. એક મુસાફરની સીટ નીચે પડેલી જાડી લાકડી ઉઠાવી અમિત લગભગ દોડ્યો અને પેલા  બદમાશો પર તૂટી પડ્યો! બદમાશો પાસે લગભગ ત્રણેક જેટલા ચપ્પા જેવા લાગતા ધારિયા હતા, અચાનક થયેલા હુમલાથી એ લોકો પણ બઘવાઈ ગયા. અમિતની સ્ફૂર્તિ અને ચપળતાથી જાણે કે જંગ જામ્યો હતો! કેટલાક મુસાફરોની પણ અમિતને જોઈને હિંમત ખૂલી ગઈ હતી. એક બદમાશે ચપ્પાનો વળતો ઘા મારીને અમિતને છાતી અને ડાબા હાથ પર ખાસ્સી ઈજા પહોંચાડી હતી. અમિતનાં હાથમાંથી લોહી વહી રહ્યું હતું, એવામાં ઈશારાથી પેલી સ્ત્રીને ત્યાંથી જતા રહેવાનું કહી અમિત હજુ બરાબર લડી રહ્યો હતો. કોઈકે સમયસૂચકતા વાપરીને ડબ્બામાં રહેલી સાંકળ ખેંચી હતી.

સાંકળ ખેંચાવા છતાં ટ્રેન કેમ નહોતી રોકાઈ? ટ્રેન લગભગ 80-90ની ગતિએ પૂરપાટ જઈ રહી હતી. અમિતની પેલા બદમાશો સાથેની મુઠભેડમાં અમિત હવે પાછળ પડી રહ્યો હતો, કારણકે ઈજાનાં લીધે ખાસ્સું લોહી વહી ચૂક્યું હતું. પેલા બદમાશો ગુસ્સામાં બબડી રહ્યા હતા ‘ફેંક હી દો ઈસ કમિને કો, બહોત બહાદુર બન રહા હૈ સાલા કુત્તા.’ બે જણ અમિતના પગ ઊંચકીને એને બહાર ફેંકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમિત એનાથી શક્ય એટલું જોર કરી છૂટવાની કોશિશ કરી રહ્યો હતો. અમિત આજે સવારે શું વિચારીને ટ્રેનમાં બેસેલો અને હવે શું થઈ રહ્યું હતું? અમિતને એક જ ઝાટકે પગમાં લાકડી ફટકારીને બહાર ફેંકી દેવામાં આવ્યો! મુસાફરો ચીસો પાડી ઉઠ્યા, એક સિગ્નલ સાથે અમિતનું શરીર અફળાયું અને નીચે પડતા જ એનો દેહ નશ્વર થઈ ગયો...

                                                                                       *****

છ મહિના પછી

સ્થળ: શેક્સપિયર સારાની, કોલકતા.

ફેબ્રુઆરીની એક ભૂખરી સાંજ! કોલકાતાનાં એક ખ્યાતનામ જ્વેલરી શૉ રૂમમાં પેલા બદમાશો ધાડ પાડવા માટે પ્લાન મુજબ આવી ચૂક્યા હતા! મોડસ ઓપરેન્ડી પ્રમાણે અચાનક જ જ્વેલરી શૉ રૂમમાં કેટલીક શોટ સર્કિટ થઈ, અંધારું છવાયું, સીસીટીવી કેમેરા બંધ થયા. અને પેલા લૂંટારાઓ તૂટી પડ્યા, ગલ્લો તોડી લાખોની કેશ થેલામાં નાખી, દેશી બનાવટની એક બંદુક પણ સાથે હતી, જેનાથી કેટલાક કાચ તોડવામાં આવ્યા!

એક બદમાશ કેટલીક રોકડને થેલામાં નાંખવા ગયો અને અંદરથી જાણે શું કરંટ જેવું લાગ્યું કે એ ત્યાં જ લગભગ ખેંચાઈ ગયો! બીજા બદમાશો અંદર અંદર વાતો કરી રહ્યા હતા, બઘવાઈને બે રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો! પોલીસને પણ ફોન થઈ શકે એમ નહોતો, દરેક વ્યક્તિ ફફડી રહી હતી. ફોનની લાઈન કાપી નાખવામાં આવી હતી. શૉ રૂમની દીવાલોનાં અંધારામાં સફેદ ધુમાડા જેવું થયું અને એક ધાડપાડુ ત્યાં જોવા ગયો તો એને અમિત જેવી વ્યક્તિ દેખાઈ. તરત એને સમજાયું કે આ તો પેલો જ છોકરો છે જેને એ લોકોએ ચાલતી ટ્રેન માંથી ફેંકી દીધો હતો!

વિશ્વાસ તો ન બેઠો પણ હતો અમિત જ! ફફડાટમાં હાથ ઉગામ્યો, પણ તરત જ એ બદમાશ પર ઉપરથી એક સ્લેબનું ચકતું પડ્યું અને એ કાટમાળ નીચે ચગદાઈ ગયો. બીજા ત્રણ જણ પણ ગભરાઈ ગયા હતા, એ ભાગવા ગયા પણ શૉ રૂમનાં દરવાજા અંદરથી બંધ હતા અને ખોલવાનો પ્રયત્ન કરવા છતાં એ ખૂલી નહોતા રહ્યા.

ત્યાં બંધક બનાવાયેલી દરેક વ્યક્તિઓ અને પેલા બાકીનાં ત્રણેય બદમાશોને એક અવાજ સંભળાયો, એકદમ સ્પષ્ટ રીતે અવાજ આવી રહ્યો હતો. ‘તમે એ દિવસે પેલી સ્ત્રીને લૂંટવા પ્રયત્ન કરેલો. તમે એક યુવાનને એની કરિયર અને એનાં ભવિષ્યથી વંચિત રાખેલો! તમને શું લાગ્યું કે એને ટ્રેનની બહાર ફેંકી દેવાથી તમે બચી ગયા?’ પેલા બદમાશો બધી જ રોકડ અને દાગીના ત્યાં મૂકીને ત્યાંથી ભાગ્યા પણ બધું જ વ્યર્થ!

બહાર પોલીસ આવી ચૂકી હતી, પણ આજે એવું તો શું હતું કે પોલીસના લાખ પ્રયત્ન પછી પણ દરવાજો ખોલી શકાયો નહતો! બદમાશો બહુ ગંદી રીતે ફંસાઈ ગયા હતા. ત્રણેય બદમાશો કંઈ વિચારે એ પહેલા શૉ રૂમની બધી જ લાઈટ્સ ચાલુ થઈ ગઈ. સેન્ટ્રલી એસીની ઠંડકમાં પણ એમને પરસેવો નિતરી રહ્યો હતો. સામે એક બુદ્ધની મૂર્તિ હતી, જેના પર કેટલાક છરા અને ખિલ્લા જડેલા હતા. એ છરા બદમાશોની આંખમાં ઉડ્યા અને એ લોકોનાં શરીર જાણે કે દીવાલ તરફ ઢસડાયા. ખિલ્લા એ લોકોનાં શરીરની આરપાર થઈ ચૂક્યા હતા.                 

પોલીસ અચાનક પેલો દરવાજો ખોલવામાં સફળ રહી હતી, અંદર આવી જોયું તો ડેડ બોડીઝ પડી હતી, બીજા દિવસનાં બંગાળી છાપા આવા વિચિત્ર મર્ડરથી ગાજી રહ્યા હતા! પોસ્ટમોર્ટમનાં રિપોર્ટમાં કંઈ ખાસ આવી ન શક્યું, પણ અમિતને એનો ન્યાય મળી ગયો હતો! જવેલર્સમાં થતી લૂંટ આજે અમિતે બચાવી લીધી હતી અને કદાચ એવું માની શકાય કે એની આત્માને આજે મોક્ષ મળી ગયો હતો. અમિતનાં માં-બાપ આજે પણ અમિતની યાદમાં ગરીબ બાળકો માટે સ્કોલરશિપ ડોનેટ કરતા રહે છે. અમિત તો ભણી નહીં શક્યો પરંતુ બીજા અનેક અમિતો શિક્ષણ દ્વારા પોતાના સપનાં સાકાર કરતા રહે છે.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.