એક ભેદી દોસ્ત અને રિવેન્જ સાગા

16 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

આદિલ આજે રાબેતા મુજબ મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટથી પોતાની ફ્લાઈટ પકડી રહ્યો હતો. આદિલને ચેક-ઇન ફોર્માલિટીઝથી સખત ચીડ છતાં એ બધું પતાવીને એ ટર્મિનલ નંબર 11 સુધી પહોંચ્યો. આદિલનું નામ અનાઉન્સ થઈ રહ્યું હતું એટલે દોડીને એણે ફ્લાઈટ પકડવા પેલા એરોબ્રિજ પર રીતસર દોટ લગાવી. ફ્લાઈટની અંદર આવીને એ પોતાનો સીટ નંબર શોધી બેસી ગયો. ફ્લાઈટ અટેન્ડન્ટે પોતાની સુચના આપવાનું અને ફ્લાઈટ વિશે માહિતી આપવાનું કામ શરુ કરી દીધું હતું. આદિલે બાજુમાં નજર કરી તો લગભગ એની જ ઉંમરનો એક યુવાન બેઠો હતો. ફ્લાઈટ ટેક ઓફ થઈ અને થોડી જ વારમાં પેલા યુવાને સામેથી પોતાની ઓળખાણ આપવી શરુ કરી. 'હાય, હું તેજસ, મને ઓળખ્યો? આપણે બંને 6 મહિના પહેલા આવી જ એક ફ્લાઈટમાં મળેલા, ત્યારે તે મને પ્રોમિસ આપેલું કે તું મારા ઘરે આવીશ, પણ તું ક્યારેય આવ્યો જ નહીં!'

સતત પ્રવાસો કરતા રહેવાને કારણે આદિલને યાદ નહીં આવ્યું, પરંતુ તેજસનો ચહેરો એને ક્યાંક જોયો હોય એવું લાગી રહ્યું હતું. એટલે એણે અમસ્તા જ કહ્યું કે, 'યસ... યસ, યાદ આવી ગયું! ચાલ આ વખતે વાયદો નહીં પણ કાલે જ આવી જાઉં છું. મસ્ત ચાર પેગ મારીશું, ચિલ મારીશું!' આદિલની વાત સાંભળીને તેજસ તો ખુશ થઈ ગયો. અમદાવાદ આવતા તેજસે આદિલને એના ઘરનું એડ્રેસ આપ્યું અને બંને એકબીજાથી છુટ્ટા પડ્યા. બીજા જ દિવસે, નવરંગપુરાનાં પોતાના ઘરથી આદિલ પોતાની સેડાન કાર સડસડાટ દોડાવી તેજસના ઘર તરફ એટલે કે, બોપલથી આગળ ઘુમા તરફ ગયો. આલીશાન અપાર્ટમેન્ટનાં પહેલા માળે જ નેમપ્લેટ જોઈને આદિલે બેલ વગાડી! અંદરથી થોડી મોટી ઉંમરની લાગતી એક સ્ત્રીનો અવાજ આવ્યો, 'અહીં કોઈ નથી રહેતું. આ ઘર વર્ષોથી ખાલી છે!' આદિલને નવાઈ લાગી. પણ એણે બહાર કઠેડા પર ઊભા રહીને નીચે જોયું તો તેજસ આવી જ રહ્યો હતો. તેજસે નીચેથી ઈશારો કર્યો કે શાંતિ રાખ યાર... આવું જ છું.

તેજસ આવી ગયો એટલે બંને જણ ચાવીઓથી લોક ખોલી અંદર ગયા. ટીવી ઓન કર્યું અને સોફા પર લાંબા થઈને આરામથી ગોઠવાયા. બંનેએ રોજિંદી લાઈફની વાતો શરૂ કરી અને એક એક પેગ માર્યા. થોડી જ વારમાં આદિલનું ધ્યાન રૂમમાં ચારેતરફ ગયું અને એને ડર અને નવાઈ બંને લાગ્યા! રૂમમાં ચારેકોર ફ્લાઈટ દરમિયાન હેન્ડબેગ પર લગાવવામાં આવતા રબર વાળા એરલાઈન્સ ટેગ વિખરાયેલા પડ્યા હતા.

આદિલે તરત પૂછ્યું, 'ભાઈ તેજસ આ બધું શું છે? કેમ આટલા બધા ટેગ્સ પડ્યા છે?' આદિલ અત્યાર સુધીમાં લગભગ એક પેગ પી ચૂક્યો હતો, જ્યારે તેજસ ત્રણ પેગ પીને અડીખમ હતો. એકદમ ઠંડા કલેજે તેજસ બોલ્યો, 'એ બધા અલગ અલગ મુસાફરોની ટ્રાવેલર્સ બેગ પર લગાડેલા ટેગ્સ છે, એ લોકોને હું અહીં બોલાવતો હોઉં છું, એ લોકોને દારુ પીવડાવું છું, જેમાં દવા નાખી એને બેહોશ કરી અને પછી અહીં જ એ લોકોને લૂંટી લઉં છું અને મારી નાખું છું! આજે તારો વારો છે વહાલા દોસ્ત!'

તેજની વાત સાંભળીને આદિલ તો કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં આવી ગયો. એનું શરીર થથરી રહ્યું હતું અને એ તરત જ ત્યાંથી ઊભો થઈને ભાગવા ગયો, પણ એક પેગ અંદર ગયો હોવાને કારણે દવાની ધારી અસર થઈ ગઈ હતી. એટલે આદિલ ત્યાં જ બેહોશ થઈને પડી ગયો.

એની આંખો ખૂલી તો આલિશાન અપાર્ટમેન્ટનાં બદલે સાવ જર્જરિત મકાન દેખાતું હતું. એણે જરા હલવાની કોશિશ કરી તો ખબર પડી કે પગ સાથે સાંકળ બાંધેલી હતી, પરંતુ એ પણ ખૂલી ગઈ હતી. મનોમન કિસ્મતનો આભાર માની આદિલ ત્યાંથી દોડ્યો અને બહાર ગયો તો સામે જ પોતાની કાર અને એમાં ભરાવેલી ચાવી જોઈને ખુશ થઇ ગયો! કાર વાયુવેગે દોડાવી એ બોપલ તરફ હંકારી ગયો. થોડી જ વારમાં સામે તેજસ દેખાયો અને આદિલનાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ. કાર ત્યાં જ આવેલા એક ઝાડ સાથે સખત રીતે અથડાઈ અને આદિલ કારમાંથી બહાર ફેંકાઈ ગયો.

આદિલના વાળ ખેંચીને તેજસે ફરી એને ગાડી તરફ ઘસેડ્યો અને એને કારમાં નાંખીને પેલા જ અપાર્ટમેન્ટમાં લઈ ગયો. એ જ રાત્રે તેજસે આદિલની મમ્મીને કોલ કરી એરપોર્ટ બોલાવેલા અને એને પણ આદિલ પોતાના ઘરે છે એમ કહીને આમંત્રણ આપેલું. આદિલે પેલા રૂમમાં જોયું કે ત્યાં પોતાની મમ્મી પણ સાંકળથી બંધાયેલી છે! તેજસે વિકૃત હાસ્ય કરી આદિલને બાંધી દીધો અને પછી એની સામે જ એની મમ્મીને મારવાનું શરુ કર્યું! આ ત્રાસ જોઈને આદિલને એકદમ મરી જવા જેવું લાગતું હતું પણ એ લાચાર હતો.

એ જ રાત્રે આદિલનાં પપ્પાને પણ તેજસ એરપોર્ટથી પિક કરી આ ઘરે લઈ આવ્યો અને પછી એક પછી એક ત્રણેયને મારવાનું શરુ કર્યું! આદિલનાં મોઢામાં ડૂચા ભરાવીને એને બે રોટલી અને શાક ભરેલી એક થાળી ધરી તેજસ એના પર તાડૂક્યો, 'લે દોસ્ત, ભૂખ્યો થયો હોઈશને તું તો!' થોડી વાર પછી બાજુનાં રૂમમાં આદિલનાં મા-બાપની ચીસો સંભળાવા લાગી અને એકાએક એ શાંત થઈ ગઈ. આદીલ સમજી ગયો હતો કે તે પોતાના મા-બાપ બંનેને ગુમાવી ચૂક્યો છે! તેજસ હવે આદિલની નજીક આવ્યો. એની બોચી પકડી અને તાડૂક્યો, 'દોસ્ત હું તારું મોઢું ખોલી રહ્યો છું. તારામાં હોય એટલી તાકાત લગાવીને બોલ. કોઈ તને કદાચ અહીંથી બચાવી પણ લે. પણ યાદ કર જરા પાંચ મહિના પહેલાની એક સાંજ...'

***

પાંચ મહિના પહેલા આદિલ અને તેજસ બંને ફ્લાઈટમાં જ મળેલા અને આદિલ તેજસ સાથે ઓળખાણ કરીને ઘરે લઈ ગયેલો. એણે તેજસને ત્યાં જ લૂંટી લીધેલો અને પછી ત્યાં જ એના માં-બાપને બોલાવી મારી નાંખેલા! કહેવાની જરૂર ખરી કે તેજસ પછી જીવિત રહેલો કે નહીં? આદિલ એક શાતિર ચોર હતો જે આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટી લેતો અને લોકોને ઘરે આવવાનું આમંત્રણ આપી મારી નાંખતો! આજે તેજસનો બદલો પૂરો થઈ ગયો હતો એટલે તેજસ ત્યાંથી સિટી વગાડતો વગાડતો નીકળી ગયો.

આદિલે બૂમો પાડવાનું ચાલુ કર્યું, પણ કોઈ એની મદદે નહીં આવ્યું. ઘરમાં લાશની ગંઘ પારખીને ઘુમા અને મનીપુર નામનાં એ એરિયાની આસપાસના જંગલોના કૂતરાં એ ઘરના ખુલ્લા દરવાજાથી અંદર પેઠાં અને બંને લાશોને નોચવાનું શરુ કર્યું! કહેવાની જરૂર છે ખરી કે, આગળ શું થયું?!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.