એક બદનસીબ શોપિંગ મોલ...
અમદાવાદનો આંબાવાડી અને એલિસબ્રિજને જોડતો વિસ્તાર એટલે પંચવટી. આજુબાજુનાં દસ કિલોમીટરના એરિયામાં લગભગ આઠેક શોપિંગ મોલ્સ જે ખૂબ મોટા ગજાનાં મોલ્સ કહી શકાય. છેલ્લા એક દાયકામાં જે રીતે રિટેઈલ સેક્ટરે તેજી જોઈ એ પછી બહુ જલદી એનાં વળતા પાણી પણ થયા, એક પછી એક શોપિંગ મોલ્સ પૂરતા ગ્રાહકોનાં અભાવે અને તોતિંગ મેઈન્ટેનન્સનાં પ્રતાપે બંધ થવા લાગ્યા. ક્યાંક મરવાનાં વાંકે હજુ પણ ચાલી રહ્યા હતા, તો ક્યાંક ઓલરેડી શટર ડાઉન થઇ ગયા હતા!
એમાંનો એક મોલ એટલે ધ પલાઝો મોલ! પલાઝો મોલ એકદમ જોરશોરથી શરૂ થયેલો અને લોકો વિકેન્ડ્સ પર તો રીતસર અહીં આવવા પડાપડી કરતા. પણ જેમ દરેક વસ્તુ-જગ્યા કે નવા ટ્રેન્ડમાં શરૂઆતની ભરતી પછી ઓટ આવે જ એમ આ મોલમાં પણ લોકોની સંખ્યા ઓછી થતી ગઈ. આ આખી વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જયારે આ મોલનાં કેટલાક શૉ રૂમનાં કાચના દરવાજાઓ પર કોઈ રાત્રે મોલ બંધ થઇ ગયા પછી કેટલીક ભેદી ઘટનાઓ બની! કાચનાં દરવાજાઓ પર કેટલાક મેસેજીસ અને ગ્રાફિટી લખેલા જોવામાં આવ્યા!
કાચ પર લાલ અક્ષરોએ લખેલું હતું, 'આ મોલ ખાલી કરો… આ જગ્યા શાપિત છે!'. દુકાનદારો અને શો રૂમ માલિકો એ શરૂઆતમાં તો આ બધું અવગણ્યું, થયું કે નક્કી કોઈ મસ્તીખોર કોઈ પ્રેન્ક કરી રહ્યું છે, મસ્તી કરી રહ્યું છે. છતાં, મોલ મેનેજમેન્ટ એ પ્રાયમરી તપાસ કરવા મોલનાં સિક્યોરિટી ફોર્સ પાસેથી એક એક મિનિટનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. દરેક શો રૂમ ઓનરની ઊંઘ ત્યારે ઉડી ગઈ જયારે કશું જ હાથ ન લાગ્યું, તો પછી સવાલ એ હતો કે એ ગ્રાફિટી કોણ કરી રહ્યું હતું જયારે પ્રેક્ટિકલી કોઈ દેખાઈ જ નથી રહ્યું.
આ ગ્રાફિટી મેસેજીસ સવારે સાફ કરી નાંખવામાં આવતા પણ આખી ઘટનાનાં ભેદ ભરમ એવા કે એક એક વ્યક્તિ હવે અંદરથી ડરી રહી હતી. આજુબાજુનાં વિસ્તારોમાં પણ હવે આ વાત ફેલાઈ રહી હતી. એક દિવસની વાત છે રાત્રે સાડા આઠ વાગ્યા પછી પલાઝો મોલની દુકાનો બંધ થઇ રહી હતી. અચાનક મોલની વચ્ચે આવેલું એક વિશાળ કાચનું ઝુમ્મર નીચે પડ્યું. એનો અવાજ એટલો હતો કે આજુબાજુનાં 100 મીટરનાં વિસ્તારમાં એનો ધડાકો સંભળાયો! કાચની કરચો ચારેકોર વિખરાઈ, એટલું જ નહીં પણ કેટલાય શૉ રૂમ્સનાં ગ્લાસ ડોર્સ પણ તિરાડોથી બચી ન શક્યા. મામલો હવે કાબુ બહાર જઈ રહ્યો હતો, મીડિયામાં આ બધી વાતો થવા લાગી. લોકો કુતૂહલવશ થઈને પણ મોલની આજુબાજુ ફરવા લાગ્યા, દિવસે ટોળાઓ વિખેરવા પોલીસ બોલાવવી પડતી! ધીમે ધીમે એટલું ન્યુસન્સ ફેલાઈ ગયું હતું, કે દુકાનદારો એક પછી એક અહીંથી શિફ્ટ થવાનું વિચારવા લાગ્યા!
બપોર પછી જેમ જેમ સાંજ પડતી એમ ગ્રાહકો ડરના માર્યા અહીં ફરકતા જ નહીં. પરિણામે ધંધો પડી ભાંગવા માંડ્યો. કેટલીય જાણીતી બ્રાન્ડ્સ અહીંથી પોતાનાં શૉ રૂમ્સ શિફ્ટ કરી ચૂકી હતી અને બીજા લોકો શિફ્ટ થવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પલાઝો મોલ ભેંકાર થવા લાગ્યો, સરકારનાં હસ્તક્ષેપ પછી હાલત એ થઇ કે જે લોકો ત્યાં બચ્યા હતા એ લોકો એ પણ પોતાનાં શૉ રૂમ્સ બંધ કરવાની ફરજ પડી. રાત્રે આંબાવાડીથી આગળ જતા, પલાઝો મોલ સામે કોઈ નજર પણ ન નાંખતું! શાપિત જગ્યા તરીકે આ મોલ કુખ્યાત થયો અને એક દિવસે લગભગ સાંજે આઠ વાગ્યે જયારે એક પછી એક આજુબાજુની દુકાનો બંધ થવા લાગી ત્યારે લોકોને એક મોટી કારમી ચીસ સંભળાઈ!
પલાઝો મોલનાં એન્ટ્રન્સ પર લગાવવામાં આવેલા બેરિકેડ્સ હટાવીને કેટલાક લોકોનું ટોળું ટોર્ચ સાથે અંદર જોવા ગયું. અંદરથી તો સૌ ડરી રહ્યા હતા પણ શું થયું હતું એ જાણવું પણ જરૂરી હતું. મોલનાં ગ્રાઉન્ડ ફ્લોર પાસેનાં એક એલિવેટર પાસે એક યુવતીની લાશ પડેલી હતી, ઉપર ત્રીજા માળે કેટલાક પડછાયા દેખાયા પણ લોકો બીકનાં માર્યા કશું જ વિચાર્યા વગર ત્યાંથી બહાર નીકળી ગયા. પોલીસ આ આખી વાતનું ઇન્વેસ્ટિગેશન કરવા આવી પહોંચી પણ પોલીસને ધક્કો ત્યારે લાગ્યો જયારે ત્યાં જોયું કે લાશ ગાયબ હતી, ફર્શ પર લખાણ હતું 'Please Help Me, Please Listen to Me'.
થોડા દિવસોમાં પલાઝો મોલની બિલકુલ સામે જ, બેથી ત્રણ બહુ જ ભયાનક કિસમનાં અકસ્માતો પણ થયા! પોલીસ ભલે એને માત્ર અકસ્માતો ગણે, પણ લોકો એ ત્રણેય અકસ્માતો અને પલાઝો મોલમાં થતા કથિત ભૂતપ્રેતનાં અનુભવો સાથે જોડવા લાગ્યા! કોઈ ખાસ ક્લ્યુ ન મળ્યા અને દિવસો વીતતા બધું ભુલાતું ગયું.
કેટલાક લોકોએ નિયમિત રીતે કોઈ ચીસો સંભળાતી હોવાની વાતને વહેતી કરી, તો કોઈએ આ બધું કોઈ ષડયંત્ર હોવાની વાત કરી! જે પણ હોય, પલાઝો મોલ બિલકુલ ભેંકાર બની ગયો હતો, કોઈ કહી ન શકે કે આ મોલ પણ એકદમ ભરચક રીતે ઝાકમઝોળ હતો! અહીં એક મલ્ટીપ્લેક્સ પણ શરૂ થવાનું હતું. છેવટે વાત એ મોટું સ્વરૂપ લઇ લેતા, મીડિયાએ આખા સ્થળ અને અહીંની ગેબી ઘટનાઓ વિશે રિપોર્ટિંગ શરૂ કર્યું. પોલીસ પર પ્રેશર આવતા કડક અને ઝીણવટ ભરી તપાસ શરૂ થઇ, તપાસમાં જે બહાર આવ્યું એ કોઈપણ વ્યક્તિનાં કાળજા કંપાવી દેનારું હતું!
આ મોલ શરૂ થયો, એના છ જ મહિનામાં એક રાત્રે જાણીતી બ્રાન્ડનાં શૉ રૂમમાં કામ કરતી એક સેલ્સ ગર્લ સાથે એનાં જ મેનેજરે વોશરૂમમાં જઈને એની છેડતી કરેલી અને એમએમએસ ઉતારેલો! સતત ચાલતા બ્લેકમેઈલિંગથી કંટાળીને એ સેલ્સ ગર્લે પલાઝો મોલનાં ટોપ ફ્લોર પર જઈને ફર્શ તરફ નીચે પડતું મૂકેલું અને ત્યાં જ પ્રાણ છોડી દીધેલા! આ આખી વાતની ધંધા પર અસર ન પડે એટલે મોલ એસોશિયેશને આખી વાત દબાવી દીધેલી અને પોલીસ સુધી પહોંચવા જ નહોતી દીધી!
ન એ છોકરીને ન્યાય મળી શક્યો, ન તો પછી એ વાત ક્યારેય બહાર આવી શકી! પોલીસ તપાસ પુરી થયા પછી હાઇકોર્ટમાં આજે પણ એ મોલનાં ડિમોલિશન માટે કેટલાક જમીન માલિકો સહમત ન થતાં એ ડિમોલીશ નથી કરી શકાયો. આજે પણ એ હયાત છે. રાત્રે ક્યારેક ચીસો સાંભળતી હોવાના તો ક્યારેક મોલની અંદર વસ્તુઓ અથડાવાનાં અવાજો આવતા રહે છે. શોપિંગ મોલ તો તમે બહુ જોયા હશે, પણ રિટેઇલ સેક્ટરમાં પડદા પાછળ ચાલતા અન્યાય અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આવો પણ અંજામ આવી શકે છે એ કોણ વિચારી શકે છે!
***********
ડિસ્ક્લેમર: આ વાર્તા કાલ્પનિક છે, પણ હકીકતે અમદાવાદનાં જ એક નિષ્ફળ અને કોઈ ભેદી કારણોસર ખાલી થઇ ગયેલા શોપિંગ મોલ પર આધારિત છે. અહીં કોઈ શોપિંગ મોલ કે જગ્યાને બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર