રસ્તા જેવા જ જિંદગીના ખૌફનાક વળાંકો!

02 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

કર્ણાટકના ખૂબસૂરત હિલસ્ટેશન કુર્ગ તરફ કાર લગભગ 120ની કાતિલ સ્પિડ પર જઈ રહી હતી. ફિલ્મ 'દિલ ચાહતા હૈ' જેવી જ દોસ્તી ધરાવતા ત્રણ દોસ્ત આશિષ, વિરાટ અને રવિ એ કારમાં સવાર હતા. રાત્રે લગભગ સાડા આઠ વાગ્યા હશે, ગાઢ અંધારું અને ધુમ્મસ કુર્ગને ચોતરફથી ઘેરી વળ્યું હતું! અચાનક વિરાટને શું થયું કે એ ડ્રાઈવર સીટ પર બેસેલા આશિષને કાર રોકવા કહેવા લાગ્યો, એકદમ શોર્ટ બ્રેક મારી આશિષે બ્રેક મારી! વિરાટની આ બેવકૂફી પર આશિષ અને રવિ બંને ધુંઆપૂંઆ થઈ ગયા અને કહેવા લાગ્યા, 'યાર તને પ્રોબ્લેમ શું છે? કેમ આવી રીતે અચાનક કાર રોકાવે છે? શોર્ટ બ્રેક મારવી પડી અને જો જરા પણ ભૂલચૂક થઈ હોત તો અત્યારે આપણે નીચે ખીણમાં ક્યાંય ખોવાઈ ગયા હોત!

વિરાટે લગભગ ગભરાઈને ચારેક વખત 'સોરી' કહી એના દોસ્તોની માફી માગી. એના કપાળ પર પરસેવો બાઝી ગયો હતો અને એ હાંફી રહ્યો હતો. રવિ અને આશિષને નવાઈ લાગી. વિરાટે કહ્યું, ‘તમને યાદ છે, બરાબર બે વર્ષ પહેલા આ જ જગ્યાએથી આપણે પસાર થયા હતા, જુઓ એ જ અવાજ સંભળાઈ રહ્યો છે!’ તરત આશિષ અને રવિએ કાન સરવા કર્યા અને સાંભળવાનો પ્રયત્ન કર્યો તો એક છોકરી અને એક છોકરો ઘોર અંધારામાં એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું.

છોકરી છોકરાને પ્રેમથી પણ ડરીને કહી રહી હતી, 'એય છોડ ને... એવું ન કર, કોઈ આપણને જોતું હશે...' આવું સાંભળી રવિ અને આશિષ ત્યાંથી જવા માટે તૈયાર થયા અને તરત વિરાટનો હાથ ખેંચી અને કારમાં ગોઠવાઈ ગયા. કાર લગભગ ડાયરેક્ટ ચોથા ગિયરમાં જઈને રોકેટ જેવી ગતિએ ત્યાંથી પુરપાટ ભાગી.

કાર લગભગ સાતેક કિલોમીટર આગળ ગઈ અને વધુ પડતી રેસ થઈ જવાથી અચાનક ઘરેરાટી સાથે બંધ પડી ગઈ. છેક મૈસુરથી એકસરખી સતત ફાસ્ટ સ્પિડ પર કાર ચલાવવાનું આ પરિણામ હતું! ત્રણેય જણ બહાર નીકળીને બોનેટ ઊંચું કરી ચેક કરવા લાગ્યા, ફ્યુઅલ મીટર જોયું તો પેટ્રોલ ખાલી થઈ ગયું હતું, કાર્બરેટરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. વિરાટે એના પર ખાસ્સું એવું પાણી નાંખીને એ તો ઠારી દીધું પણ કાર હવે ચાલુ કેમ કરવી અને માઈલસ્ટોન પર મોબાઈલની લાઈટ પડતા ખબર પડી કે કુર્ગ તો હજુ 12 કિલોમીટર દુર હતું! હવે શું કરવું એ જ સમજમાં નહોતું આવી રહ્યું.

ધક્કા મારીને કાર લગભગ પચાસેક મીટર જેવી આગળ વધી, પણ પછી એને કુર્ગ પહોંચાડવી અશક્ય હતી, ત્રણેય જણનાં મગજમાં હજુ પણ પેલા છોકરા છોકરી જ ભમી રહ્યા હતા! એવામાં એક ટ્રક સામે આવતી દેખાઈ. રવિ બોલ્યો ‘તમે લોકો કારમાં જ બેસો, હું આ ટ્રકમાં લિફ્ટ લઈને નીચેથી પેટ્રોલ લઈને આવું છું.’ ટ્રક નજીક આવી અને રવિએ લિફ્ટ માગી. ટ્રક ચાલકે અંદર બેસી જવા કહ્યું. રવિ બેસી ગયો અને પેટ્રોલ પંપ આવે એની રાહ જોવા લાગ્યો. જનરલી ટ્રકમાં ચાલક સાથે હેલ્પર હોય જ પણ અહીં તો ટ્રક ચાલક સાથે એક યુવતી બેસેલી હતી. એની પત્ની હશે એવું રવિ વિચારવા લાગ્યો!

લગભગ ચાર કિલોમીટર જેવી ટ્રક આગળ ચાલી હશે અને રવિનું ધ્યાન ગયું તો ટ્રક ચાલક અને પેલી યુવતી એકદમ નજીક બેઠા હતા અને ગંદી હરકતો કરી રહ્યા હતા. ટ્રક ચાલકનો હાથ પેલી યુવતીની સાડીમાં હતો! આ હરકતને કારણે પેલી યુવતી તરત બોલી કે 'એય છોડ ને... એવું ન કર, કોઈ આપણને જોતું હશે...'

આટલું સાંભળતા જ રવિના હોશકોશ ઊડી ગયા. રવિને પરસેવો છૂટી ગયો અને ખબર જ ન પડી કે હવે શું કરવું? અહીં નક્કી કંઈક ગરબડ છે એટલી તો એને ખબર પડી જ ગઈ! પેલો ટ્રક ચાલક હસીને બોલ્યો, ‘આને થોડી શરમ આવી હતી વીડિયો ઉતારતી વખતે કે અત્યારે મને શરમ આવે?’

આગળ એક વળાંક પાસે હિંમત કરીને રવિ ચાલતી ટ્રક્રે જ કુદકો મારી ઉતરી ગયો, ટ્રકની ઝડપને કારણે એ ખૂબ લોહી લુહાણ થઈ ગયો. જોયું તો હાથ પગમાંથી લોહી વહી રહ્યું હતું! રવિ દર્દથી કણસી રહ્યો હતો. ટ્રક તો જતી રહી હતી, પણ રવિ એ જ ઘાયલ હાલતમાં વિચારવા લાગ્યો કે પોતે તો બચી ગયો, પણ ત્યાં વિરાટ અને આશિષની શું હાલત થઈ હશે? એ લોહી નિગળતી હાલતમાં જ લગભગ દોડતા દોડતા જ્યાં કાર હતી એ જગ્યા એ પહોંચ્યો.

માંડ માંડ રવિ ત્યાં પહોંચ્યો તો દૂરથી દેખાયું કે કારની પાર્કિંગ લાઈટ્સ ચાલુ હતી. દોડીને ત્યાં ગયો તો કારનાં કાચ બંધ હતા. આશિષ અને વિરાટ અંદર બેઠા હતા. રવિએ હાથ પછાડીને કાચ ખોલાવ્યા અને કહ્યું ‘અરે હું છું... રવિ. કાચ ખોલો જલદી.’

શરૂઆતમાં તો ડરથી બેમાંથી કોઈ કાચ જ ન ખોલે પણ બૂમો પડી પછી છેક બંનેએ કાચ અને દરવાજો ખોલ્યા. રવિએ આખી આપવિતી કહી કે એની સાથે શું બન્યું હતું અને આ જગ્યાથી બધાને દૂર જવા માટે એણે ચેતવ્યા. આશિષ બોલ્યો, ‘યાર રવિ, મરેલા લોકો પાછા કઈ રીતે આવી શકે?’ એવામાં જ આશિષનો ફોન બ્લિંક થયો અને જોયું તો એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલો પડ્યો હતો કે ‘મરેલા લોકો પણ ગમે ત્યારે પરત આવી શકે છે!’

ત્રણેયને જીવનો ખતરો લાગતા ત્યાંથી ફટાફટ નીકળી જવાની તૈયારી કરવા લાગ્યા. પેલા મેસેજનો જવાબ આપ્યો, ‘હું આર યુ?’ તરત રિપ્લાય આવ્યો કે ‘હું હાર્દિક છું...’ એ જ નંબર પર કોલ કર્યો તો ‘આ નંબર અસ્તિત્વમાં નથી’ એવો મેસેજ સાંભળવા મળ્યો. થોડી વાર પછી ફરી એ જ નંબર પરથી એક વીડિયો આવ્યો. ઈન્ટરનેટ ચાલુ હોવાથી તરત ડાઉનલોડ થવા લાગતા એ વીડિયો પ્લે કર્યો!

વિરાટ તરત બોલ્યો, ‘બોસ આ બધું બરાબર નથી આપણે ત્રણેય હવે ગયા કામથી. ગાડીની અંદરથી એ કંઈક લેવા ગયો અને તરત એક ચીસ સંભળાઈ...’

ચીસ સંભળાઈ ત્યારે કારની બાજુની ભેખડ પરથી કશુંક પડ્યું હતું. કાર પર એક મસમોટો ગોબો પડ્યો હતો અને પેલી ચીસ એ આશિષનો છેલ્લો અવાજ હતો. એ મૃત્યુ પામ્યો હતો!

રવિ અને વિરાટે દોટ મૂકી. થોડું દોડ્યા હશે અને પાછળથી એક બસનાં આવવાનો અવાજ સંભળાયો. એ લોકોની ચીસ અને હાથ જોડવાથી ગમે તેમ કરી બસ ઊભી રહી અને બંને બસમાં અંદર બેસી ગયા. બંને એકદમ સ્ફૂર્તિથી અંદર ચઢી ગયા અને બંનેનો એક જ હેતુ હતો કે, જલદી નજીકનું પોલીસ સ્ટેશન આવે જ્યાં તેઓ એફઆઈઆર કરાવી શકે.

રસ્તામાં એક નાનું સ્ટોપ આવ્યું, સખત ઠંડીમાં એક પુરુષ અને સ્ત્રી બસની અંદર ચઢી ગયા અને વિરાટ અને રવિની બિલકુલ પાછળની સીટ પર બેસી ગયા. બસ આગળ નીકળી પડી, પેલા બંને લોકો શાલ ઓઢીને બેઠા હતા. અચાનક એક અવાજ બંનેને સંભળાયો, 'એય છોડ ને... એવું ન કર, કોઈ આપણને જોતું હશે...'  વિરાટ અને રવિની હાલત ખરાબ થઈ ગઈ. અચાનક કોઈ બંનેનું ગળું દબાવી રહ્યું હોય એવો એમને અહેસાસ થયો, જે પેલા બંને વ્યક્તિ જ દબાવી રહ્યા હતા. બંનેની આંખે અંઘારું છવાઈ ગયું! બસમાં બાકીના જે લોકો બેઠા હતા એ લોકો કોઈ જ હાવભાવ વગર બેસી રહ્યા હતા. જાણે એ લોકોને આ બધું કંઈ દેખાઈ રહ્યું જ નહોતું. બંને ધીમે ધીમે મરી રહ્યા હતા. અચાનક બંનેની આંખો ખૂલી. જોયું તો કંડક્ટરે નીચે ઉતરી જવા કહ્યું, 'ચાલો નીચે ઉતરો, પોલીસ સ્ટેશન આવી ગયું છે'.

તરત બંને દોડતા દોડતા પોલીસ સ્ટેશન તરફ ભાગ્યા પાછળ વળીને જોયું તો પેલા બંને શાલ ઓઢેલી વ્યક્તિઓ એમની જ સામે જોઈ રહ્યા હતા. અંદર જઈને બધું કહ્યું અને રિપોર્ટ લખાવ્યો, પોલીસે તરત ગાડી કઢાવી અને બધા જ એક્સિડન્ટ સ્પોટ પર ગયા. જોયું તો હજુ પણ ત્યાં આશિષની લાશ પડી હતી. પોલીસને ઉલ્ટો રવિ અને વિરાટ પર જ શક ગયો અને પછી ખૂબ માર મારવાનું શરુ કર્યું. અને ‘શું દુશ્મની હતી તમારી? જલદી બોલો....’ માર પડતો જ ગયો. પેલા બંને વિનંતી કરતા ગયા. એક જ વાત વારંવાર કરવાથી પોલીસ એમને પટ્ટે પટ્ટે ઝૂડી રહી હતી. અચાનક વિરાટનો અવાજ બદલ્યો, 'અમે આશિષને નથી માર્યો પણ અમે એક વીડિયો ઉતારેલો, જે જોઈને એક કપલ એ આત્મહત્યા કરેલી.'   

એક વખત આ જ કુર્ગનાં રસ્તે ત્રણેય પિકનિક મનાવવા આવેલા ત્યારે એક કપલ વિશાલ અને મોના હનિમૂન કરવા આવેલા. માત્ર મજા માટે એ લોકોનો એમનો વીડિયો ઉતારી લીધેલો. વધુ તપાસ કરી તો ખબર પડી કે એ વીડિયો ઈન્ટરનેટ વાયરલ કરી નાખવામાં આવતા શરમથી પેલા કપલે આત્મહત્યા કરેલી. જે કપલ મૃત્યુ પછી પણ કુર્ગના રસ્તા પર ભટકી રહ્યું હતું. અહીં આશિષનું મૃત્યુ હાર્ટફેઈલ થવાથી થયેલું. કેસ એવો બન્યો કે એ બંનેને પાગલ સાબિત કરવામાં આવ્યા અને આજે પણ કર્ણાટકનાં મૈસુરના એક પાગલખાનામાં બંને સડી રહ્યા છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.