કોઈકના હોવાપણાનો આભાસ…

02 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

જે અજાણ્યું અને રહસ્યમય છે, એની ચટપટી આપણા મગજમાં કાયમ રહેવાની. આપણા દેશમાં એવી જગ્યાઓનો તોટો નથી કે જ્યાં આવી રહસ્યમય ઘટનાઓ સતત બનતી રહે છે, વાયકાઓ ફેલાતી રહે છે. આટલો ભવ્ય ઈતિહાસ અને કેટલાય રજવાડાંઓની ગાથાઓ, મહેલો અને સમૃદ્ધ કલ્ચર ભારતને ખૂબસૂરતપણે રહસ્યોથી ભરપૂર અને રોમાંચિત બનાવે છે. રાજાઓ, રાણીઓ, કેટલાય મજૂરો, એમના કમોત, અધૂરી ઈચ્છાઓ, વિલાસી જીવન, બાળકીને દુધપીતી કરવાથી માંડી સતીપ્રથા અને જૌહરપ્રથા જેવા ભયાવહ કુરિવાજો, અને કેટલાય શૈતાનોની અધૂરી વાસનાઓ. આ બધા મહેલો, કસ્બા, ગામ, અને જગ્યાઓને આટલા વર્ષો પછી પણ ‘રસપ્રદ, રોમાંચક અને ભયાવહ’ બનાવે છે!

આપણે ભલે સ્માર્ટફોનના યુગમાં જીવતા હોઈએ, પણ એક અનિશ્ચિતતા, સમજણની પરે હોય એવી ઘટનાઓ અને જગ્યાઓનો ડર આપણને કાયમ સતત ડરાવતો રહે છે. બે હપતા પહેલા આપણે અહીં રસ્કિન બોન્ડના જીવનમાં બનેલી સત્ય ઘટના વિશે વાત કરેલી, આજે એ ચર્ચાને આપણે આપણી જ આસપાસનાં માહોલમાં બનેલી એવી જ ‘મિસ્ટિક’ ઘટનાઓથી આગળ લઈ જઈશું. અહીં કહેવામાં આવેલા કિસ્સામાં રહેલા સત્યનું કોઈ નક્કર પ્રમાણ નથી, પણ એ એવા રહસ્યો છે, જે અકબંધ છે અને કેટલાક એને અફવાઓ કહી ઉતારી પાડે છે. તો વળી કેટલાકે ઘટનાઓ અનુભવી પણ છે! તો તમારી અંદરનાં ડરને ભગાવવા હાથમાં લઈ લો કોઈ લોખંડની વસ્તુ અને ચાલો અમારી સાથે પેલી અગોચર જગ્યાઓની ભીતર!

અમદાવાદનાં પશ્ચિમ છેડે આવેલા બોપલ-ઘુમા વિસ્તાર તો છેક છેલ્લા બે વર્ષ પહેલા પણ સાવ અવાવરું અને રિમોટ કહેવાતા. એટલે સ્વાભાવિક છે કે, લોકો ત્યાં રહેવા જતા પણ ખચકાતા. ધીમે ધીમે જગ્યાનાં અભાવે દરેક શહેર વિસ્તરતું જાય એટલે લોકો હવે અમદાવાદમાં ગાંધીનગરથી બોપલ અને ચાંદખેડા સુધી વિસ્તરી ચૂક્યા છે. આ બોપલ-ઘુમા વિસ્તાર પણ ઓળંગી જઈએ પછી મણીપુર નામના વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં કેટલીક પેરાનોર્મલ એક્ટિવિટીઝ થતી હોવાના સમાચાર આજુબાજુનાં વિસ્તારોમાં ઓલરેડી ફેલાયેલા છે. એમાં કેટલાક જુવાનિયાઓ આ વાતની ખરાઈ કરવા આ ફાર્મ હાઉસમાં ગયા. એ ફાર્મ પર મોબાઈલના સિગ્નલ પણ આવતા નહોતા ત્યાં બીજા કોઈ કમ્યુનિકેશન ડિવાઈસ ચાલવાની વાત જ નથી આવતી.

ત્યાં જતાં જ એ લોકોએ લાફિંગ બુદ્ધ અને ત્રણ ઘોડાનાં સ્કલ્પચરને અરધી તૂટેલી હાલતમાં જોયા! થોડું અજીબ તો લાગ્યું જ એ લોકો ને. ત્યારે લગભગ રાત્રે એક વાગ્યો હતો. જુવાનિયાઓ પાસે એક કાર અને બે સ્કૂટર હતા. થોડી વાર ત્યાં રોકાયા પછી કશું જ એબનોર્મલ ફિલ ન થતા એ લોકો પરત ફરવા નીકળ્યા. ખુબ જ ગાઢ અંધારાનાં કારણે કાર પહેલા નીકળી અને પાછળ બે સ્કૂટર એને ફોલો કરતા ચાલ્યા. એકાએક કારએ ડાબી બાજુ ટર્ન લીધો અને એ સમયે એક સ્કૂટર પોતાની દિશા ગુમાવી બેઠું. એવામાં એક ઘટના બની, જેનાથી કારમાં અને સ્કૂટર પર સવાર જુવાનિયાઓની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ!

તેમને પાછળથી ત્રણેક ઘોડાનાં દોડવાના અવાજ સંભળાયો અને ધીમે ધીમે એ અવાજ મોટો થતો ગયો. બે-ત્રણ સેકન્ડ્સમાં તો એ ત્રણ સફેદ ઘોડા એ લોકોને ક્રોસ કરીને આગળ નીકળી ગયા. બધા જ જુવાનિયાઓ લગભગ બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા. માંડમાંડ કરી એ લોકો અમદાવાદ તરફ પરત ફર્યા. આજે પણ આ ફાર્મ હાઉસ એટલું જ કુખ્યાત છે. ભલે કેટલાક લોકો આ વાતને બોગસ ગણે અને હસી કાઢે. પણ હકીકત એ છે કે એ ઘોડાઓના આત્મા અને એ પેરાનોર્મલ અનુભવ મણીપુર વિસ્તારને રાત્રે ખૂબ જ ભેંકાર કરી મૂકે છે.
*********************************
અમદાવાદનાં જ સોલા રોડ પર આવેલા એક બંગલામાં એક સ્ત્રી રહે. આજુબાજુનાં લોકોને એ સ્ત્રીના ઘરે આવતા પુરુષોથી ભારે ચીડ. પડોશમાં વાત ફેલાઈ ગયેલી કે, આ બાઈ તો કેરેક્ટરલેસ છે. પત્યું. ગામનાં ઉતાર જેવા મોરાલ પોલિસિંગ કરતા લોકો આવી ગયા એ સ્ત્રીને હેરાન કરવા લાગ્યા. થોડા મહિનાઓ પછી જિંદગી ફરી નોર્મલ થઈ ગઈ. કેટલાક સમય પછી એ સ્ત્રી માંદી પડી અને કેટલાક ટેસ્ટ પછી ડૉક્ટરે નિદાન કર્યું કે એને કેન્સર છે. બહુ ટૂંકા ગાળામાં એનું મૃત્યુ થયું. એકદમ સ્વરૂપવાન સ્ત્રીમાંથી એકદમ સૂકી અને સાવ નંખાઈ ગયેલી એ સ્ત્રી હવે ભૂતકાળ બની ચૂકી હતી. એ બંગલો વેચાઈ ગયો, ફુલ્લી રિનોવેટ થઈ અને એમાં નવા ઘરમાલિક રહેવા આવી ગયા હતા. પણ બહુ ટૂંકા ગાળામાં જ રાત્રે એ લોકોને એક સ્ત્રીનો રડવાનો અવાજ મોટેથી સંભળાતો. એ અવાજ સાંભળીને ત્યાં રહેતા લોકોના શરીરમાંથી જાણે કંપારી છૂટી જતી. થોડા જ સમયમાં એ લોકો ઘર ખાલી કરી ત્યાંથી જતા રહ્યા. આજે પણ એ બંગલો નિર્જન હાલતમાં ખાલી પડી રહ્યો છે. અને કહેવાય છે કે, હજુ પણ રાત્રે પેલી સ્ત્રીના રડવાનો કોલાહલ એ બંગલાને ધ્રુજાવી નાખે છે!
*********************************
સુરતથી લગભગ પંદર કિલોમીટર દક્ષિણ પશ્ચિમે આવેલા ડુમસ બીચ આવેલો છે. ડુમસ બીચ વિશે ઈન્ટરનેટ પર જાતભાતની સ્ટોરીઝ ફરે છે. કહેવાય છે કે, અહીં પહેલા એક સ્મશાન હતું, જ્યાં લોકોને બાળવા કે ઈવન દફનાવવામાં આવતા. ઘણા લોકોએ અહીં રાત્રે જોશમાં આવીને અહીંની કથિત પેરાનોર્મલ એક્ટિવિટીઝને કેપ્ચર કરવાનાં પ્રયત્ન કરેલા છે. લોજિક એવું છે કે, કોઈપણ બીચ રાત્રે એકાંતમાં દરિયાના મોજામાં તમને હોન્ટેડ જ લાગવાનો. ઉપરથી ત્યાંના ભસતા કૂતરાને કારણે પણ માણસને ડર લાગે એ સ્વાભાવિક છે. અહીંના કેટલાક સ્થાનિકો અને ત્યાં જઈને કેટલાક ઉત્સાહી યંગસ્ટર્સે પોતાના કેમેરાથી કેટલીક પેરાનોર્મલ ચીજોને પોતાના કેમેરામાં કેપ્ચર કરી હોવાનું નોંધ્યું છે. તો કેટલાકે રાત્રે કેટલીક આત્માઓનો ગણગણાટ સંભળાવાનું નોંધ્યું છે! ‘હોરર કાફે’ ના સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતનાં વાચકો આના પર વધુ પ્રકાશ પાડી શકે.
*********************************
આ સિવાય સૌરાષ્ટ્રનાં જુનાગઢની ગિરનાર તળેટીમાં રાત્રે કેટલાક અઘોરી બાવાઓ ફરતા જોવામાં આવ્યા છે. શિવરાત્રીએ ત્યાં મૃગી કુંડમાં સ્નાન માટે પડતા બાવાઓ અદૃશ્ય થઈ જાય છે એ તો જગ જાહેર છે! વેરાવળથી સોમનાથ જતાં ભીડિયા ગેઇટ પાસે પણ બે-ત્રણ વર્ષોથી અવાવરું પડેલા મકાનોમાં સ્પિરિટ તત્ત્વ હોવાનું નોંધાયું છે.

આ ઉપરાંત ગુજરાત બહાર નજર કરીએ તો દિલ્હીની અગ્રસેનની બાવલી (વાવ), રાજસ્થાનનાં ભાણગઢના કિલ્લાના બનાવો તો એટલા કુખ્યાત છે કે ખુદ સરકાર સાંજે છ પછી ત્યાં કોઈને રોકાવાની મંજૂરી નથી આપતી. એ સિવાય ત્યાં જ આવેલા કુલધરા ગામની વાત પણ રૂંવાડા ઊભા કરી દે છે. માહિમ, મુંબઈની ડિસોઝા ચાલીમાં એક સ્ત્રી ડૂબીને મરેલી અને એનો આત્મા આજે પણ ભટકે છે એવી અત્યંત સ્ટ્રોંગ વાયકા પણ ખરી. આસામમાં આવેલી જતિંગ વેલીમાં થતા પક્ષીઓના આપઘાત કે પછી આસામના જ એક જંગલમાં શ્યામલનની ફિલ્મ ‘ધ વિલેજ’ની જેમ રાત્રે કેટલાક પ્રકાશ દેખાય છે અને જે માછીમારો એને ફોલો કરે છે એ ગાયબ થઈ જાય છે એવી વાત સાબિત થઈ ચૂકી છે. ફિલ્મ ‘તલાશ’ની જેમ શહેરની રોશનીથી દૂર રાત્રે એકલા બાઈક પર આવતા હોઈએ અને કોઈ રસ્તા પર ઊભેલું દેખાય તો પરસેવો છૂટી ન જાય તો શું થાય? અહીં મોટેભાગે પ્રમાણ નથી હોતા પણ એક ડર તો હોય જ છે આપણી અંદર, જે સતત આપણને એલર્ટ રાખે છે, ભયભીત રાખે છે.

ગુઝબમ્પ્સ:
‘…and remember, the next scream you hear may be your own!’
The Birds (1963) – Alfred Hitchcock

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.