એક બદનામ કોલ સેન્ટરનાં ભેદ ભરમ!
કોલ સેન્ટર તો જોયું જ હશે ને? કોલ સેન્ટરમાં કેવી રીતે આખો દિવસ શિફ્ટમાં કામ ચાલતું હોય એ પણ બધાને ખબર જ હશે. પાટનગર ગાંધીનગરનાં સેક્ટર 11મા આવેલા એક મોલમાં ત્રીજે માળે આવેલું એક કોલ સેન્ટર! આજકાલ નાના મોટા કેટલાય કોલ સેન્ટર્સ ચાલતા હોય છે, એમાંના કેટલાક જાણીતા તો કેટલાક ભૂતિયા કે ગેરકાયદે છૂપી રીતે ચાલતા કોલ સેન્ટર્સ પણ હોય છે. આ મોલમાં આવેલું કોલ સેન્ટર પણ કોઈ સામાન્ય કોલ સેન્ટરની જેમ જ ધમધમતું ચાલી રહ્યું હતું! નિહાર શાહ નામનો 22 વર્ષનો ગ્રેજ્યુએટ યુવાન અહીં રિક્રુટ થયા પછી બહુ જ ઓછા સમયમાં પોતાની બોલવા ચાલવાની અને લોકોને કન્વિન્સ કરવાની તાકાતને લીધે સારો એવો લોકપ્રિય થઇ ગયેલો! જુન મહિનાની બોઝિલ સાંજે યુએસ શિફ્ટમાં નિહાર રોજનાં ક્રમ મુજબ ઓફિસ પર પહોંચી ગયો.
નિહારે સાંજે પહેલો કોલ કરવા રિસીવર ઉઠાવ્યું, અને બાજુની ડેસ્ક પર રોહિતે પોતાનો દિવસ પૂરો કરતા પહેલા એક એન્ગ્રી ડોમેસ્ટિક કસ્ટમર સાથે નિહારને વાત કરવા કહ્યું! નિહારે રિસીવર ઉઠાવ્યું, 'હેલ્લો મેમ, હાઉ કેન આઈ હેલ્પ યુ?' સામેથી જે છોકરી બોલી રહી હતી એનું નામ નિહારિકા હતું, કોઈ ક્રેડિટ કાર્ડનો ઇસ્યુ હતો, જે તરત જ નિહારે પોતાની વાક્છટાથી સ્માર્ટલી સોલ્વ કરી આપ્યો હતો. એ ફોન પત્યો પછી, નિહાર તો નિહારિકાનાં અવાજ પાછળ લટ્ટુ થઇ ગયો હતો. કોલ સેન્ટરનાં અમુક એથિક્સ હોય છે, જે દરેક કર્મચારી એ પાળવા પડે છે.
નિહારે આજે પહેલી વાર કોન્ફિડન્શિયાલિટીનો નિયમ તોડી એ છોકરીનો નંબર પોતાના ફોનમાં સેવ કરી લીધો! રાત્રે કામ કરતા કરતા નિહારે નિહારિકાને વ્હોટ્સ એપ પર 'Hi' લખી મેસેજ કર્યો, સામેથી જવાબ પણ આવ્યો અને પછી તો આખી રાત કોઈ ને કોઈ વાત ચાલી! સવારે સાડા પાંચે શિફ્ટ પૂરી કરી નિહાર ઘરે જઈ રહ્યો હતો, નિહારિકાએ પ્રોફાઈલ પિક્ચર બ્લેન્ક રાખ્યું હોવાથી નિહાર નિહારિકાને જોવા ઉતાવળો હતો, નિહારિકાને બહુ રિકવેસ્ટ કર્યા પછી એક ઇમેજ આવી હતી પણ નેટવર્ક ઇસ્યુઝનાં લીધે નિહારે વિચાર્યું કે ઘરે જઈને વાઈફાઈમાં ડાઉનલોડ કરીશ, ઘરે પહોંચી દોડીને વાઇફાઇ ઓન કરી એણે ઇમેજ ડાઉનલોડ કરી. નિહારે ઇમેજ જોઈ અને તે ઠંડો પડી ગયો! ઇમેજમાં લખ્યું હતું, નિહાર શાહ-ઉંમર 22-હાઈટ સાડા પાંચ ફીટ, જન્મતારીખ 1 એપ્રિલ 199, મરણ તારીખ 18 જુલાઈ 2016! ઈમેજ જોઈને નિહારના હાથમાંથી ફોન પડી ગયો. કેલેન્ડરમાં જોયું તો બે દિવસ પછી જ 18 જુલાઈ હતી.
નિહારે તરત કોલ બેક કર્યો, નંબર કવરેજની બહાર આવતો હતો. નિહારને કંઈ ચેન નહોતું પડી રહ્યું. થોડી વાર પછી નિહારિકાનો કોલ આવ્યો અને નિહારે ફોન ઉપાડ્યો. એ સમયે એમની વચ્ચે એકદમ નૉર્મલ વાત થઇ જાણે કશું બન્યું જ નહોતું. નિહારિકાએ એવું કહ્યું કે એણે એવી કોઈ ઇમેજ નહોતી મોકલી, ખૈર બંનેએ બીજા દિવસે રૂબરૂમાં મળવાનું નક્કી કર્યું. એમની વચ્ચે ખાસ્સી એવી વાતો થઇ, લગભગ બે કલાકે બંને ફરી મળીશું કહીને છૂટા પડ્યા.
નિહારે ઘરે પગ મૂક્યો અને મોબાઈલમાં કેટલાક મેસેજીસ આવેલા પડ્યા હતા, એમાં નિહારિકાનાં નંબર પરથી આવેલા મેસેજીસમાં લખ્યું હતું, બસ હવે એક જ દિવસ! નિહાર બેબાકળો થઇ ગયો. પરસેવો છૂટી ગયો, રસોડામાં જઈને બે ગ્લાસ પાણી પી ગયો. સાંજે ઓફિસનો સમય થાય ત્યાં સુધીમાં થોડો આરામ કરી લઉં એવું વિચારીને આડો પડ્યો અને તરત ગાઢ ઊંઘમાં સરી પડ્યો. નિહારની આંખો લગભગ બે કલાકે ઉઘડી. એને કઈંક ખુરેદવાનો, લિસોટા પડવા જેવો અવાજ પથારી નીચેથી આવી રહ્યો હતો, જે ધીમે ધીમે એનાં શરીર પર પણ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું! નિહારે દોડીને આજુબાજુ બધે જ જોયું, બધું જ નોર્મલ હતું. નિહાર નહાવા ગયો, પણ જેવો શાવર ઓન કર્યો અને પાણી શરીર પર પડ્યું કે તરત જ નિહારે ચીસાચીસી કરી મૂકી!
નિહારે અરિસામાં જોયું તો આખા ચહેરા પર અને એના હાથ પર લાલ રેસિસ પડી ગયા હતા, બધે જ ચાંઠા અને ઘસરકા થઈ ગયા હતા. જેમ તેમ કરીને સાડા સાત થયા અને એ ઓફિસમાં ગયો, ઓફિસમાં એસીની ઠંડકમાં થોડી રાહત થઇ પણ બધા કર્મચારી એને આવી હાલત વિશે સ્વાભાવિક રીતે પૂછી રહ્યા હતા પણ નિહાર પોતે જ ક્લ્યુલેસ હતો. કોઈ જવાબ નહોતો એની પાસે! નિહારે કામમાં જેમ તેમ કરીને મન પરોવ્યું, પણ ક્યાંય એનું મન લાગે નહીં. થોડી વાર થઈને નિહારે હેડફોન કાઢ્યા અને આજુબાજુ જોયું તો બધા કામ કરે પણ ઓફિસની કોલાહલ અને અવાજોનાં બદલે એનાં કાનમાં એકદમ કોઈ ધડાકો થયો હોય ત્યારે એવો તીણો સુન્ન અવાજ આવી રહ્યો હતો, નિહારિકાનો અવાજ એને સ્પષ્ટ રીતે સંભળાયો, 'એય નિહાર, બસ હવે એક છેલ્લો દિવસ, કાલે તારી જિંદગી સમાપ્ત થઇ જશે!'.
નિહારે પરેશાન થઈને દોડાદોડી કરી મૂકી, છેવટે કંઈ ન સૂઝતા બોસ પાસે જઈને રજા લઇ લીધી અને બહાર નીકળી ગયો. ન તો એ ઘરે જવા માગતો હતો, કે ન તો ઓફિસમાં એને ચેન પડતું હતું, નિહાર અંદરથી ખૂબ જ ડરી ગયો હતો. મનોમન નક્કી કરી લીધું કે હવે આ શહેરમાં જ નથી રહેવું, ગાંધીનગર રેલવે સ્ટેશન જઈને રાજસ્થાન જતી કોઈ ટ્રેનમાં એ ચઢી ગયો! એક મિડલ બર્થ મળ્યો, રાત્રે જેમતેમ થોડું ખાઈને એ આડો પડ્યો, ફરી એનાં કાનમાં કોઈ ભેદી અવાજ આવ્યો, 'એય નિહાર! તું હવે ગયો...'
નિહાર સફાળો જાગ્યો, તરત વોશરૂમ તરફ ભાગ્યો. મનમાં વિચાર્યું 'હું એમ નહીં જ મરું, જે થાય એ કરી લે!'. ગુસ્સામાં ને ગુસ્સામાં એણે કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખોલ્યો. લગભગ પાલનપુરથી આગળ ટ્રેન નીકળી ગઈ હતી. નિહારે બહાર નજર કરી, ટ્રેન લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિએ જઈ રહી હતી. કોઈએ પાછળથી નિહારના ખભા પર હાથ મૂક્યો અને નિહારે પાછળ જોયું તો એની હાલત ખરાબ થઇ ગઈ. એ નિહારિકા હતી, પણ આખી સફેદ, આંખો લાલ, વાળ છુટ્ટા! નિહારે જોયું કે આ જીવિત વ્યક્તિ તો નહોતી જ! નિહાર કંઈ રિએક્ટ કરે એ પહેલા જ એને ધક્કો મારી દેવામાં આવ્યો અને કોઈ સિગ્નલ સાથે અથડાઈને નિહારનાં શરીરનાં ફુરચા ઉડી ગયા હતા!
લગભગ ત્રણેક મહિના પહેલાની વાત છે જ્યારે નિહાર આ કોલ સેન્ટરમાં નવો નવો જોડાયો ત્યારે સાથે કામ કરતા બે-ત્રણ કર્મચારીઓએ કહેલું કે આ કોલ સેન્ટરમાં કેટલાય લોકોનાં ભેદી રીતે અપમૃત્યુ થયેલા છે, પણ નિહારે ત્યારે અટ્ટહાસ્ય કરીને આખી વાત જ હવામાં ઉડાડી દીધી હતી. આ કોલ સેન્ટરમાં ચાલતી આવી સતત ભેદી ઘટનાઓને પગલે પોલીસ ઈન્કવાયરી આવતા આ કોલ સેન્ટર જ હવે ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે, પણ એટલી વાત ક્લિયર હતી કે કોઈ ભેદી વારદાત વિશે સાંભળતા અટ્ટહાસ્ય કરતા પહેલા એક વાર વિચારી લેવું જોઈએ! તમે શું કહો છો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર