બાળકોને ડરેલા રાખવાનો કારસો

12 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

આપણા દેશમાં લોકોને એક અત્યંત ખોટી ટેવ છે. આપણે ત્યાં દરેક ઘરે માતા પોતાના સંતાનને સૂવડાવતી વખતે કહે છે, ‘ચાલ સૂઈ જા, નહીંતર ભૂત આવીને તને ઉપાડી જશે!’ સ્વાભાવિક છે કે, બાળક ભૂતના નામથી ગભરાઈને ઉંઘી જશે અથવા ઉંઘવાનો ડોળ કરતા આંખ મીંચીને પડ્યું રહેશે. પણ મારા મતે આ એક જઘન્ય કૃત્ય છે. કારણ કે ભૂતથી ગભરાવીને બાળકના (કહેવાતા) કકળાટથી તો શાંતિ મળી જશે, પરંતુ તેનામાં નાહકના ભયની રોપણી કરીને તેના વ્યક્તિત્વને આપણે કેટલું નુકશાન પહોંચાડીએ છીએ એની આપણને કોઈ પરવા નથી હોતી!

બાળપણ એટલે તો કોરી પાટી. એના પર જે લખો એ લખાય. કુંભાર જેમ ફરતા ચાકડા પર માટીને ઘાટ આપીને કોઈ કૃતિ તૈયાર કરે એમ આપણા બાળકોના વ્યક્તિત્વને સુંદર ઘાટ આપવાની જવાબદારી પણ આપણી જ છે. ચાલો તમે જ કહો કે, બાળપણમાં જ ભૂત-પિશાચ-રાક્ષસ અને અઘોરી બાવાઓનો ડર મગજમાં કોણ ભરે છે? બહારનું કોઈ તો ઘરે આવીને આવી વાતો નથી કરતુંને?

આપણો સમાજ બચપણથી જ એક અજ્ઞાત ભય મગજમાં ભરવાનું શરું કરે છે. હનુમાન ચાલીસાના રચયિતા સંત તુલસીદાસ એક જગ્યા એ લખે છે, ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે’. તો ગાયત્રી ચાલીસામાં એક જગ્યાએ લખાયું છે કે, ‘ભૂત પિશાચ સબ ભય ખાવૈ યમ કે દૂત નિકટ નહીં આવે’. ઘરમાં તો ઠીક પરંતુ પૌરાણીક વિધિવિધાનોમાં પણ આ અજ્ઞાત ભયનું રોપણ થયું છે, જે આપણને સતત ભૂતપ્રેતથી ડરાવે છે.

ઘર, આસપાસના લોકો કે સમાજ દ્વારા આપણા માઈન્ડમાં જે ડર ઈન્જેક્ટ કરવાનું કામ થાય છે એ ડર જીવનમાં આપણને સતત બેકફૂટ પર રાખે છે. ખોટા કામ કરતા રોકે છે, સામે કાંઠે થતા રોકે છે. બાળપણનો આ ડર પાછળથી આપણા મનમાં ફૂલેફાલે છે અને કેટલાક ગભરું લોકોના મનમાં તો આ ડર વટવૃક્ષ બનીને મહોરે છે, જે માણસને વ્યક્તિગત ધોરણે તો પરેશાન કરે જ છે પરંતુ એના કારણે કર્મકાંડ અને વળગાડ કાઢવાના ‘બિઝનેસ’ને પણ ભારે પ્રોત્સાહન મળે છે. સોસાયટી બાળપણથી જ આપણને રેશનલ થતા અટકાવે છે અને પછી ભેદભરમમાં માનતું આપણું દિમાગ સાયન્સથી અળગુ થતું જાય છે.

આપણે આજે વાત કરવી છે એવા તત્ત્વો, એવી વસ્તુઓ અને એવી ફિલ્મોની, જે બાળપણને ભૂતપ્રેત સાથે સીધા ભેરવી દે છે! સતત ડીમ લાઈટ, અંધારિયો ટોન, ચંદ્ર ગ્રહણ, એવિલ વુમન, ભૂતિયું ઘર, રહસ્યમયી પુસ્તક, ભેદી લિફ્ટ અને દર્શકને 'હાઉ' કરીને અચાનક ડરાવતા દૃશ્યો. અરિસામાં જોતી વખતે પાછળ દેખાતી કોઈ આકૃતિ, પડછાયો કેમ સાથે ચાલે છે? અને એની સાથે આવતા માસુમ વિચારો!

બાળપણમાં લાગતા ડરને ડિકોડ કરવા, એને સમજવા હોરર ફિલ્મ્સ અને વાર્તાઓથી વધુ ઉત્તમ કોઈ રિસોર્સ ન હોઈ શકે. હિન્દી સિનેમામાં તો વિશાલ ભારદ્વાજની ‘મકડી’ કે ‘એક થી ડાયન’ સિવાય ખાસ કંઈ કમ નથી થયું, જેમાં બાળકો સેન્ટ્રલ કેરેક્ટર્સ હોય અને તેઓ ડરની સામે લડતા હોય. ડરની સ્થિતિમાં માણસ બે પ્રકારે વર્તે છે, ફાઈટ ઓર ફ્લાઈટ. ક્યાં તો એ લડે અથવા એ ભાગી છૂટે. પરંતુ નાના બાળકો ભયની સ્થિતિમાં ફાઈટનો વિકલ્પ કઈ રીતે પસંદ કરી શકે? એનો જવાબ એ છે કે બચપણ હજુ સમાજના ક્રુર નિયમો અને ‘નોશન્સ’થી પરે છે. 

પાંચ-સાત વર્ષની ઉંમર નિર્દોષતા અને આશ્ચર્યથી ભરેલી હોય છે. બાળક એની અલગ જ દૃષ્ટિથી દુનિયાને જુએ છે. એ અરીસા કે અંધારાને પણ કંઈક અલગ દૃષ્ટિકોણથી જ જોશે. પહેલી વખત તો એ દરેક ડરામણી વસ્તુઓથી ડરશે પણ સાથેસાથે તેને પેલી ડરામણી બાબતને ‘એક્સ્પ્લોર’ કરવામાં સહેજ પણ ડર નહીં લાગે! કૂતરાના ભસવાથી જે બાળક ડરી જાય છે એ જ બાળક કોઈ કૂતરા પર પ્રેમથી હાથ ફેરવી, એની સાથે દોસ્તી કરી લે છે અને પપ્પીઝને દૂધ પિવડાવે કે એના માટે ઘર બનાવે છે. એ પણ બાળપણનું જ લક્ષણ છે ને!

હોલિવુડની હોરર ફિલ્મોમાં જ્યારે આત્મા કોઈ ઘર કે ઘરનાં લોકોને હેરાન કરવા કે પોતાનો સંદેશ પહોંચાડવા આવે ત્યારે એ મોટેભાગે ઘરનાં બાળકને જ પસંદ કરતી હોય છે! કારણ બહુ જ સરળ છે, બાળપણ એ જિંદગીનું પ્યોરેસ્ટ ફોર્મ છે અને એટલે જ એ જ્યારે કોઈના શરીરમાં પઝેશન લે ત્યારે મોટાભાગના કેસમાં એ શરીર બાળકનું જ હોય છે.

‘ડાર્ક વોટર’, ‘ધ કોમ્પ્લેક્સ’ અને ‘ધ રિંગ સિરીઝ’ જેવી અદ્દભુત અને ભારે લોકપ્રિય થયેલી જાપાનિઝ હોરર ફિલ્મોનાં સર્જક હિડીયો નાકાતા પોતાની ફિલ્મ જર્ની વિશે વાત કરતા એક જગ્યાએ કહે છે કે, જાપાનિઝ ક્લાસિક હોરર સ્ટોરીઝ જેવી કે ‘ધ ઘોસ્ટ ઓફ યોત્સુયા’માં કેટલાક અંધારિયા ઓરડા અને વાતાવરણની જ વાત છે, જેને જોઈને જ તમને એક ગેબી લાગણી થઈ આવે! જ્યાં કોઈપણ વ્યક્તિ જતા ગભરાય એવા જ આ અંધારિયા ઓરડાઓમાં બાળક આસાનીથી એક કુતુહલ થી ‘શું હશે?’ એ જાણવા પણ ત્યાં જાય છે!

અંગ્રેજીમાં એક બહુ જ સરસ શબ્દ છે, ‘પૅનન્સ’ એટલે કે જાતને સજા આપવી. એ પણ મોટેભાગે જાહેરમાં! ક્યારેક ફિલ્મોમાં આ પૅનન્સ માટે તો ક્યારેક આત્મા એક મેસેન્જર તરીકે બાળકને પસંદ કરે. ક્યારેક વળગાડ તો ક્યારેક બાળક પોતે જ ‘એવિલ ચાઈલ્ડ’ તરીકે જન્મે અને પછી એક પછી એક ફેમિલી મેમ્બરને ભરખી જાય. વર્ષ ૧૯૮૮થી શરૂ થયેલી અતિ પ્રખ્યાત હોરર ફિલ્મ સિરીઝ ‘ચાઈલ્ડ’સ પ્લે’ વિશે કોને ખબર નહીં હોય? 'ચકી' નામનો એક ખૂની વિકૃત ઢીંગલો ત્યારે ભારે ખૌફનાક લાગતો!

ઈન્ડિયન-અમેરિકન ફિલ્મ દિગ્દર્શક મનોજ શ્યામલનની વર્ષ ૧૯૯૯મા આવેલી ‘ધ સિક્સ્થ સેન્સ’ તો કલ્ટ ગણાય છે. એમાં પણ મૂળવાર્તા એ જ હતી કે એક એકલવાયુ બાળક, જે મૃત વ્યક્તિ સાથે વાત કરી શકે છે. તેનામાં એક એવી સિક્સ્થ સેન્સ હતી, જે ભેદી રીતે અગોચર ને જોઈ-સમજી-અનુભવી શકતી! અહીંની વાત કરીએ તો રામસે બ્રધર્સની ફારસ જેવી ફાલતું હોરર ફિલ્મોને બાદ કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં રામ ગોપાલ વર્મા અને વિશાલ ભારદ્વાજની ફિલ્મોમાં પણ બાળકો જ વિકટીમ હતા યા તો સાક્ષી હતા એ ચૈતસિક શક્તિઓના! એવું કહી શકાય કે ‘પોસ્ટ-મોડર્નિઝમ’ એટલે કે વીસમી સદીના પૂર્વાર્ધ પછી ફિલ્મો-ટેલીવિઝન અને હોરર ફિકશનમાં બાળકો જ મોટેભાગે એપિસેન્ટર હોય છે!

કુલમિલાકે, આખી વાતનો તાળો ત્યાં જ મળે છે કે જે સવાલ પૂછે છે એ જ તો બાળપણ છે, જે ઝડપથી દરેક વસ્તુ માનીને અપનાવી લે છે એ જ બાળપણ છે અને એટલે જ બાળપણ ‘વલ્નરેબલ’ છે. ભૂતપ્રેત-સાયા-આસેધ-પિશાચ-ડાકણ-ચુડેલ આ બધા તો બાળપણને સતત ડરની લાગણીમાં નજરકેદ કરતા લેબલ્સ છે! નીડરતાના પાઠ શીખનારા કે કોઈને નીડરતાની સલાહ દેનારા આપણે ભૂતપ્રેત અને અગોચર વાતોથી એટલા ડરીએ છીએ કે આપણા સંતાનોનાં બાળપણને પણ આપણે ડરથી દૂષિત કરી નાખીએ છીએ!

ગુઝબમ્પ્સ:

ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માં રિટા બનતી અભિનેત્રી એટલે કે, સાહિલા ચઢ્ઢા ૮૦ના દાયકામાં રામસે બ્રધર્સની ‘વિરાના’ જેવી સોફ્ટ પોર્ન ઈરોટીક હિન્દી હોરર ફિલ્મો કરતી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.