એક ટેબલનું અગાધ રહસ્ય!
અમારો પરિવાર મૂળ મહારાષ્ટ્રનાં મરાઠવાડાનાં નાંદેડનો. હું વ્યવસાયે મેડિકલ પ્રેક્ટિશનર, મારી પત્ની હાઉસ વાઈફ અને અમારી દીકરી નીતિ હાયર કેજી કમ્પ્લિટ કરી પહેલા ધોરણમાં આવવા ઉત્સાહિત હતી. મેં મારી પોતાની હોસ્પિટલ હજુ નહોતી ખોલી એટલે સરકારે જ મારું પોસ્ટિંગ સૌરાષ્ટ્રનાં એક નાના ગામ ધોરાજી પાસે કરેલું. નવો વિસ્તાર, નવો માહૌલ, નવાં લોકો. અમે લોકો બસ ધીમે ધીમે અહીં સેટ થઈ રહ્યા હતા. જિંદગી સરસ રીતે જઈ રહી હતી. નાનું કુટુંબ એટલે અમારી જરૂરિયાતો પણ સીમિત રહેતી અને ગામ નાનું હોવાથી અમને લોકોને માન પણ બહુ જ મળતું. ક્યારેય પણ કોઈ પણ સમયે મદદ કરવા ગામનાં લોકો તૈયાર જ રહેતા. બીજા રાજ્યમાંથી આવેલા માણસને એનાથી વિશેષ બીજું શું જોઈએ?
નીતિ હવે પ્રાયમરી સ્કુલમાં આવી ગઈ હતી અને સ્કૂલ શરૂ થવાને એક-બે દિવસ જ રહ્યા હતા. હું રાજકોટ હાઈવે પર જઈને નીતિ માટે એક જોઈને જ ગમી જાય એવું સ્ટડી ટેબલ લઈ આવ્યો હતો. એક ખુરશી અને એક નાનું ટેબલ. અંદર કંપાસ અને સ્ટેશનરી રાખવા માટે સરસ બે ખાના. ઘરે પહોંચ્યો ત્યારે નીતિ તો એ ટેબલને જોઇને જ ઉછળી પડી. અમે લોકો રાત્રે જમી રહ્યા હતા. નીતિએ થોડું જમીને તરત પોતાના રૂમમાં ટેબલ તરફ દોટ મૂકી. હું અને મારી પત્ની વિભા અમારું કામ પતાવી અમારા રૂમ તરફ ગયા. મેં રૂમનું બારણું અટકાવ્યું એવામાં બહારથી મને ટેબલ ખસેડવાનો અવાજ સંભળાયો. હું કુતુહલથી બહાર જોવા ગયો.
બહાર જઈને જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. નીતિએ ટેબલ એક હાથે ખસેડીને બહાર ડ્રોઈંગરૂમમાં લાવી દીધું હતું. નીતિ હજુ નાની હતી અને આમ ટેબલને એક હાથે ખસેડીને અહીં લાવી શકે એ વાત જ જરા હૈરતઅંગેઝ હતી! ડ્રોઈંગરૂમમાં અંધારું હતું અને નીતિએ લાઈટ ચાલુ કરી જ નહોતી. એના હાથમાં એક પોએટ્રીની બુક હતી. રૂમમાં ખાસ્સું અંધારું હતું અને નીતિને તો કેજીમાં હતી ત્યારથી જ માઈનસ ત્રણ નંબર આવી ગયા હતા. હું નજીક ગયો અને મેં જોયું કે મને પણ કંઈ નહોતું દેખાતું તો પછી નીતિ કઈ રીતે વાંચી શકતી હતી? નીતિએ વાંચવાનું ચાલુ રાખ્યું. મેં નીતિને પૂછ્યું, ‘બેટા, તું શું કરે છે? આવી રીતે અંધારામાં કેમ વાંચે છે?’ તરત મને પાછળથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો, ‘એય ડોક્ટર એને વાંચવા દે. અહીંથી જતો રહે નહીંતર તારા હાડકા તોડી નાંખીશ’. એ ધમકીથી મને ખૂબ ડર લાગ્યો.
હું તરત અંદર ગયો અને જોયું તો વિભા પણ રૂમમાં નહોતી. મારું આશ્ચર્ય અને ડર બંને બેવડાયા હતા. હું ફરી રૂમમાં આવ્યો અને જોયું તો વિભા મારી સામે ગુસ્સા અને નફરતથી જોતી હતી. વિભાનાં મોઢામાંથી ફરી એ જ અવાજ આવ્યો, જે મેં હમણાં થોડી વાર પહેલા જ સાંભળેલો. ‘એય ડોક્ટર, ચાલ ભાગ અહીંથી. આ છોકરીને વાંચવા દે.’ હું આગળ કંઈ વિચારું એ પહેલા જ નીતિ ત્યાંથી એકાએક ઊભી થઈ. મારી હાજરીને ગણકાર્યા વગર જ એ પોતાના રૂમમાં જતી રહી. પેલું ટેબલ આપમેળે જ સરક્યું અને રૂમમાં જતું રહ્યું. રૂમનો દરવાજો ખૂબ જોરથી પછડાયો. હજુ મને એની કળ વળે એ પહેલા નીતિ એકાએક નોર્મલ બની ગઈ હતી. તો બીજી તરફ વિભા પણ સહજ રીતે મને પૂછી રહી હતી, ‘હું ક્યાં છું? હું તો રૂમમાં સૂતી હતી તો અહીં ડ્રોઈંગ રૂમમાં કેવી રીતે આવી ગઈ?’
હું વિભાને લઈને રૂમમાં ગયો એવામાં નીતિનાં રૂમમાંથી મોટે મોટેથી નીતિની ચીસો સંભળાઈ. હું ખૂબ ડરી ગયો અને લગભગ દોડ્યો. મેં દરવાજો ખખડાવ્યો. કંઈ જ સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું હતું. એકાએક જ ફરી પેલો અવાજ સંભળાયો, ‘અહીંથી જતો રહે બેવકૂફ. એ છોકરીને જે કરવું હોય એ કરવા દે બાકી તારી હાલત ખરાબ કરી નાંખીશ.’ પાછળ જોયું તો આ બધું વિભા બોલી રહી હતી. હું આગળ કંઈ રિએક્ટ કરું એ પહેલા વિભાએ મને જોરથી એક તમાચો મારી દીધો! મેં જોયું કે આ વિભા તો નહોતી જ! એ સાથે તરત જ રૂમમાંથી કાચ તૂટવાનો અવાજ આવ્યો. હું વિભાની તમા કર્યા વગર જ બહાર દોડ્યો અને એ રૂમની બારી જ્યાં પડતી હતી એ તરફ જોયું.
રૂમમાં પાછળથી જોયું તો નીતિ ક્યાંય હતી જ નહીં! ફર્નિચર પણ ગાયબ હતું! કાચ આખો તૂટી ગયો હતો. હું ફરી દોડીને બહાર ગાર્ડનમાં ગયો. મેં જોયું કે નીતિ ત્યાં ઉગેલા જાસૂદનાં છોડ પાસે પેલા એ જ ટેબલ અને ખુરશી સાથે બેઠી છે અને એ જ પોએટ્રીની બુક વાંચી રહી છે! હું ત્યાં ગયો અને મેં કહ્યું, ‘નીતિ બેટા, શું કરે છે તું? રૂમમાં શું થયું હતું?’ તરત જ પાછળથી વિભા આવી અને મને જોરદાર ધક્કો માર્યો. વિભા પોતાનું પણ બેલેન્સ ગુમાવી બેઠી અને એક પથ્થર સાથે અથડાઈને ફસડાઈ પડી.
નીતિ જોર જોરથી રડી રહી હતી અને હું લાચાર હાલતમાં ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો. અમારો માળી પાસે જ રહેતો હોવાથી એ આ અવાજ સાંભળી દોડી આવ્યો અને માળીએ જે વાત કહી એ સાંભળીને મારા રૂંવાડાં ઊભા થઇ ગયા. ‘જાણવું છે ડોક્ટર સાહેબ, તમારે કે આ શું થઈ રહ્યું છે? તો જાણી લો.’ લગભગ ત્રણ વર્ષ પહેલાની વાત છે, અહીંથી 100 કિલોમીટર દૂર જુનાગઢ પાસે આવેલા વંથલી નામનાં ગામમાં બંસીલાલ નામનો એક મજૂર રહેતો. છૂટક સુથારી કામ કરતો એ. આ ટેબલ એણે જ પોતાની દિકરી માટે બનાવેલું. બંસીલાલ સારો માણસ હતો પણ એની નબળાઈ હતી દારૂ. દારૂ માટે પૈસા ભેગા કરવા એ વસ્તુઓ વેચી નાખતો અને કારમી ગરીબી અને કામ ન મળવાથી એક વાર એ હદ આવેલી કે જે છોકરી માટે બંસીલાલે આ ટેબલ બનાવેલુ એ છોકરીને જ કોઈને વેંચી નાખવાનું કારસ્તાન કરેલું.
એ છોકરી ખૂબ તેજસ્વી હતી અને ભણવાની એનામાં ઘણી ધગસ હતી. બંસીલાલે દારૂ માટે ભલે એને વેચી નાંખી હોય, પણ એ કુમળી છોકરી પર બળાત્કાર થયા અને અંતે એ છોકરીએ ઘણી નાની ઉંમરમાં જ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરેલી. બંસીલાલ તો જેલમાં ગયેલો પણ એ ટેબલ પછી ગુજરી બજારમાં વેંચાઈને કેટલાયનાં ઘરે ગયેલું! પેલી છોકરીની ભણવાની ભૂખ જાણે એ ટેબલમાં રહી ગઈ હતી. એવું કહેવાય છે કે આજે પણ આ ટેબલ જેના પણ ઘરે જાય છે ત્યાં તબાહી મચાવી દે છે!
મેં ગુસ્સામાં એ ટેબલ અને એ ખુરશી ઉંચકીને ફેંકી. એના કટકા કટકા વિખેરાઈ ગયા. પણ હું જોઈ શક્યો કે બીજી સવારે ફરી એ જોડાઈ ગયું હતું અને ગાર્ડનમાં એ જ જગ્યા એ પડી રહ્યું હતું. હું રાજકોટ હાઈવે પર જઈ ફરી એ જ ગુજરી બજારમાં એ ટેબલ પરત કરીને આવી ગયો. ખાસ્સા દિવસો વીતિ ગયા છે અને કોઈ એવી દુર્ઘટના કે મુશ્કેલી સર્જાઈ નથી. બધું સરસ રીતે ચાલી રહ્યું છે. લેકીન, આજે પણ મને રાત્રે એ ટેબલનાં વિચારો સતાવ્યા કરે છે. કોના ઘરે ગયું હશે એ ટેબલ? એમની હાલત શું થઈ હશે? અચ્છા, તમે તો કોઈ ટેબલ ઘરે નથી લાવ્યા ને?
ગુઝબમ્પ:
સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ ‘મામા’ કે ‘મામા સાહેબ’ તરીકે ઓળખાતી એક વિચિત્ર આત્મા વિશેની વાત વાંચો આવતા બુધવારે ‘હોરર કાફે’માં!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર