શાપિત સ્થળ, અજુગતી વારદાત

19 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

લગભગ પંદર વીસ વર્ષ પહેલાની વાત છે. મધ્યપ્રદેશનાં રાજપુર સુધી જવાનું થયેલું. પ્રોજેક્ટનું કામ પત્યે ત્યાંના ક્વાર્ટર પાસે આવેલા સ્વિમિંગ પુલને જોઈને મારાથી ન રહેવાયું. ઉનાળાની બળબળતી બપોરે એ પુલ સાલ અને સાગનાં વૃક્ષો વચ્ચે આવેલો હોઈ એકદમ ઠંડો-આહ્લાદક અને ઈન્વાઇટિંગ લાગી રહ્યો હતો. આવી સ્થિતિમાં મારાથી ઘડીભર ન રહેવાયું અને મેં ફટાફટ એમાં કૂદકો માર્યો. પાણી અત્યંત ઠંડુ હતું, મારી ધારણાથી પણ વધુ. જાણે સૂર્યની ગરમી એ પાણીને એક અરસાથી સ્પર્શી ન શકી હોય એવી હાલત. તરત જ એક છેડેથી બીજા છેડા સુધી તરીને હું ધ્રુજતી હાલતમાં બહાર નીકળ્યો.

પણ હું થોડું વધુ તરવા માગતો હતો અને એટલે જ ફરી ડાઈવ મારીને હું સ્વિમિંગ પુલનાં સેન્ટર સુધી ગયો. કશુંક અજુગતું મારા બે પગ વચ્ચે સરકતું હોય એવું લાગ્યું. એકદમ પાતળું અને પલ્પી. કોઈ જ અવાજ નહીં. આજુબાજુમાં જીવતું જણ શોધવા જવું પડે એટલી ભેંકારતા હતી. હું તરતો થોડો દૂર ગયો પણ એ અંદરની તરતી વસ્તુ, એ ચીકણી લાગતી વસ્તુ મારો પીછો કરી હોય એવું લાગ્યું. મને એ સહેજ પણ પસંદ ન આવ્યું, મારા પગમાં કંઈ વિટળાયેલું હોય એવું ફિલ થતું હતું. તે કોઈ અન્ડરવોટર છોડ તો નહોતો જ. પણ મારા પગનાં તળિયાંને કોઈ ચૂસી રહ્યું હોય એવું લાગ્યું, જાણે કોઈ લાંબી જીભ આવીને મારા પગ ચૂસી રહી હોય એવી અનુભૂતિ થતા જ મેં જોરથી મારા પગને એક ઝાટકો માર્યો. કોઈ નાની માછલી ડરીને ભાગવાની કોશિશ કરે એમ અત્યંત ત્વરિતપણે હું બહાર નીકળી ગયો. ત્યારે મેં પાણીમાં કોઈ પડછાયાને પણ નોટિસ કરેલો!

જેમતેમ કરીને બહાર નીકળી ગયા પછી મને હૂંફાળા તડકાની ગરમી જોઈતી હતી. હું ત્યાં જ એક પથ્થર પર બેસીને સ્વિમિંગ પુલના પાણીને તાકીને બેસી રહ્યો. પાણીમાં કોઈ હલચલ દેખાતી નહોતી. સ્થિર પાણીમાં ઝાડ પરથી ખરેલા પાંદડાં તરી રહ્યા હતા. કોઈ દેડકો કે માછલી પણ નહીં દેખાયા. અને ત્યારે મને ભયમિશ્રિત આશ્ચર્ય થયું કે, આ તળાવ જેવા લાગતા સ્વિમિંગ પુલમાં નક્કી કોઈ જીવિત છે.

પણ, પુલમાં કશુંક તો હતું જ એ વાતની મને ખાતરી થઈ ગઈ હતી. કશુંક ખૂબ જ ઠંડુ, ધીટ અને પાણીમાં કોહવાયેલું કોઈ મૃત શરીર! મારે હવે જાણવું પણ નહોતું કે એ શું હતું, એટલે જ હું કપડા પહેરી તૈયાર થઈ ત્યાંથી નીકળી ગયો.

હું થોડા દિવસોમાં જ રાજપુરથી દિલ્હી જવા રવાના થઈ ગયો. હું દિલ્હીમાં એક એડ એજન્સીમાં કામ કરતો અને ત્યાં મારા કલિગ્સને રાજપુરના જંગલ અને જાલિમ ગરમીને બિટ કરવાના અવનવા નુસ્ખા સંભળાવતો. હવે પેલો સ્વિમિંગ પુલ હવે એક ભૂતકાળ બની ક્યાંય ભૂલાઈ ગયો હતો. લગભગ દસ વર્ષ પહેલા મારે ફરી રાજપુર જવાનું થયું!

રાજપુરની મારી નાનકડી હોટેલ છોડીને હું ચાલવા નીકળેલો. એ જ સાલ-સાગના વૃક્ષો અને એ જ વાતાવરણ મને પેલા સ્વિમિંગ પુલ સુધી ખેંચીને લઈ ગયું. મને તરત યાદ આવ્યું કે, હું અહીં મારું સ્વિમિંગ પૂરું નહોતું કરી શક્યો. એવું પણ નહોતું મને બહુ જ આતુરતા હતી, પણ હા થોડી જાણવાની ચટપટી ખરી કે એ પુલ હવે છે કે નહીં.

વેલ, એ પુલ ત્યાં જ હતો. બસ આજુબાજુ કેટલાક મકાનો બંધાઈ ગયા હતા. પુલની આસપાસ કેટલીક એક્ટિવિટીઝ થઈ રહી હતી, જ્યાં થોડા વર્ષો પહેલા એક અવાવરી જગ્યા હતી એ હવે નહોતી. કેટલાક મજૂરો બાલદીઓ, રબરના પાઈપ્સ અને પાવડાઓ લઈ એ સ્વિમિંગ પુલનું પાણી ઉલેચવામાં વ્યસ્ત હતા! સ્વિમિંગ પુલને ખાલી કરવાની સાથે એક નહેર જેવું બનાવી બાકીના પાણીનો નિકાલ પણ થઈ રહ્યો હતો.

સફેદ ઈસ્ત્રીટાઇટ સફારી પહેરેલા સજ્જન આ આખી જગ્યા સુપરવાઈઝ કરી રહ્યા હતા, મને પહેલા તો લાગ્યું કે એ ફોરેસ્ટ ઓફિસર હશે. પણ એમને પૂછતાં ખબર પડી કે એ નજીકમાં નવી બનેલી સ્કૂલનાં માલિક હતા. એમણે મને પૂછ્યું, ‘તમે રાજપુરમાં રહો છો?’, મેં કહ્યું ‘હું રહેતો એક સમયે પણ મને એ કહો કે આ મજૂરો પુલને ખાલી કેમ કરી રહ્યા છે?’

‘અરે આ પુલ હવે ન્યુસન્સ બની ગયો છે. ગયા અઠવાડિયે જ અહીં અમારી સ્કૂલના બે સિનિયર સ્ટુડન્ટ્સ ડૂબી ગયા. ઠીક છે એ લોકો કોઈની મંજૂરી વગર જ તરવા કૂદેલા, પણ તમે જાણો છોને છોકરાઓને? એમના પર જેટલું દબાણ કરો તેઓ એટલા જ નિયમોને તોડવા માટે લલચાવાના!’ એ સજ્જનનું નામ ‘કપૂર’ હતું અને અમે બંને એના નવા બંધાયેલા બંગલા પર ગયા. થોડી વારમાં એક નોકર શરબત લઈને હાજર થયો. મેં સામે જોયું તો બારીમાંથી પેલો સ્વિમિંગ પુલ અને બાજુમાં બંધાયેલી નવી સ્કૂલનું બિલ્ડિંગ દેખાઈ રહ્યું હતું! ‘છોકરાઓ મર્યા ત્યારે સ્વિમિંગ પુલમાં હતા?’, મેં આશ્ચર્યથી પૂછ્યું. કપૂરએ કહ્યું, 'યસ, એ લોકોનાં કાંડા વળી ગયેલા, ચહેરા વિકૃત થઈ ગયેલા અને મેડિકલ એક્ઝામિનરના કહેવા મુજબ એ લોકોના મોત ડૂબવાથી થયેલા. પણ ચોક્કસ કોઈ શૈતાની તાકાત જ હતી એ લોકોના મૌત પાછળ એ તો નક્કી જ છે!’

અમે પુલનાં પાણીને તાકી રહ્યા હતા. કેટલાક મજૂરો હજુ કામ કરી રહ્યા હતા અને અમુક લંચ કરવા નીકળી ગયા હતા. મેં સજ્જનને કહ્યું કે, 'આ જગ્યાની આસપાસ તાર બાંધી કોર્ડન કરી દો. અહીં હવે કોઈ તરવા ન આવે એનું ધ્યાન રાખો. આ જગ્યા એમ પણ વર્ષોથી અવાવરી નિર્જન પડી રહી હતી.’ કપૂર કહે કે, 'અમારે અહીં ઓપન થિયેટર બનાવવું હતું. હા, નાનું તળાવ તો અમે બીજે પણ બનાવી શકીએ છીએ.' અમે વાતો કરી રહ્યા હતા ત્યાં એક મજૂર જ હવે ત્યાં કીચડમાં ઊભેલો દેખાયો. પાણી થોડું હલી રહ્યું હતું અને અમે બંને જણા પછીનું દૃશ્ય જોતાં જ રહી ગયા!

પુલમાંથી કશુંક મોટી ગરોળી જેવું બહાર આવ્યું, જેનો કેટલોક ભાગ પાછો હ્યુમન બોડી જેવો હતો! એકદમ કદાવર શરીર અને દેખાવે થોડો નરમ અને પાતળો. જાણે આપણા જ પૂર્વજોમાંથી કોઈ જીવિત રહી ગયેલો માણસ! ગણતરીની સેકન્ડ્સમાં પેલો મજૂર ખેંચાઈ ગયો. અમને એના પગ તરફડતા દેખાયા. અમે હજુ કંઈક રિએક્ટ કરીએ એ પહેલા તો મજૂર નીચે પાણીમાં ખેંચાઈ ગયો.

અમે દોડતા પુલ તરફ ગયા. પાણી સ્થિર થઈ ગયું હતું. થોડા પરપોટા સાથે પેલા મજૂરનું શરીર અમારી તરફ તરતું આવી રહ્યું હતું. સ્વાભાવિક છે કે, પુલનું બધુ જ કામ રોકી દેવામાં આવ્યું હતું. મજૂર સ્લિપ થઈને પથ્થર સાથે અથડાતા મરી ગયો એવી વાત વહેતી કરી દેવામાં આવી. કપૂરએ મને ગુપ્તતા જાળવી રાખવાની વિનંતી કરી. તરત જ ત્યાં કાંટાળી વાળ અને દીવાલો બાંધીને પુલ સુધી પહોંચતા દરેક રસ્તાઓને સિલ કરી દેવામાં આવ્યા.

એ વર્ષે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. પેલો સ્વિમિંગ પુલ પુરેપુરો ફરી ભરાઈ ગયો હશે. આટઆટલા રસ્તાઓ બ્લોક કરવા છતાં હું તમને કહી શકું છું કે, ત્યાં કેવી રીતે જઈ શકાય! જો તમે જોવા માંગતા હોવ તો! પણ હું તમને ત્યાં તરવા કે જોવા જવાની સલાહ નથી આપતો. ના પણ તમારા જોખમે પણ નહીં!

(રસ્કિન બોન્ડની જિંદગીની સત્ય ઘટનાઓ પર આધારિત ‘From the Primeval Past’ માંથી)

(અનુવાદઃ ભાવિન અધ્યારુ)

આવતા બુધવારે, ગુજરાત અને ભારતની કેટલીક આસપાસની જ જગ્યાઓની વાત માંડીશું કે, જ્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ અને કોઈ ચૈતસિક શક્તિના હોવાના પૂરતા પુરાવા મળ્યા છે! સ્ટે ટયુન્ડ દોસ્તો.

ગુઝબમ્પ્સ:

Sometimes world doesn’t need another hero, sometimes what it needs is a monster!

– Dracula Untold (2014)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.