પ્લેનચેટની ભયાવહ દાસ્તાન!
દોસ્તી પર તો કૃષ્ણ સુદામાથી લઈને ફિલ્મ 'દિલ ચાહતા હૈ' સુધી અઢળક લખાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાથી બધું જ પતી જતું હોવાને કારણે, રૂબરૂ મળવાનું તો દૂર, ફોન પર પણ લોકોની વાત નથી થતી. બધું હવે ફેસબુક, વ્હોટ્સ એપ અને બીજા જાતભાતનાં મેસેજીસથી પતી જાય છે. દોસ્તો પણ પાછા બે પ્રકારનાં હોય એક જે ફક્ત મળવાનાં અને મદદ કરવાનાં વાયદાઓ જ કરે અને બીજા જે વગર કહ્યે અડધી રાત્રે પણ મદદ કરવા તત્પર હોય!
રાઘવ, અમિત અને રોહન ત્રણેય જાણે કે 'દિલ ચાહતા હૈ'ના સૈફ-આમિર અને અક્ષય! એમબીએ વખતે બબ્બે વર્ષ દિલ્હીની એક મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટમાં સાથે ભણ્યા, હોસ્ટેલમાં સાથે રહ્યા. ઓબ્વિયસ છે કે ત્રણેય એકદમ પાકા બડ્ડી બની ગયા હતા. પ્લેસમેન્ટ થઈ ગયા, અને નોકરીએ લાગી ગયા પછી તો પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ એકબીજાને મળી નહોતું શક્યું. રાઘવે અમિત અને રોહનને ફોન કરી વીકેન્ડમાં હિમાચલ પ્રદેશનાં મેકલોડગંજમાં એક મસ્ત રિ-યુનિયન ગોઠવવા કહ્યું, ત્રણેયને આ પ્લાન ગમી જતાં તેઓ એના પર સહમત થઈ ગયા.
ફોન પર નક્કી થયા મુજબ અમિત અને રાઘવ તો સાંજની ટ્રેઈનમાં જ નીકળી જવાના હતા. ઠંડી ખૂબ જ હોવાથી એ લોકોએ રાત સુધીમાં મેકલોડગંજ પહોંચી જવાનો પ્લાન કરેલો. રોહનની સાંજ સુધી ચાલનારી મીટિંગનાં લીધે એ પોતાની કાર ડ્રાઈવ કરીને રાત સુધીમાં મેકલોડગંજ પહોંચી જવાનો હતો. ત્રણેય જણે અગાઉથી મેકલોડગંજમાં આવેલી ખૂબ જાણીતી હોટેલ સિલ્વર લિફ હોટેલમાં ડિલક્સ રૂમ બુક કરાવેલા અને લગભગ નવ વાગ્યાની આસપાસ અમિત અને રાઘવ રેલવે સ્ટેશને ઉતરીને ત્યાંથી હોટેલ સિલ્વર લિફ પહોંચી ગયા હતા.
રોહન લગભગ 100 ઉપરની સ્પિડ પર પુરપાટ કાર ચલાવી રહ્યો હતો, જેથી એ બને એટલું વહેલું મેકલોડગંજ પહોંચી શકે. આટલા લાંબા સમય પછી પોતાના દોસ્તોને મળવાનું એક્સાઈટમેન્ટ પણ કંઈ ઓછું નહોતું. અમિત અને રાઘવના પહોંચી ગયા બાદ લગભગ ચાર કલાકે રાત્રે એક વાગ્યે રોહન હોટેલ સિલ્વર લિફ પહોંચી ગયો. અમિત અને રાઘવ છેક ત્યાં સુધી ડિનર માટે રોહનની રાહ જોઈ રહ્યા હતા. રોહને દોસ્તોને ટાઈટ હગ આપી અને તેઓ વાતોએ વળગ્યા. એવામાં રૂમની બેલ વાગી! ડિનર હાજર હતું, અને તરત વેઈટરને ડિનર સર્વ કરી દેવાનું કહી દેવામાં આવ્યું.
રોહન તો કોલેજનાં દિવસોથી પ્લેનચેટનો જબરો શોખીન, એટલે અમિત અને રાઘવને પણ એણે એટલો જ તીવ્ર ચેપ લગાડેલો એ રમવાનો! એમ પણ વિશ્વ આખામાં પ્લેનચેટની ખાસી લોકપ્રિયતા છે. ત્રણેય જણ કોલેજનાં દિવસોમાં પ્લેનચેટ અવારનવાર રમતા અને આત્માઓને બોલાવતા અને એમને જાતભાતનાં સવાલો પૂછતાં! રોહને તરત એક પ્લેનચેટનું બોર્ડ કાઢ્યું અને કહ્યું, 'ડિનર પછી, પહેલા થોડી વાર પ્લેનચેટ રમી લઈએ! પેલા બંને માની ગયા એટલે પ્લેનચેટ રમવાનું શરુ કરવામાં આવ્યું. હજુ તો કંઈ શરુ થાય એ પહેલા જ રૂમમાં રાખેલી ઈલેક્ટ્રિક કીટલીમાં બુડબુડિયા થવા લાગ્યા! અમિતે ઊભા થઈ જેવું કિટલીનું ઢાંકણ ઉઘાડી જોયું કે તરત પેલો બબલ્સ થવાનો અવાજ બંધ થઈ ગયો. કિટલી તો ખાલી હતી. હજુ આગળ કંઈ સમજાય એ પહેલા જ બારી બહારથી ભેદી 'કિચુડ કિચુડ' અવાજ આવી રહ્યો હતો. બારી ઉઘાડીને અમિતે જોયું તો એને કંઈ ન દેખાયું. ન તો ત્યાં કોઈ ચહલપહલ. પણ આ બધા જ ભેદી અવાજો સાંભળી સૌનાં વજન ડરથી લગભગ અડધા થઈ ગયા હતા.
રાઘવ કંટાળ્યો એટલે ત્રણેયને બૂમ પાડીને કહ્યું કે, 'ચાલો યાર દોઢ વાગવા આવ્યો. આપણે સૌ ડિનર કરી લઈએ. ઘણું મોડું થઈ ગયું છે.' એવામાં વળી એક અવાજ આવ્યો, 'ખાવા જ આવ્યા હતા, તો પછી મને શું અહીંયા ફક્ત તમાશો જોવા બોલાવેલો? ચાલ વાત કર મારી સાથે! જે સવાલ પૂછવો હોય એ પૂછ.' અમિત અને રાઘવે આજુબાજુ જોયું. તરત ખબર પડી કે એ ભેદી અવાજ તો રોહનનાં મોઢામાંથી આવી રહ્યો હતો! અમિતે તરત કહ્યું, 'ઓ ભાઈ મજાક ન કર ચાલ ડિનર કરી લઈએ યાર.' ફરી પેલો અવાજ રોહનમાંથી આવ્યો અને બોલ્યો કે 'કેમ ભાઈ તને ખાવાની બહુ જલદી લાગે છે. કહું તારી પત્નીને ફોન કરીને કે તે એની સાથે માત્ર પૈસા માટે જ લગ્ન કરેલા! કહી દઉં કે પેલા ગુડગાંવનાં ફલેટનો તું શું યુઝ કરી રહ્યો છે? મૂનલાઈટ હોટેલ યાદ છે? રૂમ નંબર 203? ઉંટીનો રિસોર્ટ યાદ છે? કહેને તને યાદ છે ને? કે હજુ વધુ બોલું.'
એવામાં અમિતનો ફોન વાગ્યો, વ્હોટ્સ એપ પર મેસેજ હતો. પણ એ વાંચે એ પહેલા જ રોહન બોલ્યો, જો 'મૂનલાઈટ રિસોર્ટ'નો મેસેજ છે! એણે પોતાનો સેક્સી સેમી ન્યૂડ ફોટો મોકલ્યો છે. રોહને અમિતની જિંદગીનુ એ સત્ય કહી દીધું હતું, જે અમિત સિવાય કોઈ જાણતું નહોતું! અમિતે મેસેજ જોયો તો એ જ હતું, જે હમણાં રોહન બોલેલો. રાઘવ આ બધું જ ચૂપચાપ જોઈ રહ્યો હતો, એને લાગ્યું કે નક્કી આ બંને મળીને મને મૂરખ બનાવે છે અને મસ્તી કરી રહ્યા છે. રાઘવ અંતે બોલી ઉઠ્યો, 'યાર આ બધું શું ચાલી રહ્યું છે?' રોહન તરત રાઘવ તરફ વળીને બોલ્યો, 'આ અમિત તો છોકરીઓને ફસાવે છે, પણ તું તો જુગારી છો જુગારી. તું તારી 20 લાખની લીધેલી લોન ચૂકતે કેવી રીતે કરી શકીશ?' રાઘવ એકદમ ચૂપ, આ વાત તો ફક્ત એને જ ખબર હતી!
'કહેને તું સાલા કે અહીં કોઈ દોસ્તી નિભાવવા નહીં પણ આ અમિત પાસેથી પણ પૈસા ખંખેરવા જ આવેલો! આ રોહનની વાત પણ કહેવી છે અને તારી અંદર ઘૂસીને કહેવી છે રાઘવ, જેથી હું એનાં ચહેરાનાં હાવભાવ પણ જોઈ શકું! પણ ખરેખર મને રોહનનાં શરીરમાં બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. આ રોહન પણ એનાં બિઝનેસ પ્લાનમાં તમને બંનેને સામેલ કરવા જ આવેલો પણ એ પોતાની જાત મહેનતથી આગળ આવેલો છે તમારી જેમ ઐયાશી કરીને નહીં. આ રોહનની ગર્લફ્રેન્ડ સાથે પણ અમિત તે શું શું નહોતું કર્યું?'
આ સાંભળી રાઘવનાં ચહેરા પર એક સ્માઈલ આવી ગયું. તરત રોહન રાઘવ તરફ વળ્યો અને કહ્યું કે, 'આ અમિતે તારી પત્ની પર પણ ખરાબ નજર નાખેલી. પણ એ બિચારીને એમ કે તું એવા કોઈ ઈરાદાથી સામે નહોતો જોતો.' આ સાંભળીને રાઘવનો પિત્તો ગયો અને તરત રાઘવ અને અમિત વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરુ થઈ ગઈ!
સવારે લગભગ 10 વાગ્યા સુધી એ રૂમનો દરવાજો ન ખૂલ્યો તો હોટેલનો સ્ટાફ આવ્યો અને કહ્યું કે, 'આ દરવાજાનું લોક તોડી નાંખો!' લોક તોડી નાખવામાં આવ્યું અને ખબર પડી કે, અંદર બે જણ બેભાન અવસ્થામાં પડેલા હતા અને પેલું ડિનર એ જ હાલતમાં પડ્યું હતું અને ગંધાતું હતું. થોડી વારમાં પોલીસે આવીને પેલા બંનેને જગાડ્યા અને પૂછપરછ કરી તો ખબર પડી કે ત્રીજો દોસ્ત રોહન લાપતા છે. પેલા બંને કહે કે, 'રોહન તો રાત્રે અમારી સાથે હતો અને અમે પ્લેનચેટ પણ રમેલા! રજીસ્ટર ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે એમાં પણ બે જણની જ સહી હતી. તરત જ અમિત અને રાઘવે પોલીસને રોહનનું વર્ણન કહ્યું, એ પ્રમાણે પોલીસે તપાસ કરી. એ જ હાઈટ અને રંગ, કોમ્પ્લેક્સ વાળી એક લાશ પોલીસને શીમલા-મેકલોડગંજ હાઈવે પરથી સવારે મળી હતી. એ લાશનો ફોટો રાઘવ અને અમિતે જોતા જ ઓળખી બતાવ્યો તો એમની કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ! ખબર પડી ગઈકાલે રાત્રે જ આ વ્યક્તિની કાર ખીણમાં ખાબકી હતી, જેમાં એનું મૃત્યુ થયું હતું.
રાઘવ અને અમિત એકબીજાની સામે જોઈને મનમાં એકબીજાને પૂછતાં હતા કે આ લાશ રોહનની જ છે તો રાત્રે એ બંને સાથે જે વ્યક્તિ હતી એ કોણ હતી? પેલું પ્લેનચેટનું બોર્ડ પણ મળી આવ્યું, ન તો કોઈ ખુલાશો અમિત પાસે હતો કે ન તો રાઘવ પાસે! રોહન એ દોસ્ત હતો જે મર્યા પછી પણ એનો મળવાનો વાયદો નિભાવી ગયો હતો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર