જ્યારે સેલ્યુલર જેલમાં મૃત આત્માઓ જીવિત થઈ!
મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં રૂમમેટ્સ સાથે રહેતો વિશ્વાસ ફોટોગ્રાફીનો કોર્સ કરી રહ્યો હતો. લગભગ રાત્રે બાર વાગ્યા હતા. પોતાના પ્રોજેક્ટ, અસાઈનમેન્ટ માટે વહેલી સવારે એણે આંદામાન આઈલેન્ડ જવા માટે પોર્ટબ્લેયરની ફ્લાઈટ પકડવાની હતી. એનું છેલ્લી ઘડીનું પેકિંગ ચાલી રહ્યું હતું અને આવતા ત્રણ કલાકમાં ફરી ઊઠીને એણે એરપોર્ટ પહોંચવાનું હતું. એના આ પ્રોજેક્ટ માટે વિશ્વાસ બહુ જ ઉત્સાહમાં હતો. કારણ કે, ત્યાંની ઐતિહાસિક સેલ્યુલર જેલને કવર કરવાની હતી. પોતે હજુ વિશ્વાસ જ નહોતો કરી શકતો કે એ સાચે જ ગ્રાન્ડ હિસ્ટોરિક સેલ્યુલર ખાતે જેલ જઈ રહ્યો છે. કેમેરા, પાવરબેંક બધું જ ચાર્જ કરવા મૂકી એ નિરાંતે સૂઈ ગયો. સવારે જરૂરી ફોર્માલિટીઝ પતાવીને એ પોર્ટબ્લેયર પહોંચી ગયો. ફ્લાઈટ લેન્ડિંગ કરતી વખતે ઉપરથી આંદામાનનાં ગાઢ જંગલો જોઈને એની ખુશીનો પાર ન રહ્યો. સેલ્યુલર જેલ અને પોતાની આંદામાન ટ્રિપને લઈને એ ખૂબ જ એક્સાઈટેડ ફીલ કરી રહ્યો હતો.
સાંજે એ હોટેલ પહોંચ્યો અને ચેકઈન કર્યું. ખૂબ થાકેલો હતો એટલે એ ઘસઘસાટ ઊંઘી ગયો. બીજે દિવસે સવારે નવ વાગ્યામાં એ એના સ્પોટ પર પહોંચી ગયો કારણ કે, વિશ્વાસે બધું જ ડિટેઈલમાં કવર કરવું હતું. એ સહેજ પણ ચાન્સ લેવા નહોતો માગતો કે કશું પણ કવર કરવાનું રહી જાય. સેલ્યુલર જેલમાં પગ મૂકતા જ વિશ્વાસને થોડી અજીબ ફીલિંગ આવી રહી હતી. આખી જગ્યાને જોઈને એ એકદમ ચકિત થઈ ગયો. જેલની બારીકીઓને ખૂબ જ ઝીણવટથી જોવા માટે વિશ્વાસે ગાઈડ હાયર કર્યો.
ગાઈડ વિશ્વાસને સેલ્યુલર જેલની પ્રાથમિક માહિતી આપવા લાગ્યો. જેલ વર્ષ 1896 થી 1906 વચ્ચેનાં સમયગાળામાં બની હતી. જેલ જ્યારે બની ત્યારે સેન્ટ્રલ વોચટાવરની આસપાસ સર્ક્યુલર આકારમાં સાત વિંગ્સ હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઝ સેનાનાં આક્રમણને કારણે એમાંની ચાર વિંગ્સ સંપૂર્ણ રીતે નાશ પામી હતી. આજે માત્ર ત્રણ વિંગ્સ હયાત રહી છે. પોર્ટબ્લેયરનાં આબરદીન બજારથી ચાથમ એરિયાની આ સેલ્યુલર જેલ સુધી આવતા આવતા વિશ્વાસના મનમાં જાતજાતના વિચારોનું વાવાજોડું ફૂંકાયું. આ જેલ એની કલ્પનાઓથી પણ વધુ ડરામણી અને ભેદી લાગતી હતી. એ જમાનામાં પણ આ જેલથી છટકીને કોઈ કેદી બહાર જઈ નહોતા શકતા. અગર કોઈ પ્રયત્ન પણ કરે તો એ તરત પકડાઈ જતા. વીર સાવરકર, બારિન્દ્ર કુમાર ઘોષ, ઉપેન્દ્ર ચેટરજી, બટુકેશ્વર દત્ત જેવા અતિ જાણીતા સેનાનીઓ આ જેલમાં સજા પામેલા.
વિશ્વાસને ઓવરવ્યુ આપ્યા બાદ ગાઈડ પહેલા જે જગ્યાએ ફાંસી અપાતી એ હેન્ગિંગ રૂમ લઈ ગયો. એક અંધારી કોટડીમાં ફાંસી આપવાનાં બે લિવર હતા, સામે એક નાની બારી જેવું હતું, જેમાંથી સામે આવેલો રોસ આઈલેન્ડ દેખાતો હતો. વિશ્વાસને આ રૂમ વધુ પડતો ઠંડો લાગ્યો. થોડી ધૂળ ઉડતી દેખાઈ. અહીં ખાસ્સા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. થોડી વારમાં ત્યાંથી બહાર નીકળતા જ સળિયા ઘસવાનો અવાજ આવી રહ્યો હતો, પાછળ જોયું તો કંઈ જ નહોતું. ગાઈડ હવે ઝડપથી વિશ્વાસને ‘ટોર્ચર રૂમ’ તરફ લઈ ગયો, જ્યાં કેદીઓને સખત ટોર્ચર કરવામાં આવતા. કેદીઓને સાંકળથી બાંધીને ગોળ ફેરવીને નારિયેળમાંથી તેલ કઢાવવામાં આવતું.
ટોર્ચર રૂમમાં પ્રવેશતા જ કંઈક સડી ગયાની તીવ્ર બદબૂ આવી રહી હતી. વિશ્વાસે બહુ જ ઝડપથી કેટલીક ક્લિક્સ લીધી. એ સ્થળે કેટલાક પૂતળા પણ રાખવામાં આવ્યા હતા, જે કેદીઓને રિઝેમ્બલ કરતા હતા. ત્યાં એમના પર કયા પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવતો હતો એ બતાવવા માટે! વિશ્વાસે ગાઈડને પેલી બદબૂ વિશે પૂછ્યું તો ગાઈડે કહ્યું કે ‘મને એ વિશે કોઈ જ આઈડિયા નથી!’ તેઓ જેવા ત્યાંથી બહાર નીકળવા ગયા તો વિશ્વાસને ફરી કંઈક ઢસડાવાનો અવાજ આવ્યો. પાછળ જોયું તો કંઈ જ ન દેખાયું.
ગાઈડ હવે વિશ્વાસને નીચે ખુલ્લા વિશાળ સેન્ટ્રલ ગ્રાઉન્ડમાં લઈ ગયો. ગરમી ખૂબ જ હતી. ઘાસ હોવા છતાં એ ગ્રાઉન્ડ સૂમસામ ભાસતું હતું, કોઈ રણની રેતીની જેમ ધગઘગતું અને ગરમ. ત્યાં આવતા જ ફરી એક પ્રકારનો તીવ્ર અવાજ આવવા લાગ્યો, જાણે બધા જ કેદીઓ જીવિત થઈ ઉઠ્યા હોય! એક સાથે સાંકળ ઘસડાવાનો, કેદીઓની બૂમ પાડવાનો, ચીસો અને જમીન પર રેંગવાનો અવાજ. આ વખતે નવાઈની વાત એ હતી કે ગાઈડને પણ આ અવાજો સંભળાયા. વિશ્વાસે તરત ગાઈડને પૂછ્યું કે, 'આ અવાજ શેનો આવી રહ્યો છે?' ગાઈડે હસીને કહ્યું કે, 'સાહેબ એ તો એવું છે કે વર્ષો સુધી અંગ્રેજોએ આ કેદીઓનો અવાજ દબાવી રાખેલો, તો ક્યારેક તો એ દબાયેલો અવાજ બહાર આવવાનો જ ને!' વધુ કંઈ પડપૂછ થાય એ પહેલા જ ગાઈડે વાત કાપીને વિશ્વાસને કહ્યું કે, 'ચાલો સાહેબ ઉપર ‘સાવરકર સેલ’માં જઈએ, જ્યાં વિનાયકને રાખવામાં આવેલા.'
ખૂબ અંધારી હતી એ કોટડી, જ્યાં બરાબર શ્વાસ પણ લઈ નહોતો શકાતો. દીવાલમાં એક નાનકડું કાણું હતું, જ્યાંથી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. આ રૂમની ઠંડક પણ ભેદી હતી. અહીં ફ્લેશ ઑન કરીને વિશ્વાસે કેટલાક ફોટોગ્રફ્સ લીધા. એવામાં જ દીવાલ પર કોઈનાં નખ ઘસવાનો અવાજ આવવા લાગ્યો. વિશ્વાસે ઉતાવળમાં ગાઈડ સાથે એક સેલ્ફી લીધી. સેલ્યુલર જેલની એ દિવસની ટૂર ડરથી ફટાફટ આટોપીને એ ત્યાંથી રવાના થયો.
સાંજે હોટેલમાં ડિનર લઈ વિશ્વાસે કેમેરો લેપટોપ સાથે કનેક્ટ કર્યો. ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસની આંખો પહોળી થઈ ગઈ, હેંગિંગ રૂમમાં પાડેલા ફોટોગ્રાફ્સમાં ફાંસીનું લિવર ડાબેથી જમણે સિક્વન્સમાં જઈ રહ્યું હતું. ટોર્ચર રૂમમાં પાડેલા ફોટોઝમાં પૂતળાનાં ચહેરાઓનાં હાવભાવ બદલી રહ્યા હતા. ગ્રાઉન્ડમાં તાપમાં લીધેલા ફોટોગ્રાફ્સમાં કેદીઓ જેવી દેખાતી માનવઆકૃતિઓ અને સાંકળનાં પડછાયા દેખાઈ રહ્યા હતા. તો સાવરકર કોટડીમાં પાડેલા ફોટોઝ જોઈને પણ વિશ્વાસની ઊંઘ હરામ થઈ ગઈ. તે પરસેવે રેબઝબ થઈ ગયો, જ્યારે એ કોટડીમાં પાડેલા ફોટોમાં દીવાલ પર નખથી ખોતરીને વિશ્વાસ લખેલું હતું! વિશ્વાસની નસો સુન્ન થઈ ગઈ, કાપો તો લોહી ન નીકળે! તરત જ પોતે પેલા ગાઈડ સાથે પાડેલી સેલ્ફી જોવા માટે સ્માર્ટફોન શોધવા લાગ્યો, મોબાઈલ ગેલેરીમાં જઈને થોડા ખાંખાંખોળા કર્યા બાદ સેલ્ફી મળી તો એ સેલ્ફીમાં પેલો ગાઈડ હતો જ નહીં! વિશ્વાસની સાથે કોઈ અંગ્રેજ અફસર ઊભો હતો! વિશ્વાસ લગભગ બેભાન જેવો થઈ ગયો, એને પેલું વાક્ય સંભળાયું, ‘સાહેબ, આટલા વર્ષોથી દબાયેલા અવાજ ક્યારેક તો બહાર આવવાના જ ને!’
વિશ્વાસ ઊંઘની ગોળી લઈ સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ ઊંઘ જ ન આવે. આંખો બંધ કર્યા પછી પણ એને પેલા કેદીઓની ચીસો સંભળાતી રહી હતી. કોઈ સાંકળ અને દોરડા એની સાથે ઘસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. સવારે ઊઠીને અરીસામાં જોયું તો વિશ્વાસની ગરદન પર કેટલાક લાલ નિશાન હતા, જે જોઈને એ નક્કી થયું કે એ બધું સપનામાં એની સાથે જ થયું હતું! ગમે તેમ કરીને મંગળવારની સવાર પડી.
મંગળવારે સવારે વિશ્વાસ ફટાફટ સેલ્યુલર જેલ પહોંચ્યો, જ્યાં તેણે પેલા ગાઈડને શોધ્યો પણ એ ક્યાંય ન મળ્યો. હવે એ જાતે જ દોડીને બધી જગ્યાઓ એ ગયો. ટોર્ચર રૂમમાં ગયો, પણ ક્યાંય પેલી બદબૂ નહોતી આવી રહી. ત્યાંથી એ સાવરકર સેલમાં ગયો, તો ત્યાં કેટલાક પ્રવાસીઓ હતા. બધા એને ઘૂરી રહ્યા હતા. ત્યાં કોઈ અવાજ નહોતો આવી રહ્યો, ન તો પેલી દીવાલ પર વિશ્વાસ લખેલું નજરે પડ્યું. વિશ્વાસ ત્યાંથી બહાર નીકળ્યો અને એને એક પ્લેટ નજરે પડી. વિશ્વાસ કંઈ રિએક્ટ કરે એ પહેલા એ પ્લેટ આપમેળે ઝડપથી અંદર જતી રહી. વિશ્વાસે દોડીને મોબાઈલ ટોર્ચ ચાલુ કરી અને અંદર જોયું પણ અંધારામાં દીવાલ સિવાય કંઈ જ ન દેખાયું. એને થયું કે પેલી પ્લેટ ક્યાં ગઈ? ફરી બરાબર જોયું તો બે આંખો સામે જોતી હોય એવું દેખાયું. એ જોઈને વિશ્વાસ લગભગ ત્યાંથી દોડ્યો! હેંગિંગ રૂમ વચ્ચે આવ્યો, જ્યાં બહુ તીવ્ર હવા ફૂંકાઈ રહી હતી. હિંમત કરીને અંદર જઈ એણે જોયું તો કેટલાક અવાજ આવવા લાગ્યા. એના પગ પાસે જ સાંકળ બાંધેલું કોઈ પડ્યું હોય એવો એને આભાસ થયો.
વિશ્વાસે દોટ મૂકી, મેઈન ગેઈટ સુધી એ પહોંચી ગયો હતો. હવે એને કોઈ સવાલોનો જવાબ મેળવવામાં કોઈ રસ નહોતો. એના શ્વાસ ફૂલી રહ્યા હતા. સામે એક બોર્ડ હતું, જે વાંચતા ખબર પડી કે સોમવારે તો આ જેલ જ બંધ રહે છે! વિશ્વાસે તરત લેપટોપ ખોલ્યું. એને થયું કે એ સોમવારે બંધ જેલમાં આવી જ કેવી રીતે શક્યો? કોણ હતો પેલો ગાઈડ? બધા ફોટોઝ એ ફરી ઓપન કરવા ગયો તો ખબર પડી કે એની બધી ફાઈલ ‘કરપ્ટ’ દેખાઈ રહી હતી. હવે વિશ્વાસ પાસે કોઈ ખુલાસા નહોતાં, બસ એ ભયાવહ યાદો અને પેલા ગાઈડનું વાક્ય હતું, ‘સાહેબ, આટલા વર્ષોથી દબાયેલો અવાજ ક્યારેક તો બહાર નીકળવાનો જ ને!’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર