દીપક બગૈર કૈસે પરવાને જલ રહે હૈ...

26 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

વાત ડાંગ તરફની છે. ઘટાટોપ જંગલ અને ખળખળ વહેતી પૂર્ણા નદીને કિનારે આવેલું અમારું ગામ. ગામમાં માંડ બસો અઢીસોની વસતી હશે. અમારા ભોળા આદિવાસી લોકોની સાવ નોખી દુનિયા. દિવસ દરમિયાન ગામના મરદો ખેતીએ અથવા બાઈક પર ડબલ- ટ્રિપલ સીટ બેસીને આહવા તરફ નીકળી જાય. તો સ્ત્રીઓ પોતાની બકરી અને ધારિયું કે દાતરડું લઈને સીમમાં નીકળી જાય. ઉઘાડે બદન રખડતાં બાળકો ગામમાં એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે અટવાય. એમના માટે એમની મા કંઈક ખોરાક મૂકી ગઈ હોય તો ઠીક નહીંતર ભૂંખ્યાં બચ્ચાઓ ભૂખને તડકે મૂકીને ખાટી કે મીઠી આંબલીની શોધમાં દિવસ પૂરો કરે. નાનપણમાં મને મારી ઉંમરના બાળકો સાથે રખડપટ્ટી કરવામાં ઝાઝો રસ ન પડે. પાંચ-સાતના ટોળામાં જ્યારે આ બાળકો ગામ ખૂંદતા હોય ત્યારે મને ઘરના લીંપણવાળા આંગણાંમાં એકલા-એકલા રમવામાં અને ચૂલાના કોલસાથી ઓઈયા(મા) દોરે એવા ચિત્રો દોરવામાં વધુ રસ પડતો.

જોકે ઓઈયા મારી સાથે બરાબર વાત નહોતી કરતી કે, ન તો એ મને સરખું ખાવાનું આપતી. કેમ? કારણ કે એ મારી સાવકી ઓઈયા હતી. મારી સગી ઓઈયા તો હું પારણે હતો ત્યારે જ મૃત્યુ પામેલી. આજુબાજુના લોકો કહે છે કે, મારી ઓઈયા સળગીને મરી ગયેલી. લોકો તો એમ પણ કહે છે કે, મારો બાપ આ નવી ઓઈયાના પ્રેમમાં હતો અને મારી ઓઈયાને એ પસંદ નહોતું એટલે એણે અગન પીછોડી ઓઢી.

...પણ એવું લોકો માને છે કે, મારી ઓઈયા મૃત્યુ પામી છે. મારા માટે તે મરી નથી. મેં ઓઈયાનો ચહેરો સરખો જોયોય નથી પરંતુ હું તો ઓઈયાને રોજ મળું છું. ઓઈયા રોજ બપોરે અમારા આંગણે બાંધેલા હીંચકા પર આવીને બેસે અને જોરજોરથી હીંચકા ખાય. એ આવે ત્યારે ઘરની આજુબાજુના વૃક્ષો જોરજોરથી હલે અને આંગણામાં ફરતી મરઘીઓ રઘવાઈ થઈને આમથી તેમ દોડાદોડ કરે! ગામ આખાને માથે લેતાં કમબખ્ત કૂતરાં ઓઈયાના આવવાના સમયે દૂમ દબાવીને ભાગે છે. તો બપોરનાં સમયે કોઈ ઢોરઢાંખર અમારા ઝૂંપડાંની આસપાસ ચરતા હોય તો ઓઈયાને જોતાં જ ભાંભરવા માંડે. ઓઈયાને મરઘી ભાવે છે. પણ એ અમારા ઘરની મરઘી નથી ખાતી. કહે છે કે, 'પેલી રાં...ના ઘરનું તો હું પાણી પણ નહીં પીઉં.' એટલે તે આજુબાજુના ગામના લોકોની મરઘી ચોરીને ખાય છે. ક્યારેક વળી મન થાય તો કોઈકનું બકરું પણ ઉઠાવી જાય!

મારી મા કોઈનું બગાડતી નથી. મને કહે કે, 'આ તો તારામાં માયા છે એટલે હું આમતેમ રખડું છું. નહીંતર ક્યારનીય સુખી થઈ ગઈ હોત.' મારી ઓઈયા આમ તો કોઈના પર ગુસ્સે નથી થતી. પણ જે દિવસે સાવકી ઓઈયા મને મારે કે, ભૂખ્યો રાખે ત્યારે તે કોઈના ઝાલ્યે ઝલાતી નથી. આમ તો એ માત્ર બપોરે જ આવે. પરંતુ જ્યારે મારે વાંસે કાંટાળી સોટીના સોળ પડે ત્યારે એ આખી રાત અમારા ઘરની આસપાસ ભટકે. હું વ્યાકુળ થાઉં ત્યારે એ મારા કરતા વધુ હેરાન થાય. એનો ગુસ્સો કાઢવા એ ઘરની આસપાસના વૃક્ષોને જોરજોરથી હલાવે કે અમારા ફળિયાંના કૂતરાં અને ઢોરઢાંખરને રંજાડે અને પછી એ બધાય સાથે રડારોળ મચાવે.

થોડા સમયમાં તો શાંત ગામનું વાતાવરણ એવું ડરામણું થઈ જાય કે, આખો દિવસ મરદ થઈને ફરતા ગામના મરદો દારું ઢીંચીને એમની ઓરતોના પડખામાં ભરાઈ જાય! ગામના ભગતો અને સ્ત્રીઓને એ વાતની ખાતરી થઈ ગઈ છે કે, રાતના સમયે તરખાટ મચાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ મારી ઓઈયા જ છે. મારા અંતર્મુખી સ્વભાવને કારણે હું કોઈની સાથે ભળતો નથી એટલે ગામના લોકો અંદર અંદર એવી ખુસફુસ કરે છે કે, મને પણ કોઈ વળગાડ છે, હું અસાધરણ છું. પરંતુ મારામાં અને સામાન્ય લોકોમાં અસાધારણપણું એટલું જ કે, હું મારી ઓઈયાને જોઈ શકું છું. ત્યારે એ લોકો મારી ઓઈયાને માત્ર અનુભવી શકે છે!

ઓઈયા મને કહે છે કે, ગામમાં બીજી પણ ડાકણો ફરે છે. પણ એ બધીઓ ભલી છે. એમને કોઈનું બગાડવામાં રસ નથી. એ બધીઓ દિવસે નદીના કિનારે આવેલા ઝાડ પર આરામ ફરમાવે અને રાત પડતાની સાથે બધીઓ ખીખિયાટી કાઢતી નદી કિનારે પોતાના વાળ ધોવા ભેગી થાય. અને પછી નાહી-ધોઈને સ્વચ્છ થઈને ભેગી મળીને ગીતો ગાય અને પછી પોતપોતાને શિકારે અથવા પોતપોતાની ઈચ્છાઓ સંતોષવા વળે. ઓઈયા કહે છે કે, ગામના ભગતો પ્રેત પકડવાના કે એમને વશમાં કરવાના નાહકના ઢોંગ કરે છે. તેમને કોઈ પકડી શકતું નથી. મૃત્યુ જેવું મૃત્યુ એમના આત્માને વશમાં નથી કરી શક્યું તો આ અભણ ભૂવાઓ કયા ખેતરની મૂળી?

ઓઈયા આમ તો કોઈને પરેશાન નથી કરતી. પણ એને મારી સાવકી ઓઈયા પર ભારે ચીડ! એટલે કોઈક વાર સાવકી ઓઈયાને રંજાડવા તે જાતજાતનાં પેંતરા રચે. ક્યારેક સીમમાં બકરી ચારવા ગયેલી ઓઈયાને તે રસ્તો ભૂલાવી દે. ક્યારેક એને વળગીને કલાકો સુધી ધૂણે. તો કોઈ વાર સાવકી ઓઈયાને એવો તાવ ચઢાવે કે, તે દિવસો સુધી પથારીમાં જ પડી રહે!

મારી ઓઈયા આમ ભટકે એ મને નથી ગમતું. હું ઓઈયાને મુક્ત થઈ જવા કહું તો એ આસક્તિવશ મને કહે કે, 'હું ગઈ તો પછી તારું ધ્યાન કોણ રાખશે?' એ મૃત્યુ પામેલી ત્યારે એનો જીવ મારા માટે તલસતો હતો. એટલે મૃત્યુ બાદ પણ એ મારા માટે જ ઝૂરે છે. એને શાતા વળે એ માટે હું જાતજાતની બાધા-આખડીઓ રાખું છું. પણ એને મુક્તિ મળતી નથી. મને ઓઈયાની મુક્તિ જોઈએ છે અને ઓઈયાને હું! મારી ઓઈયાની મુક્તિ ક્યારે થશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.