જો તમને તમારું ભવિષ્ય ખબર પડે તો?
બેંગ્લોરનો કોરામંગલા વિસ્તાર, સપ્ટેમ્બર મહિનો અને ભેજવાળી હવા. સવારે સાડા સાતે ટાબરિયાઓ સ્કુલ જવા માટે નીકળી રહ્યા હતા. બેંગ્લોરની લાલ માટીમાં સ્કુલની પીળી બસ, કાળો ધુમાડો, લીલી-પીળી વોટરબેગ્સ અને જાતભાતની સ્કુલ બેગ્સ થી વાતાવરણમાં જાણે રંગોળી પુરવામાં આવી હોય એવું લાગતું હતું. આજે પિનકોડ નંબર ૫૬૦૦૩૪ માં કંઇક એવું થવાનું હતું જેના લીધે કોઈની જિંદગી બદલી જવાની હતી.
એક બાજુ સવારે આઠ વાગ્યે જોગર્સ પોતાની દોડ પૂરી કરી રહ્યા હતા, અને દેવની ઊંઘ પૂરી થવાનું નામ નહોતી લઇ રહી. અચાનક આઠ વાગ્યે આલાર્મ વાગ્યો, બે રિંગ પછી દેવ એ ઉઠીને બંધ કર્યો, અને એકાએક કંઇક યાદ આવતા જ એ લગભગ બાલ્કની તરફ દોડ્યો. બારણું ખોલ્યું અને બાલ્કનીમાં પડેલું છાપું પણ નજરે ન પડ્યું, તરત કઠેડા પર ઉભો રહીને સામે જોયું, અને કાંડામાં પહેરી રાખેલી ઘડિયાળ જોઈ. થોડી જ પળોમાં સામેનાં બંગલા માંથી એક મસ્ત યંગ છોકરી નીકળી, એવું લાગ્યું કે દેવનો આ રોજીંદો ક્રમ હતો કે સવારે ૮ વાગ્યે એલાર્મ વાગે, ઉઠીને બાલ્કનીમાં જવાનું અને પેલીને બહાર જતા જોવાની.
બંગલાનો દરવાજો ખુલ્યો અને પેલી છોકરી પોતાનું ઇટાલિયન બ્રાન્ડ વેસ્પા સ્કુટર લઈને સડસડાટ નીકળી ગઈ. દેવ એને જોઇને એટલો ખુશ થઇ જતો કે આ એક દ્રશ્ય થી જ એનો દિવસ સુધરી જતો. પાછા વળી છાપું હાથમાં લીધું, ઘરનો દરવાજો ખોલી દુધની બે થેલીઓ લીધી અને અંદર જતો રહ્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઈન વાંચી અને સાઈડમાં ગણેશ ચતુર્થીની વિશિઝ વાંચી. તારીખિયાનું પાનું ફાડયું, અને ૧૫ માંથી ૧૬ સપ્ટેમ્બર વંચાઈ રહ્યું હતું. છાપાનાં અંદરનાં પાનાઓ પર નજર ફેરવી.
તરત યાદ આવ્યું કે લાવ, પપ્પાને મુંબઈ એસએમએસ કરું, ‘Wishing You a Very Happy Ganesh Chaturthi Pappa’. થોડી વારમાં મોબાઈલમાં એક એસએમએસ બ્લિંક થયો. દેવ એ ખોલીને વાંચ્યો તો લખ્યું હતું ‘Thanks for advance wishes Beta’. દેવને નવાઈ લાગી, તરત છાપું હાથમાં લઈને જોયું તો ૧૭ મી સપ્ટેમ્બર બતાવતું હતું, સ્પોર્ટ્સ વિભાગમાં જોયું તો ઓસ્ટ્રેલિયા એ ઇંગ્લેન્ડને ૨૦-૨૦માં ૭ વિકેટસથી હરાવી દીધું હતું. તરત દોડીને દેવ એ બાજુના ઘરમાં પડેલા છાપાઓ જોયા, ૧૬ સપ્ટેમ્બર બતાવતું હતું! તાત્કાલિક સ્પોર્ટ્સ વિભાગ જોયો તો ૨૦-૨૦ ક્રિકેટનું શિડ્યુલ જોયું તો લખ્યું હતું કે આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મેચ હતી!
દેવને ખ્યાલ આવી ગયો હતો કે એ એક દિવસ પહેલાની જાણકારી આજે જ મેળવી ચુક્યો હતો, તરત લેપટોપ ખોલીને એના મગજમાં ખુરાફાતી વિચારો આવવા લાગ્યા. તરત સટ્ટાની વેબસાઇટ ખોલી સટ્ટો લગાડ્યો, બીજા દિવસે એ લગભગ બે લાખ રૂપિયા જીતી ગયો હતો! દેવને તો મનગમતું હાથ લાગી ગયું હતું, આવી રીતે સટ્ટો લગાડે અને સાચું પણ પડે! લગભગ ચારેક દિવસ પછી સવારે છાપામાં વાંચ્યું કે કોરામંગલા વિસ્તારમાં જ એક સ્કુટર પર વાહન ચાલકનું અકસ્માત થી મૌત નિપજ્યું. સ્કુટર નંબર KA 02 JK 7193. દેવનાં હાથમાં ચા નો કપ હતો એ નીચે પડી ગયો!
તરત જ દેવને ખ્યાલ આવ્યો કે આ તો પેલી સામે વાળી એને ગમતી છોકરીનાં વેસ્પાનો જ નંબર છે. ઘડિયાળમાં જોયું તો ૭:૫૦ વાગ્યા હતા, દોડીને એ નીચે ગયો, પોતાનું બાઈક ચાલુ કર્યું! થોડી જ વારમાં પેલી છોકરી વેસ્પા લઈને બહાર નીકળી, અને પોતાના નિત્યક્રમ મુજબ નીકળી ગઈ. દેવ તરત પાછળ પાછળ ગયો. દેવનો ઈરાદો એને બચાવી લેવાનો હતો. દિમાગમાં હતું કે ચાલો ભવિષ્ય ખબર પડી તો ખ્યાલ આવ્યો કે પોતાને ગમતી છોકરીનો જીવ પણ બચાવી શકાશે.
એક એક સ્પિડ બ્રેકર અને ટર્નિંગ પર દેવનો જીવ કપાઈ રહ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, એક બ્રિજ આવ્યો અને દેવનું ધ્યાન સાઈનબોર્ડ પર ગયું, એના પર લખ્યું હતું ‘Accident Prone Zone, Please Drive Slow’. દેવને લાગ્યું કે બસ આ જ જગ્યા છે જ્યાં દુર્ઘટના થવાની છે! પેલી છોકરી એ બ્રિજ પૂરો થતા જ ટર્નિંગ આગળ સ્કુટર આગળ લીધું અને જોરથી અવાજ આવ્યો! તરત જ લોકો ઘેરી વળ્યા હતા. કોલાહલ ચરમસીમા એ હતો.
પણ જે દ્રશ્ય હતું એનો સાક્ષી દેવ નહોતો! પેલી છોકરી તો ક્યાંય આગળ નીકળી ચુકી હતી! એક બાઈક ડમ્પર નીચે આવી ગયું હતું, અને એક માથું છુંદાયેલુ શરીર પડ્યું હતું જે બીજા કોઈનું નહિ પણ દેવ નું જ હતું! દેવની બાઈક જ ડમ્પર નીચે આવી ગઈ હતી!
દેવનાં ઘરે આવે એ નહિ પણ બાકીનાં લાખો લોકોનાં ઘરે આવે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સિટી પેજ પર ‘Apology Note’ છપાઈ હતી. ‘ગઈકાલે અમે જે અકસ્માતનાં સમાચાર છાપ્યા હતા, એ વાહનનો નંબર KA 02 JK 7193 નહિ પણ KA 02 JK 7913 હતો! બેંગ્લોર ટ્રાફિક પોલિસ પેલું બાઈક ખસેડી રહી હતી, પોલીસ પંચનામું કરી રહી હતી, દેવની બાઈક ઉંચકાઈને જઈ રહી હતી, જેની નંબર પ્લેટ પર નંબર હતો KA 02 JK 7913!
દેવ બીજાનું ભવિષ્ય તો જોઈ શક્યો, પણ પોતે પોતાનું જ ભવિષ્ય જોઈ ન શક્યો! તમને તમારું ભવિષ્ય ખબર પડે તો?
(કન્નડશોર્ટ ફિલ્મ ‘નેક્સ્ટ ટુડે’ પર આધારિત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર