હોરર ફિલ્મો: હિચકોકથી રામસે સુધીની સફર!
હોરર ફિલ્મ બનાવવાની કોઈ ચોક્કસ રૅસિપી હોય? વેલ, ડિપેન્ડ્સ. છેલ્લા છ દાયકાથી ભારતમાં હોરર એ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ જોનર રહી છે, જેને કદાચ લોકો સૌથી વધુ જોવાનું પસંદ કરે છે. હોરર એક એવી ફ્લેવર છે, જેમાં લોકોને ખબર છે કે એના ડરથી પોતાની હાલત ખરાબ થઈ જવાની છે, છતાં ડરવું સૌને ગમે છે! કમનસીબે આપણને બધાને હોરર ફિલ્મ જોવાની ઈચ્છા થાય એટલે હોલિવુડની હોરર ફિલ્મ જ જોવાનું પસંદ કરીએ છીએ. કારણ કે, હિન્દીમાં કોઈ સારી હોરર ફિલ્મો નથી બનતી. અને જે હિન્દી હોરર ફિલ્મો આવે છે એ જોઈને ડર નથી લાગતો! તો આવો આજે હોરર ફિલ્મોનાં મેકિંગથી લઈને એના કેરેક્ટર્સ અને એના માર્કેટિંગ સુધીનાં પાસાંને સમજવાનો પ્રયત્ન કરીએ.
જે અજ્ઞાત છે, જે સમજથી પરે છે એનો ડર માનવજાતને પહેલાથી રહ્યો છે. પણ લોકોને ડરાવવા અને જકડી રાખવા એ કંઈ સહેલી વાત નથી. એમાંય આજની જનરેશન તો ઘણી સ્માર્ટ છે, આજની પેઢી હજાર જાતનાં સવાલો પૂછે છે. ત્યારે, હોરર ફિલ્મ બનાવતી વખતે માત્ર ફિલ્મની વાર્તા, એડિટીંગ જ નહીં, પણ ટ્રીટમેન્ટ અને માર્કેટિંગ પર પણ એટલું જ ધ્યાન આપવું પડે! રેકોર્ડ્સ ચેક કરતા એવું માલુમ પડે છે કે, વર્ષ 1896માં સૌ પ્રથમ હોરર ફિલ્મ બનેલી. માત્ર ૩ મિનિટ્સની એ ફિલ્મ ફ્રેન્ચમાં બનેલી. ટેકનિકલી ખૂબ જ સામાન્ય ગણાતી એ ફિલ્મે તે અરસામાં એની ત્રણ મિનિટની લંબઈનો નવો બેન્ચમાર્ક સેટ કરેલો. આલ્ફ્રેડ હિચકોકની હોરર અને સસ્પેન્સ ફિલ્મોએ હજુ દુનિયાને ધમરોળવાની બાકી હતી!
આટલા વર્ષોમાં હોરર ફિલ્મો કે સિરીઝમાં મોટેભાગે ભૂતપ્રેતનું ઠામ ઠેકાણું કોઈ શાપિત ઘર, રમકડાં, કોઈ એન્ટિક ચીજ વસ્તુઓ કે પછી કોઈ શરીર જ રહેતું, જેના પર એવિલ તાકાતનો કબજો રહેતો! આપણી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો વર્ષ 1949માં આવેલી કમાલ અમરોહીની ‘મહલ’ ફિલ્મ હતી, જેમાં અશોક કુમાર અને મધુ બાલાની જોડી હતી. આઝાદી પછીનાં તરોતાજા માહૌલમાં બોક્સઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી દીધી હતી. એ ફિલ્મનું ‘આયેગા... આયેગા..’ ગીત આજે પણ પહેલા જેટલું જ લોકપ્રિય છે.
પછી તો ‘બીસ સાલ બાદ’, ‘ભૂતબંગલા' અને ‘ગુમનામ’ જેવી ફિલ્મોએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોરરને જોનર તરીકે ડેવલપ કરી નાખી. સાઠ અને સિત્તેરના દાયકામાં હોરર ફિલ્મો દૂઝણી ગાય સાબિત થઈ. પણ પાછળથી મહેનતનાં અભાવે માત્ર ત્રણથી પાંચ લાખના બજેટમાં ફાલતુ કિસમની રાધર એકદમ ‘બી’ કે ‘સી’ ગ્રેડની સોફ્ટપોર્ન ટાઈપ ફિલ્મો પણ બનવા લાગી. એવામાં રામસે બ્રધર્સ હવે એક બ્રાન્ડ બનવાની હતી. તુલસી અને શ્યામ રામસે ભાઈઓ સૌથી પહેલા ‘દો ગઝ ઝમીન કે નીચે’ લાવ્યા, એ ફિલ્મ ત્યારે ઠીકઠાક ચાલેલી. પણ પછી 'વિરાના', 'બંધ દરવાઝા', 'પુરાની હવેલી', 'પુરાના મંદિર', 'સન્નાટા', 'દહશત' જેવી ફિલ્મોમાં અત્યંત વરવા મેકઅપ કરેલા ભૂત રહેતા. ઉપરથી સ્ટ્રગલર હિરોઈન્સ પાસે બિકીની પહેરાવીને એને શક્ય એટલા સેક્સી કપડાંમાં ડાન્સ કરાવવો અને બેડરૂમ અને કિસિંગ સિન્સ કરાવવામાં આવતા. હીરો પણ વિજયેન્દ્ર ઘાટગે, ભરત કપૂર અને દીપક પરાશર જેવા હતા, જેઓ મોટેભાગે મેઈન સ્ટ્રીમ ફિલ્મોમાં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે આવતા હોય! આવી ફિલ્મો માત્ર ગલગલિયાં કરાવવા જ બનતી. આ ફિલ્મોનાં ભોગે જ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ લાંબા સમય સુધી સારી જકડી રાખે એવી હોરર ફિલ્મો બની જ નહીં.
વર્ષ 1992માં આવેલી રામ ગોપાલ વર્માની ‘રાત’ને ખરા અર્થમાં એક પાથ બ્રેકિંગ અને ટ્રેન્ડસેટર હોરર ફિલ્મ કહી શકાય. ભૂતપ્રેત, એક શાપિત ઘર, અને વળગાડ અને છેલ્લે એક્સૉસિઝમની મદદથી વળગાડમાંથી છુટકારો. પછી ફરી લગભગ નવ-દસ વર્ષ સુધી કોઈ નોંધપાત્ર હિન્દી હોરર ફિલ્મ બની જ નહીં. સામે છેડે દર્શકો હવે ઓલરેડી હોરર ફિલ્મો માટે હોલિવુડ તરફ વળી ચૂક્યા હતા. ત્યારે વર્ષ 2003માં રામ ગોપાલ વર્માએ જ બનાવેલી ‘ભૂત' સુપરહિટ નીવડી. ત્યાર પછી તો વિક્રમ ભટ્ટની ‘રાઝ', ‘હોન્ટેડ’, ‘1920’ જેવી ફિલ્મોએ દર્શકોને હિન્દી હોરર ફિલ્મો જોવા મજબૂર કરી દીધા.
જોકે તોય હોરર જોનરમાં ‘સેક્સ’નું એલિમેન્ટ તો સળવળતું જ હતું. બિપાશા બાસુથી માંડીને ટ્વિન્કલ વાજપેઈ સુધીની દરેક હિરોઈન સ્મુચ સિન્સ અને બેડરૂમ સિન્સ આપે ત્યારે જ એ હોરર ફિલ્મ સંપૂર્ણ બનતી! અરે, રામગોપાલ વર્માની સુસ્મિતા સેન સ્ટારર ‘વાસ્તુશાસ્ત્ર’માં પણ પિયા રાય ચૌધરી અને પૂરબ કોહલીનાં ગરમાગરમ સેક્સ સિન્સ દાળમાં વઘાર મારતા! એ પછી આજે 2015 સુધી ‘હિસ્સ્સ' અને ‘રાગિણી એમએમએસ’ જેવી સોફ્ટ પોર્ન ફિલ્મોથી લઈ ‘પિઝ્ઝા’ અને ‘13બી’ જેવી જેન્યુઈન હોરર ફિલ્મો પણ બની. લેકિન, હોલિવુડ હોરર ફિલ્મોમાં એવું તે શું હોય છે, જે આપણને સૌને કાયમ એની તરફ આકર્ષે છે! તો એનો જવાબ કંઈક નીચે મુજબ છે.
01. સરહદોથી પરે, સબટાઈટલ્સનાં સહારે:
જાપાનિઝ દિગ્દર્શક હિડીયો નાકાતાએ લખેલી ‘ધ રિંગ’ સિરીઝની ફિલ્મોએ સરહદો વટાવીને પૂરી દુનિયામાં ધૂમ મચાવી. દરેક કલ્ચરનાં સીમાળા અને બંધનોને હટાવી ‘Let the right one in’ નાં સિદ્ધાંતને અનુસરતા, યુએસ કે યુકેમાં બનેલી ‘સાયકો સિરીઝ' કે આલ્ફ્રેડ હિચકોકની ‘ધ બર્ડ્સ’ કોઈપણ પ્રકારનાં કોમ્પ્લીકેશન્સ વગર સૌને બિલિવેબલ લાગે અને એ જ એની સફળતાનું મુખ્ય કારણ!
02. સેક્સ નહીં, હ્યુમર વર્કસ! :
ફક્ત સેક્સથી જ ફિલ્મ હિટ જતી હોત તો દરેક બ્લ્યુ ફિલ્મ ઓસ્કર અવોર્ડ લાવતી હોત. ક્યારેક હોલિવુડ હોરર ફિલ્મોમાં માનવામાં ન આવે એ રીતે અત્યંત ક્રિટિકલ પરિસ્થિતિમાં પણ કાયમ એક હ્યુમરનો ટચ હોય છે, જે દર્શકોને તણાવ વચ્ચે પણ હળવા રાખે છે.
03. ઓથેન્ટિક જેટલું, હિટ એટલું:
પેલા ‘ઝી હોરર શો'માં આવતા મેકઅપનાં થથેડા કરેલા સો કોલ્ડ ભૂતપ્રેત કે બહુ કૃત્રિમ નહીં એવા રિયલ લાઈફ અનુભવો અને બનાવો પરથી જ હોરર બને. કોઈ વારસામાં મળેલા દાગીના, કોઈ કેમકોર્ડરની કસેટ, કોઈ રમકડું કે પછી ટીવીની અંદર જ આત્માનો વાસ! કેટલું વાસ્તવિક અને ભયાવહ. લોકો એટલા બુદ્ધુ નથી રહ્યા કે તમે કંઈ પણ કચરો બતાવો અને લોકો એને સ્વીકારી લેશે.
04. રિયલ લાઈફ કેરેક્ટર્સ અને વાર્તા:
જેટલું રોજિંદુ અને વાસ્તવિક, એટલું જ દિલ અને દિમાગની કરીબ. ઘરની બહાર નીકળીએ અને કોઈ ઘનઘોર પીપળાના હલવાથી આવતા અવાજ કરતા પોતાના જ બેડરૂમના શટર્સ ખોલવાથી આવતો અવાજ અને ડરામણી કલ્પનાઓ મગજને વધુ જકજોરી દે એ સ્વાભાવિક છે. સાંજે સાત પછીનાં સૂનકારમાં સ્કૂલના યુરિનલ્સમાં આવતો ટાંકણીનો પણ અવાજ, કે નળના ટપકવાનો અવાજ પણ થથરાવી દે છે. જે વાસ્તવિક છે એ જ માનવામાં આવે છે.
05. મોંઘુ નહીં પણ સાચું અને ડિટેઈલિંગવાળું પ્રેઝન્ટેશન:
તગડું બજેટ ચોક્કસ ફિલ્મ માટે લાભદાયી હોય છે, પણ હોરર ફિલ્મ બજેટની સાથે ડિટેઈલિંગ પણ માગે છે. હવે એક્સૉસિઝમ અને વળગાડ કાઢવો એ બધું ઓલ્ડ ફેશન્ડ ગણાય છે. 'કોન્જ્યુરિંગ' કે 'સિકસ્થ સેન્સ' જેવી ફિલ્મો આપણી અંદરનાં ડરને ઉજાગર કરે છે. તો પેરાનોર્મલ 'એક્ટિવિટી' પણ રુટિન લાઈફમાં જ થઈ શકતી હોઈ, એના માટે કોઈ સેટ કે ઉજ્જડ ખંડેરની જરૂરત નથી. ડરાવવા માટે એક બેડરૂમ કે અરીસો પણ કાફી છે!
ગુઝબમ્પ્સ:
Always make the audience suffer as much as possible.
- Alfred Hitchcock
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર