જંગલનો ન્યાય અને કાલ સર્પયોગ

23 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

રવિ વર્મા, એની પત્ની નેહા અને પાંચ વર્ષનો દીકરો યુગ, ત્રણેય મૂળ દિલ્હીનાં રહેવાસી પણ રવિની  ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની નોકરીના લીધે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતની વિવિધ જગ્યાઓએ પોસ્ટિંગ થતું હોવાથી ગુજરાતમાં રહેવાનું થતું. જુલાઈ 2014થી વડોદરા જિલ્લાના ડભોઈથી આગળ છોટા ઉદેપુર પાસે રવિનું પોસ્ટિંગ થયેલું. છોટા ઉદેપુરથી દાહોદ અને મધ્ય પ્રદેશની સરહદ સુધી જતાં રતનમહાલનાં ગાઢ જંગલો અને ત્યાંની ચિરકાલીન શાંતિ ક્યારેક કાળજું કંપાવી દેનારી હોય છે. ચોમાસામાં વરસાદ પણ ખૂબ પડે. વળી, એક તરફ સ્લોથ રીંછનું અભયારણ્ય તો બીજી તરફ જાતભાતનાં સાપ અને જીવજંતુઓનું ઘર.

લગભગ આવી જ એક વરસાદી સાંજ હતી, ફોરેસ્ટ ક્વાર્ટરમાં આવેલા આલિશાન ડ્રોઈંગ રૂમમાં યુગ રમકડા સાથે રમી રહ્યો હતો અને ટીવી ચાલુ હતું. નેહા રસોડામાં રસોઈ કરી રહી હતી. નેહાને ખ્યાલ પણ નહોતો કે બહાર શું ચાલી રહ્યું હતું. ઘરનો દરવાજો અધખુલ્લો હતો, ટીવી પર ડોરેમોન અને નોબિતાના સંવાદો ચાલી રહ્યા હતા, રવિને આજે ઘરે આવવામાં થોડું મોડું થવાનું હતું. યુગ અચાનક રમકડું બાજુમાં મૂકી બહાર ગયો, બહારથી સર્પની બીનનો અવાજ આવી રહ્યો હતો. બહાર ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો, યુગ વરસાદની પરવાહ કર્યા વગર પોતાની જ ધૂનમાં બહાર નીકળી ગયો હતો. બહાર જઈને પોતાના નાના નાના હાથથી માટીમાં કંઇક ખોદી રહ્યો હતો. નેહા જ્યારે રસોડામાંથી બહાર આવી તો જોયું કે ડ્રોઈંગ રૂમમાં કોઈ જ નહોતું અને દરવાજો પણ ખુલ્લો હતો. નેહાને ડર લાગતાં ઘરની બહાર આવીને યુગના નામની બુમો પાડી અને ધ્યાન ગયું કે યુગ ઘર તરફ જ આવી રહ્યો હતો અને એના હાથમાં એક ડબ્બો હતો!

નેહાએ યુગને ઝડપથી ઘરની અંદર લઈને દરવાજો બંધ કર્યો અને પેલો ડબ્બો એના હાથમાંથી લઈ લીધો. ડબ્બો ખોલી જોયું તો નેહાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અંદર નાનાં નાનાં લગભગ વીસેક જેટલાં સાપનાં બચ્ચાં હતાં! તરત જ એ ડબ્બો બહાર ફેંકી અને યુગને એક થપ્પડ મારી, પણ યુગ કોઈ ભેદી રીતે હસી રહ્યો હતો. જાણે યુગ પોતાની માસૂમ ઉંમર પ્રમાણે વર્તવાને બદલે કોઈ શયતાની બચ્ચાની જેમ હસી રહ્યો હતો! નેહાએ રવિને ફોન કરી જલદી ઘરે આવવા કહ્યું. રવિ લગભગ બે કલાકે ઘરે આવ્યો અને નેહા એ બધી વાત કહી. રવિએ નેહાને ઠંડી પાડી અને તેઓ જમવા બેઠા.

ડાઇનિંગ ટેબલ સાફ કરી એ રસોડામાં કામ કરી રહી હતી કે એને સિંકની ઉપરની દીવાલ પર સાપ જેવા લાગતા લિસોટા જોવા મળ્યા અને ફરી નેહાથી ચીસ નીકળી ગઈ. રવિ તરત આવ્યો અને એને પણ જોઇને ડર તો લાગ્યો પણ નેહાને ભ્રમ થાય છે એમ કહીને શાંત પાડી. યુગને ચિલ્ડ્રન રૂમમાં સુવાડી દીધો હતો, એટલે નેહાને હવે શાંતિ થઈ હતી. આજે રાત્રે બે માંથી કોઈને પણ ઊંઘ નહોતી જ આવવાની એ વાતની ખાતરી હતી. રાત્રે વરસાદ અનરાધાર ચાલુ જ હતો. લાઈટ બંધ કરી અને નેહા અને રવિ સૂવા ગયા અને એકાએક ડ્રોઈંગ રૂમની દિશામાંથી પેલી બીનનો ફરી અવાજ આવવા લાગ્યો. નેહા ઊઠીને બહાર દોડી ગઈ અને યુગનો રૂમ જોયો તો યુગ પલાંઠી મારીને બેઠો હતો. એની સામે બે સાપ હતા! યુગ ગોળ ગોળ ધૂણી રહ્યો હતો અને આ જોઈને જ નેહા એકદમ ઠંડી પડી ગઈ.  એ દિવસે એની ચીસોથી રતનમહાલનું જંગલ આખું ગુંજી ઊઠેલું!

રવિએ ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર તરત આવ્યા અને નેહા અને યુગ બંને ને તપાસીને બોલ્યા કે બધું ઓલરાઈટ છે. યુગને ઊંઘનું એક ઈન્જેકશન આપ્યું જેથી એ સૂઈ ગયો હતો. રવિ પોતે પણ અંદરથી ખૂબ જ ડરી ગયો હતો અને ડોક્ટર હવે રવાના થઈ ચૂક્યા હતા. ફરી લાઇટ બંધ કરી અને રવિ તેમજ નેહા બંને સૂઈ ગયાં. રવિને સપનું આવ્યું અને સપનામાં એને ફરી સાપ દેખાયા. એ અને નેહા બંને પાણીમાં ફસાયા છે અને બચાવો બચાવો બોલી રહ્યા છે! તરત જ ડરથી એક ચીસ સાથે રવિ ઊઠી ગયો, એના અવાજથી નેહા પણ ઊઠી ગઈ.

બંને એ એકબીજાની સામે જોયું અને તરત સમજી ગયા કે બંનેને એકસાથે એક જ સપનું દેખાયું હતું! કોઈ મોટી ગરબડ હતી, બંને ઊઠીને દોડ્યા અને બાજુના રૂમમાં યુગને લેવા ગયા. યુગ સામેથી બહાર આવ્યો અને કોઈ ભેદી અવાજમાં બોલી રહ્યો હતો. જાણે એની અંદરથી કોઈ બોલી રહ્યું હોય એવું સ્પષ્ટપણે અનુભવાતું હતું. યુગ બોલ્યો, ‘દાહોદ જતાં રસ્તામાં આવતી પેલી દીવાદાંડીના રૂમમાં તેં કઈ કઈ સ્ત્રીઓ સાથે શું શું કરેલું એ નેહાને કહી દઉં?’

નેહા પાછળ જ ઊભી હતી. રવિ હજુ કંઈ રિએક્ટ કરે એ પહેલાં જ નેહાએ રવિને એક તમાચો મારી દીધો અને રડવા લાગી. રવિ ફટાફટ કારની ચાવી લઈ યુગ અને નેહાને ખેંચીને બહાર નીકળી ગયો. વરસતા વરસાદ અને વીજળી વચ્ચે કાર બેકાબૂ ગતિએ આગળ વધી રહી હતી. અચાનક યુગ પાછળની સીટ પરથી બેઠો થયો અને બોલવા લાગ્યો, 'અહીં કાર રોકો પપ્પા!'

રવિએ કાર રોકી અને યુગ કારની બહાર નીકળી ચાલવા લાગ્યો. વરસાદમાં ચાલતા યુગનો પીછો કરતા રવિ અને નેહા બંને પાછળ પાછળ ચાલવા લાગ્યાં. એક ખૂબ જ ખંડિયેર લાગતું મકાન નજરે પડ્યું. અંદર જતા જ એક આધેડ વયનો માણસ દેખાયો, જેના હાથમાં એક ફાનસ હતું. ત્યાં એક ટેબલ હતું, જેના પર એક ડબ્બો પડ્યો હતો અને આ એ જ ડબ્બો હતો જે આગલી સાંજે યુગના હાથમાં હતો! આજુબાજુ કેટલાક સાપ હતા, એ આધેડ વયનો માણસ બરાડીને ઊંચા અવાજે નેહાને બોલ્યો, 'આ તારો પતિ રવિ આ જ મકાનમાં કેટલીયે સ્ત્રીઓને કોઈ ને કોઈ કામથી બોલાવતો અને એનો ઉપભોગ કરતો! હું અહીં રતનમહાલના જંગલમાં લાકડાં કાપી અને છૂટક મજૂરી કરતો. એક દિવસ મારી પત્ની કે જે સાફસફાઈનું કામ કરતી એને આ નાલાયક હવસખોરે આ જ મકાનમાં બોલાવી અને એનાં પર બળાત્કાર ગુજારેલો.'

આ સાંભળીને નેહા સમસમી ગઈ અને ત્યાંથી દોડીને બહાર કાર તરફ ભાગી. યુગ પણ મમ્મીની પાછળ દોડવા લાગ્યો. રવિને ધીમે ધીમે બધું સમજાવા લાગ્યું. પેલી સ્ત્રીએ તો બળાત્કારની ઘટના પછી તરત જ શરમથી આપઘાત કરી લીધેલો. રવિએ થોડા દિવસો પછી પોતાની સત્તાના જોરે એના પતિને પણ ઠેકાણે પાડી દીધેલો. રવિ વધુ કંઈ વિચારે એ પહેલાં જ કાનના પડદા ચીરી નાંખે એટલા જોરથી બીનનો અવાજ વાગવા લાગ્યો. રવિએ કાન પર હાથ રાખ્યા અને એના મોઢામાં એકાએક ફીણ આવવા લાગ્યું. એના જડબા પર એક લાકડું જોરથી અથડાયું અને એક કારમી ચીસ જંગલની ચારે તરફ સંભળાઈ.

થોડા દિવસો પછી રવિની લાશ જંગલમાંથી જ મળી. એ પણ સાપની કાંચળી જેમ ઉખડે એવી રીતે ચામડીના લોચા નીકળી ગયેલા! યુગ અને નેહા બંને નેહાનાં ઘરે દિલ્હી પરત થઈ ચૂક્યા હતા. એ લોકો સાથે એ રાત પછી એક પણ અજુગતી ઘટના બની નહોતી. આજે પણ તમે રતનમહાલનાં જંગલથી પસાર થાવ તો સાંજ પછી તમને ક્યાંક બીનનો અવાજ જરૂરથી સંભળાશે!

ગુઝ્બમ્પ્સ:

Nyctophobia –  એટલે ખૂબ જ ગાઢ અંધકારથી લાગતો ડર, જે એક પેથોલોજિકલ રોગ બની જાય એ અવસ્થા!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.