હાલરડું
મારા ગામમાં મને કોઈ હેરાન નથી કરતું. ગામ આખાના લોકો મારી દરેક વાતો માને છે અને મારી બધી માગણી સંતોષે છે. કારણ કે, મને મા નથી. મારી દાદી કહેતા હતા કે, હું દસ દિવસનો હતો ને મારી મા તાવમાં મરી ગયેલી. હું જન્મેલો એ દિવસથી એની તબિયત બગડેલી અને દિવસે ને દિવસે એની તબિયત વધુ બગડવા માંડેલી. મારા જન્મના ચોથે કે પાંચમે દિવસે એને ખ્યાલ આવી ગયેલો કે, હવે તો મોત એ જ એના રોગનો ઉપાય છે. પરંતુ હજુ તાજી જ મા બનેલી એ સ્ત્રી મરવા નહોતી માગતી. એને મારો મોહ હતો. એણે એના સંતાનને રમાડવું હતું, એનો ઉછેર કરવો હતો અને માતૃત્વને માણવું હતું.
મારા જન્મના આઠમા દિવસથી એ બેભાન થઈ ગયેલી અને લવારે ચઢી ગયેલી. ઉંઘમાં પણ એ એક જ વાક્ય બોલ્યા કરતી કે, ‘મારે મરવું નથી. મારે કનૈયા સાથે રમવું છે. કોઈ મારા કનૈયાને મારી પાસે લાવો રે…’ હું જન્મ્યો ત્યારથી એ મને કનૈયો-કનૈયો કહ્યા કરતી એટલે એની યાદમાં મારું નામ કનૈયો જ પાડી દેવાયું. એ નામ એટલે મારી માની એક માત્ર યાદ! કોઇ મને કનૈયો કહીને બોલાવે એટલે તરત મને માની યાદ આવે છે અને હું એનો ચહેરો પામવા વલખા મારું છું. મારી માનો ચહેરો તો મને યાદ નથી, પણ એવું લાગે છે કે, એ જ્યારે કનૈયો…. કનૈયો… કરતી એ વેળાના અવાજની કણસ મારા કાનમાં ગૂંજ્યા કરે છે. ઘણી વાર હું ધ્યાન દઈને એ અવાજ સાંભળવા પ્રયત્ન કરું છું કે, મને જે સંભળાય છે એ આભાસ છે કે વાસ્તવિક્તા?
હા, તો આપણે ક્યાં હતા? મારા ઘરમાં કે મારા ગામમાં લોકો મારી બધી વાત માને છે અને હું જે કહું એ હાજર કરી દે છે. કેમ? કારણ કે, હું નમાલો છું એટલે? લોકોને મારા પ્રત્યે સહાનુભૂતિ હશે? પણ નહીં. વાત કંઈ અલગ છે. લોકોને મારા પ્રત્યે સહાનુભૂતિ નહીં, પણ મારો ડર છે. રખેને એ લોકો મારી અવહેલના કરશે ને એમણે કંઈક ભોગવવાનું આવશે!
અમારા ગામમાં એવી વાયકા છે કે, મારી મા પ્રેત થઈને ભટકે છે અને મારી રક્ષા કરે છે. કોઈ તો કહે છે એમણે રાત્રે મારી માને ભટકતી અને રડતી કકળતી પણ જોઈ છે. તેઓ કહે છે મારી મા, ‘મારે નથી મરવું…. મારે નથી મરવું… ઓ કનૈયા… કનૈયા…’ કરીને બૂમો પાડે છે. તો કોઇ કહે છે રાત્રે અમારા ઘરના દરવાજા બંધ થઈ જાય પછી મારી મા અમારા ઘરને ઓટલે વાળ ખૂલ્લા કરીને બેસે છે અને પછી વાળમાંથી જૂ કાઢીને જોરજોરથી હસે છે. કોઇ વળી એમ કહે છે કે, રાત્રે અમારા ઘરની સામેના લીમડાની ડાળ પર બેસીને એ હાલરડાં ગાય છે અને કોઇ બાળકને ઝૂલાવતી હોય એમ જોરજોરથી લીમડાની ડાળીઓ ઝૂલાવે છે.
મને એવો ક્યારેય અહેસાસ નથી થયો કે, મારી મા મારી આસપાસ છે. પણ હા, એક બે વખત એવું જરૂર બન્યું છે કે, કોઇએ મને હેરાન કર્યો હોય તો એ તાવમાં પટકાયું હોય કે એને ભૂત વળગ્યું હોય. એક વાર મારા કાકીએ મને સારો એવો માર મારેલો. આમેય કાકીને મારા પર ભારે ચીઢ! હાલતા ને ચાલતા એ મને ઢીબતી રહે કે કંઈક કટુવચનો કહેતી રહે. પરંતુ એક દિવસ એણે મને ખૂબ માર માર્યો અને તવેથો ગરમ કરી એનો ડામ મૂકેલો. હું એવો કકળી ઉઠેલો કે ન પૂછો વાત! મનમાં ને મનમાં કાકીને ગાળો દેતો પણ હું અને મારી વૃદ્ધ દાદી કાકીની સામે લાચાર હતા.
પરંતુ એ રાત્રે કાકીને કોણ જાણે શું વળગ્યું કે કાકી અડધી રાત્રે ઊઠી ગયા અને ઘરનો દરવાજો ખોલી ફળિયામાં આવી ગયા. અને પછી એમણે ચીસાચીસ કરી અને થાંભલામાં લોહી ન નીકળ્યું ત્યાં સુધી એમનું માથું ઠોક્યા કર્યું. અડધી રાત્રે સફાળી જાગેલી સ્ત્રીઓએ જેમતેમ કરીને કાકીને વશમાં કરેલાં. કોઈ કહે એ રાત્રે કાકીનું મગજ ચસકી ગયેલું તો કોઇ કહે કાકીએ મને મારેલો એટલે મારી મા એ એનો બદલો લીધેલો. સારો એવો માર પડવાને કારણે કાકી દિવસો સુધી કણસતા રહેલા અને તે દિવસ પછી એમણે ક્યારેય મને કશું કહ્યું નથી કે મને માર્યો નથી. એ પણ કહેતા હતા કે, એ રાત્રે જેઠાણીબાએ મારો ચોટલો પકડીને મને ઘરની બહાર કાઢેલી…
આ ઉપરાંત એક દિવસ મારી સ્કૂલના માસ્તરે મને ‘સાલા નમાલા…’ એમ કહીને કેટલીક ગાળો દીધેલી અને કહેલું કાલે જો ઘરકામ કરીને નહીં આવ્યો તો મારી નાંખીશ. બીજા દિવસે હું ઘરકામ કરીને તો ગયેલો, પરંતુ માસ્તર જ દસ દિવસ સુધી સ્કૂલમાં નહીં આવેલા. એ આવેલા તે દિવસે હું ઘરકામ બતાવવા ગયેલો તો તેઓ મારાથી ગભરાઈને દૂર ભાગી ગયેલા અને મારે માથે હાથ ફેરવી મને નમાલો કહેવા બદલ મારી માફી માગેલી. પાછળથી મને ખબર પડેલી કે, મને નમાલો કહેલો એ દિવસે ઘરે ગયા પછી માસ્તરને ભયંકર તાવ ચઢેલો અને અઠવાડિયા સુધી મારી મા એમના સપનાંમાં આવેલી અને એમને ખૂબ રંજાડેલા!
આવા કિસ્સાને કારણે હવે મને કોઇ હેરાન નથી કરતું અને જ્યાં જાઉં ત્યાં લોકો મને માનથી બોલાવે છે. આ કારણે મને પણ સતત એવું લાગ્યા કરે છે કે, મારી મા ક્યાંક આસપાસ જ છે અને હું પણ એની સાથે વાતો કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મારી સાથે કોઈ વાતો નથી કરતું. માત્ર ક્યારેક કનૈયા… કનૈયા… નો અવાજ આવે છે… ક્યારેક ઉંઘમાં મને એવો અહેસાસ પણ થાય છે કે, કોઇ મારે માથે હાથ ફેરવે છે અને ‘તમે મારા દેવના દીધેલ છો… તમે મારા માગી લીધેલ છો…’ એવું ગાતું હોય એવું લાગે છે, પરંતુ પછી ઝબકીને ઊઠી જાઉં પછી મારી આસપાસ કોઇ જ નથી હોતું. તો એ આભાસ… હાલરડાનો અવાજ જ મારી મા હશે…?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર