મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે

05 Oct, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC: artsfon.com

સાંજ ઢળી રહી હતી, ચોમાસું વિદાય લઇ રહ્યું હતું અને શિયાળો દસ્તક દઈ રહ્યો હતો. સંદીપ મોરે એસયુવી કારમાં મુંબઈથી પૂણે સડસડાટ જઈ રહ્યો હતો. ખાલાપુર ટોલનાકા પાસે ગાડી પહોંચી અને ટોલનાકા પર લાંબી લાઈન હોવાથી સંદીપે થોડી વાર રાહ જોઈ, પણ પછી ધીરજ ખૂટી જતા, થોડી રિવર્સ લીધી અને ખંડાલા-લોનાવાલા તરફ જતો એક બાયપાસ રોડ લીધો. ખાલાપુર પાસે આવેલું ઇમેજિકા થિમ પાર્ક અને ત્યાંથી જ પસાર થતો આ બાયપાસ રોડ કોઈ હલચલ વગર સાંજે એકદમ નિર્જન લાગી રહ્યો હતો. સંદીપને આજે શું સૂઝ્યું કે અહીંથી કાર લઇ લીધી! લગભગ છએક કિલોમીટર કપાયા હશે અને ખંડાલા આવે એ પહેલા જ એક છોકરી રસ્તામાં ઊભેલી દેખાઈ જે લિફ્ટ માગી રહી હતી. સંદીપે એને જોઈ, ખબર નહીં કેમ પણ બહુ જ એટ્રેક્ટિવ લાગી રહી હતી એટલે કે પછી બીજા કોઈ કારણોસર પણ સંદીપે એ છોકરીને કારમાં બેસી જવા કહ્યું! 

સંદીપે એક સ્માઈલ સાથે કારનો દરવાજો ખોલ્યો અને એને બેસી જવા કહ્યું! સંદીપ પોતાની જ ધૂનમાં હતો અને આમ સ્વભાવે થોડો ઓવરસ્માર્ટ પણ ખરો. કાર સડસડાટ રસ્તો કાપવા લાગી, સંદીપ વારંવાર પેલી છોકરીની સામે રિયરવ્યૂ મિરરમાંથી જોઈ રહ્યો હતો. 'માય નેઇમ ઇઝ સંદીપ, સંદીપ મોરે, એન્ડ યુ?' સંદીપે ઉત્સાહમાં પૂછ્યું. પેલી છોકરી બોલી 'વંશિકા, વંશિકા મહેતા'. થોડી વાર થઇ અને કારમાં એકદમ ખામોશી હતી. કારનું એસી ચાલુ હતું અને કાચ બંધ હતા. સંદીપે એફએમ ઓન કર્યું પણ સિગ્નલ નહોતા આવી રહ્યા, એટલે ફરી એ બંધ કર્યું અને મોહિત ચૌહાણનાં ગીતો ફ્લેશડ્રાઇવથી ચાલી કર્યા. રોકસ્ટાર ફિલ્મનાં ગીતો ચાલુ હતાં અને અચાનક શું થયું તે થોડા અસ્પષ્ટ અવાજો આવવા લાગ્યા અને ગીત વાગતું બંધ થઇ ગયું! 

વંશિકાએ સંદીપને પૂછ્યું, 'તમને આ રસ્તા વિશે કોઈ જાણકારી છે? આ આખા રસ્તા પર કોઈ પોતાની કાર ઊભી નથી રાખતું, અહીં કોઈ આત્માનો વાસ છે, જે કેટલાય કાર કે બાઈક ચાલકોને મળે છે!' સંદીપ ખડખડાટ હસવા લાગ્યો અને કહ્યું, 'હું આવા કોઈ ભૂત પ્રેતમાં નથી માનતો મેડમ, હું તો ભગવાનમાં પણ નથી માનતો! હું નાસ્તિક છું'. વંશિકાએ પૂછ્યું, 'તમને એવું ન લાગ્યું કે આમ કોઈ અજાણી છોકરીને કારમાં બેસાડવી ન જોઈએ, એવું તો શું હતું કે તમે આમ તરત કાર ઊભી રાખીને તૈયાર થઇ ગયા?'. સંદીપ વંશિકાનાં આકર્ષક ફિગરથી પ્રભાવિત થઇ ગયો હતો, વંશિકાનાં લો નેક ટોપને જોઈને સંદીપ રોમાંચિત થઇ ગયો હતો! સંદીપ બોલ્યો, 'તમે આમ સાંજ પડી ગઈ હોય અને એકલા રસ્તા પર કોઈ લિફ્ટ આપે એની રાહ જુઓ, હું અહીંથી નીકળ્યો તો શા માટે તમને મદદ ન કરું?'

વંશિકા બોલી, 'તમને ખબર છે, હું ભૂત પણ હોઈ શકું છું, મેથ્સ પ્રમાણે મારા ભૂત હોવાની પ્રોબેબિલિટી 50% છે!'. સંદીપ ફરી હસ્યો, 'અચ્છા? તમારા જેવી સેક્સી છોકરી ભૂત પણ હોઈ શકે?'. વંશિકા કશું જ ન બોલી અને લગભગ દસેક મિનિટ માટે કારમાં સન્નાટો પ્રસરી ગયો. એકાએક વાઈપર ચાલુ થઇ ગયા, કારનું હોર્ન જાતે જ વાગવા માંડ્યું અને સંદીપ ચોંકી ગયો! સંદીપે પાછળ જોયું તો વંશિકા પોતાનો ચહેરો ગરદન નીચે કરી વાળમાં છુપાવીને બેઠી હતી, સંદીપે ધ્રુજતા અવાજે કહ્યું, 'વંશિકા, આર યુ ઓકે?' અને વંશિકાએ એકાએક ચહેરો ઉપર કરી સંદીપની સામે જોયું અને સંદીપ ખુબ ગભરાઈ ગયો. વંશિકાની આંખો એકદમ સૂજેલી લાગી, ડોળા અને કિકીઓ જાણે બહાર આવી ગયા હતા! સંદીપ ખૂબ જ ડરી ગયો અને વંશિકા ખડખડ હસવા લાગી અને બોલી, 'રિલેક્સ મેન, તમે તો કહેતા હતા ને, હું ભૂત બુતમાં માનતો નથી, નાસ્તિક છું, ભગવાનમાં પણ નથી માનતો તો પછી કેમ આમ ડરી ગયા? આઈ વોઝ જસ્ટ કિડિંગ!'    

સંદીપ ભયંકર રીતે ડરી ગયો હતો, ફરી થોડી વાર થઇ અને વંશિકા બોલી, 'હું 'જાઝ એફએમ 96', પૂણે સ્ટેશનની આરજે છું અને 'બન ગયા બકરા' નામનો શો કરું છું, તમારી સાથે મજાક કરી મેં તમને 'બકરા' બનાવ્યા છે, સો રિલેક્સ.' સંદીપને બહુ જ અનકમ્ફર્ટ લાગતું હતું, વાત ગળે ઉતરતી નહોતી. સંદીપ બારી બહાર જોઈ રહ્યો હતો, એક પીળી લાઈટ દૂર દેખાતી હતી અને થોડી વારમાં નજીક આવતા એ ગાયબ થઇ ગઈ! સંદીપે વંશિકાને કહ્યું, 'જો કે હું પણ ભૂત હોવાની 50% પ્રોબેબિલિટી ધરાવું છું! તમને ખબર છે તમારી બાજુની સીટમાં જે બોક્સ પડ્યું છે એમાં મેં મારી વાઈફનું ખૂન કરી એનાં 18 ટુકડા કરી આ બોક્સમાં રાખ્યા છે!' આટલું સાંભળી વંશિકા સખત ડરી ગઈ, 'મારે ઉતરી જવું છે, દરવાજો ખોલો!' વંશિકાએ બહુ પ્રયત્નો કર્યા પણ દરવાજા ન ખૂલ્યા, વંશિકાએ નોટિસ કર્યું કે સંદીપથી પણ દરવાજો ન ખૂલ્યો! એ તો ખૂદ કાર ચલાવી રહ્યો હતો!

સંદીપે પણ ઓબ્ઝર્વ કર્યું કે પોતે પ્રયત્ન કરવા છતાં પણ દરવાજા નહોતા ખૂલ્યા! પાછળની સીટમાં એક ડ્રોઈંગ બુક પડેલી એ ઉઠાવીને પાનાં ફેરવી વંશિકા બોલી, 'આ કોની છે? સરસ ચિત્રકામ કર્યું છે?' સંદીપે સ્પષ્ટતા કરી, આ કાર મારી નથી, મારા એક દોસ્તની છે. વંશિકાનો એક હાથ બોક્સ પર હતો અને અચાનક વંશિકાએ ચીસ પાડી, એનાં હાથમાં લોહી હતું અને ધ્યાનથી જોયું તો બોકસનાં ખૂણા માંથી લોહી પડી રહ્યું હતું! સંદીપે કાર તેજ કરી, વંશિકા ચીસો પાડી રહી હતી. સંદીપ પોતાનાં પર મુસ્તાક હતો અને વંશિકા ખૂબ જ ભયભીત હતી.

પછી જે બન્યું એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે! અચાનક રેડિયો ચાલુ થઇ ગયો, કારનાં ફ્રન્ટ ગ્લાસ શિલ્ડ પર ઝાકળનાં ટીપાઓ છવાઈ ગયા, The End એવું લખાયું! કાર સંદીપનાં કંટ્રોલ બહાર જતી રહી અને સંદીપે પાછળ જોયું તો વંશિકા ગાયબ હતી! કારનાં બોનેટ પર એક નાની છોકરી બેઠી હતી! કાર પૂણે નજીકનાં કામશેત પાસે આવીને એક ખીણ પાસે ઊભી રહી! સંદીપ માંડ માંડ કરી બહાર નીકળ્યો અને ભાગવા ગયો, એવામાં એણે જોયું કે વંશિકા મોઢામાં લોહી સાથે કારની પાછળની સીટમાં લથબથ પડી હતી, સંદીપ પરસેવે રેબઝબ ઊભો હતો, અચાનક કાર ચાલવા લાગી અને સંદીપને પાછળથી ધક્કો મારી કાર ઊભી તો રહી પણ સંદીપ ઊંડી ખીણમાં પડ્યો! વંશિકા માંડ માંડ બહાર નીકળી, પેલું બોક્સ ખોલ્યું તો એમાંથી સાતેક વર્ષની એક છોકરીની લાશ નીકળી! વંશિકા ત્યાં જ ઊભી ધ્રૂજતી હાલતમાં એ છોકરીનો ચહેરો, પેલી ડ્રોઈંગ બુક અને સંદીપની ભૂત અને 18 ટુકડાઓની વાતો યાદ કરતી રહી અને ઘોર અંધારામાં હાઇવે પર કોઈ વાહનની રાહ જોતી ઊભી રહી....

મુંબઈ પૂણે હાઇવે પર આજે પણ કેટલીય ટનલ્સ અને વળાંકો પર પેરાનોર્મલ ઘટનાઓ બનતી હોવાનું સતત માલુમ પડ્યું છે, શું સંદીપ અને વંશિકા સાથે પણ એવું જ કઈંક બન્યું હશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.