ભેદ ઉકેલવા જતાં એ પોતે જ એક ભેદ બની ગયો
ગયા અઠવાડિયે અહીં આપણે બેસ્ટસેલર નોવેલિસ્ટ અર્ણવ મિત્રાની વાત કરતા હતા. રાઈટર્સ બ્લોક ફીલ થતાં અર્ણવ નિલ અઈલેન્ડ આવ્યો અને કોઈ હોટેલમાં રહેવાના બદલે એક થોડા જર્જરિત લાગતા બંગલામાં રહેવા આવ્યો. એનો ઈરાદો નેક હતો, રોમાંચ સાથે નવા સ્ટોરી આઈડિયાઝ મળે. પોતાની નવી હોરર નોવેલ લખવા માટે એ ખૂબ જ એક્સાઈટેડ હતો. એ જે દિવસે આવ્યો એ જ દિવસે સાંજે બંગલાની બાલ્કનીમાં એને કેટલાક ભેદી અવાજો સંભળાયેલા. અંદર ગયો તો કોઈ ચાર માણસ પલંગ પર બેસેલા દેખાયા હતા, જોકે દરવાજો અંદરથી બંધ હતો તો એ કેવી રીતે આવી ગયા હતા? કોણ હતા એ? અર્ણવે એ લોકો તરફ લાકડી ઉગામતા નીચે ચોકીદારને એક મોટી ચીસ સંભળાયેલી! વચ્ચે એમ તો એક ભેદી છોકરો પોતે અર્ણવની બુક્સનો ફેન છે એમ કહીને એનો ઓટોગ્રાફ પણ લઈ ગયેલો. નિલ આઈલેન્ડ પર એક પછી એક બહુ જ અજીબોગરીબ ઘટનાઓ બની હતી એ પણ એક જ દિવસમાં!
થોડા દિવસો પછી મોહન શર્મા નામની એક વ્યક્તિ ત્યાં આવીને પોતે ફોરેન્સિક એક્સપર્ટ છે એમ કહીને પૂછપરછ કરવા આવે છે. એક માણસ, જે પાવડાથી ત્યાં માટી સરખી કરી રહ્યો હતો એ મોહન શર્માને ઉપર બંગલામાં લઈ જાય છે. બંગલામાં પ્રવેશતા જ એક ડાયરી હાથમાં આવી જેમાં લખ્યું હતું, 'અમને તમારી દુનિયામાં ન બોલાવો તો જ તમારા માટે સારું છે!' મોહન શર્મા આ વાંચીને જ સુન્ન થઈ ગયો. ત્યાં પલંગ પર કેટલીક ધૂળ જમા હતી, બહાર જઈને મોહને પૂછ્યું તો ખબર પડી કે, અર્ણવ મિત્રા એ દિવસથી જ લાપતા છે અને હવે એ આખો બંગલો 'ભૂત બંગલા' તરીકે જ ઓળખાય છે. મોહનને જો કે આ વાત ગળે ન ઉતરી અને એણે પોતે જ એ બંગલામાં રહેવાનું નક્કી કર્યું, જેથી પોતે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ લઈ શકે.
બંગલામાં પોતાની બેગ-સામાન લઈને મોહન આવી ગયો. પહેલા માળે અર્ણવ મિત્રાની નોવેલ્સ ત્યાં પડી હતી. એમાંથી એક બુક હાથમાં લઈ એના પર હાથ ફેરવ્યો એવામાં પેલો નીચે મળેલો માણસ ત્યાં ઉપર આવ્યો અને મોહનને કહેવા લાગ્યો કે, સાહેબ આ બધી બુક્સ અર્ણવ મિત્રાની છે ને? મોહન કંઈ રિએક્ટ કરે એ પહેલા જ પેલો માણસ પાછળ ફર્યો. મોહને એ તરફ જોયું અને એના મોંમાંથી ચીસ નીકળી ગઈ! પેલા માણસની પીઠમાં ચામડી-હાડકા અને માંસનાં લોચા બધું જ ખૂલ્લું દેખાતું હતું! એના પર કોઈ ચામડી જ નહોતી. લોહીનાં ગઠ્ઠા જમા થઈ ગયેલા. મોહન દોડીને દરવાજા તરફ ગયો તો દરવાજો બંધ થઈ ગયો. બહુ કોશિશ કરતા એ ખૂલી ગયો અને એ દોડીને નીચે નજીકની ચા ની લારી એ ગયો તો ચા વાળા એ કહ્યું, 'શું સાહેબ, ડરી ગયા તમે? થોડા દિવસમાં તમે પણ અમારા ગ્રાહક થઈ જશો!'
'ચાની દુકાન પર લગભગ છ-સાત લોકો બેઠા હતા. એ બધા અચાનક ઊભા થઈને જવા લાગ્યા. મોહને એ બધા તરફ જોયું તો એ બધાની પીઠમાં પણ માંસનાં લોચા ખૂલ્લા હતા. લોહીનાં ગઠ્ઠા હતા! મોહનની હાલત ખરાબ થઈ ગઈ હતી. પોતે એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ હોવા છતાં આજે આ બધું જોવા, માનવા માટે એ માનસિક રીતે તૈયાર નહોતો.
મોહન ત્યાંથી દોડીને ઉપર બંગલામાં ગયો અને અચાનક જ દરવાજો અને બારીઓ આપમેળે બંધ થઈ ગયા. એ હજુ કંઈ વિચારે એ પહેલા જ એના પગ પકડીને કોઈએ જોરથી એનો બારી તરફ ઘા કર્યો! કોઈ દેખાયું નહીં, પણ ધક્કો એટલો જોરદાર હતો કે મોહનને બહુ વાગ્યું હતું. લોહીલુહાણ હાલતમાં એ દરવાજો ખોલવા લાગ્યો પણ બધી જ કોશિશ આજે નાકામિયાબ થવાની હતી. એવામાં એણે બાજુની બારીમાં જોરથી મુક્કો મારી કાચ તોડીને બહાર કૂદકો માર્યો. સામે ચાની લારી પર એક માણસ બેઠેલો હતો, જેણે એક લાકડી મોહનને ફટકારીને ફરી બંગલામાં ધકેલવાનો પ્રયત્ન કર્યો. મોહન ફરી બંગલામાં હતો. માર વાગવાને કારણે દુખાવાથી એ કણસી રહ્યો હતો.
આ વખતે કંઈ બીજી હરકત કરવાના બદલે એ એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયો. થોડી વારમાં બાજુના કબાટનો દરવાજો જાતે જ ખૂલી ગયો અને એમાંથી એક પુસ્તક નીચે પડ્યું. મોહનને કોઈ અવાજ સંભળાયો, 'વાંચ આને મૂરખ...' ધ્રૂજતા ધ્રૂજતા મોહને એ પુસ્તક હાથમાં લીધું તો એ પુસ્તકમાં ત્યાનાં જ 'જારવા' આદિવાસીઓની મૃત આત્માઓને કઈ રીતે બોલાવવી એની ટ્રિક્સ લખવામાં આવેલી! થોડી વારમાં ફરી એક અવાજ થયો અને કબાટનો દરવાજો ખૂલ્યો અને એમાંથી એક કાગળનો ટુકડો અને અરીસો પડ્યો!
કાચની કરચો મોહનને વાગી. એણે અરીસામાં પોતાનું રિફ્લેક્શન જોયું અને કાગળનો ટુકડો હાથમાં લીધો તો એમાં પોતાની જ ઈમેજ છપાયેલી હતી! પાછળથી તરત કોઈ માણસનાં પોતાની નજીક આવવાના અવાજો સંભળાયા. મોહને પાછળ જોયું. લગભગ સાત-આઠ લોકો એની તરફ આવી રહ્યા હતા. આ એ જ લોકો હતા જેઓ મહિનાઓ અગાઉ અર્ણવ મિત્રાને પલંગ પર બેસેલા દેખાયા હતા. એ જ લોકો જેઓ મોહનને ચાની ટપરી પર બેઠેલા જોવા મળ્યા હતા!
બધા જોર જોરથી મોહન પર હસી રહ્યા હતા. અચાનક તેઓ નજીક આવ્યા અને મોહનની આજુબાજુ બેસી ગયા! મોહન જાણે કે કોઈ અદૃશ્ય શક્તિથી બંધાઈ ગયો હતો અને એમાંથી છૂટવાની કોશિશ કરી રહ્યો હતો. પણ આજે બધું વ્યર્થ હતું. થોડી વારમાં એક મોટી ચીસ સંભળાઈ, જે લગભગ બંગલાથી થોડે દૂર આવેલા દરિયામાં ક્યાંય સમાઈ ગઈ...
આજે એ બંગલો હંમેશાં માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એ પ્રોપર્ટી સરકારે પોતાના હસ્તક લઈ કોઈને પણ ત્યાં ટ્રેસપાસિંગ કરવા પર પાબંદી ફરમાવી છે. કહેવાય છે ને કે હોરર લખવા માટે પણ કંઈક હેરત અંગેઝ કરવું પડે. અહીં તો જારવા આદિવાસીઓની આત્માઓને બોલાવવાનું કારસ્તાન થયેલું, પણ બોલાવેલી આત્માઓ કંઈ પરત જતી હશે? અર્ણવ મિત્રા પછી મોહન શર્માનાં પણ કોઈ સગડ મળ્યા નહોતા એ કહેવાની જરૂર ખરી?
ગુઝ્બમ્પ્સ:
For Evil to Flourish, It Only Requires Men to do nothing!
- Simon Wiesenthal
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર