એક માઈલસ્ટોન, એક રાત અને એક સરકારી બાબુ!
સુધીર વર્મા મૂળ લખનૌનાં સિવિલ એન્જિનિયર. પોતે ઉત્તરપ્રદેશના, પરંતુ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી ગુજરાતી ભાષા પર એમની સારી એવી પકડ. પોતાનું પોસ્ટિંગ દાહોદની આગળ આવેલા રતનમહાલનાં જંગલોમાં થતાં, ત્યાનાં સરકારી ગેસ્ટહાઉસમાં કાયમ માટે એક ક્વાર્ટર મળેલું. પોતે થોડા પીયક્કડ ટાઈપ એટલે કાયમ વ્હિસ્કી કે વોડકા સાથે હોય જ! સિનિયર પોઝિશન પર હોવાથી થોડા ઉદ્ધત સ્વભાવનાં, અને એ સ્વભાવને કારણે જ તેઓ ઘણી વાર નાનીમોટી મુસીબતોમાં ફસાઈ જાય.
છોટા ઉદેપુર અને દાહોદથી આગળનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો. રસ્તાઓ પણ ઉબડખાબડ એટલે બહુ સાચવીને કાર ચલાવવી પડે. પણ સાચવીને ડ્રાઈવ કરે એ સુધીર વર્મા નહીં! છોટા ઉદેપુર ક્રોસ કર્યું ત્યારે લગભગ રાત્રે 11 વાગ્યા હતા અને કાર અચાનક બંધ પડી ગઈ. પોતે બહાર નીકળીને કાર સરખી કરવા લાગ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. બાજુમાં એક પાનનો ગલ્લો હતો ત્યાં કેટલાક લોકો બિડી-સિગરેટ ફૂંકી રહ્યા હતા. એમાંના જ મંગલુ નામના એક જુવાનિયાએ સુધીરબાબુને પોતાની નાની ઘોડાગાડી ઓફર કરી. એણે કહ્યું કે, 'સાહેબ તમારી કાર તો રિપેર થતાં વાર લાગશે. તમે ઈચ્છો અને તમને કોઈ વાંધો ન હોય તો મારી સાથે ચાલો. તમારે જ્યાં પણ જવું હોય ત્યાં હું છોડી દઈશ. છોટા ઉદેપુરથી દાહોદ લગભગ 100 કિલોમીટર હતું એટલે ત્યાં જવું તો શક્ય જ નહોતું. પણ તોય તેઓ મંગલુની વાત માનીને ઘોડાગાડીમાં બેસી ગયા. મંગલુ છોટા ઉદેપુર પાસે ગામની બહાર આવેલી એક નાની હોટેલ તરફ ઘોડાગાડી લઈ ગયો.
ઘોડાગાડી સડસડાટ જઈ રહી હતી. સુધીરબાબુ પાછળ બેઠા બેઠા મંગલુને કંઈ પૂછવા જ ગયા કે મંગલુએ કહ્યું, 'સાહેબ રાતનો સમય છે. બને તો કશું જ બોલો નહીં તમે. ચૂપચાપ બેસી રહેજો.' સુધીરબાબુને નવાઈ લાગી. એવામાં છોટા ઉદેપુરનાં રસ્તા પર એક માઈલસ્ટોન આવ્યો. એ માઈલસ્ટોન પાસે મંગલુ ઘોડાગાડી રોકીને બોલવા લાગ્યો, 'અમને જવા દો... કંઈ ન કરશો... જે કહેવું હોય, કરવું હોય એ આમને કહો, પ્લીઝ માફ કરો.' સુધીરબાબુને આ બધું સાંભળી નવાઈ લાગી, તે મંગલુને એ વિશે પૂછવા જ જતા હતા ત્યાં, એક માણસ માઈલસ્ટોન પર બેઠેલો દેખાયો! સુધીર બાબુએ ગુમાનમાં પૂછ્યું, 'એ લુખ્ખા, અહીં શું બેઠો છે? ઘરે જા. દારુ પીવો છે?' એમ કહી એક બોટલ થેલામાંથી કાઢીને એ માણસ તરફ એમણે બોટલનો ઘા કર્યો!
એ માણસનાં પગ પર બોટલ પડી અને ઘોડાગાડી ફરી સડસડાટ દોડવા લાગી. મંગલુએ સુધીરબાબુને પાછળ વળીને કહ્યું, 'તમે આ સારું ન કર્યું સાહેબ! જો જો એ તમને નાક રગડાવશે. માફી મગાવશે.' સુધીરબાબુ તો તાનમાં હતા, એમણે બૂમ મારી પેલાને અને કહ્યું, 'ક્યારેય બાપ જન્મારે અંગ્રેજી દારૂની બોટલ જોઈ પણ છે તે? પી લેજે આ મફતનો દારુ હવે.' એવામાં સુધીર બાબુએ બીજી બોટલ કાઢવા હાથ નાખ્યો અને કશુંક જોર થી એમને ખૂંચી ગયું, હાથ બહાર કાઢ્યો તો કાચની કરચ ઘૂસીને લોહી બહાર વહી રહ્યું હતું! ઝડપથી થેલામાં જોયું તો પેલી જ ફેંકેલી બોટલનાં કાચ થેલામાં વિખરાયેલા પડ્યા હતા! એમની નવાઈનો કોઈ પાર ન રહ્યો! તેઓ જેમ તેમ કરીને પેલી સસ્તી હોટેલ સુધી પહોંચ્યા.
સુધીરબાબુ રૂમ ખોલી અંદર ગયા, કપડા બદલ્યાં અને થાક ઉતારવા શાવર લેવા ગયા. શાવર લઈ બહાર આવ્યા અને કંઈક ખટખટાવાનો અવાજ આવ્યો. એમણે બારી ખોલી પણ કોઈ દેખાયું નહીં, પણ એકદમ ઠંડી હવા આવી રહી હતી. સુધીર બાબુ સિગરેટ કાઢી ધાબા ઉપર થોડા કશ મારવા લલચાયા! ઉપર પહોંચી સિગરેટ સળગાવી અને નીચે જોયું તો એમની હાલત ગંદી થઈ ગઈ. નીચે જોયું તો પેલો માણસ, જે રસ્તામાં માઈલસ્ટોન પર બેઠેલો હતો એ જ માણસ અહીં નીચે ઊભો હતો અને વિચિત્ર અવાજો કાઢી રહ્યો હતો અને એમની સામે ઘૂરીને જોઈ રહ્યો હતો.
સુધીરબાબુ માત્ર વાતોનાં વડા કરે અને શેખી મારે એટલુ જ. એ માણસને જોઈને સુધીર બાબુના ગાત્રો શિથિલ થઈ ગયા હતા! એ માણસ સામે સુધીરબાબુ કોઈ રિએકશન આપે એ પહેલા જ ત્યાંથી એ માણસ ગાયબ થઈ ગયો! પોતે સિગરેટ પી રહ્યા હતા એનું પણ એમને કોઈ ભાન ન રહ્યું. જલદી દોડીને પોતાના રૂમ તરફ એ ભાગ્યા. રૂમમાં જઈ લાઈટ ઓન કરી તો સામે ટેબલ પર એક દારૂની બોટલ પડી હતી. આંખોનાં પલકારામાં એ બોટલ જાતે જ નીચે પડી અને ફૂટી ગઈ!
સુધીર બાબુ બેભાન થઈ ગયા. લગભગ સવારે આંખો ઉઘડી તો એમને એમનું શરીર બમણું ભારે લાગી રહ્યું હતું. સામે કેટલાક લોકો લંગોટ પહેરીને ઊભા ઊભા મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. સુધીરબાબુને ડર લાગતા ત્યાંથી માંડ માંડ દોડીને ભાગ્યા. બહાર સખત તાપ હતો. આવી આકરી લૂમાં પણ ચાલતા ચાલતા એમણે છએક કિલોમીટર ચાલી નાખ્યું અને પેલી હોટેલનાં રૂમ સુધી પહોંચ્યા! અંદર જતાં એમનાં શરીરમાંથી જ કંઈક બહાર નીકળીને નીચે પડ્યું હોય એવું લાગ્યું અને પલંગ પર પડ્યું હોય એવો આભાસ થયો. અચાનક સુધીરબાબુનું વજન અડધું થઈ ગયું હોય એવું લાગ્યું. આગળ કંઈ પણ વિચારે એ પહેલા જ પાછળથી એમને જોરદાર ધક્કો લાગ્યો અને એ નીચે પડી ગયા.
સામે કાચની કેટલીયે કરચો વિખરાયેલી પડી હતી! સુધીરબાબુ એ કાચની કરચો તરફ દબાણપૂર્વક ઘસડાયા અને કોઈએ એકદમ ધક્કો માર્યો હોય એમ તેઓ કાચ પર દબાયા! પળવારમાં કેટલીયે કરચો એમનાં શરીરને વિંધીને ઘૂસી ગઈ. એ જોર જોરથી દર્દથી કણસી રહ્યા હતા. અચાનક પેલા મંગલુનો અવાજ એમને સંભળાયો! ‘સાહેબ તમે આ સારું ન કર્યું, જો જો તમને એ નાક રગડાવશે અને માફી મંગાવશે!’ સુધીરબાબુ, દયાની ભીખ માગવા લાગ્યા અને હાથ જોડી માફી માગી. જોતજોતામાં એમને એકદમ હળવું અનુભવાયું અને દરવાજો જોરથી પવનનાં ઝપાટાથી બંધ થઈ ગયો.
બીજા દિવસે એમનો ઈલાજ નજીકની હોસ્પિટલમાં થઈ ગયો અને એ દાહોદથી આગળ જવા રવાના થયા. પોતે જે ડેમનાં બાંધકામ પ્રોજેક્ટ માટે આવેલા એ કામ ત્રણ વર્ષે સરસ રીતે પતી ગયું. કદાચ મંગલુ સાચું જ કહેતો હતો, 'અપમાન માત્ર માણસોને જ હર્ટ નથી કરતુ, અગોચરોને પણ એ નથી ગમતું! એનો બદલો એ લઈને જ રહે છે.'
ગુઝબમ્પ્સ:
I am a Mystery to My Own Self! - Angelina Grimke
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર