એક લેખક એક ટાપુ અને કેટલીક વારદાતો
કોઈપણ લેખકે હંમેશાં ડેડલાઈનમાં રમવાનું હોય. એ ગમે એટલું સારું લખી શકતો હોય, પણ જો એ ડેડલાઈન સાચવી ન શકે તો પણ એની કિંમત અદની થઈ જાય છે. અર્ણવ મિત્રા ચારથી વધુ નેશનલ બેસ્ટસેલર લખી ચૂક્યા હતા. છેલ્લી બેસ્ટ સેલર પછી તો એમની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી હતી હતી. થોડો સમય ગયા પછી એમના મનમાં કેટલાય પ્લોટ્સ રમતા હતા, પણ પોતે પોતાની જાતને જ એના પર કન્વિન્સ ન કરી શકે તો એ એના પર નવલકથા કઈ રીતે લખી શકે? કહો કે એક રાઈટર્સ બ્લોક આવી ગયો હતો. એકદમ ચીડિયાપણું આવી ગયું હતું એનામાં. કોઈ નવી નવલકથા તો દૂર, પરંતુ કોઈ આર્ટિકલ પણ સૂઝે નહીં! રાઈટર્સ બ્લોક એક એવી અવસ્થા છે, જેમાં લેખકને કોઈ નવા આઈડિયા ન આવે અને જાણે એની કલ્પનાશક્તિ અને ટેલેન્ટ નિચોવાઈને વસૂકી ગઈ હોય એવો એને સતત અહેસાસ થાય!
અર્ણવ મિત્રાની હાલત પણ કંઈ એવી જ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ એક હોરર નવલકથા લખવા માગતા હતા. એમણે છેવટે કોઈ અજ્ઞાત અને ઓછા જાણીતા ટાપુ પર જવાનું નક્કી કર્યું, જ્યાં એમને નવી વાર્તા માટે ઢગલાબંધ આઈડિયા મળી રહે. આખરે અર્ણવે આંદામાન સમૂહમાં આવેલા નિલ અઈલેન્ડ પર પસંદગી ઉતારી.
પોર્ટ બ્લેરથી નિલ આઈલેન્ડ ક્રુઝમાં પહોંચવાનું હતું. અર્ણવને એકદમ અજીબ અનુભવ થઈ રહ્યો હતો. સાથે જ મનમાં લખવા વિશેની પણ અવઠવ હતી કે, મારાથી કંઈ લખાશે કે કેમ? છેવટે સાંજે ચાર વાગે જેટ્ટી પર ક્રુઝ આવી પહોંચી. લોકલ ટેક્સીની મદદથી નિલ આઈલેન્ડ જોતાજોતા પોતાની હોટેલ પર અર્ણવ પહોંચ્યો. એકદમ ખાલી ખાલી લાગતી એ હોટેલ અર્ણવને બરાબર ન લાગી. પોતાને અહીં કોઈ વાર્તા નહીં જ મળે, એવું કોઈ તત્ત્વ નહીં જ મળે એની અર્ણવને ખાતરી હતી.
પોતે ત્યાં થોડી પૂછપરછ કરી અને નજીકમાં આવેલા એક બંગલા પાસે એ ગયો. એ બંગલો ઘણો જૂનો હતો અને એ બંગલાની બહાર એક ચોકીદાર પણ હતો! એ ચોકીદારને પૂછપરછ કરી તો ખબર પડી કે , લગભગ બે-ત્રણ હજારમાં તો અહીં અઠવાડિયું રહેવા મળી જશે. અહીં રહેવા માટે અર્ણવ એકદમ એક્સાઈટેડ હતો. કારણકે અહીં રહીને જ એ પોતાની નવી નવલકથાને આકાર આપવાનો હતો.
એ જ રાત્રે બહાર જમવાનું પતાવી, એક સિગારેટ પૂરી કરીને એ બાલ્કનીમાં આરામ ખુરશી પર થોડો આડો પડ્યો. અંદરથી કંઈક ખખડવાનો અવાજ આવતા એણે અંદર રૂમમાં જઈને ચેક કર્યું. પણ કોઈ દેખીતી વસ્તુ અનુભવાઈ નહીં. કંઈ ખબર ન પડતા અર્ણવને થયું કે હશે કંઈક ઉંદર કે બિલાડી. એ ફરી બહાર જતો રહ્યો. સિગારેટ પતાવી હવે કશુંક લખવાની ઈચ્છા થઈ અને એ બાલ્કનીમાં ગયો. એટલામાં ફરી કંઈ ખખડવાનો અવાજ આવ્યો. હવે એને થોડો ડર પણ લાગ્યો. મક્કમ મને એણે તપાસ કરી કે શેનો અવાજ આવતો હતો? પણ કંઈ ખાસ પત્તો ન લાગ્યો. બધી બારીઓ પ્રોપરલી બંધ કરી એ બહાર આવ્યો તો, એણે જે દૃશ્ય જોયું એ જોઈને એના હોશકોશ ઉડી ગયા. સામેના પલંગ પર ચાર માણસો બેઠા હતા! પણ આવું થાય જ કઈ રીતે? એ અંદર આવી કઈ રીતે ગયા? કોણ હતા એ?
અત્યંત ડરેલી હાલતમાં અર્ણવે લગભગ બૂમ પાડીને કહ્યું કે, 'કોણ છો તમે બધા? ક્યાંથી ઘૂસી ગયા અહીં?' પણ એ લોકો હસી રહ્યા હતા. એ અંદરથી લાકડી જેવું કંઈક હથિયાર લેવા ગયો. બહાર આવીને એણે જોયું તો ચારમાંથી એક પણ માણસ ત્યાં બેઠેલો ન હતો!
એટલામાં વળી બેલ વાગી. અર્ણવે અંદરથી જ પૂછ્યું કે, 'કોણ છે?'
બહારથી અવાજ આવ્યો, 'સર તમારો એક વાચક છું. ઓટોગ્રાફ લેવા આવ્યો છું.'
નિલ આઈલેન્ડ પર પણ પોતાને કોઈ વાચક કે ફેન મળી જાય એ કલ્પના માત્રથી જ એ એક્સાઈટ થઈ ગયો. એણે તરત દરવાજો ખોલ્યો. સામે હાથમાં એક નોટપેડ અને પેન લઈને એક છોકરો ઊભો હતો. એણે એ છોકરાને ઓટોગ્રાફ આપ્યો. પેલા છોકરાએ અર્ણવની નવલકથાઓની તારીફ કરી અને જે રીતે એ ડિટેઈલમાં વાતો કરી રહ્યો એ જોતા એને એટલી તો ધરપત થઈ કે તે એક જેન્યુઈન ફેન હતો.
અર્ણવ ખુશ થઈ ગયો અને પોતાની એક નોવેલ ઓટોગ્રાફ કરીને એ છોકરાને ભેટમાં પણ આપી. સામે એક ચાની કિટલી હતી એ પણ હવે બંધ થઈ ગઈ હતી. ઘડિયાળમાં જોયું તો રાત્રે સાડા અગિયાર થઈ ગયા હતા અને નજીકમાં દરિયો હોઈ મોજાનાં ઘુઘવાટનો અવાજ આવી રહ્યો હતો.
એણે દરવાજો બંધ કર્યો અને ફરી થોડી વારમાં બેલ વાગી. અર્ણવે દરવાજો ખોલ્યો તો, નીચેથી ચોકીદાર કહેવા આવ્યો હતો કે, 'સાહેબ તમે તો બહુ મોટા લેખક લાગો છો. અત્યાર સુધીમાં લગભગ 10-12 લોકો પૂછીને ગયા!' અર્ણવને ઝાટકો લાગ્યો, 'શું? 10-12 લોકો?'
અર્ણવને આશ્ચર્ય તો થયું પણ એ કશું બોલ્યો નહીં. પેલો છોકરો આવીને ઓટોગ્રાફ લઈ ગયો કે એને પલંગ પર પેલા ચાર લોકો બેસેલા દેખાયેલા એની વાત પણ ચોકીદારને કરવી યોગ્ય ન લાગી! એણે દરવાજો બંધ કર્યો અને પાછળ જોયું તો ફરી પેલા ચાર લોકો એને પલંગ પર બેસેલા દેખાયા. અર્ણવનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એને લિટરલી પરસેવો નિતરી રહ્યો હતો. એણે હિંમત કરીને લાકડી શોધીને એ પેલા ચાર લોકો સામે ઉગામી. પેલા ચારમાંથી એક જણ અર્ણવને ઉપરથી નીચે સુધી નિહાળી રહ્યો હતો. અર્ણવ કંઈ બોલે એ પહેલા અચાનક એ ચારેય જણ એની નજીક આવી ગયા.
નીચે ચોકીદારને એક મોટી ચીસ સંભળાઈ!
થોડા દિવસો પછી ટાપુ પર મોહન શર્મા નામનો એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ આવ્યો. એણે એ જ બંગલાનાં ચોકીદાર સાથે પૂછપરછ કરી અને આજુબાજુ જોયું તો એક માણસ પાવડાથી માટી સરખી કરી રહ્યો હતો. એ માણસને મોહને પૂછ્યું કે, 'ભાઈ તમે જાણો છો અહીં એક લેખકનું મોત થયું હતું? હું એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ છું અને એ કેસની વધુ તપાસ માટે અહીં આવ્યો છું. એટલે પેલો માણસ પાવડો મૂકીને મોહનને ઉપર લઈ ગયો...
કોણ હતો એ માણસ? અર્ણવ મિત્રા મરી ગયો હતો કે ગુમ થઈ ગયો હતો? મોહન અહીં માત્ર તપાસ કરવા જ આવ્યો હતો? કે બીજા કોઈ કામ માટે આવેલો? શું હતું એ બંગલામાં? નિલ આઈલેન્ડનું એ રહસ્ય શું હતું? પેલા ચોકીદારે કેમ અર્ણવને ચેતવણી નહોતી આપી? આ બધી જ વાતોનાં દિલધડક જવાબો આવતા બુધવારે હોરર કાફેમાં જાણીશું. સ્ટે સ્કેર્ડ રીડર્સ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર