હોસ્ટેલ, સિનિયર્સ, રેગિંગ અને એક ડરામણો વળાંક

13 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

કોલેજ લાઈફ કંઈ તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' જેવી રંગીન જ હોય એવું જરૂરી નથી. ફ્રેશર તરીકે કોલેજમાં પ્રવેશ કરો ત્યારે અત્યંત ગંદી અને અમાનવિય રીતનો સામનો કરવો પડે છે અને એ રસમ એટલે રેગિંગ! દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીથી લઈ અનુરાગ કશ્યપ સુધીના સર્જકો પણ રેગિંગનો ભોગ બની ચૂક્યા છે ત્યારે આ બાબતને લઈને ગમે તેટલા કાયદા બને અને એનો અમલ પણ થાય, તોય ભારતમાં રેગિંગને નાબૂદ કરવું ખૂબ અઘરું છે. ઊલટું સમાચારો અને ઘટનાઓ કહે છે કે, મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં જ વિદ્યાર્થીઓ સૌથી વધુ રેગિંગનો ભોગ બનતા હોય છે.

લગભગ ચારેક વર્ષ પહેલાની આ વાત છે. જુલાઈ મહિનાની એક રાત્રે કોલકાતાની ભેજવાળી હવામાં રેલવે સ્ટેશન પર એક યુવાન ટ્રેનમાંથી ઊતર્યો. બારાસાત નામના એક અત્યંત અંતરિયાળ વિસ્તારમાંથી આવતો એ યુવાન હતો અમિત શર્મા, બીજા બધા યુવાનોની જેમ જ એનર્જીથી છલોછલ. 12માં ધોરણમાં ખૂબ સારા માર્કસ સાથે પાસ થયો અને એને મેડીકલમાં એડ્મિશન પણ મળી ગયું હતું!

કોલેજ સુધી સાઈકલરિક્ષામાં પહોંચતા પહોંચતા એ કોલકાતાની સુંદરતાને મન ભરીને માણી રહ્યો હતો. કોલેજના ગેટ સુધી પહોંચી એ અંદર પ્રવેશ્યો, પોતાને એલોટ કરાયેલી રૂમ સુધી પહોંચી સામાન રાખી એ ફટાફટ કોરિડોર તરફ ભાગ્યો. ત્યાં પહોંચી જોયું તો અગાશી તરફથી ખૂબ કોલાહલ આવી રહ્યો હતો. એ દોડીને અગાસી પર પહોંચ્યો, જોયું તો એના હોશકોશ ઊડી ગયા! અગાસી પર સિનિયર્સ ફ્રેશર્સ વિદ્યાર્થીઓનું રેગિંગ કરી રહ્યા હતા. કોઈ ગીત ગઈ રહ્યું હતું, કોઈ કૂકડો બની કૂકડે કૂક કરી રહ્યું હતું, તો કોઈ પોતાનો શર્ટ ઉતારી રહ્યું હતું.

અમિતની તો આંખો જ પહોળી થઈ ગઈ. એને ખૂબ ગુસ્સો આવી ગયો કે ના હું આ રેગિંગનો ભોગ નહીં જ બનું, ગમે તે થઈ જાય! સિનિયર્સની આ હરકત જોઈને એની આંખોમાં ખૂન્નસ રમતું હતું, હજુ એનો વારો નહોતો આવ્યો. એવામાં જ એક સિનિયરની નજર અમિત પર પડી અને એણે અમિતને આગળ બોલાવ્યો, એ સિનિયરનું નામ હતું વિશ્વાસ! વિશ્વાસ અને એનો એક દોસ્ત સમીરે પાસે જઈને અમિતનાં ખભા પર હાથ રાખ્યા, અને કહ્યું 'ચાલ બધા જ કપડાં ઉતાર'. અમિતે કહ્યું કે હું કંઈ નહીં કરું અને હું પ્રિન્સીપાલને ફરિયાદ કરીશ, હું આ નોનસેન્સનો ભાગ નહીં જ બનું. તમારાથી જે થાય તે કરી લો! પેલા બંને વિદ્યાર્થીઓએ અમિતને હળવી થપ્પડ મારી અને હસીને કહ્યું કે 'બેટા રહેવું છે ને આ કોલેજમાં? ભણવું છે ને અહીં? તો સુધરી જા અને કહીએ છીએ એમ કપડાં ઉતાર ચાલ'.

થોડી દલીલો બાદ અમિત ન માન્યો, તો પેલા બંને સિનિયર્સ અમિતને મારવા લાગ્યા! અમિત રડવા જેવો થઈ ગયો અને કોઈ કશું પણ વિચારે એ પહેલા જ અમિતે પાળી પર ચઢીને નીચે કૂદકો મારી દીધો! વિશ્વાસ અને સમીર સહિત બીજા બધા જ વિદ્યાર્થીઓ દોડીને નીચે જોવા માટે પહોંચી ગયા, એક મોટી ચીસ સંભળાઈ. નીચે જોયું તો કોઈ લાશ દેખાતી નહોતી! આવું કેવી રીતે બની શકે? સિનિયર્સે આ ઘટના કોઈને પણ ન કહેવા માટે બધા વિદ્યાર્થીઓને ધમકાવ્યા. થોડા ઉહાપોહ પછી બધા ત્યાંથી વિખેરાઈ ગયા.

બીજા દિવસે ક્લાસ શરુ થવાની તૈયારીમાં હતો, અચાનક એક પરિચિત અવાજ સંભળાયો, 'મે આઈ કમ ઈન સર?' પેલા બંને સિનિયર્સ ત્રીજા વર્ષમાં હતા. વિશ્વાસ અને સમીરે જોયું તો એ બીજું કોઈ નહિ પણ અમિત જ હતો. સર બોલ્યા, 'વેલકમ વેલકમ, પછી એ બોલ્યા આ અમિત અહીં ડાયરેક્ટ ત્રીજા વર્ષમાં જોઈન થયો છે.' સરની વાત સાંભળીને વિશ્વાસ અને સમીરને ખૂબ જ આશ્ચર્ય થયું પણ એ લોકોએ કંઈ વર્તાવા ન દીધું.

બંને જણ ક્લાસ પત્યા પછી ઝડપથી અમિતનો રૂમ શોધી એ તરફ ગયા, તો દરવાજા બહાર ફોન પર વાત કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. બંનેએ પોતાના કાન દરવાજે લગાવી સાંભળવાનો પ્રયત્ન કર્યો. એવામાં જ એ બંનેનાં કાનમાં ફૂસફૂસાવાનો અવાજ સંભળાયો! 'અહીંથી ભાગો, અહીં સાંભળવા ઊભા ન રહો!' એ વિચિત્ર અવાજ સાંભળીને બંને જણા ડરી ગયા પણ, કંઈ બોલ્યા નહીં. થોડી વાર પછી ફરી એ રૂમમાં ગયા. તો અમિતના રૂમનો દરવાજો ખૂલ્લો હતો અને એમણે જોયું તો અંદર કોઈ નહોતું! વિશ્વાસ બેફિકરાઈથી બોલ્યો, 'છોડ ને યાર, ચાલ ક્યાંક બહાર જઈએ!'

એ રાત્રે વિશ્વાસ અને સમીર ઉંઘવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાત્રે ખૂબ મોડું થઈ ગયું હતું અને બંનેને બિયરનો નશો બરાબર ચઢ્યો હતો. એવામાં બાથરૂમની લાઈટ ચાલુ થતાં જોઈ. કંઈક આશ્ચર્ય સાથે વિશ્વાસ ઊભો થયો અને ત્યાં ગયો. એવામાં એનો હાથ કોઈએ પકડી રાખ્યો હોય એવું એને અનુભવાયું! વિશ્વાસનો હાથ કોઈએ બળપૂર્વક પકડીને એને જોરથી સ્વિચ પર દબાવ્યો, સ્વિચ તૂટી ગઈ અને એના હાથ ખુલ્લા તારને અડી ગયા તો પણ વિશ્વાસનો હાથ છૂટે જ નહીં. વિશ્વાસ સખત દાઝી ગયો, એના મોઢામાંથી ફીણ નીકળી આવી અને એ બેભાન થઈ ગયો. સમીર અને દોસ્તો એને હોસ્પિટલ લઈ ગયા. બીજા જ દિવસે એને થોડી હેડકી આવી અને પછી સમીરની સામે જ વિશ્વાસે દમ છોડ્યો.

સમીરને બહુ જ ડર લાગતો હતો, એ પરત હોસ્ટેલ તો આવ્યો, પરંતુ તે પોતાના રૂમમાં જવા તૈયાર નહોતો. સમીર અને વિશ્વાસનાં જ એક કોમન ફ્રેન્ડે કહ્યું 'યાર ડરે છે કેમ? હું આજે આ રૂમમાં સૂઈ જઈશ તારી સાથે. ચિંતા ન કર.' એ મિત્ર પોતાનો સામાન લેવા ગયો, એવામાં સમીરને બાથરૂમમાંથી વિશ્વાસ બહાર આવતો દેખાયો! ટોવેલમાંથી એને વિશ્વાસની ઈલેક્ટ્રિક શોકથી બળેલી ચામડી દેખાઈ! સમીર એટલો ડરી ગયો કે બહાર ચીસ પાડી કોરિડોરમાં દોડ્યો!

સમીરને ક્યાંય ચેન નહોતું પડતું, એ સૂવાનો પ્રયત્ન કરતો લોબીમાં જ આડો પડ્યો. આંખો બંધ કરતા જ એને વિશ્વાસનો બળેલો ચહેરો, અમિતનો કૂદકો, અમિતનું ફરી દેખાવું, આ બધા જ વિચારો અને દૃશ્યો મનમાં દેખાવા લાગ્યા. સમીર જાગી ગયો અને ફરી પેલા રૂમમાં ગયો અને એની આંખો આશ્ચર્યથી ફાટીને પહોળી થઇ ગઈ, સામે જોયું તો ખૂદ અમિત બેઠો હતો. અમિત બોલ્યો, 'તને શું લાગ્યું, તું પણ એમ આસાનીથી છૂટી જઈશ?' અમિત જેવો લાગતો એ શખ્સ ઝડપથી નજીક આવ્યો અને આખી હોસ્ટેલમાં પડઘો પડતી ચીસો સંભળાઈ ઊઠી!
                                                                                                ****
આજે આ વાતને ચારેક વર્ષ વિતી ગયા છે, પોલીસ ઈન્વેસ્ટિગેશન પરથી ખબર પડી કે અમીત તો જ્યારે ટ્રેનથી કોલકાતા આવી રહ્યો હતો ત્યારે કોઈ મુસાફર સાથે માથાકૂટ થતા એને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો! એ કોલેજ આવ્યો જ ન હતો! અમિતની મેડિકલ કોલેજમાં આવવાની ઈચ્છા મર્યા પછી પણ એણે પૂરી કરી હતી! હવે એ કોલેજમાં રેગિંગ ક્યારેય નહોતું થતું, કોઈ પ્રયાસ પણ કરે તો એ લોકોને અમિત કોરિડોરમાં ચાલતો જરૂર દેખાતો!

પણ અમિતના હત્યારાઓનું શું થયું? એ તો હજુ પણ કોલકાતાના રસ્તાઓ પર બેખૌફ ફરી રહ્યા છે. શું અમિત એની હત્યાનું સાટું વાળશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.