કબ્રસ્તાનની એ ડરામણી રાત

09 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

ત્રણેક વર્ષ પહેલાની આ વાત છે. અમારી કંપનીનો એક સેમિનાર એટેન્ડ કરવા માટે મારે અમારી બ્રાન્ચના પ્રતિનીધિ તરીકે એ સેમિનારમાં જવાનું હતું. સેમિનાર બેંગ્લુરુમાં હતો અને અમારી કંપનીની દેશભરમાં પથરાયેલી વિવિધ શાખાઓના પ્રતિનિધિઓ ત્યાં આવવાના હતા. ગુજરાતમાં અમારી કંપનીની એક માત્ર બ્રાન્ચ હતી એટલે બેંગ્લુરુના એ સેમિનારમાં હું એક માત્ર ગુજરાતી હતો અને મારે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો સાથે ત્રણ દિવસ પસાર કરવાના હતા. સેમિનાર હતો ત્યારે મારી પાસે સમય જ સમય હતો. કારણ કે ફાઈવ સ્ટાર હોટેલમાં યોજાતો એ સેમિનાર સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલતો. ત્યાર બાદ સાંજના સમયે સમય પસાર કરવા માટે અમારે રીતસરના વલખા મારવા પડે એવી સ્થિતિ હતી.

હું સ્વભાવે થોડો મળતાવડો હતો એટલે મેં ત્યાં એક બે યુવકો સાથે હાઈ હેલ્લોના સંબંધ શરૂ કર્યાં અને પહેલા દિવસની સાંજે અમે ચાર યુવાનોએ હોટેલની આસપાસના વિસ્તારોમાં રખડીને સમય પસાર કર્યો. સાથે સમય પસાર કરવાને કારણે અમે બધા એકબીજાની ઓર નજીક આવ્યા અને એ સાંજે અમે અમારી હોટેલ પહોંચીને સાથે બેસીને શરાબ પીધો. બીજા દિવસે પણ સેમિનાર પછી અમે એમ જ કર્યું. સાંજે બેંગ્લુરુના લાલ બાગની મુલાકાત લીધી અને પછી થાકીને હોટેલ આવીને શરાબની મજા માણી. હવે તો અમે એટલા બધા ગાઢ થવા માંડ્યાં હતા કે અમે શુષ્ક કોર્પોરેટ સંબંધોમાંથી બહાર આવીને એકબીજાના ખભે ધબ્બા મારીને 'અબ્બે યાર... સૂન તો સહી...' જેવી ભાષામાં વાત કરતા થઈ ગયેલા. બીજા દિવસની બેઠક વખતે અમે આગલી રાત કરતા થોડું વધુ પીધું અને દુનિયાભરની વાતો કરી. ઉત્તરપ્રદેશથી આવેલો બ્રિજેશ શર્મા નામનો એક યુવાન શરાબ પીધા પછી તરત જ ભૂત-પ્રેતની વાતોએ ચઢી જતો અને ઉત્તરપ્રદેશમાં ભૂત-પ્રેતને લઈને બનતા કેટલાક કિસ્સાની વાતો કરતો.

મને પહેલાથી જ ભૂત-પ્રેત કે ભગવાન જેવી બાબતોમાં વિશ્વાસ કે ડર નહોતો. એટલે હું તો આમ પણ બ્રિજેશની વાતોને સિરિયસલી લેતો ન હતો. પરંતુ અમારા ચાર લોકોના ગ્રુપમાં કેરળના રમેશ સ્વામી અને હૈદરાબાદના ફુઝેલ શેખ એ બધી વાતોમાં અત્યંત વિશ્વાસ રાખતા અને બ્રિજેશની વાતોથી કંઈક અંશે ગભરાતા પણ ખરા! એટલે તેઓ બ્રિજેશ જ્યારે એ ડરામણી વાતો શરૂ કરે ત્યારે એને અધવચ્ચે જ અટકાવવાનો પ્રયત્ન કરતા. પહેલા દિવસે તો બ્રિજેશે ઓછું પીધું હતું એટલે એ દિવસે એણે અધવચ્ચે વાત પડતી મૂકેલી અને અમે બીજા વિષયો પર ચઢી ગયેલા. પરંતુ બીજા દિવસે એણે ઘણું પીધેલું એટલે એ રમેશ સ્વામી અને ફુઝેલ શેખને અવગણીને ભૂતોની વાતો સતત કર્યે જતો હતો.

અમારી વાતોમાં એણે અમને કહ્યું કે, આપણી હોટેલથી થોડે જ દૂર એક કબ્રસ્તાન આવેલું છે અને એને ત્યાં જવાની ઈચ્છા છે. બ્રિજેશની વાત સાંભળીને પેલા બે તો તાડૂકી જ ઉઠયા પરંતુ મેં એને કહ્યું કે, 'મને ત્યાં આવવામાં કોઈ વાંધો નથી. મને તો આમ પણ ભૂત-પ્રેતમાં બહુ વિશ્વાસ નથી. પરંતુ હંમેશને માટે ચિર નિદ્રામાં ડૂબી ગયેલા અને જમીનથી માત્ર આઠેક ફૂટ જ ઉંડે સૂતેલા એ લોકોની વચ્ચે રાતના અંધકારમાં એક લટાર મારવાનું મને રોમાંચક લાગે છે. એટલે મને તો ત્યાં આવવું ચોક્કસ જ ગમશે.'

પેલા બે લોકોએ આમ પણ નાદારી નોંધાવેલી એટલે એમણે પોતપોતાની રૂમમાં જઈને ઉંઘવાનું જ મુનાસિબ સમજ્યું. પરંતુ હું અને બ્રિજેશ બીજો એક પેગ પૂરો કરીને કબ્રસ્તાન જવા રવાના થયાં. અમારી હોટેલ બેંગ્લુરુના એરપોર્ટ રોડ પર હતી અને બેંગ્લુરુ શહેરથી કંઈક અંશે દૂર પણ હતી. એટલે એ વિસ્તારમાં બહુ માનવ વસતી ન હતી. અધૂરામાં પૂરું અમે જ્યારે હોટેલથી નીકળ્યાં ત્યારે રાતના સાડબાર વાગી ગયા હતા એટલે રસ્તા પર માણસોની આવનજાવન લગભગ નહીંવત હતી. રસ્તો નિર્જન હતો એટલે ઑટો કરીને કબ્રસ્તાન પહોંચાય એમ ન હતું. એટલે અમે કબ્રસ્તાનની દિશામાં ચાલવા માંડ્યું. અમે પંદરેક મિનિટ ચાલ્યાં ત્યારે કબ્રસ્તાન આવ્યું. કબ્રસ્તાન નજીક હોવાને સ્વાભાવિકપણે જ એ વિસ્તારમાં માનવ વસવાટ ઓછો જણાતો હતો. કેટલાક ગરીબ ગુરબા વખાના માર્યા એ વિસ્તારમાં એમની ખોલીઓ બાંધીને રહેતા હતા. બાકી, ભદ્ર સમાજના લોકોના ઘર એ વિસ્તારથી માઈલો દૂર હતા.

કબ્રસ્તાનના મુખ્ય દરવાજા આગળ બે-ત્રણ કૂતરાં ઉંઘતા પડ્યાં હતા, જેમણે બે આગંતુકોને જોતાં જ ભસાભસ કરી દીધી. કૂતરાંને હરકતમાં આવેલા જોઈને એક બુઢ્ઢાએ મુખ્ય દરવાજાની અંદરથી ડોકીયું કાઢ્યું. તો કૂતરાં પણ બુઢ્ઢાને જોઈને રઘવાયા થઈને વધુ જોરમાં ભસવા માંડ્યાં. અમને જોઈને પહેલા તો એ ડોસો એની માતૃભાષામાં કંઈક બબડ્યો, જેની અમને સમજણ ન પડી. પણ પછી અમે એની સાથે ભાંગીતૂટી હિન્દીમાં વાતો શરૂ કરી. એણે અમને કહ્યું કે, 'આ સમયે અહીં આવવાનું તમારા જેવા બેવડાઓને જ સૂઝે! તમે સીધા સીધા તમારા ઘરે ચાલી જાઓ અને કાલે દિવસના સમયે અહીં આવજો.'

જોકે મેં એ બુઢ્ઢાને એમ કહ્યું કે, 'આવતીકાલે મારી અમેરિકાની ફ્લાઈટ છે. અને અહીં મારા પિતાની કબર છે એટલે મારે એ કબર પર દુઆ કરવી છે.' મારી વાત સાંભળીને બુઢ્ઢો થોડો ભાવુક થઈ ગયો અને એણે ગળગળા થઈને કહ્યું, 'ઠીક છે, ઠીક છે. અંદર આવો, પણ તમારું ધ્યાન રાખજો. આમ તો હું અહીં બેઠો જ છું.' એમ કહીને એણે કબ્રસ્તાનનો દરવાજો ખોલી આપ્યો. હું અને બ્રિજેશ અંદર ગયાને થોડી ક્ષણો માટે તો અવાચક રહી ગયા. કારણ કે દરવાજાની અંદર પથરાયેલા વિશાળ મેદાનમાં ચારેકોર કબરો પથરાયેલી હતી. જાણે કબરોનું કોઈ તળાવ હોય એવું લાગતું હતું. અમે જ્યારે અંદર જઈ રહ્યા હતા ત્યારે બહાર દરવાજે ભસતાં કૂતરાં વધુ જોરથી ભસવા માંડ્યાં, જાણે તેઓ અમને અંદર જવાની ના પાડતા હોય!

કૂતરાંની એ હરકત જોઈને મને જીવનમાં પહેલીવાર થોડો ડર લાગ્યો. એમ લાગ્યું જાણે આજે અમારી સાથે કંઈક વિચિત્ર ઘટના ઘટવાની છે. મને થયું બે દિવસ જૂના આ અજાણ્યા મિત્ર બ્રિજેશ સાથે શરાબ પીવા સુધી ઠીક હતું. બાકી એ હરામજાદા સાથે અહીં કબ્રસ્તાનમાં આવવાની કોઈ જરૂર ન હતી! ચાલતા ચાલતા અમે થોડાં અંદર ગયા, જેમ જેમ અંદર જઈ રહ્યા હતા એમ મને એમ લાગતું હતું કે, અમે કોઈ ભૂતાવળી ગુફામાં ગરક થઈ રહ્યા છીએ. જોકે ત્યારે મેં એમ વિચારીને મારું મન મનાવ્યું કે, અજાણ્યું શહેર છે અને ઉપરથી આ કબ્રસ્તાન છે એટલે ડર લાગે એ સ્વાભાવિક છે. અમે થોડાં જ અંદર ગયા હોઈશું ત્યાં દૂરથી એક માણસ આકૃતિ અમારા તરફ દોડતી આવતી દેખાઈ.

ધીમે ધીમે અમારી નજીક આવી રહેલી એ આકૃતિ કશુંક બોલી પણ રહી હતી. એ આકૃતિ પણ પેલા બુઢ્ઢાની જ ભાષા બોલતી હતી. એના બંને હાથમાં કશુંક પકડેલું હતું. જેમ જેમ એ આકૃતિ નજીક આવતી ગઈ એમ મેં જોયું કે, એના એક હાથમાં ડંગોરો હતો તો એના બીજા હાથને ફરતી લોખંડની જાડી સાંકળ વીંટાળેલી હતી. મને આશ્ચર્ય થયું કે, બંને હાથમાં ભારેભરખમ વસ્તુઓ પકડીને કોઈ માણસ આટલું ઝડપી દોડી જ કઈ રીતે? માણસ જેવી જ દેખાતી એ આકૃતિના માણસ હોવાપણા પર પણ મને ભ્રમ ગયો. એને અમારા તરફ આવતો જોઈને અમારા પગ જાણે જમીનમાં જ ખોડાઈ ગયા. હવે એનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. લઘરવઘર જણાતા એ માણસના વાળ વિખેરાયેલા હતા, દાઢી વધેલી હતી અને તેણે તેનું ઉપવસ્ત્ર પણ પહેર્યું નહોતું. મને તો એની ગરદન જ નજરે ચઢતી ન હતી. એણે એની ગરદનમાં અઢળક દોરા અને માળાઓ પહેરી હતી. એની છાતી પર લટકી રહેલા જાતજાતના લોકેટ જોઈને મને એનો વધુ ડર લાગતો હતો.

થોડી જ ક્ષણોમાં એ અમારી નજીક આવીને ઊભો રહ્યો. એ સામે ઊભો રહ્યો ત્યારે મને તો રીતસરનો પસીનો નીતર્યો. મારું બધું પીધેલું પળવારમાં ઊતરી ગયું. મારા ગળે સોસ પડ્યો. પહેલા તો એણે એની ભાષામાં જ ચલાવ્યે રાખ્યું. પણ અમને અવાચક જોઈને એણેની દક્ષિણ ભારતીય હિન્દીમાં પૂછ્યું કે, 'અંદર કૌન આને દીયા?'

'.... થા એક બુઢ્ઢા' મેં કહ્યું. બ્રિજેશની તો જાણે વાચા જ હરાઈ ગયેલી.

'ગેઈટ પૈ...?''

'હા...'

'પાગલ લોગ હૌ ક્યાં ઈતની રાત કુ ઈધર ક્યું આયા?'

'બસ, કબ્રસ્તાન જોવું હતું.'

'ઐસા હૈ? તો તુમ્હારે દોસ્ત લોગું કો ભી મિલ કૈ જાના. બહોત સારે ઘુમ રહે હૈ ઈધર ઉધર કુ.'

'આપ કોન?'

'મૈં ઈધર કા વાચમેન. ઈધર રખવાલી કરતા. વો બુઢ્ઢા કુછ કીઆ આપકુ?'

'નહીં. અચ્છા આદમી થા વો તો.'

'પાગલ હૈ ક્યા? વો બુઢ્ઢાં સત્તર સાલ પહેલે મર ગયા. વો હર રોજ રાત કો ઈધર ઘુમતા.'

એની વાત સાંભળીને મારી તમામ શક્તિઓ હણાઈ ગઈ. મને એમ લાગ્યું કે આસપાસની દુનિયા કોઈ પંખાની જેમ ગોળગોળ ફરી રહી છે. બ્રિજેશ તો શરૂઆતથી જ કાષ્ઠનું પૂતળું બની ગયેલો.

'તુમ સચ મૈં પાગલ. અબ ભાગો યહાં સે. ઓર યે એક તાવીજ અપને સાથ રખ્ખો.' એણે એના પેન્ટના ખિસ્સામાંથી એક તાવીજ કાઢીને મને આપ્યું. મેં એના હાથમાંથી તાવીજ લીધું ત્યારે મારો હાથ એને અડકી ગયો. એ સમજી ગયો કે, મારું શરીર ઠંડુ થઈ ગયું છે. એણે અમને કહ્યું કે, એ થોડે સુધી અમને મૂકવા આવે છે. એણે એવું કહ્યું એટલે મને હાશકારો થયો.

રસ્તામાં એણે અમને જણાવ્યું કે, તે પોતે ઘણો જાણકાર ભૂવો છે અને પ્રેતો સાથે એ રોજ કામ પાર પાડે છે. એણે તો ત્યાં સુધી કહ્યું કે, કેટલાક પ્રેત એટલા જિદ્દી હોય છે કે એમને કબ્રસ્તાનમાંથી ભગાવવા અત્યંત મુશ્કેલ થઈ પડે છે. જોકે એના જણાવ્યા પ્રમાણે પેલો બુઠ્ઠો બિનઉપદ્રવી હતો. એ રોજ રાત્રે કબ્રસ્તાનના ચક્કર લગાવતો અને ક્યારેક કૂતરાંને ચીઢવવા કબ્રસ્તાનના દરવાજે જઈ ચઢતો. એની વાતો સાંભળીને મારા રુંવાટા ખડા થઈ રહ્યા હતા. એ રાતથી હું પણ ભૂતપ્રેતમાં માનતો થઈ ગયેલા. ત્યાર પછી મેં આગ સાથે ચેડાં કરવાનું બંધ કરી દીધું છે અને પેલા ભૂવાએ આપેલું તાવીજ હંમેશાં મારી સાથે રાખું છું.

(દૈવિક પૂનાવાલાએ કરેલી કલ્પના)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.