પોલીસ, પોલીસ સ્ટેશન અને ગેબી અવાજો!
અમદાવાદ જેવા શહેરની ખૂબી એ હોય કે ત્યાં વસતા લોકો આટલા મોટા શહેરના દરેક વિસ્તારમાં ક્યારેય જઈ નથી શકતા. એવું જરૂરી નથી કે એક વિસ્તારમાં રહેતી વ્યક્તિએ કોઈ XYZ વિસ્તાર જોયેલો જ હોય! ફિલ્મ નેશનલ હાઈવે 10માં કહે છે એમ 'યે શહેર તો બઢતા બચ્ચા હૈ, છલાંગ તો લગાયેગા હી'. બસ, અમદાવાદનું પણ એવું જ છે. વિકાસ અને ફેલાવો થતો જાય એમ એમ ન્યુસન્સ પણ વધતાં જાય છે. શહેર લોકોથી બને છે પણ લોકોમાં છળકપટ હોવાનું અને એ કેટલાક માણસોને ગુનાના અંતિમ સુધી દોરી જતું હોય છે. સામાન્ય નાગરિકની સેવા માટે પોલીસ સતત કાર્યરત હોવી જોઈએ અને હોય જ છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની સરખામણીએ ગુજરાત ખાસ્સું સલામત અને લો ક્રાઇમ રેટ ધરાવતું રાજ્ય છે.
પણ મુછાળા મરદ જેવી પોલીસ જ્યારે બીજાની રક્ષા કરવાના બદલે પોતે જ બીકથી દૂર ભાગે એવું બની શકે? વેલ, નોર્મલ કોર્સમાં ન બને પણ કહેવાય છે ને કે ફિલ્મો કરતાં સાચુકલી જિંદગી અનેકગણી ભયાવહ અને અચોક્કસ હોય છે! યુ નેવર નો, તમારી સાથે શું થવાનું છે. અમદાવાદનો સાબરમતી વિસ્તાર ખાસ્સો મોટો. એક છેડે નવા વસેલા ચાંદખેડાથી શરૂ થાય અને છેક રાણીપ સુધી પથરાયેલો આ એરિયા તમે રાત્રે 9-10 વાગ્યા પછી નીકળો અને પસાર થાઓ અને તમને ડર લાગે એ વાત ચોક્કસ છે. સાબરમતી રેલવે સ્ટેશન અને રાણીપને જોડતો કાળીગામ વિસ્તાર સાંજે એકદમ ભેંકાર ભાસે અને આ જ કાળીગામ વિસ્તારનું પોલીસ સ્ટેશન એ ન સમજાય એવી કેટલીક ગેબી ઘટનાઓથી વર્ષોથી વગોવાયેલું!
ભૂતનું અસ્તિત્વ છે કે નહીં એ હંમેશાં રહસ્યમય બાબત રહી છે પરંતુ શહેર હોય કે ગામડું, કેટલીક જગ્યાએ ભૂત દેખાતું હોવાની ચર્ચા ચાલતી રહે છે. કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે, જ્યાં રાત્રે તો ઠીક દિવસે પણ જવાનું લોકો ટાળતા હોય છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે અમદાવાદમાં ભૂતિયા બંગલાઓ અને ઘરના સ્થાને અમદાવાદમાં કેટલાંક એવાં પોલીસ સ્ટેશનો છે, જ્યાં ભૂત હોવાનું લોકો માને છે.
એક વાર તો કાળીગામ પોલીસ ચોકીના કોન્સ્ટેબલને રાત્રે છાતી પર કોઈ બેસી ગયું હોય તેવું લાગતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી તેમજ બીજા કોન્સ્ટેબલને પણ બાંકડા સાથે કોઈએ ઊંચા કરીને નીચે ફેંક્યા હોય તેવો અહેસાસ થયો હતો. લોકોનું તો માનવું છે કે ભૂતના ડરને કારણે જ ત્યાંથી પોલીસ ચોકી ટ્રાન્સફર કરવામાં આવી છે. પોલીસ ચોકી ચાલતી હતી ત્યારે પણ રાત્રે કોઈ પોલીસ કર્મચારી પોલીસ ચોકીની અંદર બેસતા ન હતા. જોકે, આજે પણ તે જગ્યા પર સમયાંતરે ભૂત હોવાના અનુભવો થતા હોવાની આસપાસના લોકો ચર્ચા કરે છે.
આ ભૂતિયા પોલીસ સ્ટેશનમાં જૂનું રામોલ પોલીસ સ્ટેશન, જૂના વેજલપુર પોલીસ સ્ટેશન જેવાં પાંચ જેટલાં પોલીસ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડફનાળા પોલીસ સ્ટેશનમાં પણ લોકો સફેદ સાડી પહેરીનું ભૂત ફરતું હોવાનું માનનારા માને છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પણ કોઈ ભણેલું ભૂત રહેતું હોવાનું આસપાસના કેટલાક લોકો માને છે. અમૂક તો એમ પણ કહે છે કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં રાત્રે ટાઇપ રાઇટરનો સતત અવાજ આવ્યા કરે છે. જોકે, પોલીસ સ્ટેશનમાં ટાઇપરાઇટર પણ નથી, તેમ છતાં રાત્રે આવતા ટાઇપરાઇટરના અવાજથી લોકો ડરી જાય છે. ભૂતમાં વિશ્વાસ કરતા આસપાસના લોકો તો પોલીસ સ્ટેશનની સામે જોવાનું પણ ટાળે છે.
મોટે ભાગે એવું બનતું હોય છે કે જ્યારે પણ ભૂતપ્રેતની વાત નીકળે ત્યારે ક્યાં તો કોઈ દલાલ કે મકાન માલિકનો એ જમીન કે મિલકત પર ડોળો હોય અને એટલે જ આવી વાતો ફેલાવી એને ખાલી કરાવવાની ફિરાકમાં હોય. કાળીગામ પોલીસ ચોકીની ઘટનાઓથી એવો એક પણ પોલીસમેન નહોતો, જેને ડર લાગ્યો ન હોય. રાત્રે 10.00 વાગ્યા પછી પોલીસની PCR વાન આવે અને નાઇટ ડ્યૂટી સ્ટાફને પોલીસ સ્ટેશનની અંદર બેસવાને બદલે બહાર બેસીને જ ડ્યૂટી કરતા જુએ ત્યારે ખાસ્સી દલીલો અને પૂછપરછ થાય જ.
રામોલ પોલીસ સ્ટેશનની તો વાત જ અલગ છે, અહીંનું પોલીસ સ્ટેશન પહેલાં જે જગ્યા પર હતું એ જગ્યા પર કોઈ મિલ ચાલતી હતી. એ મિલમાં કોઈ કારીગરનું અપમૃત્યુ થયેલું અને એટલે જ અવારનવાર પોલીસ સ્ટેશનમાં રાત્રે કેટલાય કોન્સ્ટેબલ્સની ફરિયાદો આવી કે રાત્રે ભૂતના પડછાયા દેખાય છે. ક્યારેક પોલીસવાળાઓની છાતી પર કોઈ ભાર જેવું વર્તાય, ક્યારેક ખુરશીઓ ઊંધીચત્તી થઈ જાય. છેવટે વધતી ફરિયાદોને પગલે આ પોલીસ સ્ટેશનની જગ્યા જ બદલી નાખવામાં આવી. પોલીસ પોતે આ બધી વાતોમાં ન માનતી હોવા છતાં રામોલ અને કાળીગામ પોલીસ સ્ટેશનમાં એકથી વધુ વખત તાંત્રિક વિધિઓ પણ કરવામાં આવેલી! લાગે છે ને નવાઈ આ બધું વાંચીને? પણ આ આખી વારદાત સત્ય ઘટનાઓ પર જ આધારિત છે.
મહેસાણાથી થોડું આગળ એવું મોઢેરા ગામનું પોલીસ સ્ટેશન, ત્યાંના 3 જેટલા પોલીસકર્મીઓના આપઘાત કે અપમૃત્યુથી કાયમ ચર્ચામાં રહ્યું, કોઈ ટ્રાન્સફર લઇ લે, કોઈ અંદર બેસે પણ નહીં. અંતે જગ્યા બદલી પણ પેલી જૂની જગ્યા ત્યાં આજે પણ ખાલી જ છે! કેવી રીતે ટાઇપરાઇટર ન હોવા છતાં અંદરથી ટાઇપરાઇટરનો અવાજ આવી શકે? કેવી રીતે પડછાયા દેખાય? કેમ છાતી પર ભાર વર્તાય? કેમ ખુરશીઓ ઊંધી થઈ જાય? કેમ કોઈ પોલીસકર્મી સતત બીમાર રહે, એની બદલી કરી નાંખવી પડે? આવા કેટલાય સવાલોના જવાબો કાયમ વણઉકલ્યા જ રહ્યા છે. કોઈ ખુલાસો તો દૂરની વાત, અગર બધું થાળે પણ પડ્યું તો પણ થોડા મહિને ફરી આ 'ભૂત'ની ચર્ચાઓ આ બધાં જ પોલીસ સ્ટેશનમાં વારંવાર ચગાવવામાં આવી છે.
તમારું શું માનવું છે? પોલીસ શા માટે આ બધામાં વિશ્વાસ કરે? શું ખરેખર આ બધા જ ગેબી અનુભવો થયા હશે? રાતનો અંધકાર કાયમ પ્રશ્નો જગાવે છે, માણસ એકલો પડે અને મગજ ચકરાવે ચઢે અને આ બધા જ વિચારો એને ઘેરી વળે. મનોચિકિત્સકો પોતાના તર્ક દોડાવે પણ અંતે ખાસ કોઈ ખુલાસા મળ્યા નથી એ હકીકત છે. કદાચ એવું પણ બને કે સૌ એ વાત ફેલાવી છે એટલે આવનાર નવી વ્યક્તિ પણ એમાં જાણે અજાણે પોતાના અજાગૃત મનમાં એ ડર પાળવા લાગે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર