ઈમેઈલ્સનું રહસ્ય

18 May, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

તારીખ 10 જુલાઈ, 2015. શુક્રવારની રાત. લગભગ સાડા આઠ વાગી ચૂક્યા હતા. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી એક મલ્ટીનેશનલ આઈટી કંપની. રાત્રે મોડે સુધી કામ કરવાનું અને વર્ક-લાઈફ બેલેન્સ ન રહે એ બધું હવે અત્યારની જનરેશન માટે કાયમનું છે એટલે અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતી હિરલ માટે પણ એ કોઈ આશ્ચર્યની વાત નહોતી. એકલદોકલને બાદ કરતા બધા જ કર્મચારીઓ ઓફિસથી નીકળી ગયા હતા. હિરલ પોતાની જગ્યા પર બેસીને આજે ક્લાયન્ટે આપેલી શાર્પ અને એક્યુટ ડેડલાઈનને વશ થઈને કામ કરી રહી હતી. હિરલનાં લેપટોપનું સ્પિકર ચાલુ હતું અને ધીમા અવાજે રોકસ્ટાર ફિલ્મનાં ગીતો વાગી રહ્યા હતા. એસક્યુએલ સર્વર પર કોડિંગ ચાલુ હતું અને હિરલની આંગળીઓ કીપેડ પર ફરી રહી હતી. અચાનક પોપ અપ થયું અને એને ધ્યાનમાં આવ્યું કે એક ઈમેલ આવ્યો છે!

હિરલને થોડી નવાઈ લાગી કે અત્યારે કોનો ઈમેલ આવી ગયો? ઈમેઈલ આવવાના એ પિંગ અવાજને ફોલો કરી તરત આઉટલુક ખૂલ્યું અને જોયું તો એક ઈમેઈલ હતો, સબ્જેક્ટ હતો: ‘Hi’. હિરલે એ મેઈલ ખોલીને વાંચ્યો તો માત્ર બે લાઈન લખી હતી, જેનો મતલબ કંઇક આવો હતો. 'હિરલ, મને તારું નામ ખબર છે, હું તને ઓળખું છું, આટલા લેઇટ સુધી કામ ન કર. હવે ઘરે જા! હિરલને નવાઈ લાગી. આજુબાજુ નજર નાખી અને જોયું તો એક કર્મચારી હતો, હિરલે બૂમ પાડીને કહ્યું કે, ‘અવિનાશ, તે મને ઈમેઈલ કર્યો?’ અવિનાશે કહ્યું, ‘ઓયે હું તને શા માટે ઈમેલ કરું? હું તો જો આ નીકળ્યો. મારી આજે ફર્સ્ટ એનિવર્સરી છે, હું તો ભાગ્યો!’

હિરલનું મગજ દોડતું થઈ ગયું. ઈમેઈલનું સેન્ડર નેમ ચેક કર્યું તો કોઈ નામ નહોતું. આખરે એણે કંટાળીને એ મેઈલ જ સ્પામમાં નાંખી દીધો. ઘરે જવા થોડી વહેલી નીકળી ગઈ અને કામ પણ અધૂરું રહી ગયું. ગાંધીનગરથી અમદાવાદ ટુ-વ્હિલર પર આવતા આવતા હિરલના મગજમાં એ ઈમેઈલ જ આજે ભમી રહ્યો હતો!

તારીખ 11 જુલાઈ, 2015. શનિવારની સવાર. આજે તો હાફ ડે હોવાથી બધા જલદી નીકળવાની ફિરાકમાં જ હતા. હિરલ ફટાફટ પોતાનું કામ આટોપી રહી હતી. સાંજે સાડા ચારે લેપટોપ ઓફ કરી જ રહી હતી કે એક સાથે બે ઈમેઈલ ડ્રોપ થયા. બંને વારાફરતી ઓપન કર્યા અને વાંચ્યું તો હિરલને આશ્ચર્ય અને ડર બંને અનુભવાયા! નક્કી કંઇક ગરબડ છે. એકમાં લખ્યું હતું, ‘હિરલ, મેં ગઈકાલે પણ તને કહેલું, લેઇટ સુધી કામ ન કર. આ કંપનીને તારી કદર નથી, તું વહેલાસર ઘરે જા!’ બીજા ઇમેલમાં લખ્યું હતું, ‘આ કંપનીમાં કેટલાક લોકો માત્ર બોસની ફેવર પર જ જીવે છે. અને એવા માહોલમાં તું કેમ આટલા મોડે સુધી કામ કરે રાખે છે? તું રોજ વહેલા ઘરે જવાની આદત પાડ હવે!’

હિરલનું મગજ ફાટવા લાગ્યું. હવે એનાથી ન રહેવાયું. એણે આઈટી ટીમ બોલાવી. આઈટી ટીમે એ આખી વાત સાંભળી પહેલા તો વાતને મજાકમાં ખપાવી દીધી પણ જ્યારે પેલા મેઈલ્સ જોયા ત્યારે એ લોકોનાં પણ હોશકોશ ઉડી ગયા. તરત જ એમણે સિસ્ટમ બેકઅપ, મેઈલ હિસ્ટ્રી, આઉટલુક સર્વર ચેક, લોકલ સર્વર અને આખી કંપનીમાં જેટલા પણ ઈમેલ્સ થતા હોય એ તમામ ટ્રાફિકનો લોગ રિપોર્ટ લેવાનું શરૂ કર્યું. આઈટી ટીમના હેડ અનુપમ સહાય પણ આવી ગયા હતા. એમણે કહ્યું કે નક્કી આ કોઈએ મજાક કરી છે અને એ પણ કોઈ ટેકનિકલ ટીમમાંથી જ છે કે, જે પોતાનું નામ ડિસ્પ્લે થયા વગર ઈમેલ પર આમ ડરાવી રહ્યું છે.

હિરલની ઊંઘ હરામ થ ગઈ હતી. લંચ ટાઈમમાં પણ આખી ઓફિસમાં બસ ‘મેઈલ પુરાણ’ જ ચાલ્યું હતું. આઈટી ટીમે સાંજ સુધીમાં જ રિપોર્ટ તૈયાર કરી નાંખ્યા હતા. 13 જુલાઈ, સોમવારની સવારે હિરલે ઓફિસમાં એન્ટ્રી મારી અને મેઈલ ઓપન કર્યા એટલે ત્રણ ઈમેઈલ સેન્ડરનાં નામ વગર આવેલા પડ્યા હતા! એકમાં લખ્યું હતું, ‘હિરલ, શા માટે આ આઈટી ટીમને વાત કરી? હું તો તારો વેલ વિશર છું! તું શા માટે મોડે સુધી કામ કરે છે?’ બીજામાં લખ્યું હતું, ‘ગેટ વેલ સુન!’ અને ત્રીજા ઈમેઈલમાં લખ્યું હતું કે ‘આ કંપનીમાં જે પણ મોડે સુધી કામ કરે છે એની સાથે મારી સહાનુભૂતિ છે, પણ તારા માટે મને વિશેષ લગાવ છે. તું પ્લીઝ મોડે સુધી કામ ન કર!’ તરત આઈટી ટીમ બોલાવવામાં આવી. હિરલ બઘવાઈ ગઈ હતી. કોણ હતું એ કે જે આમ આદુ ખાઈને પાછળ પડી ગયું હતું?

સાંજ સુધીમાં આ આઈપી એડ્રેસને ટ્રેસ કરવામાં આવ્યું અને જે ઈમેઈલ્સ આવેલા એની પણ ભાળ મેળવવાનાં પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા. લગભગ બે દિવસમાં હિરલે કંટાળીને એ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. નું લેપટોપ હવે કંપનીની કસ્ટડીમાં હતું. હિરલે અમદાવાદમાં બીજી એક આઈટી કંપની જોઈન કરી લીધી હતી. ઓગસ્ટ મહિનાની એક સાંજે હિરલને પેલી કંપનીમાંથી ફરી ફોન આવ્યો. હિરલ મળવા ગઈ અને જે હકીકત સાંભળી એ જાણીને એ લગભગ બેભાન જેવી હાલતમાં આવી ગઈ હતી.

હિરલ જે જગ્યા પર બેસતી એ જ જગ્યા એક કર્મચારી બેસતો, જેનું નામ હતું આકાશ શાહ. આકાશ દરરોજ 12-12 કલાકથી વધુ અહીં બેસીને કામ કરતો, જગ્યા પણ એ જ, લેપટોપ પણ એ જ અને વાતાવરણ પણ એ જ! 2012મા એટલે કે લગભગ ત્રણેક વર્ષ પહેલા રાત્રે 1 વાગ્યે કામ કરતા કરતા જ ઓન ડ્યુટી આકાશને જબરદસ્ત કાર્ડિયાક એરેસ્ટ થયેલું. આટલા તીવ્ર હુમલાથી એ ત્યાં જ ઢળી પડ્યો હતો! આકાશ અવસાન પામ્યો એને ત્રણ વર્ષ વીતી ગયા છે. હિરલ પણ એટલી જ ગંભીર અને કામ પ્રત્યે સમર્પિત છોકરી હતી. ભલે દાવાથી એવું ન કહી શકાય પણ એ બધા જ મેઈલ્સ આકાશ શાહના મેઈલ આઈડીમાંથી આવતા હતા. એ આઈપી ભલે બદલ્યો ન હોય પણ હિરલની જગ્યા એ આવનાર નવો કર્મચારી પણ મોડી સાંજે જ્યારે પણ કામ માટે બેસે ત્યારે આવા એકાદ મેઈલનો એ ભોગ બનતો જ!

સત્યઘટનાથી પ્રેરિત!

ગુઝ્બમ્પ:

આવતા બુધવારે હોરર કેફેમાં એક એવા યુવાનની વાત, જેને ભવિષ્યમાં શું થવાનું છે એની જાણ થવા લાગી હતી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.