જિગ્સો પઝલનું રહસ્ય!
આર્ટ એક્ઝિબિશન, એન્ટિક વસ્તુઓનું કલેક્શન, અન્ય કોઈ કલેક્શન કે દેશ-વિદેશની કરન્સીઝનું કલેક્શન આ બધા જ એકદમ ‘Niche’ એટલે કે અલાયદા શોખ છે. જરૂરી નથી કે એ શોખ બીજી, ત્રીજી વ્યક્તિ પણ ધરાવતી હોય. ખૂબ જ ખર્ચાળ અને માવજત માગી લેતા આ શોખ બહુ જ કાળજી અને સમય માગે છે. ઉત્તરાખંડનાં એક હિલ સિટી ઔલીમાં પ્રખર સિંહા નામનો એક યુવાન રહે, જે જૂના પેઈન્ટીંગ્સ અને એન્ટિક વસ્તુઓનાં કલેક્શનનો જબરો શોખીન. પોતે એક ફૂલ ટાઈમ જોબ કરતો હોવા છતાં, શહેર અને આસપાસમાં થતાં એક પણ આર્ટ એક્ઝિબિશન અને ઓક્શ્ન્સ એ ન છોડતો. આવા જ એક પ્રદર્શનમાં પ્રખર ગયેલો. ઓક્ટોબર મહિનાની એક શુષ્ક સાંજે આર્ટ ગેલેરીમાં જૂજ લોકો હતા. આર્ટ ગેલેરીની બહાર સન્નાટો હતો, અને પાનખર શરુ થઈ ગઈ હોવાથી તાપમાન લગભગ 10-11 ડિગ્રી સુધી પહોંચી જતું, પવનનાં સુસવાટા રૂંવા ઊભા કરી દેતા. પ્રખર આર્ટ ગેલેરીમાં ચક્કર લગાવી રહ્યો હતો, એવામાં એનું ધ્યાન એક લાકડાનાં એન્ટિક બોક્સ તરફ ગયું. ત્યાંનાં ક્યુરેટરને પૂછતા માલુમ પડ્યું કે એ બોક્સ અહીં છેલ્લા ત્રણેક પ્રદર્શનોથી દર વખતે ડિસ્પ્લે થાય છે, પણ એનો કોઈ લેતું નથી.
પ્રખર પોતે સાયન્સ ગ્રેજ્યુએટ હતો. એટલે એમ પણ દરેક વાતને બહુ તાર્કિક રીતે વિચારનારો હતો. પ્રખર એ બોક્સની નજીક ગયો અને જોયું તો એ એક જસ્ટ અનધર બોક્સ જેવું જ એક સાદું બોક્સ હતું, એના પર થોડું નકશીકામ કરાયેલું હતું, જે બેહદ ખૂબસૂરત હતું. એને જોઈને જ પ્રખરની અંદરનો આર્ટ પ્રેમી જીવ એને ખરીદવા લલચાઈ ગયો. પ્રખરે આ જ્યુક બોક્સ ખરીદી લીધું અને ઘર તરફ કાર લીધી.
ઘરે જઈને રાત્રે પરવારીને એ પેલુ બોક્સ લઈને બેઠો. જ્યુક બોક્સ અત્યંત આતુરતાથી ખોલ્યું તો અંદરથી એક જિગ્સો પઝલ એટલે કે બ્લોકસ નીકળ્યાં, જેને જોડવાથી એક સુંદર ચિત્ર ઊભુ થઈ રહ્યું હતું. પ્રખરે અત્યંત એક્સાઈટમેન્ટમાં આવીને ફટાફટ એ પઝલ્ઝને જોડવાનું શરુ કરી દીધું. શરૂઆતમાં તો એને એમ લાગી રહ્યું હતું કે આ ગેઈમ રમીને જાણે ફરી બાળપણ આવી ગયું! જેમ જેમ જિગ્સો પઝલ ગોઠવાવા લાગી એમ એમ એક ચિત્ર ઉપસતું ગયું અને એને મજા આવવા લાગી.
થોડા સમય સુધી પઝલ્ઝ જોડ્યાં બાદ પ્રખરનાં ચહેરા પર હવે એક ચિંતા અને ડરનો ભાવ દેખાઈ રહ્યો હતો. એને એકાએક પરસેવો વળી ગયો. જિગ્સો પઝલમાં જે ચિત્ર બની રહ્યું હતું એમાં એક યુવાન સોફા પર બેઠો હતો અને પાછળ એક બારી હતી. હેરાનીની વાત એ હતી કે પ્રખર પોતે પણ એવા જ સોફા પર બેઠો હતો અને એણે પાછળ જોયું તો એવી જ બારી પણ હતી! પણ ચિત્રમાં બારીમાં એક ડોશી દેખાઈ રહી હતી, પ્રખરે પાછળ જોયું તો કોઈ ડોશી ન હતી.
અચાનક પ્રખરનાં શરીર પર કોઈ ગરોળી કે સાપ પસાર થઈ રહ્યા હોય એવું એને લાગતું હતું. હવે પ્રખરને ડર અને ગુસ્સો બંને અનુભવાઈ રહ્યા હતા. ખુન્નસમાં આવીને એણે આખી પઝલ એક પ્લાસ્ટિકમાં ભરી અને એને બારી બહાર ફેંકી દીધી. થોડી જ વારમાં એને પોતાના રૂમ તરફ કોઈ આવી રહ્યું હોય એવો અહેસાસ થયો. કોઈના પગલાનાં અવાજ આવવા લાગ્યા. પોતાના રૂમમાં વુડન ફલોરિંગ હોવાને કારણે, લાકડા પર ચાલીએ અને જે ટક ટકનો અવાજ આવે એવો અવાજ આવવા લાગ્યો, એકાએક પ્રખરનાં મોબાઈલ પર એક ‘પ્રાઈવેટ’ લખેલા નંબર પરથી ફોન આવ્યો, પ્રખરે ઉપાડ્યો તો એક અસ્પષ્ટ અવાજ આવ્યો, જે એકદમ ઘરડો અવાજ હતો. એ કહી રહ્યો હતો કે પઝલ પૂરી કર, કેમ ફેંકી એને? હવે તું તારી મરવાની તૈયારીઓ કરી લે, તું તો ગયો.
પ્રખર ફટાફટ કપડાં બદલીને ચેન્જ ખાતર પોતાની બાઈક કાઢીને બહાર નીકળી ગયો. ઔલીનાં પહાડો પર એ સડસડાટ ગયો, કાતિલ પવન ફૂંકાઈ રહ્યો હતો. પ્રખરનાં બાઈકની સ્પિડ લગભગ 70-80 વચ્ચે હતી. એવામાં સામે એક ડોશી ચાલતી દેખાઈ, એ વૃદ્ધા અદ્દલ પેલી જિગ્સો પઝલમાં બારીની બહાર દેખાઈ હતી, એવી જ દેખાતી હતી. એણે બાઈક ઊભી રાખી, થોડી વારમાં જ એ અદૃશ્ય થઈ ગઈ. એ થોડો આગળ ગયો અને ફરી એ ડોશી પ્રખરને દેખાઈ, આ વખતે એણે બાઈક ઊભી જ ન રાખી. વળતી વખતે ઘર તરફ બાઈક ઢાળ ઉતરી રહી હતી ત્યારે ઘરની નજીક પણ પ્રખરને ફરી પેલી ડોશી દેખાઈ. કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં એ ઘર તરફ પહોંચ્યો, ઉપર જઈને એણે ઘરની બધી જ બારીઓ બંધ કરી દીધી. ટીવી ચાલુ કર્યું, કેટલીક રૂટીન સિરીયલો અને નયૂઝ ચેનલ્સનું સર્ફિંગ ચાલી રહ્યું હતું કે તરત લાઈટ જતી રહી.
ટોર્ચ લાઈટ ચાલુ કરવા પ્રખર ઊભો થયો અને ફરી એને ફોન રણક્યો, ફરી કોઈ અસ્પષ્ટ અવાજ એને પેલી પઝલ પૂરી કરવા કહી રહ્યો હતો. પ્રખર આગળ ચાલવા ગયો, એવામાં ફરી પગલાનાં અવાજ આવવા લાગ્યા. પોતે હજુ લાઈટ ચાલુ કરી જ હશે કે પેલી ડોશી એને સામે બેઠેલી દેખાઈ! પ્રખરને એટલો બધો ડર લાગ્યો કે એ લગભગ દોડ્યો અને એણે જે બારી બંધ કરેલી એ ખોલીને સીધો નીચે કૂદી ગયો! નીચે રસ્તા પર પડતા એને થોડું વાગ્યું હતું. એને માથામાં કંઈક લાકડાની વસ્તુ વાગી હતી, જેથી એને લોહી નીકળી રહ્યું હતું. પ્રખરે આજુબાજુ જોયું તો પેલું લાકડાનું બોક્સ અને જિગ્સો પઝલનાં ટુકડા આજુબાજુ વિખેરાયેલા હતા.
પ્રખરનાં શરીર પર જાણે ફરી કોઈ સાપ ચાલી રહ્યો હોય એવું એને અનુભવાયું, દોડીને એણે ઘરની બહાર પડેલા એક વાસણમાંથી થોડું પાણી લઈ જખમ પર નાખ્યું, તો એ પાણી ઠંડું હોવા છતાં એને ગરમ લાય જેવું લાગ્યું. જખમ પર શાતા વળવાની જગ્યાએ એ દાઝ્યો! એને કંઈ જ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું હતું. એ ફરી ઘરમાં ગયો અને બરફ લગાડતા લગાડતા એને ઊંઘ આવી ગઈ.
બીજે દિવસે એને ઓફિસમાં મન નહોતું લાગતું. ફટાફટ કામ પતાવી એ ઘર તરફ ગયો. ઘરમાં આજે ફરી શું થશે એની ભાંજગડમાં એની બાઈક બે વાર સ્લિપ થતાં થતાં બચી. પ્રખર ઘરે પહોંચ્યો તો પોતે સવારે બધી જ બારીઓ બંધ કરીને ગયો હોવા છતાં એ બારીઓ ખુલ્લી હતી! એણે ફટાફટ બધી જ બારીઓ ફરી બંધ કરી, એવામાં ફોન રણક્યો!
પ્રખરે ફોન પર જોર જોરથી ચીસો પાડીને કહ્યું કે, ‘જા નથી પૂરી કરવી તારી પઝલ. તું શું ઈચ્છે છે કે હું આખી જિંદગી તારો ગુલામ બનીને રહું? તારે મને મારી નાખવો છે ને તો મારી નાખ તારામાં હિંમત હોય તો!’ આટલું બોલ્યો હશે કે ફરી એને સામેની બારી અચાનક ખૂલતી દેખાઈ, થોડી વારમાં એના પલંગ પર પેલી ઘરડી ડોશી બેસેલી હતી એવું સ્પષ્ટ દેખાયું. પળવારમાં એ બારી પાસે દેખાઈ, દીવાલ પર એક મોટો પડછાયો આવ્યો, જે ગાયબ પણ થઈ ગયો. થોડી જ વારમાં એ પડછાયો અને પેલી ડોશી પ્રખરની નજીક આવી ગયા! પ્રખરે આજુબાજુ શોધ્યું તો એણે એક હથોડી જોઈ. એણે એ હથોડી પેલી ડોશી તરફ વીંઝી! બીજી જ પળે, ખૂબ મોટો ચિત્કાર થયો. એટલી મોટી ચીસ પડી કે એ ચીસ ઔલીનાં પહાડોમાં ગુંજી અને ત્યાંનાં પહાડી જંગલોને હલબલાવી ગઈ.
એ રાત વીત્યે આજે લગભગ દસેક વર્ષો વિતી ગયા છે. આજે પણ ઔલીમાં કોઈનું મૃત્યુ થાય કે કોઈનું અકસ્માતે મૃત્યુ થાય તો એ ઘરની બહાર સફેદ લાંબી દાઢી વાળો એક ફકીર જેવો લાગતો માણસ કેટલાક તૂટેલા બ્લોક્સની જિગ્સો પઝલ જોડતો જરૂર દેખાય છે! ઔલી આ ફકિર વિશે બહુ જાણતું નથી પણ એ ફકિર પેલા દૂરનાં પહાડી જંગલોમાંથી આવીને ફરી ગાયબ થઈ જાય છે એવી વાયકા છે!
ગુઝ્બમ્પ :
Words have no power to impress the mind without the exquisite horror of their reality.
– Edgar Allan Poe
(અમેરિકાનો પ્રખર લેખક અને સાહિત્યકાર)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર