વીડિયો ચેટનું સિક્રેટ!
નાઈન્ટીઝનાં દાયકાનો એ સમય યાદ છે જ્યારે સાયબર કાફે નવા નવા ખૂલ્યા હતા, જ્યારે જીમેઇલમાં અકાઉન્ટ હોવું એ ગર્વની વાત હતી. ઈન્ટરનેટ હજુ ભારતમાં પા પા પગલી માંડતું હતું! યાહુ ચેટરૂમ ત્યારે એક અજાયબી હતી અને લોકોને પણ એની જબરી લત લાગી ગયેલી. નૈષધ અને નેહલ બંને એમબીએ સાથે કરી રહ્યા હતા. નૈષધ પહેલેથી જ થોડો ગીક ટાઈપ હોવાથી એને ઇન્ટરનેટના એપ્સ અને ટુલ્સ બહુ જ આકર્ષતા.
વાત લગભગ 2015ના જૂનની છે, નેહલ ગુરગાંવની એક મલ્ટીનેશનલમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજર અને નૈષધ અમદાવાદની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર. નેહલ અને નૈષધ બંને એકબીજા સાથે સામાન્ય રીતે ઓફિસ ટાઈમમાં બ્રેક વખતે સ્કાઇપ પર વાતો કરતા હોય. હવે એ તો ઓબ્વિયસ છે કે વીડિયો ચેટ ચાલતી હોય ત્યારે આસપાસ બેઠેલા એકાદ બે જણનાં ચહેરાં પણ દેખાવાનાં જ.
27 જૂન 2015, શનિવારની એકદમ શાંત અને આળસુ કહી શકાય એવી બપોર. ઓફિસનાં દરેક કર્મચારીઓ જ્યારે વિકેન્ડ મૂડમાં હતા ત્યારે નૈષધ અને નેહલની સ્કાઇપ પર વીડિયો ચેટ ચાલી રહી હતી. નેહલે નૈષધને કહ્યું 'અરે આ તારી બાજુમાં રેડ શર્ટ પહેરેલો પુરુષ બેઠેલો હોય છે રોજ, એ આજકાલ કેમ નથી દેખાતો?' નૈષધે એ હસવામાં કાઢી નાખ્યું અને સામે પૂછ્યું, 'નેહલ શું ગપ્પા મારે છે? કોણ મારી બાજુમાં બેસે છે? હું તો આ સરસ ક્યુબિકલમાં બેસું છું. મારી બાજુમાં તો કોઈ જ નથી બેસતું!'
નેહલે કહ્યું કે એ બિલકુલ મજાક નથી કરી રહી. એ વ્યક્તિ દરરોજ નૈષધની પાછળ બેસે છે અને મારી સામે ઘણી વાર સ્માઈલ પણ આપે છે! નૈષધનાં પગ નીચેથી જમીન સરકી ગઈ અને એને પરસેવો વળી ગયો. નૈષધે કમ્પ્યુટર બંધ કર્યું અને વોશરૂમ જતો રહ્યો! થોડી વારમાં એ પાછો આવ્યો પણ એનો પરસેવો જતો જ નહોતો, નૈષધ વિચારમાં ને વિચારમાં રાત સુધી બેસી રહ્યો. સિક્યોરીટી ગાર્ડે આવીને નૈષધને કહ્યું, ''સર અબ આપકો જાના ચાહિયે, રાત હો ચૂકી હૈ!' નૈષધ એસજી હાઈવે સ્થિત એની ઓફિસથી નીકળીને પોતાના આંબાવાડી સ્થિત ઘરે પહોંચ્યો. ઘરે જઈ ફ્રેશ થયો અને ઘડિયાળમાં જોયું તો લગભગ સાડા બાર વાગી ગયા હતા. ટીવી ચાલુ કર્યું અને ફોનમાં જોયું તો નેહલનો ફોન આવી રહ્યો હતો. નેહલે ફોન પર વાત કરી પૂછ્યું કે બધું ઓકે છે ને?
નૈષધે કહ્યું, 'મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. આજે આપણી વાત થઇ પછી હું એ જ વિચારી રહ્યો છું. તું મને એનો દેખાવ કે કોઈ નિશાન કહે. આઈ વોન્ટ ટુ નો, હું ઈઝ ધેટ પર્સન?' નેહલે કહ્યું, થોડા વાંકળિયા વાળ છે, ચેક્સ વાળો શર્ટ જ પહેરતો હોય છે, સોનાની ચેન પહેરે છે, લગભગ સવા પાંચ ફીટ જેવી હાઈટ છે, અને ગોરો વાન છે! નૈષધને એટલી તો ખાતરી થઇ જ ગઈ કે એ વ્યક્તિ એની ઓફિસની તો નથી જ. આ કોઈ બહારની જ વ્યક્તિ છે.
ફોન પર બેચેનીમાં વાત કરીને પછી નૈષધ અંદરનાં રૂમમાં ચાલ્યો ગયો. રૂમમાં એસી ચાલુ કર્યું અને થોડી આંખો લાગી ત્યાં એને કાનમાં કોઈ 'નૈષધ, નૈષધ' બોલી રહ્યું હોય એવા અવાજ સંભળાયા! એ સફાળો જાગી ગયો, અને આજુબાજુ જોયું તો કોઈ નહીં! એ રસોડામાં ગયો તો લાઈટ ચાલું હતી, માટલાનો નળ ચાલુ હતો અને પાણી ઢોળાઈ રહ્યું હતું. નૈષધે દોડીને નળ બંધ કર્યો અને બહાર નીકળ્યો તો ફરી ગ્લાસ ખખડવાનો અવાજ આવ્યો અને નળ ફરી ચાલુ થઇ ગયો હતો.
નૈષધે ફરી નળ બંધ કર્યો અને ડ્રોઈંગ રૂમ તરફ ગયો અને ત્યાં જ ડોરબેલ વાગી! નૈષધે હાથમાં હોકી સ્ટિક ઉઠાવી અને ગુસ્સામાં દરવાજા તરફ ગયો. મેઈનડોરનાં આઈ ગ્લાસમાંથી જોયું તો બહાર કોઈ નહોતું, થોડી વાર થઇ અને ફરી બેલ વાગી! દરવાજો ખોલીને જોયું તો એક બિલાડી આંટા મારી રહી હતી! દરવાજો બંધ કરે એ પહેલા જ ઘરમાં કોઈ પ્રવેશી ગયું હોય એવું સ્પષ્ટ રીતે નૈષધને ફીલ થયું!
બીજા દિવસે સાંજે નૈષધ વહેલો આવી ગયો હતો, આખા દિવસ દરમિયાન નૈષધ ઓફિસમાં બધા લોકોનાં ચહેરાઓ વારંવાર જોતો રહેતો હતો, એમાં ક્યાંય નેહલે કહેલા વર્ણન પ્રમાણે કશું જ નહોતું! નેહલ સાથે આજે કોઈ વાત નહોતી થઇ, ઘરે આવ્યો અને થોડી જ વારમાં ફરી બેલ વાગી! દરવાજો ખોલ્યો અને જોયું તો નેહલ પોતે ઊભી હતી! નૈષધનાં આશ્ચર્યનો પાર ન રહ્યો, એને છણકો કરીને કહ્યું કે આવું કેવું સરપ્રાઈઝ? અને યાર બે દિવસથી મને તે ડરાવી જ દીધો છે. મને ક્યાંય ચેન નથી પડતું, આખો દિવસ મને પેલી ભેદી વ્યક્તિનાં જ વિચારો આવ્યે રાખે છે.
નેહલે અટ્ટહાસ્ય કર્યું અને નૈષધને કહ્યું 'શું યાર, આટલો મોટો કમ્પ્યુટર એન્જિનિયર થઈને આવી મજાકમાં આવી ગયો! યાર હું તો મજાક કરતી હતી. એવું કોઈ માણસ, એવી કોઈ વ્યક્તિ છે જ નહીં! હું તો એમ જ લેગ પુલિંગ કરી રહી હતી!' નૈષધને બિલકુલ ભરોસો ન બેઠો, એણે કહ્યું 'જો નેહલ મને બિલકુલ પસંદ નથી કે તું આવી વાહિયાત મજાક મારી સાથે કરે!' હું દૂધ લઈને આવું છું, સાથે ચા પીશું. આવું કહીને નૈષધ બહાર નીકળી લિફ્ટમાં પ્રવેશ્યો. આઠમેં માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ ધીમે ધીમે સરકી રહી હતી એવામાં જ નૈષધનો ખભો કોઈની સાથે અથડાયો, કોઈએ સોરી કહ્યું! આજુબાજુ જોયું પણ લિફટમાં તો એ એકલો હતો! એના કાનમાં ફરી 'નૈષધ, નૈષધ'' જેવો અવાજ આવ્યો! એ એટલો સખત રીતે ડરી ગયો કે દરવાજા પછાડવા લાગ્યો, એવામાં ગ્રાઉન્ડ ફ્લોર આવતા એ દોડીને બહાર નીકળી ગયો!
લગભગ બે દિવસ પછી નેહલે કહ્યું, 'જો હું રજા લઈને આવી છું, તું પણ રજા લઇ લે, આપણે દીવ ફરવા જઈએ'. નૈષધ પણ માનસિક રીતે પડી ભાંગ્યો હતો એટલે એને પણ આ આઈડિયા ગમ્યો અને બંને દીવ જવા નીકળી ગયા. દીવનાં જેઠીબાઈ બસ સ્ટેન્ડ પર ઉતર્યા અને બંને હોટેલ જવા માટે આગળ વધ્યા! સામે એક નાળિયેર વેચતો ફેરિયો લારી પાસે ઊભો હતો, જેણે નૈષધ સામે જોઇને સ્માઈલ આપી. નૈષધે એને જોયો અને એના મોઢાં માંથી ચીસ નીકળી ગઈ. એ નારિયેળ વાળો અદ્દલ એ જ શખ્સ લાગી રહ્યો હતો, જેનું નેહલે વર્ણન કરેલું! આવું કેવી રીતે બની શકે? એ શા માટે સ્માઈલ કરી રહ્યો હતો? આ સમયે નૈષધને કાપો તો લોહી ન નીકળે. કારણ કે, જો એ માત્ર નેહલની મજાક જ હતી તો આ વ્યક્તિ કોણ હતી?
એ સાયકોલોજિકલ ડિસઓર્ડર હતો કે પછી એક ભ્રમણા. નેહલની મજાક હતી તો પછી રસોડામાં નળ કેમ ચાલુ થઇ જતો? લિફટમાં કાનમાં કોના અવાજ આવી રહ્યા હતા? ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે કોણ અંદર પ્રવેશી ગયું હતું? અને હા, આ નાળિયેર વાળો કેમ અદ્દલ એવો જ લાગતો હતો જેવું નેહલે વર્ણન કરેલું? થોડા દિવસો પછી અમદાવાદ પરત ફરીને નૈષધે ભલે મનોચિકિત્સક પાસે રેગ્યુલર સેશન લીધા, પણ સાચી હકીકત ક્યારેય બહાર ન આવી! તમે વીડિયો કોલિંગ કે ચેટ કરો ત્યારે સામે સ્ક્રિનમાં આજુબાજુ જુઓ છો? આવું તમારી સાથે થાય તો તમે શું કરો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર