સેવન્થ માઈલ (પ્રકરણ પાંચ)

06 Jul, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

સેવન્થ માઈલ પહોંચ્યા પછી આફતો શરૂ થઈ ચૂકી હતી, ફક્ત એક રાત રોકાયા પછી સવારે સામાન પેક કરી નીકળી રહ્યા હતા. સવારે નીકળતી વખતે સુહાસે બાથરૂમમાં પોતાની મમ્મીનો અવાજ સાંભળ્યો અને કુતૂહલવશ ત્યાં જઈને જોયું તો સ્પષ્ટ રીતે એક પડછાયો પણ દેખાયો અને દીવાલ પર પસાર પણ થતો જોયો! એકતાને કહેવા માટે પાછળ ફર્યો અને જોયું તો એકતા ગાયબ થઈ ગઈ હતી, આખા રૂમમાં બધે જોયું પણ એકતાનો કોઈ અત્તોપત્તો નહોતો. સામેની દીવાલમાંથી ધીમો ધીમો ચીસો પાડવાનો અવાજ સાંભળી સુહાસનાં પગ નીચેથી જમીન સરકી ગઈ, એણે દોડીને દીવાલ પર કાન માંડ્યા અને સાંભળ્યું તો એકતાનો અવાજ દીવાલની અંદર થી આવી રહ્યો હતો.

દીવાલમાંથી મદદની ચીસો સંભળાતી હતી. દિવાલ પર બાઝેલો ભેજ જાણે એકતાનાં ડરની ચાડી ખાતો હતો! હજુ આટલું ઓછું હોય એમ થોડી વારમાં કંઇક એવું બનવાનું હતું જે કોઈ પણ વ્યક્તિને હચમચાવી દેવા પૂરતું હતું. સુહાસ પોતાના હાથ દીવાલ પર પછાડતો હતો, મદદનાં નિષ્ફળ પોકારો કરી રહ્યો હતો! કોઈ આવે અને એકતાને બહાર કાઢે. પણ આમ અચાનક એકતા દીવાલમાં કઈ જતી રહી? આમ કંઈ જીવતો માણસ દીવાલની વચ્ચે ચાલી જતો હશે? આવું બધું કેમ થઇ રહ્યું હતું એ બધું વિચારવાનો સમય હતો જ નહીં. છેવટે કંટાળીને સુહાસ રિસેપ્શન પર મદદ માગવા ગયો.

રૂમથી રિસેપ્શનનું અંતર લગભગ સો ફૂટ પણ માંડ હતું, પણ આજે એ અંતર સુહાસને બહુ લાંબુ લાગી રહ્યું હતું. રૂમનો દરવાજો ઉતાવળે ખોલી એ દોડતો બહાર નીકળ્યો. રિસેપ્શન પર પહોંચતા સુધીમાં સુહાસનાં પગ થીજી જ ગયા! રિસેપ્શન પર સોફા અને ટેબલની જગ્યાએ કંઇ જ નહોતું, ન તો કોઈ આસપાસ દેખાયું. થોડી ધૂળ હતી જે આ જગ્યા પર કોઈ વર્ષોથી આવ્યું જ ન હોય એની ચાડી ખાતી હતી. સુહાસ મદદ માટે રીતસર તરફડી રહ્યો હતો. આજે સેવન્થ માઈલ એને હજારો માઈલ જેટલા દૂર લાગતા હતા. એક બાજુ એકતાને એ ઓલમોસ્ટ ગુમાવી બેઠો હતો અને બીજી તરફ મદદ કરવા માટે પણ કોઈ નહોતું! આજુબાજુ નજર કરી પણ હોટેલનો કોઈ જ સ્ટાફ ન દેખાયો.

ડ્રાઈવરને ફોન કરવા સુહાસે ફોન કાઢ્યો તો ફોનમાં નેટવર્ક પણ નહોતું આવી રહ્યું હતું. આટલું નિ:સહાય પહેલા ક્યારેય ન’તુ લાગ્યું! છેવટે ખુન્નસમાં ને ખુન્નસમાં સુહાસ આજુબાજુ નજર કરવા લાગ્યો અને એને એક લોખંડની કોસ નજરે પડી, એ કોસ લઈને રૂમમાં પેલી દીવાલ પર જોર જોરથી મારી દીવાલ તોડવા લાગ્યો! દીવાલનાં પોપડા ખરી રહ્યા હતા, અને એકતાનો અવાજ ધીમો પડી રહ્યો હતો. સુહાસ હિંમત હાર્યા વગર દીવાલ તોડી રહ્યો હતો, અને પરસેવે રેબઝબ હાલતમાં કંઇક ઉપાય મળશે એ આશાએ બસ પ્રયત્નો કરી રહ્યો હતો.

દીવાલ ખાસ્સી એવી તૂટી ચૂકી હતી, પણ હજુ એકતા અંદર દેખાતી નહોતી. સુહાસને ડર લાગવા માંડ્યો, જો એકતાનો અવાજ અંદરથી જ આવે છે તો પછી દીવાલ આટલી ખોદાઈ ગયા પછી પણ એ કેમ નથી દેખાતી? સુહાસ કોસ છોડી ફરી બહાર ગયો, હોટેલની બહાર જઈને જોયું તો માર્કેટમાં ચહલપહલ સામાન્ય હતી. સામે એક દુકાન દેખાઈ જેનાં ઓટલા પર એક ઓલિયો ફકીર બેઠો હતો, જે સુહાસની સામે એકધારો જોઈ રહ્યો હતો. સુહાસનાં હાવભાવ જાણે એ સમજી ગયો હોય એમ ભો થઇ સુહાસ તરફ આવવા લાગ્યો. સુહાસ કંઈ બોલે એ પહેલા જ પેલા ફકીરે હોટેલમાં શું બન્યું હશે એની ભાંગીતૂટી વાત કરી, અને સુહાસના આશ્ચર્ય સાથે એણે એ જ કહ્યું જે ખરેખર બન્યું હતું!

કીરે આ શાપિત જગ્યા વિશે સુહાસને માંડીને વાત કરી, એણે આ હોટેલ પસંદ કરીને બહુ મોટી ભૂલ કરી હતી. કીરે સુહાસ, એકતા અને પેલો ડ્રાઈવર આ હોટેલમાં પ્રવેશ્યા ત્યારે એ લોકોને જોયા હતા. કીરનાં કહેવા મુજબ એ ડ્રાઈવર તો વર્ષો પહેલા એક રોડ એક્સિડેન્ટમાં માર્યો ગયો હતો. જે રિસેપ્શન પર હોટેલ સ્ટાફ દેખાતો હતો એ બધો જ અહીં ૨૦૦૭મા નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં આવેલા પ્રચંડ શક્તિશાળી ધરતીકંપમાં હોટેલની ઈમારત નાશ પામી એની સાથે જ દટાઈ ગયો હતો. આ બધું સાંભળી સુહાસનું જાણે લોહી થીજી ગયું. કીરે સુહાસને થોડી ધીરજ રાખવાનું કહ્યું.

સુહાસે બહાર જઈને કેટલાક દુકાનદારોને વાત કરી, બહાર પીસીઓમાં જઈ પોલીસ બોલાવી. એટલી વારમાં એ હોટેલમાં ફરી પ્રવેશ્યો અને પેલો ફકીર કોઈ મંત્રજાપ કરતો હતો! જે રૂમમાં સુહાસ અને એકતા રોકાયા હતા એ રૂમની દીવાલોને જોઈ કદાચ ફકીરને એ લોકો ક્યા રૂમમાં રોકાયા હશે એની ખબર પડી હશે! સુહાસ અંદર ગયો અને ફકીરને કંઈ કહે એ પહેલા એને બાથરૂમમાંથી ફરી એનાં મમ્મીનો અવાજ આવવા લાગ્યો, બહાર એક કઠેડા જેવી નાની બાલ્કની હતી ત્યાં કેટલાક પડછાયાની અવરજવર દેખાઈ! દોડીને જોયું તો ત્યાં એકતાનાં દાદાનો અવાજ આવી રહ્યો હતો! ધોળે દિવસે સુહાસને આ બધું અનુભવાઈ રહ્યું હતું.

કીર બસ મંત્રજાપ કરે જતા હતા, એકતાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, લગભગ દસેક મિનીટ થઇ હશે અને ઈંટો કડડભૂસ થ, અને દીવાલ આખી ધરાશાયી થઇ ગઈ. સુહાસની આંખો પહોળી થઇ ગઈ, એકતા દીવાલની અંદરથી નીકળી અને રૂમની ફર્શ પર એનો રીતસર ઘા થયો. એકતાનાં માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. સુહાસે એકતાનું માથું પોતાનાં ખોળામાં મૂક્યું. ઉપર જોયું તો ફકીર તો એ રૂમમાંથી નીકળી ગયો હતો! પોલીસ આવી ચૂકી હતી, તરત તફતીશમાં લાગી ગઈ, સાથે એક એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી, સુહાસને ખબર ન પડી કે કોણે બોલાવી હતી? એકતાને એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી. સુહાસ પોલીસનાં પ્રશ્નોનાં જવાબ આપી રહ્યો હતો, પોલીસ સુહાસને નજીકનાં પોલીસ સ્ટેશને લઇ ગઈ. એ રૂમ, એ હોટેલના ફોટોગ્રાફ્સ અને ફિંગર પ્રિન્ટ વગેરે તપાસીને ડોક્યુમેન્ટેશન ચાલી રહ્યું હતું.

બસ એકાદ દિવસમાં જ ખુલાસો થવાનો હતો, એ અવાજો, એકતાનું દીવાલમાં જતું રહેવું અને પેલી હોટેલનાં રહસ્યો! ‘સેવન્થ માઈલ’ સુહાસ અને એકતાને આખી જિંદગી યાદ રહેવાનાં હતા!

ગુઝબમ્પ:

આવતા અઠવાડિયે વાંચો 'સેવન્થ માઈલ'નો છેલ્લો એપિસોડ જ્યાં દરેક રહસ્યો બહાર આવશે, એવા રહસ્યો જ્યાં પોતાના લાગતા માણસો પણ પોતાનાં ન હોઈ શકે એવું બને! સિક્કિમ પ્રવાસ સેવન્થ માઈલમાં જ પૂરો થઇ જશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.