સેવન્થ માઈલ (પ્રકરણ ચાર)
સુહાસ અને રેન્જર ઓફિસર્સ એકતાની શોધખોળમાં લાગી ગયા હતા, પણ એકતાનો ક્યાંય પત્તો લાગી રહ્યો નહોતો. સુહાસની ધીરજ ખૂટી રહી હતી, એટલે બૂમાબૂમ કરી રહ્યો હતો. રેન્જર ઓફિસર્સ ત્રણ જણા હતા, છેવટે એકતાને જે દિશામાં જતી જોઈ હતી એ દિશામાં જવાનું શરુ કર્યું. જંગલની દિશામાં લગભગ દોઢેક કિલોમીટર ચાલ્યા હશે એવામાં એકતાનાં ચપ્પલ મળ્યા, એટલે એટલું તો નક્કી હતું કે એકતા આ જ દિશામાં ગઈ હતી.
સુહાસને થોડી રાહત થઈ રહી હતી. એને આશા હતી કે એકતા બહુ જલદી મળી જશે! થોડી વારમાં સુહાસના મોબાઈલમાં નેટવર્ક આવી ગયું અને તરત જ એને એક કોલ આવ્યો. સુહાસે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોયું તો એને પરસેવો છૂટી ગયો. એકતાનો ફોન આવી રહ્યો હતો. એકતા તો ફોન લઈને જ નહોતી ગઈ અને એનો ફોન તો રૂમ પર જ પડી રહ્યો હતો. સુહાસે ફોન રિસીવ કર્યો તો સામે કોઈ અસ્પષ્ટ અવાજ આવ્યો અને ફોન કટ થઇ ગયો. જંગલમાં ખાસ્સું એવું સર્ચ ઓપરેશન હાથ ધર્યા પછી સુહાસ અને ઓફિસર્સ હોટેલ પર પરત ફર્યા. હોટેલનાં રૂમ પર જઈને સુહાસે દરવાજો ખોલ્યો અને એનાં હાથ માંથી મોબાઈલ તેમજ ચાવી પડી ગઈ, આંખો પહોળી થઇ ગઈ એની અને લોહી જામી ગયું! સામે બેડ પર એકતા બેઠી બેઠી મોબાઈલ પર ગેઈમ રમી રહી હતી!
એકતાનાં ચહેરા પર કોઈ હાવભાવ નહોતા. એનો ચહેરો એકદમ બ્લેન્ક હતો. હેરાની સાથે સુહાસને ખ્યાલ જ નહોતો આવતો કે શું રિએક્ટ કરવું? એકતાએ સુહાસને પૂછ્યું શું થયું? સવારથી તમે ક્યાં હતા? પણ સુહાસ કંઈ જ બોલી ન શક્યો, તરત બેગ પેક કરી અને ડ્રાઇવરને ફોન કરી કહ્યું ગાડી સાંજે તૈયાર રાખે, ગંગટોકથી પેલિંગ જવા આજે સાંજે જ નીકળી જવાનું છે!
સાંજે બરાબર આઠ વાગે ગંગટોકથી પેલિંગ જવા સુહાસ અને એકતા નીકળી ગયા, 116 કિલોમીટરનો રસ્તો હતો અને સીધા ચઢાણવાળા રસ્તા હોવાથી લગભગ ચારેક કલાકની મુસાફરી હતી. એકતા થોડી ઊંઘમાં હતી. સુહાસે મમ્મીને વડોદરા ફોન કરી જણાવ્યું કે, આજે એની સાથે સવારથી શું શું થયું હતું. એકાદ કલાક પછી સ્ટોપ લીધું, થોડું ડિનર કર્યું અને સુહાસ અને એકતા ફરી કારમાં ગોઠવાયા. પણ કાર શરૂ જ ન થઇ. ખાસ્સી વારે કાર શરૂ થઇ અને કાર આગળ વધી. રસ્તામાં એક ગામ આવવાનું હતું, જેનું નામ હતું સેવન્થ માઈલ!
સેવન્થ માઈલ પહોંચતા પહોંચતા રાત્રે સાડા નવ વાગી ગયા હતા. ડ્રાઇવર ખૂબ થાકી ગયો હતો અને ભયાવહ રસ્તાઓ જોતા એણે જોખમ ન લીધું અને સુહાસને કહ્યું, 'સર, હું માનું છું કે આપણે આવતીકાલે સવારે જ જઈશું, અને અહીં સેવન્થ માઈલ જ રોકાઈ જઈએ. અહીં મારા દોસ્તની જ એક નાની હોટેલ છે ત્યાં આપણને આસાનીથી રૂમ મળી જશે! ઇસ્ટ સિક્કિમનાં રાનીપુલનું એક નાનું ગામ એટલે સેવન્થ માઈલ! નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર ઇન્ડિયન આર્મીએ આપેલું નામ સેવન્થ માઈલ, જે ખૂબ નાનું એક ગામડું. સુહાસ અને એકતા હોટેલનાં રૂમમાં ગયા,રૂમ તો ખૂબ સરસ હતો.
રૂમમાં કેટલીક એન્ટિક વસ્તુઓ હતી, જેને સુહાસે ધ્યાનથી જોઈ. સુહાસ ખૂબ જ ગભરાયેલો હતો અને કેમ ન હોય, ગઈકાલ રાતથી સવાર સુધીનો ઘટનાક્રમ એને ડરાવી દેવા માટે પૂરતો હતો. સુહાસે મનાલીનાં હિડિમ્બા મંદિરમાં જોઈ હતી એવી ખોપડીઓ, કેટલીક કલાકૃતિઓ અહીં હોટેલમાં પણ જોઈ. સુહાસ અને એકતા સૂવાની તૈયારી કરવા લાગ્યા, એવામાં બેલ વાગી! સુહાસે દરવાજો ખોલ્યો તો સામે હાઉસકિપિંગ વાળો પાણીનો જગ લઈને ઊભો હતો. 'હેલ્લો સર, હું ચેંગ છું, પ્લિઝ ટેક ફ્રેશ વોટર! એન્ડ બી એશ્યોર્ડ ઇફ યુ હિયર એની નોઇઝ ફ્રોમ આઉટસાઈડ ઘી રૂમ ઈન મિડ-નાઈટ!' સુહાસને બહુ અજુગતું લાગ્યું, આ માણસ આટલું ફાંકડું અંગ્રેજી કઈ રીતે બોલી શકતો હતો? એ કયા અવાજોની વાત કરતો હતો?
રાત્રે દોઢ વાગ્યો હશે, અચાનક સુહાસે આંખો ખોલી અને જોયું તો એકતા બોલતી હતી, 'પ્લિઝ બી ધેર, ત્યાં જ રહેજો, આગળ ન આવશો. હું તમારાથી બિલકુલ ડરતી નથી!' એકતાની આવી હરકતથી સુહાસ ડરી ગયો, એકતાને ગોદડું ઓઢાડ્યું અને જેમ તેમ કરીને સવાર પાડી! સવારે ડ્રાઇવર મળવા આવ્યો અને સુહાસને કહ્યું, સાહેબ આ હોટેલ મારા દોસ્તને વિલમાં એના પિતા એ આપેલી! વારસામાં આટલી મોટી સંપત્તિ તો મળી છે પણ છતાં આ જગ્યામાં કોઈ પ્રભાવ છે, કોઈ મનહૂસ છાયા છે કે જે મારા દોસ્ત અને એના પરિવારને વર્ષોથી માંદા રાખે છે. અહીં રોકાનાર દરેક વ્યક્તિને રાત્રે અવાજો સંભળાય છે, રાત્રે ઊંઘમાં લોકો બબડે છે! સુહાસે એકતા તરફ જોયું અને કહ્યું, 'એકતા આપણે હવે નીકળવું જોઈએ'.
સુહાસ અને એકતા સામાન પેક કરી નીકળી રહ્યા હતા. એવામાં બાથરૂમમાંથી સુહાસે એના મમ્મીનો અવાજ સાંભળ્યો, સુહાસે દોડીને બાથરૂમમાં જોયું તો કોઈ પડછાયો દેખાયો અને એનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. બહાર આવીને જોયું તો એકતા ફરી ગાયબ હતી. સુહાસે બધે નજર કરી એવામાં ક્યાંક દૂરથી એકતાનો અવાજ આવતો હતો પણ ખબર ન પડી કે ક્યાંથી આવી રહ્યો હતો એ અવાજ? સુહાસે છેવટે દીવાલ પર કાન માંડ્યા તો એને ખ્યાલ આવ્યો કે દીવાલની અંદરથી એકતાનો અવાજ આવી રહ્યો હતો! સુહાસનાં પગ નીચેથી જમીન સરકી ગઈ! એ લગભગ ડરથી રડી પડ્યો. દોડીને હોટેલ સ્ટાફની તપાસ કરી અને રિસેપશન પર જોયું તો કોઈ ન દેખાયું. ડ્રાઇવરને ફોન કર્યો તો એ પણ સ્વિચ ઓફ!
સેવન્થ માઈલની આફત શરૂ થઈ ચૂકી હતી. સુહાસની જિંદગી ઝોલા ખાઈ રહી હતી! શું થઇ રહ્યું હતું આ બધું? પેલો ડ્રાઇવર અને હોટેલ સ્ટાફ ક્યાં ગાયબ હતો?
(ક્રમશ: )
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર