સેવન્થ માઈલ (પ્રકરણ છ)
એકતાનો અવાજ દીવાલમાંથી જ આવી રહ્યો હતો, સુહાસે જેમ તેમ કરીને કોસથી દીવાલ ખોદીને એકતાને બહાર કાઢવાના પ્રયત્નો કરેલા, એક ફકીરનો ભેટો થયો હતો જે મદદ કરવા સુહાસ સાથે આવેલો. ફકીરના કહેવા મુજબ એ આખો હોટેલ સ્ટાફ થોડાં વર્ષો પહેલા આવેલા ધરતીકંપમાં મૃત્યુ પામ્યો હતો! ફકિરનાં મંત્રોચ્ચાર વચ્ચે એકતાનો દીવાલ તૂટી પડવાથી નીચે ઘા થયો, સુહાસે એકતાને જોઈ તો એનાં માથામાંથી લોહી વહી રહ્યું હતું.
ખબર નહીં, પોલીસ અહીં કોણે બોલાવી હતી પણ પોલીસે આવતાની સાથે જ સપાટો બોલાવ્યો હતો, સુહાસના રૂમમાં ફોટોગ્રાફી, ફિંગર પ્રિન્ટ્સ લેવાનું શરૂ થઈ ગયું હતું. સુહાસ કંઈ બોલે એ પહેલા તો એને પોલીસ સ્ટેશન લઈ જવા વાન આવી ગઈ હતી, બીજી તરફ એકતાને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવીને નીકળી ગઈ હતી. સુહાસ અજાણ હતો એની સાથે શું થઈ રહ્યું હતું, પોલીસને કો-ઓપરેટ કરી પોતે જ શું થઈ રહ્યું હતું એનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.
સુહાસ સાથે પ્રાથમિક પૂછપરછ પરથી પોલીસને સુહાસનો ટ્રેક રેકોર્ડ ચોખ્ખો લાગ્યો, પણ પોલીસને હોટેલનાં ભેદી અનુભવો પર બહુ વિશ્વાસ ન બેઠો. અહીં એકતાને હોસ્પિટલમાં આઇસીયુમાં ભરતી કરવામાં આવી હતી. સુહાસ એ જ હોટેલ પર ફરી ગયો, ત્યાં એને હોટેલનો સ્ટાફ દેખાયો, એટલું જ નહીં ત્યાં જાણે એવું કંઈ બન્યું જ નહોતું એવું લાગતું હતું! સુહાસ એ રૂમમાં ગયો, ત્યાં પેલી દીવાલ એકદમ યથાસ્થિતિમાં હતી, બિલકુલ તિરાડ કે કોઈ નુકસાન નહીં. સુહાસે રૂમનો દરવાજો બંધ કર્યો અને નહાવા માટે બાથરૂમમાં ગયો. સતત મગજમાં એકતાનાં વિચારો ચાલી રહ્યા હતા, પણ સુહાસને એકતા કઈ હોસ્પિટલમાં છે એ ખ્યાલ ન હોવાથી એ ઈચ્છવા છતાં જઈ ત્યાં નહોતો શક્યો. એકતા કઈ હોસ્પિટલમાં છે એની પોલીસે એને જાણકારી ન આપી એ પણ મોટો સવાલ હતો.
નહાઈને બહાર નીકળ્યો અને સુહાસના હોંશ ઊડી ગયા, સામે એકતા એકદમ પારદર્શક વસ્ત્રોમાં ઇન્વાઈટિંગ અદામાં ઊભી હતી. સુહાસ કંઈ વિચારે એ પહેલા તો એકતા એને બેડ પર લઈ જઈ ને એકસાઇટ કરવા લાગી, સુહાસનું મગજ બહેર મારી ગયું કે આઇસીયુમાં એકતા છે તો આ કોણ છે? પણ એ હોશ ગુમાવી બેઠો અને અહીં એકતા સાથે સેક્સ કરી બેઠો!
એકતાએ સુહાસને જરા પાસે લઇને ફરી થોડી કીસ કરી અને કહ્યુ, ‘કેમ આટલો ટેન્સ દેખાય છે? શું થયુ છે તને?’ સુહાસે એકતા જેવી દેખાતી એ સ્ત્રીને ધક્કો માર્યો, ગુસ્સામાં બબડ્યો ‘કોણ છો તું જે એકતાનાં વેશમાં આવી છે અહીં?’ પેલી સ્ત્રીએ પોતાનાં વસ્ત્રો સરખા કર્યા, વાળ આગળથી પાછળ કર્યા. જોકે એ બોલવાનું શરુ કરે એ પહેલા જ સુહાસે પેલી સ્ત્રીને મારવા માટે હાથ ઉગામ્યો. પેલી સ્ત્રીનો અવાજ બદલાયો, અત્યાર સુધી એનાં મોઢામાંથી એકતાનો જ અવાજ આવી રહ્યો હતો, પણ હવે એ કોઈ ભયાવહ ડાકણ જેવી ત્રાડ પાડી રહી હતી!
થોડી જ પળોમાં એ સ્ત્રી સુહાસની મમ્મીનો અવાજ કાઢવા લાગી અને થોડી વારમાં એકતાના દાદાનો! સુહાસ ત્યાં જ ડરથી ફસડાઈ પડ્યો પણ હિંમત રાખી ફરી ઊભો થયો અને બહાર ભાગવા ગયો અને દરવાજો જોરથી બંધ થયો.
આજે સુહાસને એનો અંત દેખાઈ ગયો હતો. પેલી સ્ત્રી સુહાસની નજીક આવી ગઈ, રૂમની લાઇટ્સ બંધ થઈ ગઈ. સુહાસની ચીસ આજુબાજુનાં વાતાવરણમાં સમાઈ ગઈ. સવારે લગભગ આઠ વાગ્યા હતાં, સુહાસનો ફોન રણક્યો. સુહાસ ઉઠ્યો તો આજુબાજુ કોઈ નહોતું, પેલી સ્ત્રી ગાયબ હતી. આવેલા નંબર પર કોલ-બેક કરી સુહાસે એકતાની ભાળ મેળવી. સેવન્થ માઈલથી લગભગ 35 કિલોમીટર દૂર યમથાંગ નામનાં ગામની હોસ્પિટલમાં એકતા એડમિટ હતી, સુહાસે એકતાને જોઇ હાશકારો અનુભવ્યો.
અત્યારે સાચો સમય નહોતો બધુ કહેવાનો, ડોક્ટરે ઓબ્ઝર્વેશન કરી એકતાને રજા આપી. એકતાને લઈ સુહાસ સેવન્થ માઈલ ગયો. સેવન્થ માઈલની એ હોટેલની જગ્યા પોલીસે સીલ કરી દીધી હતી. જાણવા મળ્યું કે લગભગ વીસેક જેટલા હાડપિંજર ત્યાંથી બરામદ થયા હતાં.
એકતા અને સુહાસ જે રૂમમાં રોકાયા એ રૂમમાં લગભગ દસ વર્ષ પહેલા એક નવપરિણીત યુગલ અહીં આત્મહત્યા કરી મોત પામેલું. આશ્ચર્ય એ વાતનું હતું કે બંનેનાં શરીર પર કેટલાક ભેદી નિશાન દેખાયેલા.
આ હોટેલની જગ્યાનો જ પ્રભાવ હતો કે અહીં સતત પેરાનોર્મલ એક્ટિવિટીઝ થતી હોવાનું નોંધાયું છે. સુહાસ અને એકતા બંને ફરી પેલિંગ જઇને આવ્યા, પેલા વિન્ડ ચાઇમ્સ ત્યાંનાં લોકલ આદિવાસીઓ લગાવતા હતાં, જંગલ તરફથી જે પ્રકાશ દેખાતો એની પાછળ કેટલાક ગુઢ રહસ્યો અને કોઈ ઠેકાણે વુડૂના પ્રયોગો પણ થતાં.
હા, મનોચિકિત્સક સાથેના કેટલાક સેશન્સથી એટલું સામે આવ્યું કે મમ્મી અને દાદાના જે અવાજ સંભળાતા હતા એ કદાચ ભ્રમ હોઇ શકે કારણકે એનો નક્કર પુરાવો ક્યારેય ન મળી શક્યો. બાગડોગરાથી વળતી ફ્લાઈટમાં આવતી વખતે અમદાવાદનાં આકાશમાં વાદળો વચ્ચે સુહાસ અને એકતા તાકી રહ્યાં, પ્રેતશક્તિ જેવું કઇંક તો હતું, સુહાસે જેની સાથે સેક્સ કરેલું એ સ્ત્રી કોણ હતી એ વાત એ ક્યારેય ઉચ્ચારી ન શક્યો.
બે વર્ષ પછી આજે સુહાસ અને એકતા પોતાનાં આવનારા બાળકની રાહ જોઇ રહ્યાં છે. રહી રહીને હજુ એમને સેવન્થ માઈલ યાદ આવ્યાં કરે છે. એકતાનાં ગર્ભમાં જે બાળક હતું એ એને સતત કંઈ કહેતું હોવાનો એકતાને આભાસ થતો. સમય સાથે બધી યાદો અને ઘા તો રૂઝાઈ ગયા પણ સેવન્થ માઇલની એ હોટેલ આજે પણ હયાત છે. કોઈ નવા સુહાસ અને એકતા ત્યાં આવે એની એ રૂમ રાહ જોયા કરે છે.... કશું ન બનવા છતાં પણ ઘણું બધું બની રહ્યું હતું.
(સમાપ્ત)
ગુઝબમ્પ:
આવતા અઠવાડિયાથી વાંચો નવી વાર્તાઓ, ઘટના અને ભેદ ભરમની કેટલીક ઓર દાસ્તાન.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર