સેવન્થ માઈલ (પ્રકરણ ત્રણ)

15 Jun, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

સુહાસ અને એકતા સાથે દાર્જીલિંગમાં જે કંઈ થઇ રહ્યું હતું, એ સિલસિલો ગંગટોકમાં પણ ચાલું રહ્યો હતો! બલકે, ગંગટોકમાં પહેલી રાતથી જે કંઈ બની રહ્યું હતું એ ખૂબ જ અજુગતું હતું. ગંગટોકની હોટેલ બહારના વૃક્ષો પર પણ કોઈ વિન્ડ ચાઇમ્સ લગાવી ગયું હતું. આજુબાજુનાં વિસ્તારનાં પ્રાણીઓનાં મૃતદેહો મળી આવ્યા હતા! એટલું જ નહીં, રાત્રે એક વાગ્યે બાથરૂમ પાસેથી અને રૂમની બારીની બહારથી સુહાસને એની મમ્મીનો અવાજ સંભળાતો, જે વડોદરામાં તો હતા જ! એકતાને પણ રાત્રે એક વાગ્યે એનાં મૃત્યુ પામેલા દાદા કોઈ મદદ માટે અવાજ લગાવતા હોય એવું લાગ્યું! વધુ ડરામણી વાત એ હતી કે સુહાસને એકતાનાં દાદાનો અવાજ સંભળાતો નહોતો કે ન તો એકતાને સુહાસની મમ્મીનો અવાજ સંભળાતો.

બીજી સાંજે સુહાસ ખૂબ જ હેરાન હેરાન લાગતો હતો. એકતા સતત એને પૂછતી હતી કે એને શું થયું છે? ફાયનલી એકતાથી રહેવાયું નહીં અને એકતાએ આખી આપવિતી સુહાસને સંભળાવી. સુહાસ તો કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં આવી ગયો હતો! સુહાસે આજે નક્કી કર્યું હતું કે, એકતાને સૂવાડીને આજે એ આખી રાત ચોકીપહેરો કરશે જ. રાત પડી અને બંનેએ મસ્ત મજાનું મેક્સિકન ક્યુઝિન લીધું અને બંને સૂવા જતા રહ્યા. સુહાસને રાત્રે સાડાબારે જ રૂમની બાલ્કની તરફથી કેટલોક અવાજ સંભળાયો. સુહાસે સફાળા જાગીને પડદો ઉંચકીને જોયું તો કોઈ બે વ્યક્તિ એકબીજા સાથે વાતો કરી રહી હતી, સુહાસે કાન સરવા કર્યા પણ ખબર પડી નહીં. એટલું જરૂર હતું કે એ લોકો કોઈ ભેદી ભાષામાં જ વાતો કરી રહ્યા હતા, જે ભાષા આપણા ગ્રહ પર કોઈ બોલતું ન હતું.

સુહાસે દોડીને સાઈડ ટેબલ ખોલીને એક ટોર્ચ હાથમાં લીધી અને ટોર્ચથી પ્રકાશ ફેંક્યો, એકદમ સ્પષ્ટ રીતે બે જણની આકૃતિઓ કે જેને અંગ્રેજીમાં 'સિલહટી' કહેવાય એ દેખાઈ! સુહાસે હાથમાં ટોર્ચ પકડીને દરવાજો ખોલ્યો અને આજુબાજુ જોયું પણ અવાજ અને પેલી આકૃતિઓ બધું જ ગાયબ હતું! સુહાસને સખત ડર લાગ્યો પણ પોતાની જાતને મનોમન હિંમત આપી રહ્યો હતો. સુહાસે અંદર આવીને પાણી પીધું અને એકતાને શાંતિથી સૂતેલી જોઇને હાશ થઇ. પોતે સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ કોઈ દસેક મિનિટ થઇ હશે કે એકતા અચાનક ચીસો પાડવા લાગી! સુહાસે એકતાને શાંત કરી, પણ એકતાનાં મોઢામાંથી કોઈ બીજી સ્ત્રીનો અવાજ આવી રહ્યો હતો અને એ બીજું કોઈ નહીં પણ સુહાસની મમ્મીનો જ અવાજ હતો.

સુહાસને પરસેવો વળી ગયો, તરત દોડીને એણે ફોન હાથમાં લીધો પણ નેટવર્ક ગાયબ હતું! ગુસ્સામાં સુહાસે ફોન પછાડ્યો અને પાછળ વળી જોયું તો એ લગભગ થીજી ગયો! પાછળ જોયું તો બેડ પર એકતા હતી જ નહીં. દોડીને બધે જોયું પણ એકતા ક્યાંય નહીં... બાથરૂમમાં જોયું તો ત્યાં પણ એકતા નહોતી! અચાનક સુહાસનું ધ્યાન રૂમની બહાર પડેલી પોતાની કાર પર પડ્યું. એકતા કારનાં રુફટોપ પર બેઠી હતી અને ઇશાન ખૂણા તરફ આવેલા જંગલની સામે તાકી રહી હતી! બહાર કાતિલ ઠંડી હતી અને એકતાએ માત્ર નાઈટી પહેરી હતી એટલે સુહાસને શોક લાગ્યો. એ તરત બહાર દોડ્યો તો લાગ્યું કે જાણે એ ખબર જ નથી કે પોતે એને લેવા બહાર આવ્યો છે! સુહાસે એકતાનો હાથ ખેંચ્યો તો એકતાને ખબર જ પડી. એકતાનો હાથ જાણે કોઈ ભારે ભરખમ હથોડો હોય એમ સુહાસથી ઊંચકાયો જ નહીં, એને નવાઈ લાગી કે આ બધું શું ચાલી રહ્યું છે?

સુહાસે માંડ માંડ એકતાને ખેંચીને અંદર લીધી અને એ રૂમમાં પ્રવેશ્યો. બેડરૂમમાં જઈને સુહાસે જોયું તો એકતા ત્યાં ઓલરેડી આરામ કરી રહી હતી. તરત પાછળ જોયું તો જેને એ એકતા સમજતો હતો એ સ્ત્રી પાછળ હતી જ નહીં! આ બધુ જોઈને સુહાસને ચક્કર આવવા લાગ્યા અને બેશુદ્ધ જેવી એની હાલત થઇ ગઈ. તરત એકતાની આંખો ખૂલી અને એકતાએ સુહાસને પૂછ્યું શું થયું સુહાસ? સુહાસ નીચે ફર્શ પર પડી ગયો હતો. એકતાએ દોડીને જાણે કંઈ થયું જ ન હોય એ રીતે સુહાસને હલાવીને પૂછ્યું! સુહાસ ઊભો થયો અને પથારીમાં જઈને આડો પડી ગયો. એકતા પણ સુહાસને ગળે વળગી ફરી સૂઈ ગઈ.

સવાર પડવાને હજુ વાર હતી. ઘડિયાળમાં લગભગ સાડાત્રણ વાગ્યા હતા. સુહાસની આંખો ખૂલી ગઈ કારણ કે, એને ફરી કોઈ અવાજ સંભળાવા માંડ્યા હતા. બાજુમાં જોયું તો એકતા હતી જ નહીં, દોડીને દરવાજો ખોલ્યો અને એણે જે નજારો જોયો એ સુહાસની જિંદગીમાં જોયેલો સૌથી બદતર અને ડરામણો નજારો હતો. એકતા એકદમ સ્પિડમાં જંગલ તરફ ચાલી રહી હતી. સુહાસે બુમો પાડી એકતાને રોકી પણ બધું બેઅસર હતું! એકતાનો પીછો કર્યો તો એકતા દોડવા લાગી! જંગલ તરફથી કેટલાક અવાજો આવી રહ્યા હતા, કેટલાક પ્રકાશના ઓળા દેખાઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અરિસાથી પ્રતિબિંબ પાડી રહ્યું હતું!

સુહાસને આજે લાગ્યું કે એણે એકતાને કાયમ માટે ગુમાવી દીધી છે! બીજા દિવસે ગંગટોકથી પેલિંગ જવાનું હતું અને રસ્તામાં સેવન્થ માઈલ નામનું એક ગામ આવવાનું હતું, જે સુહાસની જિંદગી બદલાવી નાખવાનું હતું! સવાર પડી ગઈ હતી, ફોન નેટવર્ક વગર ડેડ પડ્યા હતા. સુહાસ હાંફળોફાંફળો રેન્જર ઓફિસર અને હોટેલનાં માણસોની મદદથી એકતાની શોધમાં લાગી ગયો હતો!

ગુઝબમ્પ:

સુહાસ એકતાને શોધી શકશે? જંગલમાં કોણ હતું? એકતા ક્યાં ગાયબ થઇ ગઈ? સેવન્થ માઈલમાં શું થવાનું હતું? જાણો બધા જવાબો આવતા બુધવારે હોરર કાફેના નેક્સ્ટ એપિસોડમાં!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.