સેવન્થ માઈલ (પ્રકરણ બે)
10 ડિસેમ્બરે એકતા અને સુહાસ દાર્જિલિંગ માટે નીકળેલા અને પછી ત્યાંથી ગંગટોક પહોંચવાના હતા. 14 ડિસેમ્બરની રાત્રે ગંગટોકની હોટેલમાં ચેકઇન કર્યું. રૂમનાં એકદમ કોઝી અને આરામદાયક બેડ પર એકતા અને સુહાસ આડા પડ્યા અને ગણતરીની પળોમાં એમને ઊંઘ ચઢી ગઈ.
લગભગ એકાદ કલાક થયો હશે અને બાથરૂમમાં કઇંક ખખડયું. સુહાસની ઊંઘ ઉડી ગઈ, તરત બાથરૂમમાં જઈને જોયું તો બધું બરાબર હતું. લાઈટ ઑન કરી ટપકતો નળ બંધ કર્યો. થોડી વારમાં સુહાસને ઊંઘ આવી ગઈ અને ફરી થોડી વારે કેટલાક અસ્પષ્ટ અવાજો થયા. સુહાસ ઊંઘમાં હતો, પણ એને લાગ્યું કે જે અવાજ આવે છે એ બીજા કોઈનો નહીં પણ એની મમ્મીનો જ હતો. મમ્મી તો છેક વડોદરામાં હતી. સુહાસે ફરી લાઈટ ચાલું કરીને બાથરૂમની દિશામાં જોયું. હજુ પણ મમ્મીનો અવાજ અસ્પષ્ટ રીતે આવી રહ્યો હતો અને એનું હ્રદય ઝડપથી ધબકતું હતું.
સુહાસને ડર અને નવાઈ બંને લાગ્યા. અંદરથી એ ખૂબ ગભરાઈ ગયો હતો પણ એકતાને જો એ કહેશે તો એકતા પણ ડરી જશે. એટલે એણે એનું બિહેવિયર નોર્મલ રાખ્યું. માંડ માંડ ઊંઘ આવી અને સવાર પડી. ગંગટોક ફરવા નીકળા અને બપોરે લગભગ સાડા ત્રણે પરત ફર્યા. હોટેલની આસપાસ બહુ જ પવન ફૂંકાઈ રહ્યો હતો. દેવદાર, કદંબ, મહોગનીનાં ઊંચા વૃક્ષો અને ગુલમહોર અને વડલાઓ પર કોઈ વિન્ડચાઈમ્સ લગાવી ગયું હતું. રસ્તામાં કેટલીક જગ્યાએ મરેલા ઉંદર, સસલા, અને કબૂતરો મરેલા પડ્યા હતા.
કાગડાઓ રાબેતા મુજબ એ બધું ચૂંથી રહ્યા હતા. હોટેલ સ્ટાફ એ બધી ગંદકી સાફ કરાવી રહ્યો હતો. સુહાસ અને એકતા પેલા વિન્ડચાઈમ્સ અને મરેલા પ્રાણીઓને જોઈને હેબતાઈ ગયા હતા. હોટેલ સ્ટાફ સાથે વાત કરતા ખબર પડી કે આવું પહેલી વાર જ થયું હતું. હોટેલ રૂમ પર જઈને સ્કાઇપ પર સુહાસે એની મમ્મી સાથે વાત કરી ખબરઅંતર પૂછ્યા પણ, સુહાસ હજુ સુધી ગઈ રાતનો બનાવ ન તો મમ્મી કે ન તો એકતાને કહી શક્યો હતો.
સિક્કિમ ફરવાનું તો દૂર પણ હજુ અહીં બીજા 10 દિવસ કાઢવાનાં હતા. રાત્રે સ્કાઇપ કોલ પતાવીને સુહાસ બાથરૂમમાં ગયો અને બહાર આવ્યો તો એકતા રૂમમાં નહોતી!
બહાર જઈને લોબીમાં જોયું તો એકતા ચીસો પાડી રહી હતી. દોડીને એકતાને હગ કરી સુહાસે પૂછ્યું તો ખબર પડી કે એકતાને એના દાદા દેખાયા હતા! એટલું જ નહીં પણ દાદા કઇંક બોલી પણ રહ્યા હતા. હકીકત એ હતી કે દાદા તો પાંચ વર્ષ પહેલા જ સ્વર્ગવાસ પામ્યા હતા! એકતા ધ્રુજી રહી હતી. સુહાસે એકતા ને વાતોમાં પરોવી દીધી અને થોડી હળવી કરીને સુવડાવી દીધી.
ફરી રાત્રે એક વાગ્યો અને સુહાસને બાથરૂમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો. સુહાસે આ વખતે જોયું કે અવાજ બાથરૂમથી બહાર નીકળીને પાછળ જંગલ તરફ જતો હતો. કોઈ માણસ ત્યાંથી પસાર થઈને બહાર નીકળી રહ્યું હોય એવું જ એને લાગ્યું! સુહાસ તો કેટલીય હોલિવુડ હોરર ફિલ્મો જોઈ ચૂક્યો હતો, શાલ ઓઢી હાથમાં ટોર્ચ લઈને એ બહાર નીકળ્યો અને મમ્મીનો અવાજ ફૉલો કરી એણે સ્પષ્ટ રીતે જોયું કે દૂર જંગલ તરફ જતો રહ્યો અને ત્યાં કઇંક ભેદી પ્રકાશ થતા પણ જોયા.
બીજા દિવસે બધી હકીકત સુહાસે એકતાને કહી દીધી. એ રાત્રે બંનેએ નક્કી કર્યું કે તેઓ જાગીને ચોકીપહેરો કરશે. ફરી એક વાગ્યો અને મમ્મીનો અવાજ સંભળાયો. સુહાસે એકતાને એ અવાજ સંભળાય છે એવું પૂછ્યું તો એકતાએ ના પાડી દીધી. બીજી તરફ એકતાને ફરી દાદાનો અવાજ સંભળાયો! પણ એ સુહાસને ન સંભળાયો. પોલીસ અને રેંજ ફોરેસ્ટ ઓફિસરને ફોન કરવા સુહાસે ફોન હાથમાં લીધો પણ નેટવર્ક આવતું જ નહોતું.
બારીની બહાર જોયું તો પેલા વિન્ડચાઈમ્સ જોર જોરથી વાગી રહ્યા હતા. બંને ને કઇં સમજાતું જ નહોતું, પેલો પ્રકાશ પણ જંગલ તરફ દેખાઈ રહ્યો હતો! દાદા અને મમ્મી કેમ દેખાઈ રહ્યા હતા? હજુ શું બનવા જઈ રહ્યું હતું? બહાર જઈને સુહાસે જોયું તો આખી હોટેલનો સ્ટાફ જ ગાયબ હતો!
ક્યાં ગયો સ્ટાફ એ વિચારીને જ સુહાસ અને એકતાને પરસેવો છૂટી ગયો હતો. બંને જણ રૂમમાં ભરાઈ ગયા હતા. ફોનની ઘંટડી વાગી અને સુહાસે ફોન ઉંચક્યો તો સામે મમ્મીનો અવાજ સંભળાતો હતો. એકતાએ હાથમાંથી રિસીવર ઊંચકીને લીધું તો એને દાદાનો અવાજ સંભળાઈ રહ્યો હતો!
સુહાસ અને એકતા બરાબર રીતે મુસીબતમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ પરત જઈ શકીશું કે કેમ એ પણ એક સવાલ હતો. સવાર પડવામાં બહુ સમય લાગી ગયો હતો.
(ક્રમશ:)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર