સેવન્થ માઈલ (પ્રકરણ એક)

01 Jun, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

અમદાવાદથી સિક્કીમ જવાનો પ્લાન બન્યો ત્યારથી એકતા અને સુહાસ બંને ખૂબ જ એક્સાઈટેડ હતા. ઈસ્ટ ઈન્ડિયા એમ પણ ક્યારેય જોયું નહોતું અને સિંગાપોર-મલેશિયા-થાઈલેન્ડ એમણે ઓલરેડી જોઈ લીધા હતા એટલે ભારતને એક્સપ્લોર કરવાનું કહો કે એક સપનું હતું એમનું. કેમેરા, કેમકોર્ડર, બાયનોક્યુલર વગેરે સજ્જ હતા.

10 ડિસેમ્બરની અમદાવાદથી બાગડોગરા જવા માટેની એમની ફ્લાઈટ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 5.30નું ફેસબુક ચેકઈન કરવાની મજા જ કંઈક અલગ આવી રહી હતી. બાગડોગરાથી દાર્જિલિંગ થઈને ત્રીજા દિવસે ગંગટોક જવાનું હતું. એકતા અને સુહાસ બંને કોલકતા અર્ધા કલાકનાં લે-ઓવર ટાઈમ પછી બાગડોગરા જવા નીકળેલા.
પણ કોલકાતાથી ટેકઓફ લીધા પછી એવું તો શું થયું કે અચાનક પ્લેન હવામાં ઝોકાં ખાઈને હલવા માંડ્યું. ખૂબ જ પેનિક ફેલાઈ ગયું. ફ્લાઈટ અટેન્ડન્ટે શાંતિ જાળવવાનું કહ્યું. એકતાને કંઈક ગરબડ થશે એવું ફીલ થઈ રહ્યું હતું. સુહાસે એકતાને શાંત પાડી ખોટો ઉચાટ ન કરવા કહ્યું. એકતા માંડ માંડ માની અને આંખ મીંચીને બેસી રહી. બપોરે લગભગ 4 વાગ્યે ફ્લાઈટ બાગડોગરા એરપોર્ટ પર લેન્ડ કરી ચૂકી હતી.

સુહાસ અને એકતા કારમાં દાર્જિલિંગ જવા નીકળ્યા અને રસ્તામાં નકસલબારી ગામ પાસે કાર બગડી. હજુ તો રસ્તામાં ખૂબસૂરત હિલ સ્ટેશન મિરિક પણ આવી રહ્યું હતું. ડ્રાઈવર બંગાળી હતો અને ભાંગીતૂટી હિન્દી બોલી રહ્યો હતો. સુહાસે સિગરેટ સળગાવી, એકતાને ખબર હતી કે સુહાસ ટેન્શનમાં હોય ત્યારે જ સિગરેટ સળગાવે !

જોકે થોડી મથામણ કરી ત્યાં કાર શરૂ થઈ ગઈ અને બંનેને હાશકારો થયો, મિરિક આવતા લગભગ સાંજના સાડા પાંચ વાગ્યા હતા. પણ પૂર્વ ભારતમાં તો આ સમયે ઘેરું અંધારું થઈ જવું સામાન્ય વાત છે. મિરિકમાં એક સરસ તળાવ હતું. ત્યાં થોડા પિક્ચર્સ ક્લિક કર્યા અને પછી ગુજરાતની ભેળ અને ત્યાં 'જાલમુરી' તરીકે ઓળખાતી ચાટ ખાધી.

દાર્જિલિંગ પહોંચતા આઠ વાગી ગયા હતા, તાપમાન-7 ડિગ્રી હતું. રિસોર્ટમાં પહોંચીને હિટર ઓન કર્યું. સામાન ગોઠવી આગ જલાવી એટલે રૂમમાં થોડો ગરમાવો આવ્યો! સુહાસ અને એકતા ખૂબ જ થાકેલા હોવાથી લગભગ 10 વાગ્યે તો સૂઈ ગયા હતા. રાત્રે શેક કરવા હોટ વોટર બેગ્સ આવી ગઈ હતી. લગભગ સાડા બારે એકતાએ અચાનક ચીસ પાડી. તરત સુહાસે લાઈટ ચાલુ કરી તો ખબર પડી કે એકતાને ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો! હોટ વોટર બેગ્સ તો ઈલેક્ટ્રિક સોકેટથી દૂર હતી તો પછી કરંટ કેવી રીતે લાગ્યો?

એકતા દર્દથી કાંપી રહી હતી. સુહાસે માંડ માંડ એકતાને સૂવડાવી અને બાલ્કનીમાં જઈ ટેન્શનમાં વધુ એક સિગરેટ સળગાવી. સુહાસે કેટલાક લોકોને નીચે તાપણામાં હાથ શેકતા જોયા પણ ઠંડી એટલી કાતિલ હતી કે ઝાઝી વાર એ બાલ્કનીમાં ઊભો ન રહી શક્યો.

રૂમમાં જઈ ટીવી ઓન કર્યું અને થોડા નેપાળી ગીતો જોયા! ગીતમાં કંઈ સમજમાં નહોતું આવતું પણ એ નેપાળી હિરોઈન્સ જોવી ગમે એવી હતી એટલે સુહાસ એ ગીતો જોઈ રહ્યો હતો. બાથરૂમમાં જોયું તો કેટલાક ભેદી આંકડાઓ ચીતરેલા હતા જાણે કે કોઈ શૂનચોકડીની ગેમ. સુહાસને આ બધું દિમાગમાં નહોતું. ટાઈગર હિલ્સ, પેગોડા ટેમ્પલ વગેરે જોયા પછી એ લોકો છાંગુ લેક અને ઝીરો પોઈન્ટ જવા નિકળવાના હતા.

14 ડિસેમ્બરે દાર્જિલિંગથી ગંગટોક જવા સુહાસ અને એકતા નીકળી ગયા હતા. દાર્જિલિંગના રિસોર્ટમાં જે ભેદી આંકડાઓ દેખાયેલા એ વિશે અને હોટ વોટર બેગ્સથી ઈલેક્ટ્રિક કરંટ કેમ લાગેલો એના વિશે કોઈ ખુલાસા નહોતા મળેલા. ગંગટોકમાં મોબાઈલ નેટવર્ક આવવાનાં ચાન્સીસ ઓછા હતા.

સુહાસ અને એકતા ગંગટોકની એક લકઝુરિયસ હોટેલમાં ઉતરેલા, જે મેઈન સિટીથી લગભગ 20 કિલોમીટર જેટલી દૂર હતી. રાત્રે 10 વાગ્યે અહીં પણ સન્નાટો થઈ ગયો હતો. પણ સુહાસ અને એકતાને એક દિવસ પછી શું થવાનું હતું એનો સહેજ પણ ખ્યાલ નહોતો !

(ક્રમશઃ)

ગુઝબમ્પસ :
આવતા અઠવાડિયે વાંચો ભેદી અનુભવો, હૃદયનાં ધબકારા બેસાડી દે એવી સુહાસ અને એકતાની ટ્રિપનો બીજો ભાગ...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.