રોડટ્રિપ, છ દોસ્તો અને એક નકશો!
સાંજે સાડા સાત વાગવા આવ્યા હતા. જિપ્સી વાયુવેગે જઈ રહી હતી અને અરિજિત સિંઘના સૌમ્ય ગીતો વાગી રહ્યા હતા. છ દોસ્તો હિરેન, નિખિલ, અર્પણ, ચિરાગ, આયેશા અને નેહા અમદાવાદથી લગભગ 180 કિલોમીટર દૂર આવેલા પ્રખ્યાત હિંગોળગઢનાં જંગલ જોવા નીકળી પડ્યા હતા. અંધારું ખાસ્સું એવું થઈ ચૂક્યું હતું. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એવામાં અર્પણનું ધ્યાન રસ્તાની ડાબી બાજુએ આવેલા એક બોર્ડ પર ગયું, જેના પર એક મસમોટો નકશો ચોંટાડેલો હતો. અર્પણ પોતે જ ડ્રાઈવ કરી રહ્યો હતો એટલે તરત ક્યુરિયોસિટીથી એણે કારને બ્રેક મારી અને કાર ત્યાં જ ઊભી રહી ગઈ. અરિજિત સિંઘના મખમલી ગીતો વાગી રહ્યા હતા એ પણ એ સાથે જ બંધ થઈ ગયા. રસ્તા પર ખાસ કોઈ ચહલપહલ નહોતી એટલે એક અજીબ ખામોશીનો માહોલ છવાઈ ગયો. બાકીના પાંચેય દોસ્તો અર્પણને પૂછવા લાગ્યા, 'ભાઈ એવું તો શું થયું કે આમ અચાનક કારને રોકી?'
અર્પણની સાથે બધા કારમાંથી બહાર આવ્યા અને અર્પણે જવાબ આપ્યા વગર જ પેલો નકશો એ બોર્ડ પરથી ઉખાડી હાથમાં લીધો. હાથમાં લેતા એ થોડો અજીબ લાગ્યો, જોકે આમ દેખાવમાં કોઈ સામાન્ય નકશા જેવો જ એ લાગતો હતા. છતાં અર્પણ અને બીજા પાંચેય દોસ્તોને એમાં ઈન્ડિયાના જોન્સ સિરીઝ જેવી થ્રિલ લાગી એટલે એ નકશો ફોલો કરવાનું વિચાર્યું! નકશો બધા જોઈ જ રહ્યા હતા એવામાં પાછળ પાર્ક કરેલી કારનું હોર્ન અચાનક વાગવા લાગ્યું! નવાઈની વાત હતી! આયેશા દોડીને કાર તરફ ગઈ અને જોયું તો કારનું હોર્ન દબાયેલું જોવા મળ્યું! આવું કેવી રીતે બન્યું એ વિચારોમાં બહુ મગજ ન ખપાવીને આયેશા એ દબાયેલો ભાગ બરાબર કરી હોર્ન બંધ કર્યું. પણ જેવી પાછળ વળી કે તરત ફરી હોર્ન શરુ થઈ ગયું. આયેશા ખૂબ જ ગભરાઈ ગઈ, એણે તરત અર્પણને બૂમ પાડી. કશુંક એવું થઈ રહ્યું હતું જે બેહદ ખતરનાક લાગી રહ્યું હતું.
તરત જ છએ છ જણે ત્યાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો અને તેઓ કાર તરફ દોડ્યા! કારની અંદર ગોઠવાયા પછી અર્પણે ચાવી ભરાવી અને તરત જ ગાડી મારી મૂકી. કાર હજુ માંડ 200 મીટર જેટલી જ આગળ ગઈ હશે એટલામાં એ તરત ડચકા ખાઈને બંધ થઈ ગઈ. નિશા થાકી ગઈ હતી એટલે એ કારમાં જ બેસેલી હતી. અર્પણ, ચિરાગ અને હિરેન કારને પાછળથી ધક્કો મારી રહ્યા હતા, જ્યારે આયેશા અને નિખિલ કારને ડાબી અને જમણી તરફથી ધક્કો મારી રહ્યા હતા. કાર હવે ધીમે ધીમે આગળ જઈ રહી હતી. પણ થોડી વારે એક પછી એક તેઓ થાકવા લાગ્યા. લગભગ બધાનાં હાથ થાકી ગયા હતા, એમને હાંફ ચઢી રહી હતી.
નિખિલે કારની આગળથી પૂછ્યું ‘સૌ ધક્કા મારી રહ્યા છો ને?’ બધા એકબીજાની સામે જોવા લાગ્યા. જોકે જ્યારે સૌએ હાથ છોડી દીધા હતા તો કાર કોઈક બળથી આગળ વધી રહી હતી. એ પણ એકદમ સરળતાથી! એ બધાયને કંઈ જ એટલે કંઈ જ સમજમાં નહોતું આવી રહ્યું. છેવટે ગાઢ અંધારું થઈ જતાં સૌએ ત્યાં જ રોકાઈ જવાનું વિચાર્યું. એવામાં જ ચાલતા ચાલતા એક આલિશાન મહેલ જેવી હોટેલ દેખાઈ, જે દેખાવે એકદમ રજવાડી લાગી રહી હતી. બધા અંદર ગયા. જઈને જોયું તો ખાસ કોઈ ચહલ પહલ દેખાઈ નહીં. એવામાં જ એક સાપ રેંગતો રેંગતો હિરેનનાં પગને એટલો કાતિલ ડંખ મારતો ગયો કે હિરેન ત્યાં જ ઢળી પડ્યો!
દર્દ અને આઘાતથી બધા જ ચીસો પાડી ઉઠ્યા. જ્યાં બાકીનાં પાંચેય દોસ્તો ઊભા હતા એની પાછળનાં ઝાડનાં ભાગમાં ઘાસમાં કોઈ ચાલી રહ્યું હોવાનો આભાસ થયો અને કશુંક પથ્થર જેવા પદાર્થ જેવું ફેંકાયું જે એ બાજુ નજર કરી રહેલા ચિરાગના માથા સાથે અફળાયું. માથામાં વાગતા ચિરાગ પણ ત્યાં જ ઢળી પડ્યો. એવામાં ન તો મોબાઈલનું નેટવર્ક આવી રહ્યું હતું કે ન તો કોઈ મેડિકલ મદદની કોઈ આશા દેખાઈ રહી હતી. સૌ એકબીજાને આ જગ્યા સુધી આવવા માટે દોષ દેવા માંડ્યા એટલે અર્પણે એકદમ ઊંચા અવાજે બધાને ચુપ કરાવી આ પરિસ્થિતિમાં શાંત અને હળીમળીને રહેવાની વિનંતી કરી.
છ દોસ્તોમાંથી ચાર જ જણ બચ્યા હતા એ હકીકત જ કેટલી દર્દનાક અને ભયાવહ હતી! આખરે અર્પણની સલાહ માનીને સૌએ ત્યાં જ તંબુ બાંધવાનું નક્કી કર્યું. અર્પણ અને આયેશા કારમાંથી તંબુ બાંધવા માટેની જરૂરી વસ્તુઓ કાઢવા લાગ્યા અને નિશા તેમજ નિખિલ ખાવા-પીવાની વસ્તુઓ કાઢી રહ્યા હતા. સાથે જ તેઓ સ્વબચાવ માટે સાથે રહેલી છરી અને કેટલીક ધારદાર વસ્તુઓ કાઢી રહ્યા હતા. છએ છ દોસ્તોની ભાઈબંધી ઘણી પાક્કી હતી અને હિંગોળગઢ જેવી મનહૂસ જગ્યાએ આવીને એક પછી એક શું થઈ રહ્યું હતું? આવું બધું વિચારી વિચારીને અર્પણનું મગજ ફાટી રહ્યું હતું. જેમ તેમ કરી મોડી રાત થતાં સૌ કોઈ તંબુમાં સુવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
થોડી વાર આંખો લાગી જ હશે અને એકાએક નિખિલને કશુંક સળગતું હોવાનો અહેસાસ થયો. સાથેસાથે અર્પણનાં કાનમાં કોઈ સળવળાટ કરી રહ્યું હોય એવી રીતે સંભળાવી રહ્યું હતું કે તારી બેન આયેશા પર નિખિલ ખરાબ નજર નાંખી રહ્યો છે. તરત જ અર્પણ સફાળો જાગ્યો અને ઊભો થઈ તંબુની બહાર નીકળ્યો. જોયું તો નિખિલ અને નિશા જે તંબુમાં સૂતા હતા એ તંબુ સળગી રહ્યો હતો પણ અત્યારે અર્પણને એની તમા નહોતી. એ તરત નિખિલને મારવા દોડ્યો. એ મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો કે આ બધું તારા લીધે જ થઈ રહ્યું છે. તે જ હિરેન અને ચિરાગનાં ખૂન કરાવ્યા છે!
નિખિલ કે નિશા હજુ કોઈ પણ પ્રકારનો જવાબ આપે એ પહેલા જ સળગતા તંબુ પાસેથી કોઈની ચીસ સંભળાઈ એટલે ત્રણેય જણ એ તરફ દોડ્યા અને જે દૃશ્ય જોવા મળ્યું એ જોઇને ત્રણેય જણનાં હોશકોશ ઊડી ગયા. ત્યાં એક કપાયેલો હાથ રઝળતો પડ્યો હતો, જેના પર એક ઘડિયાળ બાંધેલી હતી અને એ હાથ બીજા કોઈનો નહીં પણ આયેશાનો જ હતો! બધી જ નફરત ભૂલીને ત્રણેય જણ આયેશાનો મૃતદેહ શોધવા લાગ્યા. દૂર એક ઢગલા પાસે કેટલાક કાગડા અંધારામાં કાં કાં અવાજ સાથે એક લાશને તીક્ષ્ણ ચાંચથી ખુરેદી રહ્યા હતા.
આખરે સવાર પાડવા આવી હતી. આ બધા વચ્ચે ત્રણેય જણની આંખો લાગી ગઈ હતી અને ઉઠ્યા ત્યારે નિખિલનાં શ્વાસ પણ બંધ પડી ગયા હતા. જાણે કે આજે સૌ ખતમ થઈ જવાનાં હતા. અર્પણ અને નિશા બંને ઊઠીને આ બધું જોઈ રહ્યા હતા એવામાં એક વાત નોટિસ થઈ કે આજુ બાજુ ખાસ્સા લોકો ફરી રહ્યા હતા!
જે આલિશાન મકાન ગઈ રાત્રે દેખાઈ રહ્યું હતું એ મકાનમાં કેટલાક લોકોની અવરજવર પણ હતી. ચિરાગ-હિરેન-આયેશા-નિખિલ જેવા દેખાતા ચહેરાઓ પણ આ ભીડમાં ફરતા દેખાયા. અર્પણે પેલો નકશો જોયો અને અહીંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળવાનો પ્લાન બનાવ્યો. તેઓ દૂર પડેલી કાર તરફ ગયા અને એમાં તરત બંને બેસી ગયા. ત્યાં ડ્રાઈવર જેવા યુનિફોર્મમાં એક માણસ ચાલતો આવ્યો અને કહ્યું, ‘સર તમને મજા આવીને અહીં?’ અર્પણે કંઈ જ બોલ્યા વગર ખૂબ તીવ્ર ગતિએ કાર હંકારી. રાજકોટ હાઈવે તરફ કાર હંકારેલી એ રસ્તે જ પેલું બોર્ડ ફરી આવ્યું અને ત્યાં જ અર્પણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને ઝાડ સાથે એમની કાર અથડાઈ.
નિશા કારનો કાચ તોડીને બહાર નીકળી ગઈ હતી અને એનું શરીર લોહીમાં લથબથ હતું. અર્પણે પેલો નકશો કાઢી પેલા બોર્ડ પર લગાડ્યો અને હેમખેમ એ રાજકોટ પહોંચી ગયો! આજે પણ હિંગોળગઢનાં એ જંગલની આસપાસ એવું કહેવાય છે કે ત્યાં એ બોર્ડ પાસેથી કોઈ નીકળે અને એ નકશો ઉખાડે તો એકાદ વ્યક્તિ સિવાય કોઈ પાછું નથી ફરી શકતું!
ગુઝબમ્પ્સ:
“Believe only half of what you see and nothing that you hear.”
- Edgar Allan Poe (અમેરિકન લેખક, ક્રિટિક અને મિસ્ટ્રી જોનર રાઈટર)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર