અંધશ્રદ્ધાનો હો વિષય તો તર્કની શી જરૂર?

05 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

લેખનું શિર્ષક વાંચીને એવું માનવાની જરૂર નથી કે અહીં કોઈ રેશનાલિઝમની વાત કરીને ધાર્મિકતાનો અને શ્રદ્ધાનો વિરોધ કરવો છે. પણ આજે રૂટિન લાઈફની કેટલીક એવી વાતો કરવી છે, જે આપણા બધા સાથે ‘ચૂટકી મેં ચિપકાયે’ની જેમ ચોંટેલી છે. જી હા, 'આમ તો ન જ કરાય', 'આમ હવે કરવું પડશે', 'આમ કરવામાં આમ થશે તો?', 'આમ તો નહીં થાય ને?' સમર્થન, વિરોધ અને ડરની વચ્ચે આપણી વચ્ચે જીવતી કેટલીક માન્યતાઓ ક્યારેક આપણી આવડત અને કાબેલિયતને પણ કોરાણે મૂકી દેતી હોય છે. સારું ભણતર મેળવ્યા બાદ પણ આપણે એ માન્યતાઓ કે કેટલીક વાયકાઓના ચુંગાલમાંથી મુક્ત નથી થઈ શકતા.

સહેજ પણ દ્વેષ, નફરત કે પછી કોઈ વ્યક્તિગત પૂર્વગ્રહોથી પર એવી આ વાતો અહીં પ્રસ્તુત છે. એ વાતોને માનવી કે ન માનવી એ બેશક આપણા હાથમાં છે. પણ જાણે અજાણે એક ડરથી આપણે એને વશ થઈ જઈએ છીએ. આમાંની કેટલીક વાતો તો હવે આ 4G સમયમાં એકદમ હાસ્યાસ્પદ લાગી શકે, પણ છતાં એ માન્યતાઓ આપણા સમાજમાં પ્રવર્તે છે અને બહુધા પ્રજા એ માન્યતોનો શિકાર છે એ હકીકત છે.

  • પીપળા નીચે બેસીએ અને ‘ચાલ’ બોલાય જાય તો ત્યાંની આત્મા આપણી સાથે આવી આપણો પીછો કરી શકે છે!
  • છોકરીના લગ્નનાં થોડા દિવસો પહેલા રાત્રે ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ એટલી જ મિસ્ટિરિયસ છે, એને અમુક તમુક વસ્તુઓ કાંડા પર બાંધી દેવાથી પાછું શૈતાની તત્વોથી રક્ષણ મળે છે એવું પણ માનવામાં આવે છે.
  • દિવસ આથમ્યા પછી નખ કાપવાથી અપશુકન થાય.
  • હેડકી આવે કે વારંવાર બગાસા આવે તો સમજવું કે કોઈ યાદ કરે છે.
  • કાગડો ઘર નજીક બોલે કે પછી બે વ્યક્તિ એક સાથે કોઈ શબ્દ બોલી ઉઠે તો ઘરે મહેમાન આવે જ.
  • એકી એટલે કે ઓડ નંબર્સમાં છીંક આવવાથી અપશુકન થાય.
  • બિલાડી રસ્તો કાપે તો અકસ્માત થવાની સંભાવના રહે.
  • પ્રૅગનન્ટ  સ્ત્રીએ રાત્રે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે, એના આવનારા બાળક માટે એ સારું ન કહેવાય.
  • મંગળ-ગુરુ કે શનિવારે માથામાં તેલ ન નંખાય અને વાળ ન કાપવા જોઈએ.
  • ઘરમાં દૂધ ઢોળાય તો અચૂક કંઈક અપશુકન થાય અને જો કાચ ફૂટે તો કંઈક લાભ થાય.
  • માથા પર ગરોળી પડે તો અપશુકન થાય. પણ જો શરીરના અન્ય કોઈ હિસ્સા પર પડે તો લાભ પણ થાય!
  • જો સીડી દીવાલ પર ટેકવેલી હોય તો એની નીચેથી ચાલવું ન જોઈએ.
  • રસ્તા પર જો હાથી કે પછી લાલ સાડી પહેરેલી સ્ત્રી જોવા મળે તો એ શુકન કહેવાય.
  • બિલાડી કે કુતરું રડે તો અચૂક કોઈનું અવસાન થાય, કારણ કે કુતરાંને યમરાજાની નજીક માનવામાં આવે છે!
  • ઘરમાં કોઈનું મરણ થાય તો બાકીના લોકો ‘અશુદ્ધ’ કહેવાતા હોઈ, ૧૫ દિવસનું ‘સૂતક’ લાગે જેમાં મંદિરે ન જવાય અને ઘરમાં દીવો ન થાય.
  • તો ઘરમાં કોઈનો જન્મ થાય તો બાકીના લોકો ને ‘પિંદડુ’ લાગે, જેમાં અગેઈન ૧૫ દિવસ સુધી પૂજા ન થઈ શકે કે મંદિરે ન જઈ શકાય
  • અમાસ કે પછી પૂનમના દિવસે બને ત્યાં સુધી નવી મુસાફરી ટાળવી જોઈએ!
  • ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું ન જોઈએ!
  • રાત્રે ઘરમાંનો કચરો વાળીને જો બહાર ફેંકીએ તો ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ ન થાય!
  • બુધવારે કોઈ કાર્ય કરીએ તો એ બેવડાય. એટલે જ આપણે ત્યાં બુધવારે લગ્ન કરવાનું  ટાળવામાં આવે છે!
  • જતી વેળાએ કોઈને ‘ક્યાં જાઓ છો’ એવું પૂછવાથી એ લોકોનું કાર્ય સિદ્ધ નથી થઈ શકતું!
  • ચાવી ફેરવવાથી ઘરમાં ઝઘડો થાય. તો ખાટલા કે પલંગ પર બેસીને પગ હવામાં હલાવવાથી મા-બાપ પર ભાર આવે!
  • પિરિયડમાં કોઈ પણ ફિમેલ ‘અશુદ્ધ’ માનવામાં આવે છે, માટે એના કપડા-વાસણ-પથારી બધું જ અલગ!  ચાર-પાંચ દિવસનો આ વનવાસ કોઈ પણ છોકરીને અકળાવી દે છે. જોકે હવે આ બાબતે લોકોનું શિક્ષણ વધતા આવું વર્તન સાવ ઓછું થયું છે.
  • પ્રસાદી જમણા હાથે જ લેવાય. તો આંખો ફરકે એને અત્યંત અપશુકનિયાળ લેખવામાં આવે છે. જોકે આંખો ફરકવાવાળી વાતમાં એક વર્ઝન એમ પણ છે કે, જો ડાબી આંખ ફરકી તો શુકન અને જમણી ફરકી તો અપશુકન!
  • કાળી ચૌદશે વડા બનાવીને રસ્તા પર પાણીના કુંડાળા કરી એ વડા રાખી દેવામાં આવે છે, જેને ‘કકળાટ કાઢ્યો’ કહેવાય છે! (પણ એ વડા પસાર થતા વાહનો નીચે ચગદાતા હોય તો એને પાપ નથી કહેવામાં આવતું!)
  • કોઈ નવું કામ કરતી વખતે એક ચમચી દહીં ખાવાથી એમાં સફળતા મળે છે!
  • ઘરેથી બહાર જતી વખતે ખાવાનું નામ ન લેવું જોઈએ, એનાથી અકસ્માત થવાની સંભાવના રહે છે!
  • ઘર કે દુકાનોની બહાર લીંબુ-મરચા અને ઘોડાની નાળ રાખેલી હોય છે એ કેમ ભૂલી શકાય! (હવે તો લીંબુ મરચા પ્લાસ્ટિકના પણ આવતા થયા છે જેમાં તમારે વારંવાર બદલવાની ઝંઝટ નહીં!)
  • નાના બાળકોને નજર ન લાગે એ માટે મમ્મીઓ ચહેરા પર કાળી ટીલી, બાવડા પર માદળિયું,ગળામાં લસણ, કમર પર કંદોરો બાંધતી હોય છે!
  • આજકાલ ઘણી જગ્યાએ વાહનો કે ઘરોમાં કળા ઢીંગલા પણ લટકતા જોવા મળે છે, જેને જોઈને પેલું ભયાવહ ‘વુડુ શાસ્ત્ર’ યાદ આવી જાય!

આ ઉપરાંત પણ આ લિસ્ટ લંબાવવું હોય તો હજુ લાંબુ થઈ શકે. અભણ તો છોડો ભલભલા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો પણ આ બધામાં માનતા હોય છે! ગાંગુલી રમતી વખતે રૂમાલ રાખતો. તો શ્રીશંત દરેક બોલ ફેંકવા પહેલા બોલ સાથે ચુમ્માચાટી કરતો! વળી, ભાઈજાન સલમાન બ્લ્યુ બ્રેસલેટ હાથમાં પહેરી રાખે. આપણે સૌ પણ ‘ટચવુડ’ કહીને કંઈ ખરાબ ન થાય એ માટે લાકડું અડતા હોઈએ છીએ! અંધશ્રદ્ધાને લઈ દુનિયાભરના સાયકિયાટ્રિસ્ટ  ડર-બીકનું લોજિક આગળ ધરતા કહે છે કે, 'આપણા મગજના એક ખૂણે હંમેશાં એવો ભય રહે છે કે, આવું બધું નહીં ફોલો કરીએ તો આપણે એના ભોગ બનીશું! એના કરતા બેટર છે કે આ બધી વાતોનું પાલન કરીએ.' કેટલીક હોટલ્સ કે બિલ્ડિંગમાં ૧૩મો માળ જ નથી હોતો. તો કેટલાક દેશોમાં લોકો કોઈને ઘડિયાળ ગિફ્ટ તરીકે નથી આપતા. આવી વાતોને લઈને કેટલાક વિદ્વાનો ભલે ગમે એટલા કારણો આગળ ધરતા હોય પરંતુ સાયન્સ આવા કોઈ પણ કારણોને લોજિકલ સપોર્ટ નથી આપતું.

એવામાં જો આપણે સામે દલીલ કરીએ તો આપણને નાસ્તિક કે પછી રેશનાલિસ્ટ ગણાવી દઈ લોકો આપણને ઉતારી પાડે. પણ આ વિષય એવો છે કે, અહીં કોઈ તાર્કિક ખુલાસા નથી મળી શકતા છતાં લોકો ભયના માર્યા એને ફોલો કરે છે. ડર એક લાગણી છે, જે માણસના મનનો કબજો લે છે અને ડર તો વેચાય પણ છે. યંત્રો-દોરાધાગા-જાપ-યજ્ઞ-પ્રવાહી વગેરેથી ‘દોષ નિવારણ’ની વિધિઓ થાય છે. તો વળી પિતૃ દોષ અને પિતૃ તર્પણ તો એક અલગ ચર્ચાનો વિષય છે, જે આપણે આવનારા અઠવાડિયામાં એક્સ્પ્લોર કરીશું! ભૂતપ્રેતની વાતો કરતા પણ ક્યારેક આવી શુકન-અપશુકનની વાતો આપણી રૂટિન લાઈફને વધુ સ્પર્શે છે અને આવી વાતો આપણને માનસિકરીતે પાંગળા પણ બનાવે છે! તેને માનવું કે ન માનવું એ બાબતે ચોઈસ ઈઝ યોર્સ! બાકી, આવતા અઠવાડિયે આપણે અહીં ભૂતપ્રેત અને બાળપણનાં કાલ્પનિક ભય અને સતત જાતભાતના ડર નીચે રખાતા બાળપણની વાતો માંડીશું, સ્ટે ટયુન્ડ વ્હાલા રિડર્સ!

 

ગુઝબમ્પ્સ:

‘Superstitions are habits rather than beliefs’

– હોલિવુડ અભિનેત્રી મર્લિન દિત્રિક

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.