દુઃખ, ક્લેશ અને અધૂરાં સપનાં

17 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

ચેન્નાઈ રેલવે સ્ટેશનથી લગભગ 10 કિલોમીટર દૂરનો પેરામ્બુર વિસ્તાર. છેક બ્રિટિશ ઈન્ડિયા વખતથી વિકાસ પામેલો આ વિસ્તાર જૂનો એટલે સ્વાભાવિક છે કે, ત્યાંથી પસાર થઈએ ત્યારે અત્યંત રજવાડી અને એન્ટિક ફીલ આવે! પેરામ્બુરની મુદલિયાર સ્ટ્રીટ પર પોર્ટુગિઝ શૈલીનું એક ખૂબ જ જૂનવાણી મકાન, અત્યંત ખખડધજ અને ભેંકાર હાલતમાં હતું. મકાનની હાલત જ ઘણી હકીકતો બયાન કરી રહી હતી. જાતભાતની વાતો એ મકાન વિશે કાયમ થતી રહેતી, પેરામ્બુરમાં ગલી ક્રિકેટ રમતા બાળકો પણ જ્યારે દડો એ મકાનનાં આંગણામાં જઈને પડે તો લાખ ઈચ્છા થવા છતાં દડો લેવા જતાં નહોતા!

સાત વર્ષ પહેલા, એક ઓગસ્ટ 2009ની એક સાંજ:

જીત અને નેહા બંને એક મેટ્રીમોની વેબસાઈટથી મળેલા અને તરત જ એકબીજાને પસંદ આવી જતાં એમણે લગ્ન કરી લીધેલા. લગ્ન પછીનાં થોડા વર્ષો એકદમ જન્નત કહેવાય એટલા સરસ વીતી રહ્યા હતા. બંનેને એકબીજાથી કોઈ ફરિયાદ નહોતી. જોકે પાછળથી ધીમે ધીમે લગ્નની ચ્યુઈંગમ ફિક્કી થતી ગઈ અને ઝઘડા શરુ થઈ ગયા. નાની-નાની વાતમાં અહમના ટકરાવ અને જવાબદારીથી ભાગવાની તુતુ-મેંમેં હવે સામાન્ય થઈ ગયા હતા. જે ઘરમાં એક સમયે મઘમઘતી રસમની સોડમ પ્રસરતી હતી ત્યાં હવે કોરી દલીલો સિવાય કંઈ નહોતું! પહેલી ઓગસ્ટે નેહા અને જીત વચ્ચે બહુ જ ઝઘડો થયો હતો અને પોતાની બેગ પેક કરીને નેહા અમદાવાદ જવા નીકળી ગઈ હતી. આ વાતથી જીતને જાણે કોઈ ફરક જ નહોતો પડતો કે ન તો એને કોઈ અફસોસ હતો.

રેલવે સ્ટેશન સુધી પહોંચી ફરી લાગણીઓનાં બહાવમાં આવીને નેહા ફરીથી ઘર જવા પરત ફરી. પરત ફરી ઘરનો દરવાજો ઉઘાડ્યો તો જીત કોઈ બીજી સ્ત્રી સાથે રૂમમાં હતો. નેહા આ જોઈને બેભાન જેવી થઇ ગઈ. એને ખૂબ ગુસ્સો આવ્યો પણ, એ કંઈ જ બોલી ન શકી. જીત એટલો મશગુલ હતો કે એને ખબર પણ ન રહી કે નેહા ત્યાં આવી ગઈ છે. નેહા ગુસ્સામાં બારણું પછાડીને ત્યાંથી જતી રહી. અવાજ સાંભળીને જીત ઊભો થઈને નેહાની પાછળ લગભગ દોડ્યો! જીત હજુ કંઈ વિચારે એ પહેલા જ નેહા બાજુનાં બેડરૂમમાં જઈ પંખા સાથે પોતાની સાડી બાંધીને લટકવાનો પ્રયત્ન કરવા લાગી. જીતે ખૂબ દરવાજો પછાડ્યો પણ કંઈ મેળ નહીં પડ્યો. આખરે દરવાજો ખુલ્યો ત્યારે નેહા પંખા સાથે લટકી રહી હતી. જીતનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. જીત દીવાલ પર મુક્કા મારી રહ્યો હતો, દર્દથી ધ્રુજી રહ્યો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. પણ હવે શું થાય? જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું.

થોડા દિવસો પછી જીત આ ઘટનાનાં આઘાતમાંથી બહાર આવી ગયો હતો. સંતાન ન હોવાથી જીત ઘણો નિશ્ચિંત હતો અને પેલી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની ફિરાકમાં હતો. એક ચોમાસાની ભીની સાંજે જીત પેલી બીજી સ્ત્રી સાથે બેડરૂમમાં હતો અને અચાનક રૂમ બહારથી ભેદી અવાજો આવવા લાગ્યા. પેલી સ્ત્રી અને જીત બહાર ગયા અને તરત જ ઉપર બીજે માળેથી ખુરશીઓ પછડાવાનાં અવાજો આવ્યા, બંને ઉપર ગયા અને થોડી વારમાં જ આખા પેરામ્બુર વિસ્તારમાં સંભળાય એવા ઊંચા અવાજે ચીસો સંભળાઈ, જે થોડા સમય પછી શાંત થઈ ગઈ.

બરાબર સાત વર્ષ પછી, જાન્યુઆરી 2016ની એક સાંજ:

અમિત અને મનિષ ટ્રેનમાંથી પેરામ્બુર સ્ટેશન પર ઉતર્યા અને પોતાનો સામાન લઈ રિક્ષામાં આવી રહ્યા હતા. ત્યાં જ પેલા મકાન પાસે રિક્ષા ઊભી રહી અને બંને જણ સામાન લઈને અંદર ગયા. અમિત અને મનિષ બંને નેશનલ જિયોગ્રાફિકનાં કર્મચારી હતા અને વળી, હતા બંને સાહસિક સ્વભાવનાં! અમિત કે મનિષ બેમાંથી એકના પણ ચહેરા પણ કોઈ જાતના ડરની લાગણી નહોતી. બંને અંદર ગયા અને પોતે આ ભૂતિયા મકાન પર એક સ્પેશિયલ એપિસોડ કરવા આવેલા એટલે ઉપર ચઢવાનું શરૂ કર્યું. અંદર ગયા પછી સામે એક બેડરૂમ હતો, જેનો દરવાજો ઉઘાડ બંધ થઈ રહ્યો હતો. હવાની આછી લહેરખી આવી રહી હતી એટલે બંને અંદર ગયા. એવામાં જ એક ફાનસ નજરે પડ્યું. અમિત એ ફાનસ હાથમાં લેવા તો એ દાઝી ગયો અને એના હાથમાંથી ફાનસ છટકી ગયું. આખા ઓરડામાં તેલ ઢોળાઈ ગયું.

અમિત ખૂબ જ દાઝી ગયો હતો. મનિષ પોતાની બેગ ખોલી ફર્સ્ટ એઈડ કિટ કાઢવા જઈ રહ્યો હતો એવામાં જ બહારના પેસેજમાં ઝાંઝરનો અવાજ સંભળાયો. મનિષે એને બહુ મચક ન આપી અને બર્નોલ લગાવી બંને ત્યાંથી ઊભા થઈને બહાર ગયા. પેલો ઝાંઝરનો અવાજ બરાબર ફોલો કરી તેઓ પાછળ પાછળ ગયા તો છેક ત્રીજા માળ પર પહોંચી ગયા હતા. એ ઓરડો થોડા ઘણા પ્રકાશથી રોશન હતો. થોડી જ વારમાં બંનેને બે ખુરશી દેખાઈ અને બંને ખુરશી સાથે બંધાયેલા એક પુરુષ અને સ્ત્રી દેખાયા, જેઓ ચીસો પાડી રહ્યા હતા અને ભળકે બળી રહ્યા હતા. જાણે કોઈ રૂ પીંજેલું ગાદલું કેમ ન હોય!

અમિત કે મનિષ બંનેમાંથી કોઈને કંઈ સમજાયું નહીં અને એમને પરસેવો છૂટી ગયો. અમિત ત્યાંથી દોટ મૂકી ભાગ્યો પણ મનિષ ત્યાંથી જેવો ભાગવા ગયો એવામાં એને પગેથી કોઈએ ખેંચ્યો હોય એવું એને લાગ્યું અને છેક દીવાલ સુધી એને ઘસડીને એનું માથું કોઈએ અફડાવ્યું હોય એવું લાગ્યું. મનિષને માથાની પાછળનાં ભાગમાં એટલુ લોહી નીકળી ગયું હતું કે એ દર્દથી કણસતો રહ્યો અને એનો જીવ નીકળી ગયો.

અમિત દોડીને બહાર ગયો અને તરત જ સીડીઓ ઉતરી પોતાનો કેમેરા અને બાકીનો સામાન પેક કરવા લાગ્યો. એવામાં જ એક સ્ત્રી સામે દેખાઈ અને અમિત લગભગ સ્તબ્ધ થઈને થઈ ગયો. અમિત એટલો ડરી ગયો હતો કે એને એની જિંદગીની દરેક ક્ષણો પળવારમાં નજર સામે આવી ગઈ. કહો કે, એણે માની લીધું હતું કે એના જીવનનો અંત સામે હતો. પેલી સ્ત્રી સામે દેખાઈ અને બોલી કે 'હું નેહા છું, તમે બધા જ પુરુષો એક સરખા છો. શંકાશીલ અને ચરિત્રહીન.' બેભાન હાલતમાં અમિત ત્યાં જ પડી રહ્યો. થોડા જ કલાકોમાં સવાર પડી ગઈ હતી. એકલદોકલ પક્ષીઓનાં અવાજો આવી રહ્યા હતા અને કલાકોથી પડી રહેલા અમિતની આંખો ઉઘડી. એને લાગ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે હું બચી ગયો!

અમિત ઉભો થયો અને દરવાજા તરફ ગયો. એની બેગ વેરણછેરણ પડી હતી અને દરવાજો ઉઘાડતાં જ સામે એને પેલી સ્ત્રી દેખાઈ. અહીં કહેવાની જરૂર ખરી કે, અમિત ત્યાંથી બહાર આવી શક્યો કે નહીં? કહેવાય છે કે, જે ઘરમાં દુઃખ અને કલેશ હોય, જ્યાં ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય. એ અધૂરા સ્વપ્નોનો હિસાબ ક્યારેક તો આપવો જ પડતો હોય છે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.